Home Blog Page 1936

ચૂંટણી પહેલા PoK અંગે રાજનાથ સિંહની મોટી જાહેરાત

લોકસભા ચૂંટણી પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે મધ્યપ્રદેશના સતનામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, હવે પીઓકેના લોકો પણ કહે છે કે અમે ભારત સાથે આવીશું. PoK આપણો હિસ્સો હતો અને રહેશે, અમે આ સ્વીકારીએ છીએ. આ વખતે સવાલ વ્યક્તિનો નથી પરંતુ દેશનો છે.

POK વિશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શું કહ્યું?

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેતા લોકોને હવે લાગે છે કે પાકિસ્તાન તેમનો વિકાસ કરી શકશે નહીં. તેમને એમ પણ લાગે છે કે માત્ર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ તેમનો વિકાસ કરી શકે છે. કોંગ્રેસ અમારા પર સવાલો ઉઠાવી રહી છે. અમે કહ્યું હતું કે, અમે કલમ 370 નાબૂદ કરીશું, આજે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ ભારતના અન્ય રાજ્યો જેવી જ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે વધુમાં કહ્યું, ભારતમાં રામ રાજ્ય શરૂ થશે, તેને કોઈ રોકી શકશે નહીં. અમે બધાને સાથે લઈ જવા માંગીએ છીએ. અમે કોઈની સાથે ભેદભાવ નથી કરતા. પછી તે હિંદુ, ખ્રિસ્તી, મુસ્લિમ, કોઈપણ હોય. માતાઓ અને બહેનો દરેક વ્યક્તિ જે ધર્મનું પાલન કરે છે તે અમારી માતાઓ અને બહેનો છે. અમે ત્રિપલ તલાકની દુષ્ટ પ્રથાને ખતમ કરી દીધી છે.

સંરક્ષણ મંત્રીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું

રાજનાથ સિંહે રેલીમાં કહ્યું હતું કે, વર્ષ 2014માં ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. આજે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. હું માનું છું કે વર્ષ 2070 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અમે જાતિના આધારે રાજનીતિ કરનારા લોકો નથી. અમે ન્યાય અને માનવતાના આધારે રાજનીતિ કરનારા લોકો છીએ.

RIL વન વિભાગ સાથે મળીને પ્રાણીઓના સંવર્ધન માટે કાર્યરત

અમદાવાદઃ રાજ્ય સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RILએ) ગીર રક્ષિત વિસ્તારમાં 1534 ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. આ પહેલનો હેતુ વન વિસ્તારમાં વન્ય જીવો, ખાસ કરીને ગુજરાત અને ભારતના ગર્વ સમાન એશિયાટિક સિંહોની સુરક્ષામાં વધારો કરીને તેમને મોત તથા ઇજાથી બચાવવાનો છે. RILએ ગીરના રક્ષિત વિસ્તારમાં ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધવા માટે વન વિભાગ સાથે જૂન 2021માં સમજૂતી કરાર (MOU) કર્યો હતો. વન્યજીવપ્રેમી અને RILના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પરિમલ નથવાણીના નેતૃત્વ હેઠળ કંપનીએ ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા તથા તુલસીશ્યામમાં 638 કૂવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા, તાલાળા અને કોડિનારમાં 896 કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધી છે.

વન્યજીવ પ્રેમી અને ગીરના સિંહો પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા નથવાણીએ જણાવ્યું હતું કે અમે ગીરમાં વન્ય જીવો, ખાસ કરીને એશિયાટિક સિંહના રક્ષણ માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને કામ કરીએ છીએ, કારણ કે વન્ય જીવોના સંવર્ધન માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમારી આ પહેલ એશિયાટિક સિંહો અને અન્ય વન્ય જીવોને ગીરના રક્ષિત વિસ્તારમાં તેમ જ આસપાસના વિસ્તારમાં ખુલ્લા કૂવામાં પડીને જીવ ગુમાવવા કે ઇજા પામવાથી બચાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.

ગીરમાં કૂવાની સંખ્યામાં ઘણો વધારો થયો છે. પરંતુ દુઃખદ રીતે, આ કૂવાની ફરતે સંરક્ષણ દીવાલ નહીં હોવાને કારણે એશિયાટિક સિંહો મારણનો પીછો કરતી વેળાએ કૂવામાં પડી જતાં ગંભીર ઇજા પામે અથવા મૃત્યુ પામે છે.

ભૂતકાળમાં પણ  પરિમલ નથવાણીના નેતૃત્વમાં કંપનીએ વન વિભાગ સાથે મળીને આ પ્રકારની પહેલ કરી હતી અને ગીર રક્ષિત વિસ્તારમાં 1294 કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધી હતી. પરિમલ નથવાણી રાજ્યસભાના સાંસદ પણ છે અને તેમણે સંસદ અને સંસદની બહાર એશિયાટિક સિંહોના રક્ષણ અને સંવર્ધન સાથે સંબંધિત મુદ્દા ઘણી વખત ઉઠાવ્યા છે.

 

 

 

 

 

રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે દાહોદમાં કરાં સાથે વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં સતત વધતા તાપમાનની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ માવઠું રહેવાની શક્યતાઓ જણાવવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડે અને તાપમાન ગગડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે રાજ્યમાં 13થી 16 એપ્રિલ સુધી હવામાનમાં પલટો આવી શકે છે. આ દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ પડશે અને તેને કારણે તાપમાનમાં પણ ત્રણ ડિગ્રીથી લઈને પાંચ ડિગ્રી સુધી ઘટાડો થશે. જોકે રાજ્યમાં આવતી કાલે ગરમી વધે એવી આગાહી છે, પરંતુ ત્યાર પછી ત્રણ દિવસ સુધી અમુક જગ્યાએ વરસાદ થશે. રાજ્યના અમુક ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે.વરસાદની આગાહી વચ્ચે દાહોદમાં કરાં સાથે વરસાદ વરસ્યો હતો. પ્રાપ્ત માહિત અનુસાર વરસાદની આગાહી વચ્ચે દાહોદના અનેક વિસ્તારોમાં કરાં સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

બીજી બાજુ રાજ્યમાં 13થી 15 એપ્રિલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ તથા સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ અને કચ્છના કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. 14 એપ્રિલે નર્મદા, છોટા ઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ તથા કચ્છના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 15 એપ્રિલે સાબરકાંઠા મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે, પરંતુ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

 

 

 

 

 

રમઝાન ઈદ: મસ્જિદોમાં બંદગી સાથે ધામધૂમપૂર્વક ઉજવણી

અમદાવાદ: રમઝાન માસની આખરી તપશ્ચર્યા પછી શવ્વાલ માસની પહેલી તારીખે ઉજવાતું પર્વ એટલે રમઝાન ઈદ. ઈસ્લામ ધર્મના પવિત્ર રમઝાન મહિનામાં રોઝા, નમાઝ તેમજ ઈબાદત મુસ્લિમ બિરાદરો કરતાં હોય છે. સમગ્ર રમઝાન મહિનામાં રોઝા, ઈબાદત કર્યા બાદ ચાંદ દેખાતા જ ઈદની ઉજવણી કરવામાં આવે છે.

બુધવારે ચાંદ દેખાતા જ રમઝાન માસ પૂર્ણ થયો. ગુરુવારે વહેલી સવારથી જ જુદી-જુદી મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી.ઈદની નમાઝ અદા કર્યા પછી સૌ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદની આ ઉજવણીમાં શીર ખુરમાનું ખાસ મહત્વ હોય છે. બજારોમાં અવનવા ફ્લેવરમાં હવે તો શીર ખુરમાં મળત હોય છે. અમદાવાદ શહેરના મુસ્લિમ બિરાદરોના રહેણાંકની આસપાસ વિવિધ રંગોની સેવોનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું. બજારની ઈમારતો, સ્થાપત્યો, ઘરો પર રોશની જોવા મળી અને ઈદ નિમિત્તેની ખરીદી માટે બજારોમાં રોનક જોવા મળી હતી.

ઈદમાં ગરીબ, આનાથ અને વિધવાઓને આર્થિક મદદ કરવાથી રોઝા-નમાઝ કબુલ થવાની માન્યતા છે. ઈસ્લામમાં સહાય કરવાની ભાવના, ઐક્ય, ઈફ્તારી અને બંદગીનું અનોખું મહત્વ છે.

પ્રજ્ઞેશ વ્યાસ (અમદાવાદ)

વિયેતનામમાં અબજપતિ મહિલા વેપારીને સજા-એ-મોત

નવી દિલ્હીઃ સામાન્ય રીતે શ્રીમંત વ્યક્તિઓ પૈસાના જોરે સજા થવામાંથી છૂટી જવાની માન્યતા છે, પણ વિયેતનામમાં એક મહિલા અબજપતિ વેપારી મોતની સજા આપવામાં આવી છે. મહિલાનું નામ ટુઓંગ માઇ લેન છે અને એ રિયલ એસ્ટેટના દિગ્ગજ વેપારી છે. લેનને સજા છેતરપિંડી કેસમાં થઈ છે. આ દેશનો સૌથી મોટો છેતરપિંડી કેસ બતાવવામાં આવ્યો છે. હો ચી મિન્હ સિટીની કોર્ટે લેનને મોતની સજા સંભળાવી છે. લેન રિયલ એસ્ટેટ કંપની વાન થિન્હ ફટનાં ચેરમેન છે. 67 વર્ષનાં લેનને વર્ષ 2022માં ધરપકડ કરવામાં આવી હતી.

આ વેપારી મહિલા પર 12 અબજ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ રકમ વિયેતનામના 2022ના કુલ GDPના આશરે ત્રણ ટકા છે. લેન પર આરોપ છે કે એણે 2012 અને 2022ની વચ્ચે સૈગોન જોઇન્ટ સ્ટોક કોમર્શિયલ બેન્ક પર ગેરકાયદે રીતે નિયંત્રણ હાંસલ કર્યું હતું અને સરકારી અધિકારીઓને લાંચ આપીને નકલી કંપનીઓ બનાવીને રકમ કાઢી લીધી હતી. વર્ષ 2022માં વિયેતનામમાં ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશમાં લેનની ધરપકડ સૌથી મોટી કાર્યવાહી છે. ત્યાં સુધી કે ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા વિયેતનામના નેતાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

વૈન થિન્હ ફટ વિયેતનામની સૌથી શ્રીમંત રિયલ એસ્ટેટ કંપનીઓમાં સામેલ છે. એનો વેપારનો દાયરો ઘણો મોટો છે. આ કંપની લક્ઝરી બિલ્ડિંગો, ઓફિસો, શોપિંગ સેન્ટર અને હોટેલ્સ બનાવે છે. છેતરપિંડીનો આ મામલો એવા સમયે બહાર આવ્યો છે, જ્યારે દેશમાં વિદેશી રોકાણકારો આકર્ષવા માટે લાલ જાજમ બિછાવવામાં આવી રહી છે.

વર્ષ 2023માં આશરે 1300 પ્રોપર્ટી કંપનીઓએ વિયેતનામની રિયલ એસ્ટેટ વેપારીઓ પોતાનો હાથ પાછો ખેંચી રહ્યા છે.

 

 

 

 

 

MICAની ત્રણ દશકની સફર વર્ણવતી કોફી ટેબલ બુક

અમદાવાદ: MICAના ઈતિહાસમાં એક સીમાચિહ્ન કામ કરવામાં આવ્યું છે. સંસ્થાએ તેના ત્રણ દાયકાના સંસ્થાન નિર્માણનું દસ્તાવેજીકરણ કરતા પુસ્તકનું અનાવરણ કર્યું છે. આ કોફી ટેબલ બુકનું શીર્ષક છે, ‘એનેબલિંગ ડ્રીમ્સ: ધ 30-યર MICA જર્ની’. સંસ્થાની સિદ્ધિઓ અને નોંધપાત્ર સીમાચિહ્નોને આ બુકમાં સુંદર રીતે કેપ્ચર કરવામાં આવ્યા છે.આ પુસ્તક પ્રો. શૈલેન્દ્ર રાજ મહેતા કે જેઓ MICAના પ્રમુખ અને નિયામક છે, MICA ના સ્થાપક સભ્ય પ્રો. એલન ડિસોઝા અને MICAના રજિસ્ટ્રાર અને એસોસિયેટ ડીન પ્રો. શુભ્રા પ્રતિક ગૌર દ્વારા લખવામાં આવ્યું છે. બુકમાં સંસ્થાનો ઈતિહાસ, ઉદ્યોગોમાં સ્થાન, શિક્ષણ શાસ્ત્રની નવીનતાઓ અને સંસ્થા-નિર્માણ પ્રક્રિયાની કેટલીક રસપ્રદ વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રો. શૈલેન્દ્ર રાજ મહેતા, પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર, MICAએ આ પ્રસંગે જણાવ્યું કે, “MICA ખાતે, અમે ઘણા નવા અને રસપ્રદ પ્રયોગો કર્યા છે જેના અદ્ભુત પરિણામો મળ્યા છે. આ પુસ્તક સંસ્થા-નિર્માણની સફરને દસ્તાવેજીકૃત કરે છે. જેમાં ભારત તેમજ વિશ્વભરના શિક્ષણવિદો અને અન્યો સહિત વાચકોને રસ પડશે.”

પ્રો. એલન ડિસોઝા, મુદ્રા કોમ્યુનિકેશન્સના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને MICA ના સ્થાપક સભ્યોમાંના એક છે. તેમણે જણાવ્યું કે, “આ પુસ્તક કોઈ સામાન્ય પુસ્તક નથી. તે એક અનોખી સંસ્થાની વાર્તા છે, જેઓને તેમાં ભાગ લેવાની તક મળી છે તેમની આંખો દ્વારા આ પુસ્તકને જોવામાં આવે.શીર્ષક વિશે વિસ્તૃત માહિતી આપતા, સહ-લેખક પ્રો. શુભ્રા પ્રતિક ગૌરે જણાવ્યું, “પુસ્તકમાં MICA ની વિશિષ્ટ અનન્ય સંસ્કૃતિનો અવાજ જોવા મળશે. જે સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપે છે. પુસ્તક ત્રણ દાયકામાં આ મહાન સંસ્થાના નિર્માણમાં બહુવિધ લોકોની ભૂમિકાને પ્રકાશિત કરે છે. શીર્ષક ‘એનેબલિંગ ડ્રીમ્સ’ એ સ્થાપકોની ભવિષ્યવાદી દ્રષ્ટિ અને ફિલસૂફીનો સાર છે. પુસ્તક વાચકો માટે ચોક્કસથી એક વિઝ્યુઅલ ટ્રીટ છે.”

આ પુસ્તકમાં એ વ્યક્તિઓની પણ વાત કરવામાં આવી છે જેમનું યોગદાન MICAની મુસાફરીને આકાર આપવામાં મહત્વનું રહ્યું છે. પુસ્તક MICA ના કલ્ચરને વધુ સારી રીતે વર્ણવે જે નવીનતા, વિદ્યાર્થી-કેન્દ્રિત પ્રવૃત્તિઓ અને અનેક સામાજિક જવાબદારીઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપે છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ

ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે. જેમાં 9 દિવસમાં 1549 લોકો બેભાન થયા છે. તેમાં અમદાવાદમાં 40 દિવસમાં 9 હજારથી વધુ કોલ્સ ઈમરજન્સી સર્વિસને મળ્યા છે. 9 દિવસમાં હાઈફિવરના 1262 કેસ સામે આવ્યા છે. ગરમીથી ઝાડા-ઉલટીના 1784 કોલ્સ મળ્યા છે. તેમાં દર્દીઓને ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા છે. તેમજ 40 દિવસમાં ગરમીથી બીમારીના 33 હજાર કોલ્સ મળ્યા છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીની અસરના કારણે છેલ્લા નવ દિવસમાં 1,549 લોકો ચક્કર ખાઈને બેભાન થયા છે, આવા દર્દીને સારવાર માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે મોકલવામાં આવ્યા છે. પેટમાં દુઃખાવો, ઝાડા ઉલટી, બેભાન કે અર્ધબેભાન થવું, માથાનો દુઃખાવો સહિતની વિવિધ ગરમીને લગતી બીમારીના ગુજરાતમાં છેલ્લા નવ દિવસમાં 7,342 કોલ્સ 108 ઈમરજન્સી સર્વિસને મળ્યા છે. પહેલી માર્ચથી 9મી માર્ચ સુધીમાં ગરમીને લગતી બીમારીના ગુજરાતમાં 32,984 કોલ્સ આવ્યા છે, જેમાંથી 7,034 કોલ્સ બેભાન થવાના છે.

heatwave

શહેરમાં છેલ્લા 40 દિવસના અરસામાં ગરમીને લગતી બીમારીના 9032 કોલ્સ આવ્યા છે, આ સમય ગાળામાં ગત વર્ષની સરખામણીએ કોલ્સમાં 20 ટકા જેટલો વધારો દેખાયો છે, અમદાવાદમાં જે 9032 કોલ્સ આવ્યા તેમાંથી બેભાન થવાના 1815 કેસ, પેટમાં દુખાવાના 3551, હાઈ ફિવરના 1481 અને ઝાડા ઉલટીના 1894 કેસ ઈમરજન્સી સર્વિસને મળ્યા છે. તબીબોનું કહેવું છે કે, ગરમીમાં ભર તડકે લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ, પાણી વધુ માત્રામાં પીવું જોઈએ. હીટવેવના કારણે રાજકોટ શહેર-જિલ્લામાં 18 લોકોને ગરમી-લૂ લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સન સ્ટ્રોકના બનાવમાં વધારો થયો છે. શહેર અને જિલ્લામાં 18 લોકોને લૂ-ગરમી લાગતા 108 સેવાના સ્ટાફે પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા.

જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પર પૈસાનો વરસાદ

ગુજરાતના જૂનાગઢના મોગલધામ ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી અને જીજ્ઞેશ કવિરાજ સહિતના ખ્યાતનામ લોકગાયકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન લોક કલાકારો તેમજ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પર પૈસાની વર્ષા કરવામાં આવી હતી. તેમના સમર્થકોએ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પર ચલણી નોટોની ડોલનો વરસાદ કર્યો હતો.


જૂનાગઢના મોગલધામ ખાતે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માતા મોગલની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે મોગલ ધામ ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં ગુજરાતના જાણીતા ડાયરા કલાકારો કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને જીજ્ઞેશ કવિરાજ સહિત વિવિધ કલાકારોએ લોક ડાયરામાં પોતાની પ્રતિભા દર્શાવી હતી.

લાખો રૂપિયાનો વરસાદ

આ ડાયરામાં કલાકારો પર લાખો રૂપિયાની વર્ષા કરવામાં આવી હતી. કલાકારો પર 100 અને 500 રૂપિયાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય લોક ડાયરામાં ધારાસભ્ય દેવભાઈ માલમ, ભાજપના જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા સહિત અનેક અગ્રણી સંતો-મુનિઓ ઉપસ્થિત રહ્યા હતા.

CBIએ BRS નેતા કે. કવિતાની જેલમાંથી ધરપકડ કરી

નવી દિલ્હીઃ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)નાં નેતા કે. કવિતાની દિલ્હી એક્સાઇઝ કૌભાંડ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ધરપકડ કરી છે. કવિતા હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. એજન્સીએ શનિવારે જેલની અંદર તેમની પૂછપરછ કરી હતી. કવિતા ગુરુવારે તિહાડ જેલમાં રહેશે અને એ પછી સવારે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે. કોર્ટમાં CBI તેમની હિરાસતની માગ કરશે.

આ પહેલાં બુધવારે CBIએ કે. કવિતાથી તિહાડમાં પૂછપરછ કરી હતી. અહીં તેઓ ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા પછી જેલમાં બંધ છે. દિલ્હી કોર્ટે પાંચ એપ્રિલે CBIને કવિતાથી જેલમાં પૂછપરછ કરવા માટે મંજૂરી માગી હતી. કોર્ટમાં CBI તેમની હિરાસતની માગ કરશે. જોકે તેમણે આ આદેશને પડકાર્યો હતો.

તેલંગાણા MLC અને BRS નેતા કે. ચંદ્રશેખર રાવ (KCR)ની પુત્રીની EDએ દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે 15 માર્ચે હૈદરાબાદમાં તેમના બંજારા હિલ્સ નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. કવિતા પર સાઉથ ગ્રુપના એક મુખ્ય સભ્ય હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેણે દિલ્હીમાં લિકર લાઇસન્સના બદલામાં દિલ્હીમાં આપને રૂ. 100 કરોડની લાંચ આપી હતી. સહ આરોપી બુચ્ચી બાબુના ફોનથી જપ્ત વોટ્સએપ ચેટ અને એક જમીનથી જોડાયેલા દસ્તાવેજો સંબંધમાં CBIએ BRS નેતાથી પૂછપરછ કરી હતી.

 

 

 

 

 

 

 

વિસરાતી હેરિટેજ આર્ટને નવી પેઢી સુધી પહોંચાડે છે આ બહેન!

અમદાવાદ: કલા એટલે શું? આ પ્રશ્નનો કોઈ ચોક્કસ જવાબ કે ચોક્કસ વ્યાખ્યા ન મળે. પરંતુ સર્જકની અનુભૂતિ ભાવક સુધી જે માધ્યમ દ્વારા પહોંચે તેનું નામ કળા. સાચો કલાકાર એકદમ સરળ અને સહજ રીતે પોતાની કલાનું સર્જન કરે છે. પરંતુ એ સર્જનકલાને આપણે જ્યારે ચોક્કસ શબ્દોમાં ઢાળવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને મુશ્કેલીઓ અનુભવાતી હોય છે. આ કળા કોઈપણ સ્વરૂપે હોય શકે છે. પછી તે સંગીત હોય, નૃત્ય હોય, નાટક હોય કે ચિત્ર. આવા જ એક ઉત્તમ કોટીના કલાકાર અને સર્જક અમદાવાદ નિવાસી ક્રિનલબેન શાહની આજે વાત કરીએ. હાલમાં જ ક્રિનલબેનના સપ્તરંગ આર્ટ સ્ટુડિયો ખાતે લિપણ આર્ટનો વર્કશોપ યોજાયો. જેમાં લગભગ 20 જેટલાં વિદ્યાર્થીઓ જોડાયા. લિપણ આર્ટ એ ગુજરાતની પરંપરાગત હસ્તકલા છે. આ કલા આંતરિક દિવાલો સુધી મર્યાદિત નથી તે બાહ્ય દિવાલો પર પણ કરવામાં આવે છે. લિપણ આર્ટમાં માસ્ટરી ધરાવતા ક્રિનલબેન આ હેરિટેજ કલાને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે. સાસણ ગીરમાં આવેલા લગભગ ત્રણેક રિસોર્ટને તેમણે મડ-મિરર આર્ટથી તૈયાર કર્યા છે. આ ઉપરાંત પ્રોફેશનલ રીતે પણ તેઓ કામ કરતાં હોય છે. જેમાં વૉલ પેઈન્ટિંગ માટે પણ તેમને ઓડર્સ મળે છે. તેઓ ઓર્ડરથી સોનના વરખથી સજ્જ પેઈન્ટિંગસ પણ તૈયાર કરે છે. હાલમાં જ ડિસેમ્બર-2023માં તેમણે રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં પોતાનું એક્ઝિબિશન યોજ્યું હતું. જેમાં 28માંથી 14 ફ્રેમનું વેચાણ થયું હતું. જે એક આર્ટિસ્ટ માટે ખુબ જ ગર્વની વાત છે. ક્રિનલબેન કેન્વાસ પેઇન્ટિંગ, બેઝિક આર્ટ, પોઇટ્રેટ આર્ટ, ગ્લાસ પેઇન્ટિંગ, મોર્ડન આર્ટ શીખવે છે. તેમનાં ક્લાસમાં ચાર વર્ષથી લઈને સીત્તેર વર્ષ સુધીના વિદ્યાર્થીઓ છે.

ક્રિનલબેન છેલ્લાં 25 વર્ષથી આર્ટ શિક્ષક તરીકે કામ કરે છે. તેઓ કળાને પોતાના સુધી સીમિત રાખવાના બદલે તેને લોકો સુધી પહોંચાડવામાં વધારે વિશ્વાસ રાખે છે. આથી જ તેમણે પોતાનો ફાઈન આર્ટ્સનો અભ્યાસ પૂરો કર્યો કે તરત જ તેમણે પેઈન્ટિંગના ક્લાસ શરૂ કરી દીધા. અમદાવાદના સ્ટેડિયમ વિસ્તારમાં ક્રિનલબેનનું પિતૃક ઘર આવેલું છે. પિતાને કલા પ્રત્યે અનહદ પ્રેમ હતો. કોઈપણ પ્રકારની તાલીમ વગર ક્રિનલબેનના પિતા કુમારભાઈ શાહ ખુબ જ ઉમદા પેઈન્ટિંગ બનાવતા. પિતાનો આ વારસો ક્રિનલબેનને મળ્યો છે. પિતાએ દીકરીને પોતાના શોખના વિષયમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું. આથી તેમણે 1997માં માંડવી ફાઈન આર્ટ્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો. ત્યારબાદ IITC અમદાવાદથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો. અભ્યાસ પૂરો કર્યા બાદ કાલની ઘડી અને આજનો દિવસ, ક્રિનલબેન ઝપીને બેઠા નથી. તેમણે હજારો બાળકોને આર્ટની દુનિયામાં ડોકિયું કરાવ્યું છે. લગ્ન બાદ 2005થી સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પોતાના ઘરેથી તેઓ કામ કરે છે. છેલ્લાં 25 કરતાં વધારે વર્ષોથી તેઓ આર્ટ વર્કશોપ કરાવે છે. આ ઉપરાંત શાળાઓ અને કોલેજીસમાં પણ વર્કશોપ કરાવે છે.  આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે એક સફળ પુરૂષ પાછળ એક સ્ત્રી હોય છે. પરંતુ આજના સમયમાં દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરૂષ રહેલો છે. પોતાના પુરૂષાર્થની સાથે પરિવારનો સાથ-સહકાર મળે તે પણ એટલું જ જરૂરી છે. ક્રિનલબેનનું કહેવું છે કે લગ્ન પછી તેઓ પોતાના પેશનને ફૉલો કરી શકે, તેમાં સૌથી મહત્વનો ફાળો તેમના પતિ ગુંજનભાઈ શાહનો છે. વ્યવસાયે એક બિઝનેસ મેન ગુંજનભાઈ આજે પણ ક્રિનલબેનને એટલો જ સપોર્ટ કરે છે. બીજો સપોર્ટ ક્રિનલબેનને મળે છે નિલેશ કાતિરાનો. નિલેશ ફાઈન આર્ટસ પાસ આઉટ છે અને ક્રિનલબેન સાથે દરેક કામમાં આજે તેઓ જોડે જ છે.

ક્રિનલબેનનું માનવું છે કે આર્ટની અંદર ખુબ જ પોટેન્શિયલ હોય છે. બાળકોમાં રહેલું પોટેન્શિયલ બહાર લાવવા માટે તેઓ ખુબ જ બેઝિક અમાઉન્ટ સાથે આર્ટ ક્લાસ કરાવે છે. જેથી કરીને બાળકો આ ફિલ્ડમાં આગળ વધે. ક્લાસમાં આવતા જે બાળકમાં ક્રિનલબેનને પોટેન્શિયલ દેખાય છે તેને પ્રોત્સાહિત કરીને તેઓ આગળ વધવામાં મદદરૂપ થાય છે. આવો જ તેમનો એક વિદ્યાર્થી છે નમન શ્રીપાલ શાહ. નમનની પોઇટ્રેટમાં માસ્ટરી છે. તે જાતે બનાવતો હતો. પરંતુ ક્રિનલબેનના ક્લાસમાં આવ્યા બાદ તેના ડ્રોઇંગમાં ફિનિશિંગ આવ્યું છે. આ જ રીતે દક્ષ, નીતિ, કિઆના, જોયલ, પ્રાક્ષી, દ્વિશા, શિવાંશી આવા અનેક બાળકો હાલ ક્રિનલબેનના હાથ નીચે તૈયાર થઈ રહ્યા છે. ક્રિનલબેન ઇચ્છે કે આ બાળકોમાં રહેલી પ્રતિભા બહાર આવે અને તેઓ કલાની દુનિયામાં નામના મેળવે.

રાધિકા રાઓલ (અમદાવાદ)

તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ