૨૪ એપ્રિલ, ૨૦૨૪
૨૪ એપ્રિલ, ૨૦૨૪
ભારતે બેલેસ્ટિક મિસાઈલ સફળતાપૂર્વક લોન્ચ કરી
ભારત પોતાની મિસાઈલ શક્તિને વધારતા સતત નવા પ્રકારની મિસાઈલોનું પરીક્ષણ કરી રહ્યું છે. આ અંતર્ગત આજે મંગળવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે મિડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલનું નવું વર્ઝન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ તેના તમામ માપદંડોને પૂર્ણ કરે છે. આજનું પ્રક્ષેપણ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. પ્રક્ષેપણ દરમિયાન કમાન્ડની ઓપરેશનલ કાર્યક્ષમતા સંપૂર્ણ હતી, આ મિસાઈલ નવી ટેકનોલોજીના તમામ માપદંડોને પૂર્ણ કરે છે અને ઓડિશાના દરિયાકાંઠાના પ્રક્ષેપણ કેન્દ્ર અબ્દુલ કલામ દ્વીપ પરથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અગાઉ પણ ઘણી અદ્યતન મિસાઈલોનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું
આ પહેલા પણ ભારતે અનેક પ્રકારની અત્યાધુનિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે, જો તે નવા પ્રકારની મિસાઈલ હોય તો પણ તે સમયની માંગ પ્રમાણે નવા પ્રકારની અને અત્યાધુનિક સાધનોથી સજ્જ છે. જો તે જૂની મિસાઈલ હોય, પછી તે બેલેસ્ટિક શ્રેણી હોય કે ક્રુઝ શ્રેણી, આ તમામ મિસાઈલોને પણ અત્યાધુનિક બનાવવામાં આવી રહી છે.
સૂત્રોનું માનીએ તો, ભારતનું ડીઆરડીઓ એટલે કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ટૂંક સમયમાં જ વધુ આધુનિક અને નવા પ્રકારની બેલેસ્ટિક અને ક્રૂઝ શ્રેણીની મિસાઈલોનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સવારે અને બપોરે મિસાઈલના સફળ પરીક્ષણ બાદ ભારત મુખ્યત્વે રાત્રે બેલેસ્ટિક અને ક્રુઝ શ્રેણીની મિસાઈલોના પરીક્ષણમાં વ્યસ્ત છે.
રાહુલ ગાંધીનો DNA ટેસ્ટ થવો જોઈએ, નેતાના નિવેદનથી હંગામો
કેરળમાં સત્તાધારી LDF ધારાસભ્ય પીવી અનવરે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર મોટું નિવેદન આપ્યું છે. મંગળવારે (23 એપ્રિલ, 2024) તેમણે એક ચૂંટણી જાહેર સભામાં કહ્યું કે રાહુલ ગાંધીનો DNA ટેસ્ટ થવો જોઈએ. તે ચોથા વર્ગના નાગરિક બની ગયા છે, જે ગાંધી અટકથી બોલાવવાને પણ લાયક નથી. એલડીએફ ધારાસભ્યએ કેરળના સીએમ પિનરાઈ વિજયન વિરુદ્ધ રાહુલ ગાંધીના નિવેદનને લઈને સવાલ ઉઠાવ્યો – નેહરુ પરિવાર સાથે જોડાયેલા વ્યક્તિ આવા નિવેદન કેવી રીતે આપી શકે. મારો અભિપ્રાય છે કે રાહુલ ગાંધીનો ડીએનએ ટેસ્ટ થવો જોઈએ. આ બાબતમાં કોઈ વિવાદ નથી.
![]()
રાહુલ ગાંધીએ પિનરાઈ વિજયન પર સવાલ ઉઠાવ્યા હતા
કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વાયનાડના લોકસભા સાંસદે કેરળના સીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પિનરાઈ વિજયન વિરુદ્ધ કોઈ તપાસ કે ધરપકડની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. તે પણ જ્યારે તેમની સામે ભ્રષ્ટાચારના અનેક આરોપો સામે આવ્યા હતા.
કોંગ્રેસના સાંસદ પરના નિવેદન પર ડાબેરી નેતાઓ નારાજ હતા
આ પછી ડાબેરી નેતાઓએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષની આકરી નિંદા કરી હતી. ત્યારબાદ તેમણે નિર્દેશ આપ્યો હતો કે રાહુલ ગાંધીએ પિનરાઈ વિજયનની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ટીકા કરવી જોઈએ.
લોકસભા ચૂંટણી : ગુજરાતના 5 કરોડ લોકો મતદાન કરશે
લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટને પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. બુથ લેવલ ઓફિસર દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

12,20,438 મતદારો પ્રથમ વખત મતદાન કરી શકશે
લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન તા.07 મે, 2024 ના રોજ યોજાનાર છે. જેમાં રાજ્યના 4,97,68,677 મતદારો મતદાન કરી શકશે. આખરી મતદાર યાદીમાં 18 થી 19 વર્ષની ધરાવતા 12,20,438 મતદારો પ્રથમ વખત મતદાન કરી શકશે. 05 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયેલા હતા. ત્યાર બાદ તા.09 એપ્રિલ, 2024 સુધી મતદાર તરીકે નોંધણી માટે મળેલી અરજીઓ પૈકી 3,19,209 મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં 2,56,16,540 પુરૂષ, 2,41,50,603 સ્ત્રી અને ત્રીજી જાતિના 1,534 મળી કુલ 4,97,68,677 મતદારોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાં 18થી 29 વય જૂથનાં કુલ 1,16,06,188 યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 85 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 4,19,584 છે. રાજ્યમાં 10,036 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે. 3,75,673 મતદારોને દિવ્યાંગ મતદાર તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે; જેમાં 22,23,550 મતદારો છે, જ્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સૌથી ઓછા 17,23,353 મતદારો છે.રાજ્યમાં કુલ 27,555 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે.

લોકસભા સામાન્ય ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતાં. તા.20 એપ્રિલના રોજ ચકાસણી દરમ્યાન કુલ નામાંકનપત્રો પૈકી કુલ 105 નામાંકનપત્રો રદ્દ કરવામાં આવ્યા હતા. ઉમેદવારી પરત ખેંચવાની આખરી તા. 22 એપ્રિલ સુધીમાં કુલ 62 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. આમ, હવે લોકસભા સામાન્ય ચૂંટણી, 2024 માં હરીફ ઉમેદવારની કુલ સંખ્યા 266 થઈ છે. જે પૈકી 247 પુરુષ ઉમેદવારો, 19 સ્ત્રી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉક્ત પૈકી 24-સુરત લોકસભા મતવિભાગના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે. જ્યારે પાંચ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ-2024 માટે કુલ 37 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતાં. જે પૈકી ચકાસણી દરમિયાન કુલ 10 નામાંકનપત્રો રદ્દ કરવામાં આવ્યા હતા. તેમજ 3 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. આમ, હવે વિધાનસભા પેટા ચૂંટણી માટે હરીફ ઉમેદવારની કુલ સંખ્યા 24 થઈ છે.
પાટણ: કોનું છે પ્રભુત્વ?
પાટણ: સ્થાપના ઈ.સ. 745માં વનરાજ ચાવડાએ કરી હતી. આ શહેર આજે પણ પોતાના ઐતિહાસિક વારસાનું જતન કરી રહ્યું છે. જૈન મંદિરો, સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ પાટણની ઓળખ છે. પાટણના પટોળા તો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પાટણનો ઈતિહાસ જેટલો મહત્વનો છે એટલી જ મહત્વની છે પાટણ લોકસભા બેઠક. અહીં સૌથી વધુ મતદારો ઓબીસી જ્ઞાતિના છે. ઠાકોર મતદારોનું પ્રભુત્વ અહીં જોવા મળે છે. આ ઉપરાંત પાટીદાર, લઘુમતી મતદારોનું પ્રભુત્વ પણ છે. સરહદ પાસેના રાધનપુર અને સાંતલપુર વિસ્તારોમાં પાણીની સમસ્યા હંમેશાં રહી છે. આ વિસ્તારોમાં કોઈ મોટા ઉદ્યોગો કે ઈન્ડસ્ટ્રીઝ ન હોવાથી બેરોજગારીનો પ્રશ્ન દર વખતે ચૂંટણીનો જ્વલંત મુદ્દો બને છે.
ઉમેદવાર
ભાજપ: ભરતસિંહ ડાભી
ભરતસિંહ ડાભીએ B.A., LLB સુધીનો અભ્યાસ કર્યો છે. 68 વર્ષીય ભરતસિંહ ડાભી બીજી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ત્રણ વાર(2007, 2012 અને 2017) તેઓ મહેસાણાના ખેરાલુથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. છેલ્લા દોઢ દાયકાથી ભાજપમાં સક્રિય છે અને વ્યવસાયે ખેડૂત છે.
કોંગ્રેસ: ચંદનજી ઠાકોર
ચંદનજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય છે. પાટણ તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ પણ છે. જેઓ સમાજમાં ભામાશા તરીકેની છાપ ધરાવે છે. સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. જેઓ વ્યવસાયે બિલ્ડર છે. 
PROFILE
- પાટણ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ વિધાનસભાનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના ભરતસિંહજી ડાભી ઠાકોર આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 1,93,879 વોટની લીડથી જીત્યા હતા.

- મતદારોની સંખ્યા
કુલ મતદારો 20,19,203
પુરુષ મતદાર 10,39,108
સ્ત્રી મતદાર 9,80,064
- વિધાનસભા બેઠકોની સ્થિતિ
| બેઠક | પક્ષ | વિજેતા | વોટ | લીડ |
| વડગામ | કોંગ્રેસ | જીગ્નેશ મેવાણી | 94,765 | 4,928 |
| કાંકરેજ | કોંગ્રેસ | અમૃત ઠાકોર | 96,624 | 5,295 |
| રાધનપુર | ભાજપ | લવિંગજી ઠાકોર | 1,04,512 | 22,467 |
| ચાણસ્મા | કોંગ્રેસ | દિનેશભાઈ ઠાકોર | 86,406 | 1,404 |
| પાટણ | કોંગ્રેસ | ડૉ. કિરીટભાઈ પટેલ | 1,03,505 | 17,177 |
| સિદ્ધપુર | ભાજપ | બળવંતસિંહ રાજપૂત | 91,187 | 2,814 |
| ખેરાલુ | ભાજપ | સરદારસિંહ ચૌધરી | 55,460 | 3,964 |
પાટણ બેઠકની વિશેષતા
- ગુજરાત રાજ્યની સ્થાપના પછી 1967થી 2004 સુધી પાટણ બેઠક અનામત હતી. 2009થી આ બેઠક સામાન્યમાં ફેરવાવામાં આવી હતી
- 2009માં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ચૂંટાયા હતા.2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના લીલાધર વાઘેલા વિજયી બન્યા હતા.
- 1991થી 1998 સુધીની ત્રણ ચૂંટણી ભાજપના મહેશ કનોડિયા સતત જીત્યા હતા
- પાટણ બેઠકના પરિણામ પર દેશના રાષ્ટ્રીય મુદ્દા અને આંદોલનની સીધી અસર પડે છે.
જ્યારે મહેશ ભટ્ટે મનોજ બાજપેયીને કહ્યું હીરો જેવો નથી દેખાતો, તારું શું કરીશ હું?
મુંબઈ: દમદાર અભિનેતા મનોજ બાજપેયી આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતા તાજેતરમાં ‘સાઈલેંસ 2’,’કિલર સૂપ’માં જોવા મળ્યા હતાં. મનોજ બાજપેયી પહેલા ટેલિવિઝન શો પછી ફિલ્મ અને વેબ સીરિઝમાં પોતાનો દબદબો જમાવી રહ્યા છે. મનોજ બાજપેયી એક પછી એક સફળતાના શિખરો પાર કરી રહ્યાં છે. પરંતુ આ પહેલા તેમને ઘણી કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મનોજ બાજપેયીને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એકવાર ફિલ્મમેકર મહેશ ભટ્ટે ત્યાં સુધી કહી દીધું હતું કે તે હીરો જેવા નથી લાગતા, તેમને ડાન્સ કરતાં પણ નથી આવડતું તો તેઓ તેમનું શું કરશે?

આ અંગે મનોજ બાજપેયીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. અતિકા ફારુકીને આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું હતું કે 90ના દાયકામાં શેખર કપૂરે તેમને મુંબઈ જવાની સલાહ આપી હતી.
જ્યારે તેઓ થિયેટર કરતા હતા ત્યારે શેખર કપૂરે તેમને કહ્યું હતું કે ‘રંગમંચ થઈ ગયું હવે, કાલે લગ્ન કરશે તો બાળકોનું ગુજરાન ચલાવવા પૈસા જોશે, માટે મુંબઈ ચાલ્યો જા.’

મનોજ બાજપેયીએ જણાવ્યું કે તે ડરી ગયા અને આગળના જીવનને સુધારવા માટે મુંબઈ આવી ગયા. એ સમયે તે પોતાને ફિટ નહોતા રાખી શકતાં.અભિનેતાએ જણાવ્યું કે એ સમયની જે સ્થિતિ હતી ત્યારે અમારા માટે કોઈ જગ્યા નહોતી.હું જે પણ સ્ટુડિયોમાં જતો હતો ત્યાં માત્ર સ્ટાર હોય અને શૂટિંગ થતું હોય.દર બીજા ફ્લોર પર ગીતનું શૂટિંગ ચાલતાં હતાં.

મનોજ બાજપેયીએ જણાવ્યું કે એ સમયે દરેક લોકો તેમને રિજેક્ટ કરી દેતા હતાં.જે પણ તેમની સામે જોતા તે કહેતા કે અમે તેનુ શું કરીશું. ભટ્ટ સાહેબે મારી સામે જોઈને કહ્યું હતું કે યાર તારું શું કરીશ હું? મને પણ લાગ્યું કે હકિકત છે કે તે મારું શું કરશે?
જોકે, અભિનેતાએ હાર ન માની અને તે સંઘર્ષ કરતા રહ્યા. બાદમાં તેમને ‘દ્રોહકાલ’માં એક નાનકડો રોલ મળ્યો જે માત્ર એક મિનિટનો હતો.પછી મનોજ બાજપેયીને શેખર કપૂરની ફિલ્મ ‘બૈંડિટ ક્વિન’માં કામ કરવાની તક મળી અને ત્યાર બાદ તેમના હાથમાં 1998માં આવી સત્યા ફિલ્મ.
સત્યા ફિલ્મથી મનોજ બાજપેયીને ઓળખ મળી. ફિલ્મમાં તેમણે ભીખુ માત્રેનો રોલ નિભાવ્યો હતો અને તેના માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. તેમજ આ પાત્ર માટે ફિલ્મફેર એવોર્ડ પણ હાંસિલ કર્યો હતો. આજે તેની ગણના ટોપ અભિનેતાઓમાં થાય છે. (તસવીરો: મનોજ બાજપેયી ઈન્સ્ટાગ્રામ)
આગામી પાંચ વર્ષોમાં સૌને મળશે કન્ફર્મ ટિકિટઃ રેલવે મંત્રી
નવી દિલ્હીઃ રેલવેને દેશની લાઇફલાઇન કહેવામાં આવે છે. કરોડો લોકો ટ્રેનથી પ્રવાસ કરે છે. હાલના દિવસોમાં ગરમી સીઝન ચાલી રહી છે અને વેકેશનમાં કન્ફર્મ ટિકિટની મારામારી થાય છે. જેથી આગામી પાંચ વર્ષમાં જે યાત્રી ટ્રેન દ્વારા પ્રવાસ કરવા ઇચ્છે છે, એ બધા પેસેન્જરોને કન્ફર્મ ટિકિટ મળશે, એ મોદીની ગેરંટી છે, એમ રેલવે મંત્રી અને IT પ્રધાન અશ્વિની વૈષ્ણવએ કહ્યું હતું.
તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે છેલ્લાં 10 વર્ષોમાં વડા પ્રધાન મોદીની આગેવાનીમાં રેલવેમાં ભારે બદલાવ આવ્યો છે. આગામી પાંચ વર્ષોમાં વડા પ્રધાન મોદીની ગેરન્ટી છે કે રેલવેની ક્ષમતા એટલી વધી જશે કે યાત્રા કરવાવાળા દરેક યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળી શકે. 
તેમણે કહ્યું હતું કે ટ્રેક બનાવવાની પ્રક્રિયામાં 2004થી 2014ની વચ્ચે આશરે 17,000 કિલોમીટરની ટ્રેક બનાવવામાં આવી હતી, જ્યારે 2014થી 2014 સુધી 31,000 કિલોમીટર નવા ટ્રેક બનાવવામાં આવ્યા હતા. 2004થી 2014 સુધી 5000 કિલોમીટર રેલવે ટ્રેકનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે છેલ્લાં 10 વર્ષોમાં 44,000 કિલોમીટરનું ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે. 2004થી 2014 સુધીમાં માત્ર 32,000 કોચ બનાવવામાં આવ્યા હતા, જ્યારે છેલ્લાં 10 વર્ષોમાં 54,000 કોચ બનાવવામાં આવ્યા હતા. આગામી પાંચ દેશના અર્થતંત્રના વિકાસમાં મજબૂત રેલવેને વધુ મજબૂત કરવામાં આવશે. ખાસ કરીને યાત્રીઓની સુવિધાઓનો ઝડપથી વિસ્તરણ કરવામાં આવશે.
AMTSની બેદરકારી આવી સામે, માત્ર 2 લાખ દંડ ક્યાંનો ન્યાય?
AMTS ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. અદાવાદના ભૂલાભાઈ પાર્કપાસે AMTS ડ્રાઈવરે એક બાઈક ચાલકને હડફેટે લેવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત સર્જાયું છે. AMTS ચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો. ગમખ્વાર અકસ્માતના CCTV સામે આવ્યા હતા. જેમાં AMTS ચાલકની બદરકારી નજરે જોવા મળી રહી હતી.

અમદાવાદના મણિનગર વિસ્તારના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે અકસ્માતની આ ઘટના બની હતી. એએમટીએસની ટક્કરે યુવાનના કમકમાટીભર્યા મોતનો વીડિયો સામે આવ્યો છે. શહેરના ભુલાભાઇ પાર્ક ચાર રસ્તા પાસે એએમટીએસની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે. અકસ્માત સર્જી એએમટીએસ બસ ચાલક ત્યાંથી રમરમાટ ગાડી દોડાવીને ફરાર થઈ ગયો હતો.

CCTVના આધારે પોલિસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે અકસ્માત સર્જનાર બસની એજન્સી અર્હમ ટ્રાવેલ્સ છે. અર્હમ ટ્રાવેલ્સના માલિક મણિનગરના પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા છે. તો બીજી તરફ, આનંદ ડાગાના પત્ની શિતલ ડાગા હાલ એએમસીમાં ભાજપના દંડકના પદે છે. જોકે, સમગ્ર અકસ્માતમાં AMC દ્વારા એજન્સીને ફક્ત 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
બનાસકાંઠા: મહિલાઓની બોલબાલા!
બનાસકાંઠા: આ સરહદી જિલ્લામાં 7 વિધાનસભા બેઠક અને ૧૪ તાલુકાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો અંતરિયાળ જિલ્લો છે. બનાસકાંઠાનો લોકસભા મત વિસ્તાર રાજ્યમાં સૌથી મોટો વિસ્તાર છે. ભૌગિલક દ્રષ્ટિએ બનાસકાંઠા પર્વતીયાળ અને રણપ્રદેશ ધરાવતો વિસ્તાર છે. બેઠક પર ઠાકોર સમાજનો સૌથી વધુ દબદબો જોવા મળે છે. જિલ્લો સૌથી વધુ પશુપાલન અને ડેરી ક્ષેત્રે મહત્વનો માનવામાં આવે છે અને મોટાભાગે મહિલાઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી હોય છે. ત્યારે આ બેઠક પર પણ મહિલાઓના પ્રશ્નોને વાચા આપતી બે દમદાર મહિલાઓની પસંદગી ભાજપ-કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 
ઉમેદવાર:-
ભાજપ: ડૉ. રેખાબેન ચૌધરી
રેખાબેન ચૌધરી પાલનપુરના રહેવાસી છે. ડૉ. રેખાબેન ચૌધરી બનાસ ડેરીના સ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલની પૌત્રી છે. તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ચૌધરીના ધર્મપત્ની છે. તેમણે M.Sc., M.Phil. અને મેથેમેટિક્સમાં Ph.D.નો અભ્યાસ કર્યો છે. તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. ઉપરાંત બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી, યુવા મોર્ચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવી છે.
કોંગ્રેસ: ગેનીબેન ઠાકોર
ગેનીબેન ઠાકોર જિલ્લામાં ફાયરબ્રાન્ડ નેતા તરીકે જાણીતા છે. તેમમે B. A. સુધીનો અભ્યાસ કર્યો છે. વાવમાં સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહેલા ગેનીબેને ભાજપના કદાવર નેતા શંકર ચૌધરીને 2017માં હરાવ્યા હતા. ગેનીબેન વાવ પંથક સહિત સરહદી વિસ્તારમાં સારી પકડ ધરાવે છે. લોક પ્રશ્નોને ખુલીને વાચા આપતા ગેનીબેન ઠાકોર જમીનથી જોડાયેલા નેતા તરીકેની ઓળખ ધરાવે છે.
PROFILE
- બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા, દિયોદર
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના પરબતભાઈ પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,68,296 વોટની લીડથી જીત્યા હતા.
- મતદારોની સંખ્યા
કુલ મતદારો 19,53,287
પુરુષ મતદાર 10,10,152
સ્ત્રી મતદાર 9,43,118
- વિધાનસભા બેઠકોની સ્થિતિ
| બેઠક | પક્ષ | વિજેતા | વોટ | લીડ |
| વાવ | કોંગ્રેસ | ગેનીબેન ઠાકોર | ૧,૦૨,૫૧૩ | ૧૫,૬૦૧ |
| ધાનેરા | અપક્ષ | માવજી દેસાઈ | ૯૬,૦૫૩ | ૩૫,૬૯૬ |
| દાંતા(ST) | કોંગ્રેસ | કાન્તિભાઈ ખરાડી | ૮૫,૧૩૪ | ૬,૩૨૭ |
| પાલનપુર | ભાજપ | અનિકેત ઠાકર | ૯૫,૫૮૮ | ૨૬,૯૮૦ |
| દિયોદર | ભાજપ | કેશાજી ચૌહાણ | ૧,૦૯,૧૨૩ | ૩૮,૪૧૪ |
| થરાદ | ભાજપ | શંકર ચૌધરી | ૧,૧૭,૮૯૧ | ૨૬,૫૦૬ |
| ડીસા | ભાજપ | પ્રવિણ માળી | ૯૮,૦૦૬ | ૪૨,૬૪૭ |

બનાસકાંઠા બેઠકની વિશેષતા
- બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. જેમાં ચૌધરી સમાજ મોટાભાગે ભાજપની વોટબેંક ગણાય છે. જ્યારે ઠાકોર વોટબેંક ઉપર કોંગ્રેસ પક્કડ ધરાવે છે.
- ૧૯૯૮થી બનાસકાંઠા બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે.
- જિલ્લામાં લોકસભા અને વિધાનસભાના પરિણામ સાવ અલગ આવે છે. વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દે લડાય છે અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને જોઈ લોકો વોટ આપતા હોય પરિણામ જુદું જ આવતું હોય છે.
- છેલ્લા 5 ટર્મથી લોકો ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે વિધાનસભા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી જુવાળ રહે છે.
- બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ખેડૂત વર્ગનું પ્રભુત્વ રહેલું છે. અહીંના મતદારો ચૂંટણીમાં વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય આપતા હોય છે.





