Home Blog Page 1792

ભારતના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરનું નામ ફાઈનલ ?

ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચ કોણ હશે? આ પ્રશ્નનો જવાબ કદાચ હવે મળી ગયો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનવા માટે રાજી થઈ ગયો છે. રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળશે. અહેવાલ મુજબ IPL ફ્રેન્ચાઇઝીના માલિક જે BCCI અધિકારીઓની ખૂબ નજીક છે, તેણે માહિતી આપી કે ગૌતમ ગંભીર મુખ્ય કોચ બનવું નિશ્ચિત છે અને BCCI અને તેમની વચ્ચે ડીલ થઈ ગઈ છે. ટૂંક સમયમાં ગંભીરને મુખ્ય કોચ બનાવવાની જાહેરાત થશે.

જય શાહ ગંભીરને મળ્યા હતા

આઈપીએલ 2024ની ફાઈનલ 26મી મેના રોજ હતી અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27મી મે હતી. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ આઈપીએલ ફાઈનલ બાદ તરત જ ગૌતમ ગંભીરને મળ્યા હતા. બંને લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા. હજુ સુધી એ જાણી શકાયું નથી કે ગંભીરે મુખ્ય કોચ પદ માટે અરજી કરી હતી કે નહીં, પરંતુ એ વાત ચોક્કસ છે કે BCCI તેને મુખ્ય કોચ બનાવવા માંગે છે. મોટી વાત એ છે કે ગંભીર પણ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનવા માટે રાજી થઈ ગયો છે.

ગંભીર શા માટે મુખ્ય કોચ બનવા માટે રાજી થયો?

ક્રિકબઝના અહેવાલ મુજબ ગૌતમ ગંભીર દેશ માટે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનવા માટે રાજી થઈ ગયો છે. ગંભીર એક મહાન દેશભક્ત છે અને તેથી જ તે સાડા ત્રણ વર્ષ માટે ટીમ ઈન્ડિયામાં જોડાવા માટે રાજી થયો છે. જો ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનશે તો તેના પર કામનો બોજ નોંધપાત્ર રીતે વધી જશે પરંતુ તે દેશ માટે આ બધું કરવા તૈયાર છે. હવે જો ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બને છે તો તેણે KKR છોડવું પડશે. જો કે, એ નિશ્ચિત છે કે જ્યારે પણ તે KKRમાં પરત ફરવા માંગશે ત્યારે આ ફ્રેન્ચાઈઝી તેનું ખુલ્લા હાથે સ્વાગત કરશે. આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે કે ગંભીરનું ભવિષ્ય શું છે?

રૂપાલા પર વર્ષયા મૃતકોના પરિવારજનો, “66 કલાક ક્યાં હતા?”

સૌરાષ્ટ્રના રાજકોટ સહિત આખા રાજ્ય માટે શનિવાર 25મે એક ગોઝારો દિવસ સાબિત થયો. 99 રૂપિયાની ટીકિટે 28 લોકોને ભભૂતિ ગઈ હતી. શનિવારે સાંજના સમય આસપાસ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. ત્યારે સમગ્ર ઘટના ઘટિત થયાના 66 કલાક બાદ ઘણાં સમયથી વિવાદોમાં રહેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. મૃતકોને જોવા પહોંચેલા પરશોત્તમ રૂપાલા પર મૃતકના પરિવારોનો રોષ ઠલવાતો જોવા મળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે પરશોત્તમ રૂપાલાને પીડિતના પરિવારજનોએ કહ્યું હતું કે, આટલા દિવસથી ક્યાં હતા? તમે મીડિયામાં ફોટા પડાવવા અહીં આવ્યા છો? તે સહિતના મેણા ટોણા માર્યા હોવાનું સામે આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાને મીડિયાએ સવાલ કર્યો હતો કે, અત્યાર સુધી તમે શા માટે અહીંયા નહોતા આવ્યા? જેના જવાબમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, અહીંયા આવવાથી વિવાધાન પેદા થાય છે. એટલા માટે અત્યાર સુધી હું અહીંયા નહોતો આવ્યો. પરંતુ હું સતત અધિકારીઓના સંપર્કમાં હતો. ખુદ મુખ્યમંત્રી જ્યારે રાજકોટ આવ્યા હતા ત્યારે પણ હું તેમની સાથે એઇમ્સ હોસ્પિટલ ખાતે હાજર હતો.

પરશોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે, ‘મૃતદેહના કેટલા ડીએનએ આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે તેવો છે તે માહિતી લેવાના આશયથી મે સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરી છે. 17 ડીએનએ ટેસ્ટ અહીં પહોંચ્યા છે. 27 મૃતદેહ સ્થળ પરથી મળી હતી. થોડા અવશેષો પણ મળ્યા છે. તમામ મૃતદેહ ગાંધીનગર એફએસએલમાં મોકલ્યા છે અને હજુ 10 રિપોર્ટ બાકી છે.’

હાડકાંથી DNA ટેસ્ટ કરવા પડ્યા

ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં મૃતકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મૃતદેહમાંથી ડીએનએના સેમ્પલ લેવા માટે લોહીની જરૂર હોય છે. પરંતુ રાજકોટની ઘટનામાં લોહી નહીં હોવાથી મૃતકોના હાડકાંને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મૃતકોના હાડકાંને એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ પહોંચાડાયા હતા.

 

CM કેજરીવાલ અને લિકર કેસના આરોપી વચ્ચે મેસેજના મળ્યા પુરાવા

નવી દિલ્હીઃ દિલ્હીના CM  કેજરીવાલ અને લિકર પોલિસીના કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી વકીલ વિનોદ ચૌહાણની વચ્ચે સંબંધોને લઈને EDએ અનેક દાવા કર્યા છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં આપ અને CMના આરોપી વિનોદ ચૌહાણની સાથે સંબંધો હોવાના દાવા કરવામાં આવ્યા છે. એમાં સીધા મેસેજ પર વાત થવાનો પણ ઉલ્લેખ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે વિનોદ ચૌહાણની કેજરીવાલની સાથે જજોથી વાત કરવાને મામલે પણ વાત થઈ હતી.

વિનોદ ચૌહાણની વર્ષ 2022માં ગોવા વિધાનસભા ચૂંટણી દરમ્યાન આમ આદમી પાર્ટીની ચૂંટણી ઝુંબેશ માટે સાઉથ ગ્રુપથી રોકડ લાંચ ટ્રાન્સફર કરવાના આરોપમાં  EDએ ધરપકડ કરી હતી. EDએ કોર્ટ સમક્ષ આરોપ લગાવ્યો હતો કે વિનોદ ચૌહાણથી રૂ. 1.06 કરોડ જપ્ત કર્યા હતા.

EDએ કોર્ટમાં CM કેજરીવાલના મામલામાં આરોપી વિનોદ ચૌહાણની વચ્ચે સંબંધોનો દાવો કર્યો હતો. કેજરીવાલ ગોવાની ફાઇવ સ્ટાર હોટેલમાં ઊતર્યા હતા, જેની બિલની ચુકવણી એક અન્ય આરોપીએ કરી હતી. વિનોદ ચૌહાણની સાથે સાધા મેસેજની વાતચીતના પુરાવા પણ મોજુદ છે, એવો દાવો EDએ કર્યો હતો. EDએ દલીલ કરી હતી કે વિનોદ ચૌહાણે ગોવા ચૂંટણી માટે હવાલા દ્વારા રૂ. 1.06 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. EDના વકીલે કહ્યું હતું કે વિનોદ ચૌહાણ આ પૈસા ક્યાંથી આવ્યા એનો સોર્સ ના બતાવી શક્યા. હાલ તેઓ જેલમાં છે. દિલ્હીના CM  કેજરીવાલ પણ હાલ તેઓ વચગાળાના જામીન પર છે.

 

 

 

 

 

 

 

 

 

 

અદાણી ગ્રુપની UPI, ક્રેડિટ કાર્ડ અને ઈ-કોમર્સમાં પ્રવેશવાની યોજના

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપ ગૂગલ, ફોનપે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મુશ્કેલીઓ વધારે એવી શક્યતા છે. ગૌતમ અદાણી ગ્રુપ ઈ-કોમર્સ અને નાણાકીય ક્ષેત્રમાં વેપાર વિસ્તરણની યોજના બનાવી છે. ગ્રુપ  યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) માટે લાઇસન્સ અરજી કરવાનું છે. આ સાથે કો-બ્રાન્ડેડ અદાણી ક્રેડિટ કાર્ડ માટે બેન્કોની સાથે વાતચીત પણ ગ્રુપ કરી રહ્યું છે. જોકે ગ્રુપના આ સમાચાર પર ટિપ્પણી કરવાનો ગ્રુપનાં ઉચ્ચાધિકારીઓએ ઇનકાર કર્યો હતો.

અદાણી ગ્રુપ બહુ જલદી ઈકોમર્સ અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં કૂદવાનું છે. કંપનીએ UPI લાઇસન્સ, ક્રેડિટ કાર્ડ અને ONDC દ્વારા ઓનલાઇન શોપિંગ સેક્ટરમાં આવવાની યોજના બનાવી છે. આ સેવા ‘અદાણી વન એપ’ દ્વારા શરૂ કરવામાં આવશે. કંપની બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે કેટલીય બેન્કો સાથે ચર્ચા કરી રહી છે.

જો અદાણી ગ્રુપને મંજૂરી મળી જશે તો કંપની કન્ઝ્યુમર એપ અદાણી વન દ્વારા UPI અને ઇકોમર્સ સેવાઓનો લાભ લઈ શકાશે. કંપની એ એપ વર્ષ 2022માં લોન્ચ કરી હતી. એ હાલ હોટેલ અને ફ્લાઇટ બુકિંગ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. ગ્રુપ હાલમાં નવા ગ્રાહકોને નવી સેવાઓનો લાભ આપશે. ત્યાર બાદ ગ્રુપ દ્વારા સંચાલિત એરપોર્ટ, ગેસ અને ઇલેક્ટ્રિસિટી સેવાઓથી જોડાયેલા ગ્રાહકોને પણ જોડવાના પ્રયાસ કરવામાં આવશે. તેમને લોયલ્ટી પોઇન્ટ્સ આપવામાં આવશે, જેનો ઉપયોગ તેઓ ઓનલાઇન શોપિંગ અને ડ્યુટી ફ્રી ખરીદી દરમ્યાન કરી શકશે. આને પગલે ગ્રુપ હાલના ગ્રાહકોનો વધુ સારો ઉપયોગ કરી શકશે.

 

 

 

 

 

 

 

વીર સાવરકરની જન્મજયંતિ પર રણદીપ હૂડાએ સેલ્યુલર જેલની લીધી મુલાકાત

આજે સ્વાતંત્ર્યસેનાની વીર સાવરકરની 141મી જન્મજયંતિ છે. ત્યારે અભિનેતા રણદીપ હૂડાએ સેલ્યુલર જેલની મુલાકાત લીધી હતી અને વીર સાવરકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તાજેતરમાં જ અભિનેતાણ રણદીપ ભારતીય સ્વતંત્રતા સેનાની અને સુધારક વિનાયક દામોદર સાવરકર પરની બાયોપિક ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’માં જોવા મળ્યા હતા. આમાં અભિનેતાએ સાવરકરની મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે તેમની 141મી જન્મજયંતિ પર રણદીપ હૂડાએ આંદામાન અને નિકોબાર ટાપુઓની સેલ્યુલર જેલની મુલાકાત લીધી, જ્યાં સાવરકરને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. રણદીપે તેની પત્ની લીન લેશરામ સાથે સેલ્યુલર જેલની મુલાકાત લીધી હતી.

રણદીપ હુડ્ડાએ કહ્યું, ‘વીર સાવરકરની વાર્તા વાંચતી વખતે અને તેને પડદા પર મૂકતી વખતે તેમાં મારી ઘણી ભાગીદારી રહી. વીર સાવરકરજીના સારને સમજનારા લોકો તરફથી મને પ્રશંસા મળે છે ત્યારે તે ખૂબ જ સારું લાગે છે. મેં તેની વાર્તાને ખૂબ જ સારી અને શક્તિશાળી રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. આજે આપણે અહીં સેલ્યુલર જેલમાં આવ્યા છીએ, જ્યાં વિનાયક જીને સજા કરવામાં આવી હતી. 50 વર્ષની આજીવન કેદ… તમામ શક્તિશાળી ક્રાંતિકારીઓને અંગ્રેજોએ દેશથી દૂર એકાંત કેદમાં રાખ્યા હતા અને આ તે સ્થાન છે…’.

એવોર્ડથી સન્માનિત

ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ આ વર્ષે 22 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હવે વીર સાવરકરની 141મી જન્મજયંતિ પર 28મી મેના રોજ Zee5 પર પ્રીમિયર થશે. આ ફિલ્મમાં અંકિતા લોખંડેએ સાવરકરની પત્ની યમુનાબાઈની ભૂમિકા ભજવી હતી. આ પહેલા રવિવારે રણદીપ હુડાને આ બાયોપિકમાં તેની ભૂમિકા માટે મુંબઈમાં પ્રતિષ્ઠિત સ્વતંત્ર વીર સાવરકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Randeep Hooda (@randeephooda)


ફિલ્મનું દિગ્દર્શન પોતે કર્યું

રણદીપ હુડ્ડાએ પડદા પર સાવરકરની ભૂમિકા ભજવવા માટે ઘણી મહેનત કરી હતી. તેની પાસે અદ્ભુત પરિવર્તન આવ્યું. વીર સાવરકરની ભૂમિકામાં આવવા માટે તેણે લગભગ 32 કિલો વજન ઘટાડ્યું હતું. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે અભિનેતાએ તેનું દિગ્દર્શન પણ કર્યું હતું.

પૂર્વોત્તરની શાળામાં પરંપરાગત ડ્રેસમાં જોવા મળી AI ટિચર આઈરિસ

ગુવાહાટી: પૂર્વોત્તર ભારતના ગુવાહાટીની રોયલ ગ્લોબલ સ્કૂલમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. નોર્થ-ઈસ્ટના પરંપરાગત મેખેલા પોશાકમાં સજ્જ આ AI-સંચાલિત શિક્ષક ‘આઈરિસ’  છે. કામના પ્રથમ દિવસે, આઇરિસે આપેલા વિગતવાર જવાબો અને ઇન્ટરેક્ટિવ શિક્ષણ શૈલીથી વિદ્યાર્થીઓ ખુબ જ પ્રભાવિત થયા છે. એક જિજ્ઞાસુ વિદ્યાર્થિનીએ આઇરિસને પૂછ્યું કે “હિમોગ્લોબિન શું છે?” ત્યારે આઈરિસે ખુબ જ રસપ્રદ જવાબ આપ્યા. વર્ગખંડમાં નવા AI શિક્ષકને જોઈને વિદ્યાર્થીઓમાં સ્પષ્ટ ઉત્તેજના જોવા મળી હતી. આઇરિસ માહિતીના સ્ત્રોત કરતા વધુ જોવા મળી રહી છે. તે અભ્યાસક્રમ કરતા તેનાથી આગળના પ્રશ્નોના જવાબો સરળતાથી આપી. બાળકો ખાસ કરીને આઈરિસના હાવભાવ અને તેની ક્ષમતાથી ખુશ જોવા મળ્યા. જે તેમના શીખવાના અનુભવને વધુ આનંદપ્રદ બનાવે છે.

NITI આયોગ દ્વારા શરૂ કરાયેલ અટલ ટિંકરિંગ લેબ (ATL) પ્રોજેક્ટ હેઠળ મેકરલેબ્સ એજ્યુ-ટેકના સહયોગથી આઈરિસને વિકસિત  કરવામાં આવી છે. શાળાનો ઉદ્દેશ્ય શિક્ષણને વ્યક્તિગત કરવા અને વિવિધ પ્રકારની શીખવાની શૈલીઓને સમાવવા માટે આઇરિસની ક્ષમતાઓનો લાભ લેવાનો છે, જેનાથી સમગ્ર ઉત્તર-પૂર્વ પ્રદેશના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વધુ આકર્ષક બને છે.

કાળઝાળ ગરમીમાંથી મળશે આંશિક રાહત, તાપમાનનો પારો ગગડ્યો

રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આકરી ગરમી માંથી આંશિક રાહત રાજ્યવાસીઓને મળશે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરી છે. જે મુજબ આજથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. આ ઉપરાંત આગામી બે દિવસ હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે. ત્યારબાદ રાજ્યના કોઈપણ જિલ્લામાં હીટવેવ અથવા ગરમીને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ગત રોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 24 કલાકમાં બે ડિગ્રી સેલ્સિયસ વધીને 45.2 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગ દ્વારા આજથી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમાં પણ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ પવનની ગતિ 25-30 કિલોમીટર પ્રતિકલાકની રહેશે તથા પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફથી રહેશે. તેને કારણે ગુજરાતનું તાપમાન ધીમેધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. આજે અમદાવાદનું તાપમાન ઘટીને પણ 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. ગત રોજ અમદાવાદ શહેરમાં 45 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન નોંધાવાને કારણે હવામાન વિભાગ દ્વારા હીટવેવ જાહેર કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત આગામી પાંચ દિવસ માટે ઉત્તર પૂર્વી અરબસાગરમાં સમુદ્રી હિલચાલને કારણે દરિયામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આથી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલા ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે.

ઈન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર વિમિન હેલ્થ શા માટે ઉજવવામાં આવે છે?

દર વર્ષે 28મી મેને મહિલા સ્વાસ્થ્ય માટે આંતરરાષ્ટ્રીય કાર્ય દિવસ (International day of Action for Women Health) તરીકે ઉજવવામાં આવે છે. ઘણી વખત ઘર અને ઓફિસની જવાબદારીઓ વચ્ચે મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતી નથી. સ્વાસ્થ્ય સંબંધિત નાની સમસ્યાઓને લાંબા સમય સુધી અવગણવી ઘણી મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ દિવસને વૈશ્વિક સ્તરે ઉજવવાનો હેતુ મહિલાઓને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે.

આંતરરાષ્ટ્રીય મહિલા આરોગ્ય દિવસનો ઇતિહાસ
1987 માં વિમેન્સ ગ્લોબલ નેટવર્ક ફોર રિપ્રોડક્ટિવ રાઇટ્સ (WGNRR) ના સભ્યોએ કોસ્ટા રિકામાં એક પુનઃમિલન યોજ્યું, જેમાં 28 મેને મહિલા આરોગ્ય કાર્ય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. ત્યાર પછી દર વર્ષે 28 મેના રોજ આ દિવસની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી થવા લાગી. વર્ષ 1999 માં તેને દક્ષિણ આફ્રિકાની સરકાર દ્વારા સત્તાવાર માન્યતા પણ આપવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા આરોગ્ય કાર્ય દિવસનો ઉદ્દેશ
આંતરરાષ્ટ્રીય મહિલા આરોગ્ય કાર્ય દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવાનો અને આ મુદ્દાઓ પર ખુલ્લી વાતચીતને પ્રોત્સાહિત કરવાનો છે. જીવનશૈલી અને આહારમાં જરૂરી ફેરફાર કરીને મહિલાઓ વૃદ્ધાવસ્થામાં પણ પોતાને સ્વસ્થ રાખી શકે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા આરોગ્ય દિવસ 2024 ની થીમ
દર વર્ષે ઇન્ટરનેશનલ વુમન્સ હેલ્થ એક્શન ડે એક થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2024 ની થીમ છે “મોબલાઈઝિંગ ઈન ક્રિટિકલ ટાઈમ્સ ઓફ થ્રેટ અને અપોર્ન્યુટિઝ.” આ થીમ મહિલાઓને મુશ્કેલ સમયમાં એક થવાનો સંદેશ આપે છે.

આ પ્રસંગે મહિલાઓ માટે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં તેમને સ્વસ્થ રાખવાની રીતો સમજાવવામાં આવે છે. સ્ત્રીઓમાં થતા સામાન્ય રોગોથી સુરક્ષિત રહેવાની રીતો સાથે સમજાવવામાં આવે છે.

ડેરા સચ્ચા સૌદાપ્રમુખ રામ રહીમને હાઇકોર્ટમાંથી રાહત

ચંડીગઢઃ  ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ માટે મંગળ વાર રાહત ભર્યો સાબિત થયો હતો. રામ રહીમને હત્યાને મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે છોડી મૂક્યો હતો. રામ રહીમ સાથે ચાર અન્ય લોકોને પણ કોર્ટે આ આરોપમાંથી છોડી મૂક્યા હતા. 2021માં રામ રહીમને અને અન્ય ચાર લોકોને ડેરા મેનેજર રણજિત સિંહની હત્યાનું કાવતરું રચવા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. રામ રહીમને બે શિષ્યાઓ સાથે બળાત્કાર માટે પણ દોષી ઠેરવવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે 20 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, પણ હવે હાઇકોર્ટે આ કેસમાં તેમને નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટે અન્ય ચાર આરોપીઓને પણ નિર્દોષ જાહેર કર્યા છે.

2021માં પંચકુલાની વિશેષ CBI કોર્ટે રામ રહીમ અને અન્ય ચારને આજીવન કેદની સજા સંભળાવી હતી. 10 જુલાઈ 2002એ કુરુક્ષેત્રના ખાનપુર કોલિયામાં રણજિત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.  ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમે CBI કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આજે હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ્વર ઠાકુર અને જસ્ટિસ લલિત બત્રાની ડિવિઝન બેન્ચે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ચુકાદામાં CBI કોર્ટના નિર્ણયને રદ કર્યો હતો.તેમના વકીલે કહ્યું હતું કે આ ચુકાદાનું અમે સ્વાગત કરે છીએ. જોકે સામે પક્ષે કોર્ટે પૂરો આદેશ જારી નથી કર્યો.જોકે રામ રહીમ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા અને બળાત્કારના કેસમાં દોષી છે. આ સિવાય તેની સામે ઘણા કેસ પેન્ડિંગ છે. રામ રહીમે બળાત્કાર અને છત્રપતિ હત્યા કેસ પર નીચલી કોર્ટના નિર્ણયને પણ હાઈકોર્ટમાં પડકાર્યો છે અને આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં તે જેલમાંથી બહાર નહીં આવી શકે તે સ્પષ્ટ છે. રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.

 

 

 

 

 

 

 

 

Relief to Dera Sacha Sauda President Ram Rahim from High Court

AMC એક્શન મોડમાં, 6 ગેમઝોન પર લાગ્યા તાળા

રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યનું તંત્ર હરકતમાં આવ્યું છે. અગ્નિકાંડ બાદ લોકો હોસ્પિટલમાં પોતાના પ્રિયજનોના મૃત દેહ માટે દિવસ રાત રાહ જોય રહ્યા છે. ત્યારે બીજી બાજુ રાજ્યભરમાં તમામ ગેમ ઝોનમાં તંત્રએ તપાસની કામગીરી હાથ ધરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ તથા ફાયર વિભાગ પણ એક્શન મોડ આવ્યું હતું. તમામ ગેમ ઝોન પર તપાસનો ધમધમાટ ચાલ્યો.

ગુજરાતના રાજકોટમાં હૈયા કંપાવી નાખે તેવા કાંડ બાદ પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા 34 પૈકી 6 ગેમ ઝોન ફાયર વિભાગની NOC કે એસ્ટેટ વિભાગ તરફથી આપવામાં આવતી બિલ્ડિંગ યુઝ (BU) પરમીશન વગર ચાલતા હતા. શહેરના આનંદનગર રોડ ઉપરાંત ચાંદલોડીયા તેમજ ઘુમા અને જોધપુર સહિતના વિસ્તારમાં ચાલતા ગેમ ઝોન સત્તાવાર મંજૂરી મેળવ્યા વગર ચાલતા હોવાનું એસ્ટેટ અને ફાયર વિભાગની તપાસમાં જ બહાર આવ્યું છે. ત્યારે હવે આ તમામ ગેમ ઝોન સહિત નિયમનો ઉલ્લઘંન થયા હોય તેવા ગેમ ઝોનને સીલ કરવાની કડક સૂચના AMC દ્વારા કરવામાં આવ્યા છે.

 

AMCના એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ગોતામાં આવેલા ફનગ્રેટો ગેમ ઝોન અને સાઉથ બોપલમાં આવેલા જોઈ બોક્સ ગેમ ઝોન પાસે બિલ્ડિંગ યુઝ પરમીશન ન હોવાનું સામે આવ્યું. નિકોલ વિસ્તારમાં આવેલા ફન કેમ્પસ પાસે ફાયર વિભાગની NOC ન હોવાનું સામે આવ્યું છે. શહેરના વસ્ત્રાપુરમાં આવેલ આલ્ફા વન (અમદાવાદ વન) મોલમાં એક ગેમ ઝોનની મંજૂરી લઈ ચાર ગેમ ઝોન ચલાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. એક પણ ગેમઝોન માટે ફાયર વિભાગની એન.ઓ.સી.કે પોલીસની મંજૂરી મેળવવામાં આવી નહીં હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે

નોંધનિય છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અમદાવાદમાં આવેલા તમામ ગેમઝોનમાં દર મહિનાની 1 થી 5 તારીખ દરમિયાન ફાયર વિભાગને તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો છે. ઉપરાંત દર ત્રણ મહિને ફાયર વિભાગ અલગ અલગ વિસ્તારના ગેમિંગ ઝોનમાં મોકડ્રીલ કરશે.