Home Blog Page 1771

UNMIRCની જરૂરિયાતવાળા દર્દીઓ માટે નિઃશુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જાહેરાત

અમદાવાદઃ UNM ફાઉન્ડેશન અને UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે (UNMIRC) જરૂરિયાત દર્દીઓને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક સમજૂતી કરાર કર્યો છે. UNM ફાઉન્ડેશન MoUની શરતો અંતર્ગત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના જરૂરિયાતવાલા દર્દોને નિઃશુલ્ક સારવાર મળે એ માટે UNMIRCને સંપૂર્ણ નાણાકીય ટેકો પૂરો પાડશે.

UNM ફાઉન્ડેશન તમામ પ્રક્રિયાના ખર્ચને આવરી લેશે, જેમાં ઓપરેશન પૂર્વે મૂલ્યાંકન, દાતાના હ્રદયનું પરિવહન (જ્યાં જરૂરી હોય ત્યાં એર એમ્બ્યુલન્સ સહિત), હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, ઓપરેશન બાદ ત્રણ સપ્તાહ સુધી હોસ્પિટલમાં સારવાર, સર્જરી બાદના તબીબી ઉપકરણોનો ઉપયોગ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી એક વર્ષ સુધીની દવાઓનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે UNMIRCના નિયામક ડો. ચિરાગ દોશીએ જણાવ્યું છે કે UNM ફાઉન્ડેશનની આ અનોખી પહેલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર હોય, પરંતુ આર્થિક સ્થિતિ સારી ના હોય એવા અગણિત પરિવારો માટે આશાનું કિરણ છે. અમે દર્દીનું માત્ર જીવન જ નથી બચાવતા, પરંતુ એ પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે એવા દર્દીઓ કે જેમને ખરેખર સૌથી વધુ જરૂર છે, તેમને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સારસંભાળ પ્રાપ્ત થાય.

UNMIRCએ અત્યાર સુધીમાં 27 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કર્યા છે. આ સાથે UNMIRC દર્દીની પાત્રતાના માપદંડોની જાહેરાત કરશે. આ પહલે પહેલી જૂન, 2024થી પાંચ વર્ષના સમયગાળા માટે અમલમાં મૂકવામાં આવશે. આ સહયોગથી તબીબી સેવા અને નાણાકીય ખેંચ વચ્ચેના અંતરને દૂર કરવાની પહેલને રાહ બતાવશે.

 

 

 

 

 

 

કોણ છે મેજર રાધિકા સેન? જેમનું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરાયું સન્માન

ભારતીય સેનાના મેજર રાધિકા સેનનું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. તેણીને 2023 માટે ‘યુએન મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપનારાઓને આ સન્માન આપવામાં આવે છે.

મેજર રાધિકા સેન માર્ચ 2023થી એપ્રિલ 2024 સુધી MONUSCO (કોંગો) માં પોસ્ટ કરવામાં આવી હતી. અહીં તે ઈન્ડિયન રેપિડલી ડિપ્લોયમેન્ટ બટાલિયનની ટીમ કમાન્ડર હતાં. તેણીએ 20 મહિલા સૈનિકો અને 10 પુરૂષ સૈનિકોની ટીમનું નેતૃત્વ કર્યું. તેમનું કાર્ય મુખ્યત્વે લોકો સાથે વાત કરવાનું, વિસ્થાપિત લોકોની સમસ્યાઓનું નિરાકરણ અને સંઘર્ષના ક્ષેત્રમાં મહિલાઓ અને બાળકોનો અવાજ ઉઠાવવાનું હતું.

તેમના નેતૃત્વ હેઠળ, ટીમે મહિલા આરોગ્ય, શિક્ષણ, બાળ સંભાળ, લિંગ સમાનતા અને રોજગાર જેવા વિષયો પર શૈક્ષણિક સત્રો યોજ્યા. મેજર રાધિકા સેને આ એવોર્ડ તેમની ટીમને, ખાસ કરીને મેજર સૌમ્ય સિંહને સમર્પિત કર્યો. તેમણે કોંગોમાં સેવા આપવા માટે આપવામાં આવેલ વિશ્વાસ અને તક માટે ભારતીય સેનાની પ્રશંસા કરી. આ ઉપરાંત તેણે તેના માતા-પિતાનો પણ આભાર માન્યો હતો.

કોણ છે મેજર રાધિકા સેન?

મેજર રાધિકા સેન હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના નાના શહેર સુંદર નગરની રહેવાસી છે. તેના માતા-પિતા બંને નિવૃત્ત સરકારી શિક્ષકો છે. તેની નાની બહેન એનેસ્થેસિયામાં એમડી કરી રહી છે. સુંદર નગરમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, મેજર સેન ઉચ્ચ શિક્ષણ મેળવવા ચંદીગઢ ગયા. તેની પાસે બાયોટેકનોલોજીમાં એન્જિનિયરિંગની ડિગ્રી છે. ભારતીય સેનામાં જોડાતા પહેલા તે IIT મુંબઈમાંથી M.Tech કરી રહ્યા હતા.મેજર રાધિકા સેનને 10 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેનામાં કમિશન આપવામાં આવ્યું હતું. મેજર રાધિકા સેન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરમાં ભારતીય સેનામાં તેની કારકિર્દી દરમિયાન તૈનાત રહ્યાં.

સોલાર પેનલનનું કેવી રીતે રાખશો ધ્યાન? જાણો

આજકાલ સોલાર પેનલ લગાડવાનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા કેટલાંક વર્ષોમાં પર્યાવરણની જાળવણી માટે પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતના ભાગરૂપે ઘરેઘરે સોલાર પેનલનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે જાણીએ ઘરમાં લગાવેલી સોલર પેનલની સાફ સફાઈ અને કાળજી કેવી રીતે લેવી?

સોલર પેનલ અને સોલર મોડ્યુલની સફાઈ

  • સોલર પેનલ અને મોડ્યુલ પર જામેલા ધૂળના સ્તરને દૂર કરવા માટે, પેનલ્સને સમયાંતરે સોફ્ટ પાણીથી ધોવી જરૂરી છે.
  • જો મોડ્યુલમાં ગંદકી વધુ હોય અને પક્ષીના ડ્રોપિંગ્સ હોય, જેને દૂર કરવું મુશ્કેલ હોય, તો ઠંડા પાણીનો ઉપયોગ કરવો.
  • સોલર પેનલ્સને સાફ કરવા માટે બગીચાની પાઇપ/નળીનો ઉપયોગ કરી શકાય. સાથે જ સ્પન્જના ઉપયોગથી પણ સફાઈ થઈ શકે
  • પેનલ્સ ગરમ હોય ત્યારે ક્યારેય ઠંડા પાણીનો છંટકાવ કરવો જોઈએ નહીં, તેનાથી પેનલને ઘણું નુકસાન થઈ શકે છે. સવારે કે સાંજના સમય સફાઈ કરવી જોઈએ.
  • પેનલની સપાટીને સામાન્ય રીતે સ્પોન્જથી જ સાફ કરવી જોઈએ. પેનલની સપાટીને સ્ક્રેચ ના પડે તે માટે ધાતુના બ્રશથી સફાઈ ટાળવી જોઈએ.
  • પેનલની સફાઈ માટે ક્યારેય ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
  • જો પાસે સોલર પેનલ્સને સાફ કરવા માટે સમય ન હોય, તો તમે સ્વયંચાલિત ક્લીનર્સ પણ સ્થાપિત કરી શકો છો. આવા ક્લીનર્સ સ્પ્રિંકલર સિસ્ટમ્સની જેમ કામ કરે છે.

સોલર પેનલ્સની જાળવણી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

સૌ પ્રથમ તો સૌર પેનલ્સને છાંયડાથી દૂર રાખો. કારણ કે જ્યારે પેનલનો અમુક ભાગ છાંયડામાં હોય ત્યારે સૂર્યપ્રકાશનું યોગ્ય અવશોષણ થઈ શકતું નથી, જેથી ઊર્જા ઉત્પાદન બિનકાર્યક્ષમ બની જાય છે. સૌર પેનલ્સના ઇન્વર્ટરમાં લીલી બત્તી લીલી બત્તી બંધ હોય કે યોગ્ય રીતે ન ચાલુ હોય તો તે મોડ્યુલમાં ખામી સૂચવે છે. સામાન્ય દિવસોમાં સૌર પેનલ્સના કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે અને જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે તે ચકાસવું જોઈએ. જેથી કરીને સોલાર પેનલ અને મોડ્યુલના પરફોર્મન્સ અને તેની કામગીરી યોગ્ય છે કે કેમ તેની જાણકારી મેળવી શકાય. સોલર પેનલ પ્રોવાઈડર દ્વારા આપવામાં આવેલી પેનલ સર્વિસિંગ વિશેની તમામ માહિતી રાખી સમયાંતરે સર્વિસ કરાવવી જોઈએ.

 પેનલના ડેમેજ કે ખામીની આ રીતે કરો તપાસ

તિરાડો, ચિપ્સ, ડી-લેમિનેશન, ધુમ્મસવાળું ગ્લેઝિંગ, પાણીનું ગળતર અને વિકૃતિકરણ જેવી સંભવિત ખામીઓની જાણકારી મેળવવા માટે સમયાંતરે મોડ્યુલોનું  જાતે નિરીક્ષણ કરવું જોઈએ અથવા ટેક્નિશિયન પાસે તપાસ કરાવવી જોઇએ. જો કોઈ પેનલમાં કે ભાગમાં સ્પષ્ટ ખામી જોવા મળે તો તે પેનલ કે ભાગનું સ્થાન નોંધીને તેના ઊર્જા ઉત્પાદનનું નિરીક્ષણ કરવું જોઈએ.  જો નુકસાનને કારણે સોલર મોડ્યુલ તેના નક્કી કરેલા આઉટપુટ કરતાં ઓછું પ્રદર્શન કરે તો તેને બદલાવવું જોઈએ.

આ ઉપરાંત સોલાર મોડ્યુલના માઉન્ટિંગ ફ્રેમ્સની સમયાંતરે તપાસ કરવી જોઇએ. ફ્રેમ અને મોડ્યુલના માઉન્ટિંગ બોલ્ટ્સ રસ્ટ-ફ્રી(કાટ ન લાગ્યો હોય તેવા) છે કે કેમ અને સ્ટ્રકચર સુરક્ષિત છે કે કેમ તે ચેક કરવું જોઈએ. એટલુ જ નહીં વાયરને ઉંદર અને અન્ય જંતુઓ દ્વારા થતું ડેમેજ તપાસવા માટે જંકશન બોક્સની પણ તપાસ કરવી જોઈએ. સાથે જ ઇન્વર્ટર કે ચાર્જરની પણ બરાબર રીતે ધ્યાન રાખવું અનિવાર્ય છે. કંટ્રોલર પર ઓછામાં ઓછી ધૂળ જમા થાય એ રીતે રાખવું, સમયાંતરે સૂકા કાપડનો ઉપયોગ કરીને સંચિત ગંદકી અને ધૂળને સાફ કરવી,  એલઇડી લાઇટ જેવા તમામ સૂચકાંકો કામ કરી રહ્યા છે કે કેમ તથા આ ઇન્વર્ટર કે ચાર્જ કંટ્રોલર તરફ જતા અને આવતા વાયર છૂટા પડેલા નથી ને તે સુનિશ્ચિત કરવું જોઈએ.  સૂર્ય હોય તેવા સમયે ચાર્જ કંટ્રોલર દ્વારા સિસ્ટમ ચાર્જ થઈ રહી છે કે કેમ તે પણ ચેક કરવું જોઈએ.

વાયરિંગ અને જોડાણો બાબતે પણ ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં ખાસ કરીને ઇન્સ્યુલેશનમાં કોઈપણ તિરાડો, તૂટેલા ભાગો અથવા અન્ય ખરાબી માટે વાયરિંગ ઇન્સ્ટોલેશન્સની નિયમિત તપાસ કરાવવી, બૉક્સમાં ઉંદરો અને જંતુઓનો ઉપદ્રવ અટકાવવા માટે પેનલ બોક્સની તપાસ કરવી, અને વધુમાં, જોડાણોનું કાટ અથવા બર્નિંગ માટે નિરીક્ષણ પણ કરવું જોઈએ.

આ ઉપરાંત  બેટરીની જાળવણી માટે મહિનામાં એકવાર બેટરીનું નિયમિત મૂલ્યાંકન અને બેટરીની સફાઈ કરવી આવશ્યક છે. બેટરીમાં ક્યાંય ઇલેક્ટ્રોલાઇટ લીક હોય કે તિરાડો હોય અથવા કનેક્ટર્સ અને ટર્મિનલ્સ પર કાટની હાજરી હોય એ ચેક કરીને યોગ્ય પગલાં લેવા જોઈએ. સિસ્ટમની બેટરીઓ ક્લીન, ડ્રાય અને કાટ તથા ઇલેક્ટ્રોલાઇટ્સથી મુક્ત હોવી જોઈએ.

રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્રની આંખ ઉઘડી!

રાજકોટ સહિત ગુજરાત માટે 25મી મેના ગોઝારો દિવસ સાબિત થયો છે. રાજકોટના અગ્નિકાંડમાં 27 લોકોના જીવનની જ્યોત બળીને ભસ્મી ભૂત થઈ ચૂકી છે. રાજકોટના આગ્નિકાંડ બાદ પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો છે. તો ક્યાંકને ક્યાંક જનતામાં જાગૃતિ આવતી શરૂ થઈ છે. તો બીજી બાજુ સરકરાની આંખ પણ ખુલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ કલેક્ટરોને મનોરંજન સહિતના બાંધકામ તથા એકમો પાસે પુરતા સલામતી સાધનો સાથે જરૂરી ડોક્યુમેન્ટ છે કે કેમ તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા. જે બાદ તમામ નાનાથી મોટા શહેરોમાં ફાયર વિભાગ સહિત એસ્ટેટ વિભાગે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. આ અગ્નિકાંડ બાદ કેટલાક મોટા ખુલાસા થતા જોવા મળ્યા છે.

રાજકોટના મેળા પર લાગ્યો પ્રતિબંધ

આ દુર્ઘટના બાદ તરત સાવચેતીના ભાગરૂપે મનપા તંત્ર દ્વારા નાનામૌવા રોડ, બાલભવન સહિતનાં સ્થળોએ ચાલતા ખાનગી વેકેશન મેળા ફાયર NOC સહિત તમામ સુવિધાઓ હોવા છતાં બંધ કરાયા છે. જેમાં મોટી સંખ્યામાં લોકો બાળકોની સાથે મેળાનો આનંદ માણવા જતા હતા. અગ્નિકાંડ બાદ આ મેળા બંધ કરાયા હતા જે આજદિન સુધી બંધ છે. તો હવે આ મેળાઓ ક્યારે ખુલે તે પણ નક્કી નથી. જેના કારણે હવે સંચાલકો દ્વારા તમામ વસ્તુઓ હટાવવા તૈયારીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

AMC હાથ ધરી કવાયત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવી શહેરમાં તમામ એકમોમાં ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. આજે શુક્રવારે બીયુ પરમિશન અને ફાયર NOCને લઈને 226 મિલકતોને તપાસી કુલ 15થી વધુ મિલકતોને સીલ કરવામાં આવી છે. છેલ્લા 4 દિવસમાં કુલ 703 જગ્યાઓને તપાસી કરી 93થી વધુ મિલકતો સીલ કરી છે. જેમાં અર્બન ચોક સીલ મારવામાં આવ્યું છે. ગેરકાયદેસર રીતે આખું અર્બન ચોક ઉભુ કરી દેવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પરવાનગી લીધા વિના આખું અર્બન ચોક છેલ્લા અનેક સમયથી ચાલતું હતું. આ ઉપરાંત ક્રશ કેફે પણ ગેરકાયદેસર રીતે ઊભું કરી દેવામાં આવ્યું હતું. તાજ હોટલ નજીક આવેલા બે TEA POST પોસ્ટ પણ બીયુ પરમિશન અને ફાયર વિના ચલાવવામાં આવતા હતા.

MS યુનિવર્સિટી તંત્ર ઉંઘ ઉડી

વડોદરામાં ફાયર બ્રિગેડે ફાયર સેફટી માટે શરુ કરેલી ઝુંબેશના કારણે એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ફાયર વિભાગ દ્વારા યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ અને ઈન્સ્ટિટયુટસના 32 બિલ્ડિંગોમાં ફાયર સેફટીના ધારાધોરણોનુ પાલન નહીં કરાયુ હોવાની નોટિસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને મોકલી હતી. તેનો યુનિવર્સિટી તરફથી કોઈ જવાબ મળ્યો નહીં હોવાથી એપ્રિલ મહિનામાં બીજા નોટિસ ફટકારી હતી. પણ યુનિવર્સિટીમાં તરફથી ફાયર એનઓસી લેવા માટે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાથી 30  મેના ટેકનોલોજી  ફેકલ્ટીનુ વીજ જોડાણ કટ કરવામાં આવ્યું હતું. જ્યારે વીજ જોડાણ કાપ્યા બાદ યુનિવર્સિટી તંત્રની ઉંઘ ઉડી હતી, અને ફાયર એનઓસીટ માટે તંત્ર દોડતું થયું હતું.

સુરતમાં કાપડ માર્કેટ પર લાગ્યા તાળા

શહેરની ઓળખાણ કાપડ માર્કેટમાં દરરોજ લાખો લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે જેનાથી કરોડો રૂપિયાનો વેપાર થાય છે. કાપડ માર્કેટમાં લગભગ દર અઠવાડિયે આગ લાગવાની એક કે બે ઘટનાઓ બનતી હોય છે અને ફાયરબ્રિગેડ દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાંય હાલ પણ 73 જેટલી માર્કેટો અને લૂમ કારખાના ફાયર NOCની તારીખ વીતી ગઇ હોવા છતાં પણ રિન્યૂ કરાવી નથી. નગર પાલિકાએ તમામને નોટિસ ફટકારી છે અને દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત રાધે ટેક્સ્ટાઇલ માર્કેટની 411 દુકાનો સીલ કરી છે, જ્યારે ગેલેક્સી ઇસ્કોન 23 દુકાનો સીલ કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણીઃ 3 વાગ્યા સુધી 49.68 ટકા મતદાન, ઝારખંડમાં સૌથી વધુ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના સાતમાં તબક્કામાં આઠ રાજ્યોની 57 બેઠકો પર મતદાન ચાલુ છે. સાતમા તબક્કામાં ત્રણ વાગ્યા સુધી 49.68 ટકા મતદાન થઈ ચૂક્યું છે. સૌથી વધુ ઝારખંડમાં 60.14 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં બશીરહાટ લોકસભામાં બયારબારીમાં TMC અને ભાજપના કાર્યકર્તાની વચ્ચે અથડામણ થઈ હોવાની અહેવાલ હતા.  આ રાજ્યોમાંથી કુલ 904 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીના પરિણામ 4 જૂને જાહેર થશે.

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું છે અને ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહિલાઓએ રાજબારી પોલીસ ચોકીને ઘેરી લીધી છે. અહીં જબરદસ્ત નારાબાજી થઈ રહી છે.સાતમા તબક્કામાં ત્રણ કલાક સુધી બિહારમાં 43 ટકા, ચંડીગઢમાં 52.6 ટકા, હિમાચલ પ્રદેશમાં 58.4 ટકા, ઝારખંડમાં 60.1 ટકા, ઓડિશામાં 49.8 ટકા, પંજાબમાં 46.4 ટકા, ઉત્તર પ્રદેશમાં 46.8 ટકા અને પશ્ચિમ બંગાળમાં 58.5 ટકા મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધી 40.09 ટકા મતદાન થયું હતું.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર અને ઝારખંડની ત્રણ સીટો સામેલ છે. એ સાથે ચંડીગઢની એકમાત્ર સીટ પર મતદાન થશે.સાતમા તબક્કામાં આઠ રાજ્યોની 57 લોકસભા સિવાય ઓડિશામાં 42 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. આ સિવાય હિમાચલ પ્રદેશની છ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તબક્કામાં પંજાબ અને હિમાચલ પ્રદેશની તમામ લોકસભા સીટો પર મતદાન થશે.

 

 

 

 

 

લિકર પોલિસી કેસઃ કેજરીવાલ આવતીકાલે સરેન્ડર કરશે

દિલ્હીની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આંચકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને શનિવારે સાત દિવસની વચગાળાની જામીનની મુદત વધારવાની તેમની અરજી પર કોઈ રાહત આપી ન હતી. કોર્ટ વચગાળાના જામીન અંગેની આગામી સુનાવણી 5મી જૂને હાથ ધરશે. EDએ સુનાવણી દરમિયાન કોર્ટને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે તથ્યો છુપાવ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય સહિત ઘણા મુદ્દાઓ પર ખોટા નિવેદનો આપ્યા હતા. આના જવાબમાં કેજરીવાલના વકીલે કહ્યું કે તે (કેજરીવાલ) બીમાર છે અને સારવારની જરૂર છે.

કોણે શું દલીલ આપી?

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ મેડિકલ ટેસ્ટ કરાવવાને બદલે સતત રેલીઓ કરી રહ્યા છે. મતલબ કે કેજરીવાલનો સાત કિલો વજન ઘટાડવાનો દાવો ખોટો છે. તુષાર મહેતાએ વધુમાં દાવો કર્યો કે કેજરીવાલનું વજન એક કિલો વધી ગયું છે. કેજરીવાલના વકીલ હરિહરને કહ્યું કે ED એ સૂચવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે જે વ્યક્તિ બીમાર છે અથવા જેની તબિયત ખરાબ છે તેને કોઈ સારવાર નહીં મળે?

અરવિંદ કેજરીવાલે કયા આધારે અરજી દાખલ કરી?

કેજરીવાલે વચગાળાના જામીનની મુદ્દત વધારવાની માંગ કરતા કહ્યું કે અચાનક અને ન સમજાય તેવા વજનમાં ઘટાડો તેમજ કીટોનના ઊંચા સ્તરને ધ્યાનમાં રાખીને સીટી સ્કેન સહિત અનેક મેડિકલ ટેસ્ટ કરાવવા પડશે. આવી સ્થિતિમાં જામીનનો સમયગાળો સાત દિવસ લંબાવવો જોઈએ.

સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે

તાજેતરમાં, સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ કેજરીવાલની અરજીને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો. રજિસ્ટ્રીએ કહ્યું હતું કે કેજરીવાલને નિયમિત જામીન માટે નીચલી અદાલતમાં જવાની સ્વતંત્રતા આપવામાં આવી હોવાથી, પ્રશ્નમાંની અરજી મેન્ટેનેબલ નથી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણી માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. કોર્ટે કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આવી સ્થિતિમાં, તેણે આવતીકાલે એટલે કે રવિવારે (2 જૂન, 2024) આત્મસમર્પણ કરવું પડશે.

15 જૂને MP અને ગુજરાતમાં પહોંચશે ચોમાસું

કેરળમાં ચોમાસું આવી ગયું છે અને ટૂંક સમયમાં અન્ય રાજ્યોમાં પહોંચી શકે છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમયના બે દિવસ પહેલા એટલે કે 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશમાં પહોંચવાની સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 29 મેના રોજ કેરળ અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં પ્રવેશ્યું હતું. કેરળ અને ઉત્તર-પૂર્વમાં એક સાથે ચોમાસાની શરૂઆત ખૂબ જ રસપ્રદ છે. આ પહેલા પણ ચાર વખત આવું બન્યું છે. વર્ષ 2017, 1997, 1995 અને 1991માં ચોમાસું કેરળ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એક સાથે પહોંચ્યું હતું.

ચોમાસું 15 જૂને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં ચોમાસું 15 જૂનની આસપાસ અથવા તેના સામાન્ય સમય કરતાં એક કે બે દિવસ પહેલા પહોંચવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે આ સિઝનમાં રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની ધારણા છે. રાજ્યનો સરેરાશ વરસાદ 949 મીમી છે. ગયા વર્ષે 25 જૂને મધ્યપ્રદેશમાં ચોમાસું આવ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં ચોમાસાએ સમગ્ર રાજ્યને આવરી લીધું હતું.

જુદા જુદા રાજ્યોમાં ચોમાસું ક્યારે આવશે?

કેરળમાં ચોમાસાના આગમન સાથે, તે સામાન્ય રીતે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. ચાલો જાણીએ હવામાન વિભાગની આગાહી મુજબ, કયા રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે.

રાજ્ય તારીખ
કેરળ, તામિલનાડુ 1 જૂન
કર્ણાટક, આંધ્રપ્રદેશ અને આસામના કેટલાક ભાગો 5 જૂન
મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો ઉપરનો ભાગ, પશ્ચિમ બંગાળ 10 જૂન
ગુજરાત અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા ઝારખંડ અને બિહારની સરહદ 15 જૂન
ગુજરાતના આંતરિક વિસ્તારો, મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશના ભાગો 20 જૂન
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર 25 જૂન
રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ 30 જૂન
રાજસ્થાન 5 જુલાઇ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં અલ નીનો સિસ્ટમ નબળી પડી રહી છે અને લા નીનાની સ્થિતિ સક્રિય બની રહી છે જે આ વર્ષે સારા ચોમાસા માટે સાનુકૂળ છે. જેના કારણે ભારતમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે. તે જ સમયે, લા નીના સાથે, આ વર્ષે સારા ચોમાસા માટે ઇન્ડિયન ઓશન ડીપોલ (IOD)ની સ્થિતિ પણ અનુકૂળ બની રહી છે, જે ચોમાસા માટે સકારાત્મક સંકેતો છે.

લોકસભા ચૂંટણીઃ કુલ ચૂંટણી ખર્ચ રૂ. એક લાખ કરોડને પાર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. સાતમા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ (UT)ની 57 સીટો પર 904 ઉમેદવારો માટે મતદાન થઈ રહ્યું છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પાછલા બધા રેકોર્ડ તોડતાં વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી બની રહી છે, એમ સેન્ટર ફોર મિડિયા સ્ટડીઝનો અહેવાલ કહે છે.

સામાન્ય ચૂંટણીમાં આશરે રૂ. 1.35 લાખ કરોડ ખર્ચ થવાનો અંદાજ છે. જે પાછલી લોકસભા ચૂંટણી 2019માં ખર્ચ રૂ. 55,000-60,000 કરોડથી ક્યાંય વધુ છે. આ આંકડો વર્ષ 2020ની અમેરિકી ચૂંટણીમાં થયેલા ખર્ચ રૂ. 1.2 લાખ કરોડથી પણ વધુ છે. ચૂંટણી ઘણી ખર્ચીલી હોવાને કારણે આ વખતે એક મતની કિંમત રૂ. 1400 સુધી પહોંચી ગઈ છે.

ચૂંટણી પંચે ઉમેદવારો માટે કાયદાકીય રીતે પ્રત્યેક સંસદસભ્યદીઠ રૂ. 95 લાખ સુધીના ખર્ચની મર્યાદા નક્કી કરી હતી, જ્યારે વિધાનસભ્ય માટે રાજ્યના આધારે રૂ. 28 લાખથી રૂ. 40 લાખની ખર્ચની મર્યાદા રાખી હતી. જોકે અરુણાચલ પ્રદેશ જેવાં નાનાં રાજ્યો માટે આ મર્યાદા રૂ. 75 લાખ અને વિધાનસભ્ય માટે રૂ. 28 લાખની મર્યાદા છે. જોકે ફુગાવાને ધ્યાનમાં રાખતાં વર્ષ 2022માં આ મર્યાદાને સંશોધિત કરવામાં આવી હતી.

જોકે જેતે રાજકીય પક્ષો દ્વારા ખર્ચની કોઈ મર્યાદા રાખવામાં નહોતી આવી. ચૂંટણી ખર્ચની વ્યક્તિગત ઉમેદવારો પર ત્યારે લાગુ થાય છે, જ્યારે તેઓ નામાંકન પત્ર દાખલ કરે છે, જેમાં જાહેર બેઠકો, ચૂંટણી સભાઓ, જાહેરાતો અને પરિવહન ખર્ચ સામેલ હોય છે.

 

 

 

 

 

 

 

 

PM મોદી ધ્યાનમાંથી બહાર આવ્યા

પીએમ નરેન્દ્ર મોદીએ કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં તેમનું 45 કલાકનું ધ્યાન પૂર્ણ કર્યું છે. ધ્યાન પૂર્ણ કર્યા બાદ પીએમ મોદીએ નજીકમાં સ્થિત કવિ તિરુવલ્લરને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ગુરુવારે બરાબર 3 વાગ્યે તેઓ ધ્યાનથી બહાર આવ્યા હતા. PM નરેન્દ્ર મોદી ગુરુવારે ધ્યાન માટે કન્યાકુમારી પહોંચ્યા હતા. અહીંના ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કર્યા બાદ તેઓ ફેરી દ્વારા વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા અને ધ્યાન કરવા લાગ્યા.

પીએમ ગુરુવારે કન્યાકુમારી પહોંચ્યા હતા

PM નરેન્દ્ર મોદી ગુરુવારે ધ્યાન માટે કન્યાકુમારી પહોંચ્યા હતા. અહીંના ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કર્યા બાદ તેઓ ફેરી દ્વારા વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા અને ધ્યાન કરવા લાગ્યા. કન્યાકુમારી સૂર્યોદય અને સૂર્યાસ્તના નજારા માટે પ્રખ્યાત છે. પીએમ મોદી 30 મેની સાંજે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન કરવા પહોંચ્યા હતા. આ સ્મારક સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ તરીકે બનાવવામાં આવ્યું છે અને તે સમુદ્રની મધ્યમાં આવેલું છે.

ચૂંટણી પૂરી થયા પછી કન્યાકુમારી પહોંચ્યા

ચૂંટણીના છેલ્લા તબક્કાનો પ્રચાર પૂરો થયા બાદ પીએમ મોદી તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા હતા. ગુરુવારે કન્યાકુમારી પહોંચ્યા બાદ તેમણે ભગવતી અમ્માન મંદિરમાં પૂજા પણ કરી હતી. આ મંદિર દેવી કન્યાકુમારીને સમર્પિત છે. અગાઉ, 2019ના ચૂંટણી પ્રચાર પછી, પીએમએ કેદારનાથ ગુફામાં ધ્યાન કર્યું હતું.

હંસલ મહેતાની લિપલૉક તસવીર વાયરલ, ટ્રોલર્સને આપ્યો વળતો જવાબ

મુંબઈ: હંસલ મહેતા બૉલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. ‘સ્કેમ 1992’, ‘સ્કૂપ’, ‘સ્કેમ 2003’ સિરીઝ સિવાય તેમણે ઘણી શાનદાર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. હંસલ મહેતા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે, જેના કારણે તે ઘણીવાર ટ્રોલિંગનો શિકાર બને છે.

તાજેતરમાં, તેમણે સોશિયલ મીડિયા પર તેની પત્નીને કિસ કરતી તસવીર પોસ્ટ કરીને તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કરનાર યુઝર્સને યોગ્ય જવાબ આપ્યો. એક યુઝરે તસવીર પર કમેન્ટ કરતા હંસલ મહેતાને સ્કમ્બેગ (બદમાશ) કહ્યા, જેનો હંસલ મહેતાએ X પર જવાબ આપ્યો.

તમારા ટ્રોલિંગની કોઈ અસર નહીં થાય

હંસલ મહેતાના ટ્રોલ થવા પાછળનું કારણ તેમની પોસ્ટ છે, જે તેમણે ગુરુવારે કરી હતી. જેમાં સાઉથ સ્ટાર નંદામુરી બાલક્રિષ્નનનો એક વીડિયો શેર કરતા તેણે પૂછ્યું હતું કે, આ બદમાશ કોણ છે? આ વીડિયોમાં બાલકૃષ્ણન એક એક્ટ્રેસને સ્ટેજ પર ધક્કો મારતા જોવા મળ્યા હતા. આ પછી દમ મસાલા નામના એક એક્સ યુઝરે હંસલ મહેતાની એક તસવીર પોસ્ટ કરી, જેમાં તે તેની પત્નીને કિસ કરતા જોવા મળી રહ્યા છે. ટ્રોલરે તેને આ તસવીર પર ટેગ કર્યા અને લખ્યું, “આ લિપલોક કરનાર બદમાશ માણસ કોણ છે?”

આ ટિપ્પણીના જવાબમાં હંસલ મહેતાએ લખ્યું- “તમારા ટ્રોલિંગની કોઈ અસર થશે નહીં. આ એક માણસ છે જે તેની પત્નીને ચુંબન કરી રહ્યો છે અને મને લાગે છે કે તમારા પ્રિયજનો માટે જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવામાં કંઈ ખોટું નથી. હું કોઈ મહિલા પર દબાણ નથી કરી રહ્યો અને ન તો હું તેમની સાથે ખરાબ વર્તન કરી રહ્યો છું.”

આ દરમિયાન આ સમગ્ર મામલાની વચ્ચે અભિનેત્રી અંજલિએ બાલકૃષ્ણનો બચાવ કરતા ઈવેન્ટનો એક વીડિયો શેર કર્યો છે. અંજલિએ કહ્યું કે અમે સારા મિત્રો છીએ અને તેની સાથે સ્ટેજ શેર કરવું મારા માટે અદ્ભુત હતું.