Home Blog Page 1548

રાજ્યમાં ફરી જામશે ચોમાસુ, જાણો હવામાન વિભાગની આગાહી

ચોમાસાની શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ બાદ ચોમાસુ ક્યાંકને ક્યાંક નબળું પડતું જોવા મળી રહ્યું હતું. ત્યારે ફરી એક વખત વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની જાણકારી પ્રમાણે આજે રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાવવાની શક્યતા છે. આ ઉપરાંત આજે રાજ્યના બે જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત અને અમરેલીમાં આજે અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.

રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદની વિવિધ સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસે શકે છે. આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે વહેલી સવારથી જ વડોદરામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ થયું હતું. તે સાથે જ અમદાવાદ શહેરમાં વહેલી સવારે તડકો અને બફારો અનુભવાયા બાદ સવારથી જ વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાત ઉપર હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે અન્ય એક ઓફ શોર ટ્રફ મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી સક્રિય છે. આ ત્રણ સિસ્ટમનો લાભ ગુજરાત રાજ્યને મળશે, તેથી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ દરમિયાન ક્યારેક ઓરેન્જ તો ક્યારેક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

‘સ્ત્રી 2’નું શૂટિંગ આ ભૂતિયા લોકેશન પર થયું, રાજકુમાર રાવે કહ્યો ડરામણો કિસ્સો

મુંબઈ: ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. લોકોમાં ફિલ્મનો ક્રેઝ ખતમ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વાર્તાથી લઈને ‘સ્ત્રી 2’ ના પાત્રો સુધી બધું જ લોકોને પસંદ આવી રહ્યું છે. આ દરમિયાન રાજકુમાર રાવે શૂટિંગ દરમિયાન બનેલી ડરામણી ઘટના વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે ‘સ્ત્રી’ અને તેની સિક્વલના શૂટિંગ દરમિયાન તેને અલૌકિક શક્તિઓનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં ફિલ્મમાં ખંડેર જોવા મળ્યુ હતું. ત્યાં એક ક્રૂ મેમ્બર સાથે એક ડરામણી ઘટના બની. રાજકુમારે ‘સ્ત્રી 2’ના હોન્ટેડ લોકેશન વિશે પણ ખુલાસો કર્યો છે.

રાજકુમાર રાવનું ભૂત સાથે એન્કાઉન્ટર થયું હતું

તાજેતરમાં, રણવીર અલ્હાબાદિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં, રાજકુમાર રાવે ખુલાસો કર્યો હતો કે ‘સ્ત્રી’ ના શૂટિંગ દરમિયાન તેને અહેસાસ થયો હતો કે કેટલીક અલૌકિક શક્તિઓ અને ભૂત આસપાસ છે, જેના પછી તે ખૂબ ડરી ગયો હોય. અભિનેતાએ કહ્યું કે નાઇટ શૂટિંગ દરમિયાન તેણે આખી ટીમ સાથે તસવીર ખેંચાવી હતી, પરંતુ તેમાં કોઈનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો. તે દિવસને યાદ કરતાં અભિનેતાએ કહ્યું,’રાત્રે શૂટિંગ ચાલી રહ્યું હતું અને મારી પાસે એક શૉટ હતો જેમાં હું શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો… અને તે સમયે મેં ચહેરા વિનાની એક છોકરી જોઈ.’ તેણે વધુમાં જણાવ્યું કે તેના એક ક્રૂ મેમ્બર સાથે પણ અકસ્માત થયો હતો, પરંતુ તે ઠીક છે.

સ્ટ્રી 2 ના ભૂતિયા સ્થાનો
‘સ્ત્રી’ના દરેક દ્રશ્યને સારા બનાવવા માટે ટીમે ચેતવણીઓ મળવા છતાં સુમસામ જગ્યાએ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. તમને જણાવી દઈએ કે ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મધ્યપ્રદેશના ભોપાલ અને ચંદેરીમાં થયું છે. ‘સ્ત્રી 2’માં જોવા મળેલા ખંડેર મધ્યપ્રદેશના ભોપાલ શહેરના છે. ‘સ્ત્રી 2’ના સૌથી ડરામણા દ્રશ્યો ચંદેરી કિલ્લા, 150 વર્ષ જૂની તાજમહેલ હવેલી, કાટી વેલી, રાજા રાની મહેલ અને જાગેશ્વરી મંદિરમાં થયા હતા.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નર્મદા નદી પર કુતુબ મિનારની ઊંચાઈના 4 વેલ ફાઉન્ડેશન બનાવાયા

ગાંધીનગર: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ગુજરાતમાં નર્મદા નદી પરથી પસાર થવાનો છે. નર્મદા નદી પરના આ પુલની કામગીરી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઝડપથી પ્રગતિ કરી રહી છે. જેના પર 4 વેલ ફાઉન્ડેશન બનાવવામાં આવી રહ્યા છે. જેની ઊંડાઈ કુતુબ મિનારની ઊંધી ઊંચાઈ કરતાં પણ વધારે છે. ગુજરાતના ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નર્મદા નદી પર 1.4 કિલોમીટર લાંબો પુલ (સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે) નિર્માણાધીન છે. આ પ્રોજેક્ટના ગુજરાત હિસ્સાનો આ સૌથી લાંબો નદીનો પુલ છે.પુલ વેલ ફાઉન્ડેશન પર બનાવવામાં આવી રહ્યો છે. વેલ ફાઉન્ડેશન એ એક પ્રકારનો ઊંડો પાયો છે જે નદીઓમાં સ્થિત હોય છે જેનો ઉપયોગ પુલ જેવા ભારે માળખાને ટેકો આપવા માટે થાય છે. તેમાં એક ખોખલું, નળાકાર માળખું હોય છે, જે સ્થિરતા અને લોડ-બેરિંગ ક્ષમતા પૂરી પાડવા માટે ઇચ્છિત ઊંડાઈ સુધી જમીનમાં ડૂબી જાય છે. વેલ ફાઉન્ડેશન એ વિશાળ નદીઓ પર રેલવે, ધોરીમાર્ગો, પુલો/વાયડક્ટ્સ માટેના સૌથી જૂના અને સૌથી અસરકારક પાયાના પ્રકારોમાંનો એક છે. આ પદ્ધતિનો ઉપયોગ ઘણીવાર ઊંડા અને અસ્થિર નદીના પથારીવાળા વિસ્તારોમાં કરવામાં આવે છે જ્યાં અન્ય પાયાના પ્રકારો શક્ય નથી.

નર્મદા એચ.એસ.આર. પુલમાં ૨૫ નંગ વેલ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. 5 નંગ વેલ 70 મીટરથી વધુ ઊંડા છે અને નર્મદા નદીમાં સૌથી ઊંડો વેલ ફાઉન્ડેશન (વેલના સ્થાપક સ્તર સુધી વેલ કેપ ટોપ) 77.11 મીટર છે, અને નદીમાં અન્ય વેલના પાયાઓની ઊંડાઈ આશરે 60 મીટર છે. 4 નંગ વેલ ફાઉન્ડેશન્સ કુતુબ મિનારની ઊંધી ઊંચાઈને વટાવી જશે, જે ભારતના સૌથી ઊંચા બાંધકામોમાંનું એક છે. સુસ્થાપિત માળખા સાથે સંકળાયેલો મુખ્ય પડકાર એ છે કે ભરતીના મોજાઓ, નદીના ઊંચા પ્રવાહ અને ડૂબતા સ્તરે જમીનની સ્થિતિ જેવા કુદરતી બળોને કારણે લાંબા ગાળાની ડૂબવાની પ્રક્રિયા દરમિયાન વેલનો ” ઝુકાવ” અને “સ્થળાંતર” કરવું છે.

સપ્ટેમ્બર ૨૦૨૩માં ચોમાસાની ઋતુ અને પૂરની પરિસ્થિતિ દરમિયાન શકિતશાળી નર્મદા નદી ઉપર પુલના નિર્માણને પ્રતિકૂળ અસર થઈ હતી. સરદાર સરોવર ડેમમાંથી પાણીનો મોટો જથ્થો (અંદાજે 18 લાખ ક્યુસેક) છોડવામાં આવ્યો હતો, જેના પરિણામે કામચલાઉ સ્ટીલના પુલને નુકસાન થયું હતું, જેના પરિણામે બાંધકામની જગ્યા ઉપર ઓન-સાઇટ હેવી ડ્યુટી ક્રેન ડૂબી ગઈ હતી અને તેમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે વર્ક-ફ્રન્ટ્સ દુર્ગમ બન્યા હતા અને ઇલેક્ટ્રિકલ જોડાણમાં ખલેલ પહોંચી હતી.આ પડકારો છતાં, સાઇટ ઇજનેરોએ કામગીરીને પુન:સ્થાપિત કરવા માટે રાત-દિવસ અથાક મહેનત કરી હતી. વેલના ડૂબી જવા પર સતત નજર રાખવા માટે વધારાની ટીમોને એકત્રિત કરવામાં આવી હતી. જેક-ડાઉન પદ્ધતિના ઉપયોગ સાથે, ઝુકાવ અને સ્થળાંતરના મુદ્દાઓને સમયસર સારી રીતે સંબોધવામાં આવ્યા હતા. ઝીણવટભર્યું આયોજન અને સમર્પિત ઓન-સાઇટ ટીમ સાથે પુલના કામમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે અને 25 વેલમાંથી 19 ફાઉન્ડેશન પૂર્ણ થયા છે. સુપરસ્ટ્રક્ચરના નિર્માણનું કામ પણ શરૂ થઈ ગયું છે.

પુલની મુખ્ય લાક્ષણિકતાઓ:

– કુલ સ્પાન: 24 નંગ. (21X60 મીટર + 2X36 મીટર + 1X35 મીટર)
– વેલ ફાઉન્ડેશનની સંખ્યા અને કદ: 25 નંગ. (10 મીટર ડાયા. અને ૬૦ મીટરથી વધુ ઊંડું)
– થાંભલાની કુલ સંખ્યાઃ 25 ગોળાકાર થાંભલા (5 મીટર અને 4 મીટર ડાયા.)
– થાંભલાની ઊંચાઈ: 14 મીટર થી 18 મીટર
– સુપરસ્ટ્રક્ચરનો પ્રકારઃ પોસ્ટ-ટેન્શન બોક્સ ગર્ડર્સ (એસબીએસ પ્રકાર)આ પ્રોજેક્ટમાં કુલ 24 નદી પુલ છે, જેમાંથી 20 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે. ગુજરાતના 20 પુલ પૈકી દસ (10) નદીઓ પર કાર્ય પૂર્ણ થયું છેઃ પાર (320 મીટર) વલસાડ જિલ્લો, પૂર્ણા (360 મીટર) નવસારી જિલ્લો, મિંઢોળા (240 મીટર) નવસારી જિલ્લો, અંબિકા (200 મીટર) નવસારી જિલ્લો, ઔરંગા (320 મીટર) વલસાડ જિલ્લો, વેંગા (200 મીટર) નવસારી જિલ્લો, મોહર (160 મીટર) ખેડા જિલ્લો, ધાધર (120 મીટર) વડોદરા જિલ્લો, કોલાક નદી (160 મીટર) વલસાડ જિલ્લો અને વાત્રક (280 મીટર) વલસાડ જિલ્લો, વલસાડ જિલ્લો અને વાત્રક (280 મીટર) ખેડા જિલ્લો.

વિધાનસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રનો કિંગ કે કિંગમેકર કોણ બનશે?

મુંબઈઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગવા માંડ્યાં છે.  લોકસભા ચૂંટણીમાં ઉદ્ધવની પાર્ટીએ શિંદેની શિવસેનાથી વધુ સીટો જીતી હતી, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી મહત્ત્વની માનવામાં આવી રહી છે. ભાજપ હાલના સમયે રાજ્યમાં કેટલાય પડકારોનો સામનો કરી રહ્યો છે. અજિત પવારને મહાયુતિ ગઠબંધનમાં સામેલ કરવાનો નિર્ણય અંદર અને બહાર –બંને તરફથી ટીકાત્મક રહ્યો છે. જ્યારે ચાલી રહેલું મરાઠા આંદોલને એ આગમાં ઘીનું કામ કર્યું છે. જેથી ભાજપ માટે વિધાનસભાની ચૂંટણીમાં અનેક પડકારો છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક દેખાવો પછી કાર્યકર્તાઓના મનોબળ પર સીધી પ્રતિકૂળ અસર પડી છે. એનાથી વિરુદ્ધ મહાવિકાસ આઘાડી (MVA) વિધાનસભામાં જીતવા માટે આશ્વસ્ત છે. એક સર્વેમાં માલૂમ પડ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં 200માંથી MVA 160થી વધુ સીટો જીતે એવી શક્યતા છે.

ભાજપે સત્તામાં વાપસી માટે ઉપ CM દેવેન્દ્ર ફડણવીસે ફરીથી કેપ્ટન બનાવ્યા છે.જેથી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર માટે ફડણવીસ જ સૌથી મોટા ટાર્ગેટ છે. ઠાકરેએ તો ઘોષણા કરી છે કે ફડણવીસ કે ખુદ તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં જીવતા રહેશે. ઠાકરે અને ફડણવીસની વચ્ચે દુશ્મની 2019ની પહેલાંથી છે, પણ ચૂંટણી પરિણામો પછી એ ઔર બગડી હતી. આમ હવે વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રનો કિંગ કે કિંગમેકર કોણ બનશે? એ એક સવાલ છે.

જોકે બીજી બાજુ એક સર્વે મુજબ હાલની સરકારના કામથી 25 ટકા લોકો સંતુષ્ટ છે અને CM શિંદેના કામથી સંતુષ્ટ લોકોની સંખ્યા 35 ટકા છે. શિંદેની લોકપ્રિયતા વધી છે તો એ ભાજપ માટે ચિંતાનું કારણ છે અને એ ચિંતા દેવેન્દ્ર ફડણવીસ માટે પણ છે, કેમ કે ભાજપ શિંદેનો ચહેરો કરીને ચૂંટણીમાં જશે કે દેવેન્દ્ર ફડણવીસનો- એ એક સવાલ છે.

AMC કમિશનરે ફાયર બ્રિગેડના 9 અધિકારીઓની કરી હકાલપટ્ટી..

રાજકોટમાં બનાલી ગોઝારી માનવ સર્જીત દુર્ઘટના બાદ ફાય વિભાગમાં મોટા ફેરફારો આવતા જોવા મળી રહ્યા છે. ભરતી પ્રક્રિયાની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા 3 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 ફાયર બ્રિગેડના અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અધિકારીઓની હકાર પટ્ટી પાછળનું મુખ્ય કારણ બોગસ સ્પોન્સરશીપથી નોકરી મેળવી હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરબ્રિગેડ વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ લઈ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી અને તેના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનાર ત્રણ ડેપ્યુટી ફાયર ઓફિસરો સહિત કુલ 9 જેટલા અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે આજે શુક્રવારે બપોરે નોકરીમાંથી કાઢી મૂકવા માટેનો ઓર્ડર કર્યો હતો. ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશીપથી પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના IR વિભાગ દ્વારા ફાઈનલ શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. 10 દિવસમાં બોગસ સ્પોન્સરશીપ મામલે જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. સંતોષકારક જવાબ આપવામાં ન આવતા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

અમદાવાદ ફાયરબ્રિગેડમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ અને ઓમ જાડેજાએ ગુજરાત સ્ટેટ સિવિલ ડિફેન્સ અમદાવાદની બોગસ સ્પોન્સરશીપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ ઓફિસરનું પ્રમાણપત્ર મેળવી અન્ય સંસ્થાઓમાં નિમણૂક મેળવી ફરજ બજાવી અને તેના અનુભવના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી. ગાંધીનગર અને અમદાવાદનો હવાલો સંભાળતા ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરે પણ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં સબ ઓફિસર્સ કોર્ષ, સ્ટેશન ઓફિસર અને ઈન્સ્ટ્રકટર્સ કોર્ષ તથા ડિવિઝનલ ઓફિસર્સ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેનો નિયત કરાયેલ અનુભવ મેળવ્યા સિવાય અયોગ્ય રીતે પ્રવેશ મેળવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી.

અધિકારીનું નામ હોદ્દો
કૈઝાદ દસ્તુર ડિવિઝનલ ફાયર ઓફિસર
ઓમ જાડેજા ડિવિઝનલ ફાયર ઓફિસર
ઈનાયત શેખ ડિવિઝનલ ફાયર ઓફિસર
મેહુલ ગઢવી સ્ટેશન ઓફિસર
શુભમ ખડિયા સ્ટેશન ઓફિસર
અનિરૂદ્ધ ગઢવી સ્ટેશન ઓફિસર
સુધીર ગઢવી સ્ટેશન ઓફિસર
અભિજીત ગઢવી સ્ટેશન ઓફિસર
આસિફ શેખ સબ ફાયર ઓફિસર

ભારતમાં ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા 95.4 કરોડ થઈ: ટ્રાઈ રિપોર્ટ

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈના માર્ચ 2024ના ડેટા સામે આવ્યા છે. જેમાં કેટલીક રસપ્રદ માહિતી પણ પ્રાપ્ત થઈ છે. આ ડેટા અનુસાર ભારતમાં ઈન્ટરનેટ સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા માર્ચ 2023માં 88.1 કરોડથી વધીને માર્ચ 2024 સુધીમાં 95.4 કરોડ થઈ હતી, જેમાં 7.3 કરોડ ગ્રાહકોનો નોંધપાત્ર ઉમેરો થયો છે. આ આંકડો વાર્ષિક વૃદ્ધિ દર 8.30%નો દર્શાવે છે. બીજી તરફ  દેશમાં મોબાઈલ યુઝર્સ દ્વારા દર મહિને વોઈસ કોલ પર વિતાવેલો સરેરાશ સમય 10 વર્ષમાં લગભગ દોઢ ગણો વધી ગયો છે. મોબાઈલ યુઝર્સ હવે દર મહિને વોઈસ કોલ પર સરેરાશ 963 મિનિટ વિતાવે છે. આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. 10 વર્ષ પહેલા 2014માં મોબાઈલ યુઝર્સ વોઈસ કોલ પર સરેરાશ 638 મિનિટ વિતાવતા હતા.ડિસેમ્બર 2018 સુધીમાં મોબાઇલ વપરાશકર્તાઓનો દર મહિને વૉઇસ કૉલ પર સમય પસાર કરવાનો સરેરાશ સમયગાળો 622 મિનિટ હતો. પરંતુ આ પછી તેમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષોમાં મોબાઇલ વપરાશકર્તાઓ દ્વારા વૉઇસ કૉલ્સ પર વિતાવતો સમય વાર્ષિક 9.1% ના દરે વધ્યો છે. તેનું મુખ્ય કારણ ટેલિકોમ કંપનીઓ દ્વારા વોઈસ કોલ ફ્રી કરવા અને ડેટાના દરમાં વધારો છે. પોસ્ટ-પેડ યોજનાઓના સંદર્ભમાં વૉઇસ કૉલ્સ ઘટી ગયા છે અને વૃદ્ધિ મુખ્યત્વે પ્રિ-પેડમાંથી આવી રહી છે.જોકે, વોઇસ કોલ્સમાં વૃદ્ધિ ટેલિકોમ ઓપરેટર્સને મદદ કરી રહી નથી, વોઇસ કોલ્સમાંથી વપરાશકર્તા દીઠ સરેરાશ આવક ઘટી રહી છે. ડિસેમ્બર 2016 સુધીમાં ટેલિકોમ કંપનીઓ કોલ્સમાંથી પ્રતિ મહિને પ્રતિ યુઝર રૂ.59 કમાતી હતી. ટ્રાઈના જણાવ્યા અનુસાર, માર્ચ 2024 સુધીમાં આ કમાણી ધીમે-ધીમે ઘટીને પ્રતિ યુઝર પ્રતિ મહિને 15 રૂપિયા થઈ ગઇ છે. આ સાથે મોબાઈલ ફોન પર સરેરાશ ડેટા વપરાશ પણ ઓલ ટાઈમ રેકોર્ડ સ્તરે છે.રિલાયન્સ જિયોએ જૂનમાં 19.1 લાખ નવા મોબાઇલ ફોન વપરાશકર્તાઓ ઉમેર્યા છે. આ સમયગાળા દરમિયાન એરટેલના ગ્રાહકોની સંખ્યામાં 12.5 લાખનો વધારો થયો છે. બીજી તરફ જૂન મહિનામાં વોડાફોન આઈડિયાના યુઝર્સની સંખ્યામાં સતત ઘટાડો રહ્યો હતો. તેણે તેના 8.61 લાખ વપરાશકર્તાઓ ગુમાવ્યા.

ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો

અમદાવાદ: દેશ સહિત રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ શહેરમાં પણ ઈલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડમાં પણ વધારો નોંધાય રહ્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની ખરીદીમાં ત્રણ વર્ષમાં 927 ટકાનો ઉછાળો નોંધાયો છે. આરટીઓના સુત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર, 2021માં 1 હજાર ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચાયા હતા, જે 2022માં વધી 7,127 સુધી પહોંચી હતી અને 2023માં 10,271 વાહનનું વેચાણ નોંધાયું હતું. આ ઉપરાંત લાઈટ વેટ વ્હિકલ્સ અને થ્રી-વ્હીલર્સની ખરીદીમાં 2021થી 2023 દરમિયાન વધારો થયો છે. જ્યારે બીજી બાજું 2 હજારથી વધુ ઈલેક્ટ્રિક કારનું પણ વેચાણ થયું છે.

ઈલેક્ટ્રિક વ્હિકલને પ્રોત્સાહન આપવા માટે મ્યુનિ.એ 81 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. ઈલેક્ટ્રિક વાહનની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ચાર્જિંગ સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર 12 ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત છે. જેમાં સિંધુભવન રોડ, પ્રહલાદનગર ગાર્ડન, ઈન્કમટેક્સ બ્રિજ, નારોલ ફ્લાયઓવર, સીટીએમ બ્રિજ નીચે, કાંકરિયા, ન્યુ એસજી રોડ, બાપુનગર બ્રિજ, અને ગોવિંદવાડી સર્કલ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 27 નવી જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. 81 જગ્યાઓ પર ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આના સાથે અમદાવાદ શહેરનું ઇલેક્ટ્રિક વ્હિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગામી વર્ષોમાં વધુ મજબૂત બનશે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રૂ. 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર

ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નવ જિલ્લામાં જુલાઈમાં પડેલા ભારે વરસાદને પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા CM ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા  રૂ. 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં ચાર લાખ હેકટર વિસ્તારમાં પાકને થયેલા નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. વિધાનસભાના નિયમ 44 અંતર્ગત ગૃહમાં કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આફતના સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઊભી છે. રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે  જુલાઈમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતાં આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેને આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડનાં ધારા-ધોરણો મુજબ પાક નુકસાન માટે સહાય આપવામાં આવશે.

આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાને આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. 3,500 કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. 3500 ચૂકવવામાં આવશે, જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.

આ સાથે ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયત નમૂનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.

 

Opinion: વિકૃત માનસિકતાનું કેન્દ્ર ક્યું?

દેશભરમાં દર વર્ષે દશેરાની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે, રાવણના પૂતળા સ્વરૂપે સમાજમાં પ્રસરેલા દુષણોનું દહન કરવામાં આવે છે. પણ શું કોઈ પોતાની આંતરિક આસુરી વિચારધારાનું દહન કરે છે? જ્યારે રાવણને આપણે એક અપરાધમાં દર વર્ષે તપતી આગમાં દહન કરીએ છીએ. તો આજના આ નરાધમીઓને શું આકરામાં આકરી સજા ન થવી જોઈએ? આમ તો આજે આપણે સ્ત્રી-પુરૂષ સમાનતાની વાતો કરીએ છીએ, પણ શું ખરેખ આપણી દીકરીઓ સુરક્ષિત છે? ક્યાંથી ઉદ્દભવે છે આવી આસુરી વિચારધારા, જે લક્ષ્મી, સરસ્વતી કે શક્તિ સમાન નારીનું સન્માન કરી શકતા નથી. કોઈ કહે ભળકે બાળો કોઈ કહે ફાંસીએ લટકાવો પણ શું રાવણનું દહન કરવાથી અસુરના અસ્તિત્વ પર પૂર્ણવિરામ આવી જશે?

માઁથી સંબોધન થતા આ દેશમાં રહેતા આવા નરાધમ લોકોને શું સજા મળવી જોઈએ? આવી માનસિક્તાનું કેન્દ્ર બિંદુ શું હોય છે? જાણો આ વખતના અમારા ઓપિનિયન વિભાગમાં. શું છે આ મુદ્દે લોકોનો મત…

ડૉ. રામાશંકર, M.D. મનોચિકિત્સક, માનસિક આરોગ્યની હોસ્પિટલ, અમદાવાદ

કોલકાતા જેવી ઘટના પાછળ આરોપીઓની અલગ-અલગ માનસિકતા હોય શકે છે. સામાન્ય રીતે આવી માનસિકતા પાછળ બે પ્રકારની વિકૃતી જોવા મળે છે. પહેલું પર્સનાલિટી ડિસઓર્ડર ડિસ્ટર્બ થઈ હોય. જેમાં માણસ વિજાતીય લોકોને દુ:ખ અને દર્દ આપવા માગતા હોય. આવી માનસિકતામાં બની શકે કે માણસને જોડીદારથી અસંતોષની ભાવના આવી હોય. આ ઉપરાંત કેટલીક વખત સ્વભાવ સાથેની જોડાયેલી ખામીઓ પણ આ પ્રકારની માનસિકતા બનાવવામાં ભાગ ભજવતી હોય છે. તો બીજી બાજું પ્લેઝર સિકિંગ ડિસઓર્ડરના ડિસ્ટર્બ થવાથી માણસ આ પ્રકારના કૃત્ય કરી બેસતો હોય છે. આવી માનસિકતામાં મુખ્ય બે પરિબળો કાર્ય કરતા હોય, એક તો એન્ટિ સોશિયલ અને બીજું નાર્સિસિઝમ. કેટલીક વખત નરાધમની માનસિકતામાં એન્ટિ સોશિયલ પ્રકારના પરિબળોની હાજરી જોવા મળતી હોય છે. આવા લોકો પોતાની વિકૃત માનસિક ભૂખ સંતોષવા સામેવાળી વ્યક્તિના જાન અને માલને હાનિ પહોંચાડી શકે છે. આવી ઘટના રોકવા માટે નેગેટિવ માનસિકતા જન્મતા જ રોકવી જોઈએ. આવા વાતાવરણમાં રહેતા લોકોને, ખોટું થઈ રહ્યું છે, એવો અહેસાસ કરાવવો જોઈએ. માનસિક ડિસ્ટર્બ થઈ રહી હોવાનું જાણ થયાની સાથે જ સારું નિદાન થાય તો, આવી ઘટના રોકી શકાય છે.

સોનલ જોશી, વકીલ & સોશિયલ વર્કર

દેશમાં આવી ઘટનાઓ માટે બરાબર કાયદા તો બનાવવામાં આવ્યા છે. પરંતુ આ કાયદાનું અમલીકરણ થઈ રહ્યું નથી. કેટલીક ઘટના બન્યા બાદ તેના પર એક્શન લેવામાં સમય લાગતો હોય છે, એ સમય ન લાગવો જોઈએ. આપણા દેશમાં ઈન્વેસ્ટિગેશન એજન્સીઓ છે, તે કામ કરી રહી નથી. પોલીસ અધિકારીઓની માનસિકતા બદલાવવી જોઈએ. હાલના સમયમાં ગેંગ રેપ જેવી ઘટના માટે કેપિટલ ફાઈન સાથે ફાંસીની સજાની જોગવાઈ છે. આવી અલગ-અલગ ઘટના માટે ન્યાય પ્રાણાલી પ્રમાણે દંડ નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ આવી ઘટનાના પીડિતોને તત્કાલ ધોરણે ન્યાય નથી મળી શકતો. આવા આરોપીને તત્કાલ ધોરણે સજા મળવી જોઈએ. આરોપીઓને જનતાની સામે લાવી મારી નખવા જોઈએ. જેથી આવી માનસિતા ધરાવતા લોકોમાં ડર ફેલાવવો જોઈએ. બાળકી કે યુવતીઓ માટે સુરક્ષા વધારવી જોઈએ.

હેતલ અમિન, કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ

સ્ત્રી સંરક્ષણ માટે ઘણા નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ આ એક્ટનો લોકમાં કોઈ ડર નથી. આ પ્રકારની ઘટનામાં તત્કાલ ધોરણે ન્યાય મળવો જોઈએ. આ ઘટના ભારતની સંસ્કૃતિ પર મોટું લાંછન છે. ક્યાંકને ક્યાંક વધતા સોશિયલ મીડિયાના ઉપયોગે નાના બાળકો અને યુવાનોની માનસિકતા બગાડી છે. મારા વિચાર પ્રમાણે તો આગામી થોડાંક જ સમયમાં રૂપિયા જ ન્યાયની ભૂમિકા ભજવશે. આવી ઘટનાના આરોપીને એવી સજા મળવી જોઈએ કે બીજા કોઈ આવો ગુના કરવાના વિચાર માત્રથી ધ્રૂજી ઉઠે. અમારા મત પ્રમાણે તો હવે આપણે આપણી દીકરીને ફેશન ટ્રેન્ડ સાથે સેલ્ફ ડિફેન્સમાં આગળ વધારવી જોઈએ. મેં મારી દીકરીને સ્પોર્ટ્સ અને ફેશનની સાથે સેલ્ફ ડિફેન્સ પણ શીખવવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત મહિલા કેવી રીતે સુરક્ષિત રહી શકે તેવા પ્રોગ્રામનું આયોજન અમારી સંસ્થા કરે છે.

ડો. ખુશી અમિત અગ્રવાલ, ટ્રેઇની ડોક્ટર

કોલકાતા રેપ અને મર્ડર કેસ બાદ હું આશા રાખું છું કે, સૌપ્રથમ તો તમામ મહિલા કર્મચારીઓ માટે સુરક્ષા વધે. આ કેસમાં પણ તપાસ પહેલાં જ કેટલાંક મહત્વના પુરવાઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આવી તપાસની જગ્યાએ પણ સુરક્ષા વધારવી જોઈએ. આ પ્રકારના કેસમાં રાજનીતિ કરવાની જગ્યાએ ન્યાય અપાવવા પર ધ્યાન કેન્દ્રિત થાય તો, જલ્દી ન્યાય મળી શકે. જ્યારે મેલ કે ફિમેલ ડોક્ટર માટે હોસ્પિટલમાં ઓન કોલરૂમ કે ડોક્ટર રૂમ રાખવામાં આવે તો, આ પ્રકારના કિસ્સા થવાની શક્યતા નહિંવત રહે છે. આ કેસ બાદ હું મારા મિત્ર સર્કલ વચ્ચે જ રહેવાનું પસંદ કરીશ. આ ઉપરાંત મહિલા સુરક્ષાના સાધનો મારા પૉકેટમાં સાથે રાખીશ.

સચિન બારોટ, સામાન્ય નાગરિક

માર મત પ્રમાણે આવી ઘટનાને લઈ ફાંસી સૌથી યોગ્ય સજા છે. આ ઉપરાંત આપણે સાઉદી અરેબિયન દેશ જેવાં કાયદા બનાવવા જોઈએ. અરબ દેશોમાં આવી ઘટનામાં તત્કાલ ધોરણે ન્યાય મળી જાય છે. આવી ડરામણી સજાની જોગવાઈથી વિકૃત માનસિકતા ધરવતા લોકો આ પ્રકારનું કૃત્ય કરતા પહેલાં 50 વખત વિચારશે. આજે કોઈપણ મહિલા છે, આપણે તેમનું માન-સન્માન જાળવવું જોઈએ. બીજો મહત્વનો મુદ્દો એ છે કે આપણ દેશમાં એડલ્ટ ફિલ્મનો ઉપયોગ વધુ થાય છે. જો આવી ઘટનાથી બચવું હોય તો, આવી ફિલ્મો આપણા દેશમાં બેન્ડ થવી જોઈએ. હું આજે મારી દીકરીને તમામ સારી કે ખરાબ વસ્તુથી અવગત કરૂં છું, સાથે જ સેલ્ફ ડિફેન્સની માહિતી પણ આપું છુ. હું મારી દીકરીની સાથે-સાથે દીકરાની ગતિવિધીઓ ઉપર પણ નજર રાખું છું.

ડી. એચ. અમીન, કવિ અને લેખક

દુષ્ટ, દુર્જન લોકોનો કહેર ત્યારે ફેલાય છે, જ્યારે કાનૂન વ્યવસ્થાને નખ શીખ લકવો મારી જાય. દેશના કહેવાતા રક્ષકોની ફરજ બને છે કે, જે ઘટના ઘટી એ કોઈ એક જ્ઞાતિ, જાતિ, ધર્મ કે ગરીબ પરિવારની દીકરી ન હતી, આ ભારત દેશની દીકરી હતી. પરંતુ આવા શરમ જનક પ્રસંગોનું નિર્માણ ત્યારે થાય છે, જયારે કાનૂનના ઠેકેદારો કોઈને કોઈ રીતે ક્યાંક પોતાની ફરજ ચૂક્યા છે. સ્ત્રીઓને આવાં લોકોથી પોતાના બચાવ માટેની એક નૈતિક હિંમત પૂરી પાડવી જોઈએ. આપણી નબળાઈ એ સામેવાળાની હિંમત ન બને એ કાયમ આપણી બહેન દીકરીઓને સ્મરણ કરાવતા રહેવું જોઈએ. કેમ કે અંતે આપણે સમાજમાં રહેવાનું છે. આવી કોઈ ઘટના કોઇની પણ સાથે ન બને તે માટે આપણે પહેલા આપણી આસપાસ, સાથે અવરજવર કરતાં, ઘરે, નોકરી, કે કામધંધાના સ્થળે મળતા લોકોના મનોવિચાર જાણી લેવા જોઈએ, તેમના મસ્તિષ્કમાં ચાલતી નકારાત્મક ગતિવિધીઓ સમજી ઘરના સભ્યોને કહી કાનૂનના શરણે જવું, આવેલ વિકટ પરિસ્થિતીનો સામનો કરવાની હિંમત કેળવવી અતિ આવશ્યક છે.

(તેજસ રાજપરા-અમદાવાદ)

નેપાળમાં ભારતીય બસ નદીમાં પડીઃ 14નાં મોત

કાઠમંડુઃ નેપાળમાં 40 યાત્રીઓને લઈને જઈ રહેલી એક ભારતીય બસ નદી માર્સયાંગડી નદીમાં પડી ગઈ છે. એ દુર્ઘટના તનહુન જિલ્લામાં થઈ છે. DSP દીપકુમાર રાયાએ આ દુર્ઘટનાની પુષ્ટિ આપી હતી જણાવ્યું હતું કે UP FT 7623 નંબર પ્લેટવાળી બસ નદીમાં પડી ગઈ છે. આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્યમાં 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 16 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ બસ પોખરાના મજેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઇને કાઠમંડુ તરફ રવાના થઇ હતી. આ અકસ્માત વખતે બસમાં ભારતીય મુસાફરો સવાર હતા.  અહેવાલ મુજબ ગોરખપુરથી યાત્રીઓને લઈને એ બસ નેપાળ ગઈ હતી.

સ્થાનિક પોલીસ અને બચાવ દળે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય શરૂ કરી દીધું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર બસ નદીમાં કેવી રીતે ખાબકી તેનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તંત્રએ ઘટનાની ગંભીરતા જોતાં તમામ જરૂરી ઉપાય શરૂ કરી દીધા છે અને રાહત અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપી છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે. આ દુ:ખદ ઘટનાથી સ્થાનિક સમુદાય અને મુસાફરોમાં ચિંતા અને શોકનું મોજું ફરી વળ્યું છે. વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓ આ દુર્ઘટનાના તમામ સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.