કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતા સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ ઘટના બાદ ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યાં છે. હોસ્પિટલમાં એક જુનિયર મહિલા ડોક્ટર સાથે થયેલી નિર્દયતાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.
આ કેસમાં પોલીસની કાર્યવાહી ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે ત્યારે ચિત્રલેખા.કોમએ દીવાદંડી વિભાગમાં આ પ્રકારના કેસમાં કેવાં પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, કેવાં પ્રકારના પુરાવાઓ ભેગા કરવામાં આવતા હોય છે તેવાં અનેક મુદ્દાઓ પર ગુજરાતના સૌથી સિનિયર અને પ્રથમ મહિલા પોલીસ સર્જન હસુમતીબહેન પટેલ સાથે વાત કરી.
હસુમતીબહેને પોતાની કારકિર્દીમાં અનેક બળાત્કારના કિસ્સાઓમાં તબીબી પરીક્ષણ કર્યું છે સાથે જ 15 હજારથી વધુ પોસ્ટમોર્ટમ કર્યા છે. 1968માં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કર્યા બાદ 1988માં હસુમતીબહેને એમ.ડી. ફોસેન્સિકનો અભ્યાસ શરૂ કર્યો અને 1990માં તેમણે એમ.ડી. ફોરેન્સિક ડોક્ટરની પદવી મેળવી હતી. 34 વર્ષની સર્વિસમાં ડો. હસુમતી બહેને એક્સિડન્ટ, મર્ડર, રેપ એન્ડ મર્ડર, આત્મહત્યા, બર્નસ જેવા અતિ ગંભીર ગણાતા ગુનાઓમાં પોસ્ટમોર્ટમ કરી સચોટ તારણ આપ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન નિષ્ણાત તરીકે હસુમતી બહેન હાલ નિવૃત્ત છે. પોતાની કારકિર્દી દરમિયાન હસુમતીબહેને સરકારી હોસ્પિટલોમાં મેડિકલ ઓફિસર, પોલીસ સર્જન, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર અને સિવિલ સર્જન તરીકે વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી છે. ઉપરાંત ગુજરાતની વિવિધ મેડિકલ કોલેજોમાં પ્રોફેસર તરીકે પણ કામ કર્યું છે. રેપ કેસના પોસ્ટમોર્ટમ અંગે હસુમતી બહેન કહે છે આવા કેસોમાં સાક્ષી કોઈ હોય નહીં પુરાવા પણ જલ્દી મળે નહીં, એ સમયે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પોલીસ માટે એક માત્ર સહારો હોય છે.
ચિત્રલેખા: હોસ્પિટલમાં ફિમેલ નર્સ કે ડોક્ટર્સ સાથે થતી જાતીય સતામણી વિશે આપનું શું કહેવું છે?
હસુમતીબહેન પટેલ: હું પોતે પણ હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી કરતી હતી, પોસ્ટમોર્ટમ કરતી હતી. ઘણીવાર દારૂ પીધેલા ગુંડાઓ પણ હોસ્પિટલમાં આવતા હતા. જ્યારે એક મહિલા તરીકે કોઈ તમારી સામે ઉંચા અવાજે બોલે તો તમે સામે બે ઘાંટા પાડીને વધુ ઉંચા અવાજે બોલો તો સામેવાળો પુરૂષ ઢીલો પડી જાય છે. આ મારો અનુભવ રહ્યો છે. એક સ્ત્રી કર્મચારી તરીકે તમે જો ઢીલા પડો તો સામેવાળા આપણી ઉપર ચઢી બેસે. કોઈપણ પુરૂષ કે ગુનેગારને આપણા પર હાવી થવા દેવાના નહીં. જરૂર પડે તો તેને બે લાફા પણ મારી દેવા. સેલ્ફ પ્રોટેક્શન કરવું તો જોઈએ જ. અમારા સમયમાં ફિમેલ સ્ટાફ ઓછો હતો તો નાઈટ ડ્યૂટી ઓછી મળતી હતી. પરંતુ અત્યારે તો ફિમેલ સ્ટાફ વધારે હોય એટલે નાઈટ ડ્યૂટી પણ આવતી જ હોય છે. આથી જાતિય સતામણી સામે ડર્યા વગર સ્વરક્ષણ કરતાં દરેક મહિલાએ શીખવું પડશે.
પોલીસમાં થતી ફરિયાદો પરથી કહી શકાય કે મહિલાઓ સાથે બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ વિશે આપનું શું કહેવું છે
લોકોમાં વિકૃતતા વધી ગઈ છે. પહેલાં પણ બળાત્કારના કેસ આવતા હતા. પરંતુ હવે તો નાની-નાની બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે. બીજી તરફ આ પ્રકારના કિસ્સાઓમાં સજાની જોગવાઈ પણ ઓછી છે. આથી લોકોમાં ભય નથી રહ્યો. વિકૃતતા એ હદે વધી ગઈ છે કે નાની-નાની બાળકીઓ સાથે બળાત્કાર કરીને તેમને મોતને ઘાટ ઉતારીને ફેંકી દેવામાં આવે છે. સજા બરાબર કરવામાં આવે તો જ આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો થઈ શકે છે.
બળાત્કારની જે ફરિયાદો થાય છે તેમાંથી તમારી પાસે તબીબી પરીક્ષણ માટે આવ્યા બાદ કેટલાં ટકા સાચી ફરિયાદ નોંધાતી હતી?
10 વર્ષથી નીચેની બાળકીઓ સાથે બનતી ઘટનાઓ ખરેખર બળાત્કાર હોય છે. જ્યારે પુખ્ત વયની મહિલાઓની જે ફરિયાદો હોય છે તેમાં 70 થી 80 ટકા કેસમાં સહમતીથી સંબંધો બાંધેલા હોય છે. લાંબા સમય સુધી બંન્ને પાત્ર હર્યા-ફર્યા હોય. પછી મતભેદ થાય અથવા તો માતા-પિતાના પ્રેશરથી મહિલાઓ ફરિયાદ નોંધાવતી હોય છે. જેન્યુન બળાત્કારના કેસ માત્ર 15 થી 20 ટકા જ હોય છે.
આપ જ્યારે કાર્યરત હતા ત્યારે રેપના કિસ્સાઓમાં કોલકતામાં ડોક્ટર સાથે જે ઘટના થઈ છે એવો કોઈ કિસ્સો આવ્યો હતો.
હા મારા સમયમાં પણ આવા કિસ્સાઓ ઘણા મારી પાસે તપાસ માટે આવ્યા હતા. બળાત્કારના કેસમાં સૌથી મોટી સમસ્યા એ હોય છે કે પોલીસ તાત્કાલિક ફરિયાદ નોંધતી નથી. લાંબા વિરામ બાદ મહિલાને ડોક્ટરી તપાસ માટે લાવે ત્યારે એવું બને કે તેણે કપડાં બદલી નાખ્યા હોય, સ્નાન કરી લીધું હોય. એટલે જે સીમેન્સ પ્રેઝન્ટ હોય કે બ્લડ મળવું જોઈએ તે પુરાવાઓ મળતા નથી. જેન્યુન કેસમાં પોલીસ તપાસની ઢીલાશના કારણે કેસમાં વિલંબ થાય અથવા તો કેસ ફેઈલ જાય છે. ઘણી વખત અમે લોકો લાળ અથવા તો મહિલાના શરીરે ભરેલાં બચકાંઓ પરથી પુરાવાઓ ભેગાં કર્યા છે.
કોઈ મહત્વનો કેસ જે તમને અત્યારે યાદ આવતો હોય તો,
મારી પાસે એક છોકરીનો ગેંગ રેપનો કેસ આવ્યો હતો. એના વર્જાઈનામાં સીમેન પ્રેઝન્ટ હતું. મેં એ નમૂના FSLમાં મોકલ્યા હતા. હું કોર્ટમાં ગઈ ત્યારે મને પૂછવામાં આવ્યું કે આ ચારમાંથી આ સીમેન કોનું છે એ તો તમે રિપોર્ટમાં જણાવ્યું નથી એટલે એ ગેંગ રેપ સાબિત ના થાય. ખરેખર આવા કેસમાં જેટલાં પણ આરોપી હોય તેના સીમેન પોલીસે લેવા પડે અને તેને FSLમાં મોકલવા પડે. ત્યાં પછી એ વાતનું પરીક્ષણ થાય કે પુરાવામાં મળેલું સીમેન કોનું છે. આમ ઘણી વખત સાચી ફરિયાદોમાં પોલીસ તપાસ બરાબર ન થાય તો પણ ગુનેગારો છૂટી જતા હોય છે.
બીજું એક વખત એક કિસ્સામાં એક 18 વર્ષના યુવકે એક દીકરી પર બળાત્કાર કર્યો હતો. યુવકના પરિવારની પહોંચ ઉપર સુધી હતી માટે એમને લાગતું કે ગમે એમ કરીને દીકરાને બાળ સુધાર કેન્દ્રમાં જવાની સજા મળે એવી ગોઠવણ કરીશું. માટે એમણે દીકરાની ઉંમર 16 વર્ષ દર્શાવી. કેસ મારી પાસે આવ્યો મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે આ છોકરો 18 વર્ષનો છે અને બળાત્કારના કેસમાં એને સજા મળવી જોઈએ. મે રિપોર્ટ તૈયાર કરીને આપી દીધો. એ છોકરાના પિતાએ મારા રિપોર્ટનો વિરોધ કર્યો તો મેં જન્મના પુરાવા માંગ્યા. એમણે જે પુરાવા રજૂ કર્યા એ બરોબર ન હતા અંતે મારો રિપોર્ટ જ સત્ય પુરવાર થયો. એ છોકરો નહોતો પુરુષ હતો. એટલે બળાત્કાર જેવા ગંભીર ગુનામાં એને જેલ ભેગો કરવામાં આવ્યો.
આમ બળાત્કારની ફરિયાદોમાં ઘણી બધી ખોટી થતી હોય છે, પરંતુ જેન્યુન ફરિયાદોમાં જો પોલીસ તપાસ બરાબર કરવામાં આવે તો આરોપીને સખતમાં સખત સજા થઈ શકે છે. બીજી તરફ મહિલાઓએ પોતાનું રક્ષણ જાતે જ કરતા શીખવું પડશે એ પણ એટલી જ જરૂરી વાત છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)








ગોલ્ડ લોન ક્ષેત્રે બીજા ક્રમની સૌથી મોટી કંપની પર અંકુશને કારણે નિષ્ક્રિય રહેવાથી ચાલુ વર્ષે ગોલ્ડ લોન માર્કેટના ગ્રોથને પર અસર પડશે. આ ઉપરાંત RBIએ એનબીએફસીને કેશ ડિસ્બર્સમેન્ટ માટે મહત્તમ મર્યાદા રૂ. 20,000 નક્કી કરી હોવાથી ગ્રાહકો બિનસંગઠિત ક્ષેત્ર તરફ વળે તેવી સંભાવના છે.
આપણા દેશમાં 6 લાખથી વધુ ગામડાઓ છે અને તે એક સ્થાપિત હકીકત છે કે ગામડાઓ શહેરો કરતાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે. ઘણા ગામોમાં પર્યાવરણ સંરક્ષણ સંબંધિત ઘણી પ્રથાઓ અનુસરવામાં આવે છે. પરંતુ પર્યાવરણ એ લોકોના સુધરેલા જીવનધોરણની કિંમત ચૂકવવી ન જોઈએ. ગ્રીન વિલેજ એટલે એવું ગામ જેમાં લોકોને સ્વચ્છ ઉર્જા, સ્વચ્છ અને પર્યાપ્ત પાણી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ મળે, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન અને નિકાલ હોય, વૃક્ષો, તળાવો અને નદીઓ વગેરેનું બિનજરૂરી કાપ ન હોય, પ્રદૂષણથી મુક્ત હોય અને પૂરતો વરસાદ હોય અને પાણીનું યોગ્ય સંચાલન થતું હોવું જોઈએ.
અતુલ ગામની વિશેષતા એ છે કે આ ગામમાં લાંબા સમયથી મોટાભાગની હરિયાળી પ્રથાઓનું પાલન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપની અતુલ લિ. (ATUL Ltd.) તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ આ ગામમાં ઘણી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડીને લોકોને ગુણવત્તાયુક્ત જીવનનો માર્ગ બતાવ્યો છે. લોકો પર્યાવરણ પ્રત્યે પણ જાગૃત છે અને તમામ સરકારી અને બિનસરકારી પ્રયાસોમાં સહયોગ આપી રહ્યા છે. હરિયાળા ગામ તરીકે ઓળખ મેળવ્યા બાદ હવે આ ગામ રાષ્ટ્રીય મંચ પર ઓળખ મેળવી રહ્યું છે.
નાબાર્ડ, ગુજરાતે આ ગામની હરિયાળી પ્રથાઓને રાષ્ટ્રીય માન્યતા આપવા માટે ગામના સરપંચ અને અતુલ લિ. સાથે સહયોગ કર્યો. આઈ.જી.બી.સી.ના અધિકારીઓને રજૂઆત કરી હતી. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નાબાર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે અતુલ ગામમાં પર્યાવરણ સંરક્ષણ અને કચરાના વ્યવસ્થાપન માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે.
નાબાર્ડે ગ્રામ પંચાયતને ”ગ્રીન વિલેજ’ તરીકે પ્રમાણપત્ર આપવા માટે પ્રોત્સાહિત કર્યા અને રેટિંગ માટે જરૂરી નાણાકીય સહાય પણ આપી. રેટિંગ માપદંડો સમજાવવામાં આવ્યા હતા અને IGBC સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. IGBC એ ગ્રાઉન્ડ લેવલ પર સુધારા માટે કેટલાંક વધુ પગલાં સૂચવ્યા. આ પછી રેટિંગ એજન્સીના અધિકારીઓ ગામમાં આવ્યા અને તમામ વ્યવસ્થાનું મૂલ્યાંકન કર્યું. ગામને સાત મુખ્ય માપદંડો પર રેટ કરવામાં આવ્યું. આરોગ્ય અને સ્વચ્છતા, ગામમાં પાયાની સુવિધાઓ, પાણીનું સંરક્ષણ, વીજળીની ઉપલબ્ધતા અને તેનો કાર્યક્ષમ ઉપયોગ, સામગ્રી અને સંસાધનો, સામાજિક અને સામુદાયિક પ્રવૃત્તિઓ અને નવીન ગ્રીન પ્રેક્ટિસ. આ સાત માપદંડો હતા. અતુલ ગામે શ્રેષ્ઠ રેટિંગ હાંસલ કર્યું અને ગ્રીન વિલેજનું પ્લેટિનમ પ્રમાણપત્ર મેળવ્યું.
નાબાર્ડ, ગુજરાતના ચીફ જનરલ મેનેજર બી. કે. સિંઘલ માને છે કે અતુલ વિલેજ સરકારી તંત્ર સાથે ખાનગી ક્ષેત્ર અને જનતા વચ્ચેની ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. નાબાર્ડે ગામને IGBC રેટિંગ માટે ટેકો આપ્યો જેથી ગ્રામજનો પર્યાવરણ સંરક્ષણમાં વધુ ઉત્સાહપૂર્વક યોગદાન આપે અને તેમની નવીન પહેલ અન્ય ગામોને આવી હરિયાળી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરે.
જો અતુલ ગામમાં ઉપલબ્ધ સુવિધાઓની વાત કરીએ તો ગામમાં ધોરણ 12 સુધીની બે શાળાઓ, બે આંગણવાડી, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, સરકારી અને ખાનગી બેંકો, ATM, બે હોસ્પિટલ, ક્રિકેટનું મેદાન, પર્યાપ્ત જાહેર શૌચાલય, કોમ્યુનિટી સેન્ટર, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કૌશલ્ય વિકાસ કેન્દ્ર, ગેસ સંચાલિત સ્મશાનગૃહ વગેરે. પરંતુ એક વખત સુવિધા પુરી પાડવી પુરતી નથી. તે સુવિધાઓની નિયમિત જાળવણી અને યોગ્ય સંચાલન દ્વારા જ સ્થળ આદર્શ બને છે. આ દૃષ્ટિકોણથી ગામમાં લોકભાગીદારી પણ અજોડ છે.ગામમાં, ભીનો અને સૂકો કચરો ઘરોમાંથી અલગ-અલગ એકત્ર કરવામાં આવે છે. રસ્તાઓ દરરોજ સાફ કરવામાં આવે છે. જાહેર ઈમારતો અને બજારો વગેરેમાં પીવાના પાણી અને શૌચાલયની પૂરતી સગવડ છે અને તે નિયમિતપણે સાફ કરવામાં આવે છે. ગામમાં લાંબા સમયથી ખુલ્લામાં શૌચ કરવાની કોઈ સમસ્યા નથી.
લોકો શિક્ષણ, તબીબી અને કૌશલ્ય-વિકાસ સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. ગામમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે અને નદીઓ અને તળાવો પ્રમાણમાં પ્રદૂષણમુક્ત છે. ખાતર બનાવવા માટે છાણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમ, જનભાગીદારીથી ગામ સ્વચ્છ અને આરોગ્યપ્રદ પ્રથાઓનું પાલન કરે છે. ગામડાના પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જીવનના ઉત્તરાર્ધમાં તેમની પ્રવૃત્તિઓમાં પણ જોઈ શકાય છે. ગામના સ્મશાનગૃહમાં ગેસ સંચાલિત સ્મશાનગૃહ છે. વૃક્ષોને બચાવવા માટે ગ્રામજનોએ આ નવતર પ્રયોગને ખુશીથી સ્વીકાર્યો છે. એટલે કે અતુલ ગામ પ્રકૃતિ સાથે સંતુલન જાળવીને ટકાઉ વિકાસનું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે.
ગ્રામ પંચાયતની ઇમારતમાં વાઇ-ફાઇ સુવિધા છે, રસ્તાઓ પર એલઇડી લાઇટો છે, સ્વચ્છ અને સુસજ્જ આરોગ્ય કેન્દ્રો છે. પરંતુ પ્રગતિનો માર્ગ ક્યારેય સમાપ્ત થતો નથી. ‘ગ્રીન’ વિલેજ જાહેર થયા પછી, ગ્રામજનો ઉત્સાહિત છે અને હવે હરિયાળી પ્રથાઓ પ્રત્યેનું તેમનું સમર્પણ પહેલા કરતા વધારે છે.
અતુલ જેવા હરિયાળા ગામો આપણા માટે વિકાસની નવી વ્યાખ્યા લખી રહ્યા છે. થોડા સમય પહેલા સુધી વિકાસ અને પ્રગતિનો અમારો વિચાર એવો હતો કે આલીશાન બંગલા, ચમકદાર રસ્તાઓ અને ઝડપી ગાડીઓ હોવી જોઈએ. પરંતુ આબોહવા પરિવર્તનની કટોકટીએ આપણને શીખવ્યું છે કે પ્રકૃતિનો નાશ કરીને આપણે લાંબા સમય સુધી ટકી શકતા નથી. અતુલ જેવા હરિયાળા ગામો દરેકને આ પ્રકારના વિકાસ માટે પ્રેરણા આપશે જેમાં આપણી ભાવિ પેઢીઓ અને આપણી પ્રગતિ માટે સ્વચ્છ હવા, પાણી અને જમીન ઉપલબ્ધ થશે.