Home Blog Page 1506

અમદાવાદના GIDC વિસ્તારમાંથી મળ્યું 200 કિલો ડ્રગ્સ..

અમદાવાદ: ગુજરાત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. 200 કિલો ડ્રગ્સ સાથે જીઆઈડીસી વિસ્તારમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ટ્રકના માધ્યમથી નસીલા પદાર્થ લાવવાની બાતમી મળતાની સાથે ક્રાઈમ બ્રાન્ચ ટીમ કામી લાગી ગઈ હતી. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી છે. અગામી સમયમાં આ ડ્રગ્સ કોને આપવાનું હતું તેને લઈને પણ ખુલાસા થઈ શકે છે.

મળતી માહિતી અનુસાર પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો વટવા જીઆઈડીસીમાં ઉતારવાનો હતો. આ ઉપરાંત આશરે 200 કિલોથી વધુનો ગાંજો અને એમ.ડી સહિત ડ્રગ્સના પેકેટો મળી આવ્યા છે.ગુજરાત સહિત અન્ય રાજયોમાં પણ ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની પોલીસને માહિતી મળી છે.ડ્ર્ગ્સ અન્ય કયા જિલ્લામાં ઉતાર્યું છે તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ તારીખ 10 ઓગસ્ટના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી,આરોપીઓ પાસેથી 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતુ જેની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે.પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે તારીખ 11ના ઓગસ્ટના રોજ અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા હતા,અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા જે દેશના અલગ-અલગ જિલ્લામાં જવાના હતા પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઈમે તેને ઝડપી પાડયા છે. આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ આ અગાઉ પણ ગાંજાનો મોટો જથ્થો ગુજરાતમાં સપ્લાય કર્યો હોવાની સાથે અન્ય રાજ્યોમાં પણ નેટવર્ક ફેલાવ્યું હોવાની શક્યતા છે. જેથી પોલીસે ઓડિશાથી નીકળેલી ટ્રકના રુટ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

સાથી ન કારવાં હૈ…  તેરા ઈમ્તિહાં હૈ

વર્ષો પહેલાં મીન્સ કે, ‘ચિત્રલેખા’માં જોડાયો તે પહેલાં હું એક કંપનીમાં નોકરી કરતો હતો, જેને પ્રકાશનવ્યવસાય સાથે લાગતુંવળગતું નહોતું. કંપનીના ઍડમિનિસ્ટ્રેટિવ ઑફિસર કર્ણાટક બાજુના કોઈ શેટ્ટી હતા. એમણે એમની કેબિનમાં એક ફિલ્મગીતની કડીને લેમિનેટ કરીને ટિંગાડેલી. એ પંક્તિઃ

“રુક જાના નહીં તૂ કહીં હાર કે… કાટોં પે ચલકે મિલેંગે સાયે બહાર કે”… ફિલ્મઃ ‘ઈમ્તિહાન’.

ગઈ કાલે પાંચ નવેમ્બરે ‘ટીચર્સ ડે’ ગયો ને મને મેનેજર અને એમને સતત પ્રેરણાનાં પીયૂષ પીવડાવતું ગીત ને 1974માં આવેલી ‘ઈમ્તિહાન’ યાદ આવી ગઈ. ગુરુ-શિષ્યના સંબંધ પર બોલિવૂડમાં ઘણી ફિલ્મો, આમ તો, બની છે. “આઓ બચ્ચોં તુમ્હે દિખાયે ઝાંખી હિંદુસ્તાન કી”વાળી ‘જાગૃતિ’થી લઈને મહેશ ભટ્ટની ‘સર’, સંજય લીલા ભણસાલીની ‘બ્લૅક’, નાગેશ કૂકનુરની ઈકબાલ, આમીર ખાનની ‘તારે ઝમીં પર’, શીમીત અમીનની ‘ચક દે ઈન્ડિયા’, વગેરે. પણ મારી ફેવરીટ છે વિનોદ ખન્નાની ‘ઈમ્તિહાન’. એટલા માટે કેમ કે આ ફિલ્મ સાથે કિશોરાવસ્થાની અનેક સ્મૃતિ સંકળાયેલી છે.

1967માં આવેલી બ્રિટિશ ફિલ્મ ‘ટુ સર, વિથ લવ’થી પ્રેરિત ‘ઈમ્તિહાન’ની વાર્તા એટલી જ કે એક કૉલેજ છે, જેના અમુક વિદ્યાર્થીઓ એવા તો મસ્તીખોર છે કે કોઈ પ્રેફેસર ત્યાં ટકતા નથી. એ કૉલેજમાં પ્રોફેસર પ્રમોદ શર્મા (વિનોદ ખન્ના)ને નોકરી મળે છે. અમીર બાપા (મુરાદ)ને બેટો પંતુજી બને એ પસંદ નથી, પણ પ્રમોદ કહે છે કે મારે તો શિક્ષણ ક્ષેત્રે જ જવું છે. પ્રમોદ શર્મા કોટ-પૅન્ટ-શૂઝ ને હાથમાં બૅગ ઝાલીને કૉલેજમાં દાખલ થઈ રહ્યા છે ત્યાંથી ફિલ્મ ઓપન થાય છે. બૅકગ્રાઉન્ડમાં ગીત વાગે છે “રુક જાના નહીં તૂ કહી હાર કે”… નોકરીના પહેલા જ દિવસે પ્રોફેસરને ભગાડી મૂકવા માથાભારે સ્ટુડન્ટ્સ જાતજાતના પેંતરા કરે છે, પણ પ્રમોદ સર એ બધા નિષ્ફળ બનાવે છે ને કહે છેઃ “તમે આજે જ્યાં છો ત્યાં હું ગઈ કાલે હતો એટલે મારી આગળ આવી હોશિયારી કરતા-બરતા નહીં”.

મહારાષ્ટ્રના નાશિકમાં શૂટ થયેલી અને વિનોદ ખન્ના-તનુજા-બિંદુની મુખ્ય ભૂમિકાવાળી ‘ઈમ્તિહાન’ના ડિરેક્ટર હતા મદન સિંહા, જે પોતે ફોટોગ્રાફર હતા. દિવ્યાંગ તનુજા પર ચિત્રિત થયેલા “રોજ શામ આતી થી… મગર ઐસી ન થી” એ ગીત સમી સાંજે શૂટ થયેલું. ગીતના પિક્ચરાઈઝેશનમાં મદનજીએ કલરફુલ ફિલ્ટર વાપરેલા, જેનાથી ઢળતી સાંજનું એક આહલાદક વાતાવરણ ખડું થયેલું. હિંદી સિનેમામાં આવું પહેલી જ વાર બનેલું. આ ગીત જોવા લોકો બીજી વાર ફિલ્મ જોતા. કમનસીબે, ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં ડિરેક્ટર મદન સિંહાનું અવસાન થઈ ગયું. ફિલ્મની સફળતા એ જોઈ ન શક્યા.

આમ જુઓ તો ‘ઈમ્તિહાન’ 1971માં બનેલી તમિળ ફિલ્મ ‘નૂટરુક્કુ નૂરુ’ (અર્થ થાય 100માંથી 100) પરથી સર્જાયેલી. અલબત્ત, ડિરેક્ટર કે. બાલાચંદરે એમની ફિલ્મ ‘ટુ સર, વિથ લવ’ પરથી બનાવેલી. કે. બાલાચંદર જાણીતા છે ‘આયના’ (મુમતાઝ-રાજેશ ખન્નાવાળી), ‘એક દૂજે કે લિયે’, ‘ઝરા સી જિંદગી’, ‘એક નયી પહેલી’ જેવી ફિલ્મો માટે.

‘ટુ સર, વિથ લવ’ પરથી અનેક ફિલ્મ આપણે ત્યાં બની છે. ફિરોઝ ખાનને ચમકાવતી ‘અંજાન રાહેં’નાં મૂળ પણ આ જ ફિલ્મમાં. ‘ઈમ્તિહાન’માંથી પ્રેરણા લઈને સ્ટાર પ્લસ પર ‘જીત’ નામની સિરિયલ પણ બની. ચાન્સ મળે તો ‘ઈમ્તિહાન’ જોઈ નાખજો, કૉલેજના દિવસો યાદ આવી જશે.

સ્વાસ્થ્યનું મેઘધનુષી રુપ કઇ રીતે બને?

આરોગ્ય અને સુખ એકબીજાના પૂરક છે. નાનપણમાં વડીલો પાસેથી સાંભળેલું આ વાક્ય ‘પહેલું સુખ, તે જાતે નર્યા’, તમને યાદ જ હશે. ઘણા અંશે એ સાચુ છે, પરંતુ સમયની સાથે તેમાં પણ હવે પ્રો-વર્ઝન જરૂરી બન્યુ છે. માત્ર તમારી મેડિકલ હેલ્થ જ તમારી સુખાકારી માટે જવાબદાર ન હોઇ શકે. જો એવું જ હોત તો પબ, ક્લબ અને રાત ઉજાગરા કરાવતા ડિસ્કોથેક હંમેશ માટે બંધ થઇ ચૂક્યા હોત અને સ્વાસ્થ્ય કેન્દ્રો મંદિર બની ગયા હોત.

સમયના અનુસંધાને જયારે આપણે માત્ર બે ટંક ભોજન માટે જ નથી કમાતા એવી જ રીતે સુખના સાધનોમાં માત્ર તંદુરસ્તી જ પૂરતી નથી. પરંતુ સુખાકારીનો અદ્ભૂત મંત્ર ઘણા અલૌકિક શબ્દરૂપી તત્વોથી રચાયેલો છે. આપણે જે સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ તેના મૂળ આપણને આપણા અસ્તિત્વથી આપણા લક્ષ સુધીનું આકાશ આપવા સક્ષમ છે. તેથી જ આપણો વ્યક્તિગત અને સર્વાંગી વિકાસ એ સત-ચિત્ત-આનંદનું મૂળ સ્વરૂપ છે.

ઈમોશનલ ગ્રોથ – ભાવનાત્મક વિકાસ

ઊભરાતી લાગણીઓને કાબુમાં રાખવાની કળા એ ભાવનાત્મક વિકાસ છે. આપણને બાળપણથી જ ક્યારે શું રિએક્ટ કરવું, લોકો સાથે કેમ વર્તવું એ બધું શીખવવામાં આવે છે. બાળપણમાં આનંદ, ઉદાસી અને ભયને જ ઓળખતુ, ખીલખીલાટ હસતું બાળક યુવાનીમાં મંદમંદ હસતો જવાબદાર યુવાન બની જાય છે. તેના માટે હવે અકળામણ, શરમ, અભિમાન,સહાનુભૂતિ જેવી લાગણીઓ મહત્વની હોય છે અને અનુશાસક પ્રૌઢ પિતા ઘડપણમાં ફરી બિન્દાસ બાળક બનતા જાય છે. અહીં ઉંમર સાથે ભાવનાત્મક વિકાસનું મહત્વ સમજી શકાય છે. ભાવનાઓને કાબુમાં રાખવી એ માત્ર વ્યક્તિગત જીવનમાં જ નહીં, પરંતુ કોર્પોરેટ જગતમાં પણ હવે ખૂબ જરૂરી બની ગયું છે. કંપનીઓ દ્વારા ઈમોશનલ ક્વોશનન્ટનું મહત્વ વ્યક્તિના ઇન્ટેલીજન્ટ ક્વોશન્ટ જેટલું જ વધારે હોય છે, જેથી એ વ્યક્તિ કામના પ્રેશરમાં, અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપી શકે.

બૌદ્ધિક વિકાસ

કંઈપણ શીખવાની પ્રકિયા હંમેશા નિરંતર હોય છે. તમે ગમે તે ઉંમરે શીખી શકો છો. મનનો ‘કોગ્નિટીવ વિકાસ’એ સાયકોલોજીમાં ખુબ જ મહત્વ ધરાવે છે. શીખવું, વિચારવું, ઝડપી નિર્ણયો લેવા જેવી પ્રક્રિયાઓ મગજના ન્યુરોન્સને એક ઉર્જા આપે છે, જેનાથી તેઓ લાંબા સમય સુધી એકટીવ રહે છે. આપણા વિકાસનો આધાર એના પર હોય છે કે આપણે આપણો સમય કેવી રીતે પસાર કરીયે છીએ. બુક વાંચવી, ભાષાઓ શીખવી, સંગીત કે ગુંથણ જેવી કળાઓ શીખવી, કસરત કરવી વગેરે નાની પણ અસરકારક ટેવો તમારા ન્યુરોન્સનું આયુષ વધારી શકે છે. સાથે સાથે કંટાળો આવવો, બેચેની જેવી પરેશાનીથી છૂટી શકાય છે.

આધ્યાત્મિક વિકાસ

આધ્યાત્મિક વિકાસ માટે કોઈ સમુદાય કે જૂથ સાથે જોડાવું બિલકુલ જરૂરી નથી. તમારા અસ્તિત્વનો આધાર પ્રકૃતિ છે અને તેની સાથે કનેક્ટ થવા માટે તમે સ્વતંત્ર છો. પોતાના આંતરિક મન સાથેનું જોડાણ આ દુનિયામાં સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. કારણ કે એમને પામ્યા પછી કશું પામવાનું રહેતું નથી. પરંતુ આપણે જે પરિસ્થિતિમાં રહીએ છીએ ત્યાં વિક્ષેપો કે અડચણની તીવ્રતા એટલી ઝડપી બનતી જાય છે કે એક જગ્યાએ સ્થિર મન લગાવવું વધુ કઠિન બનતું જાય છે. ધ્યાન, મેડિટેશન, યોગા જેવી ક્રિયાઓથી કોન્સન્ટ્રેશન પાવર વધારી શકાય છે.

ફિઝિકલ ફિટનેસ

ફિઝિકલ ફિટનેસ એ માત્ર શરીર માટે જ નહીં, પણ મન માટે પણ ખૂબ જરૂરી છે. જયારે તમે વહેલા ઉઠો છો, ત્યારે તમે તમારી બોડીક્લોક અને આંતરિક ચક્રોનું નિયમન કરો છો. કસરત કે યોગા જેવી ક્રિયાઓ માટે મનની એકાગ્રતા ખૂબ જરૂરી હોય છે, સતત એમને તમારી દિનચર્યામાં ઉતારવામાં આવે તો તે અસામાન્ય પરિણામો લાવી શકે છે.એ જ એકાગ્રતા તમારા કાર્યો અને લક્ષ સિદ્ધિ માટે ઉર્જા પૂરી પાડે છે, તમારા હેપી હોર્મોન્સમાં વધારો કરે છે.

સોશિયલ ડેવલપમેન્ટ

સોશિયલ ડેવલપમેન્ટ એ એક કળા છે. સાદી ભાષામાં આપણે કહેતા હોઇએ છીએ કે આ ભણેલા કરતાં ગણેલા વધુ છે. એક કુશળ બિઝનેસમેન, હંમેશા જાણતા હોય છે કે તેણે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે જેથી તેને મહતમ વળતર મળી શકે. ઘણા એવા સ્માર્ટ લોકો હોય છે, જેઓ કોઈ સબંધમાં પોતાનો સમય અને રુચિ ઈન્વેસ્ટ કરતાં હોય છે. આ એક સોફ્ટસ્કીલ છે, જેનાથી તમે તમારી ઇમોશનલ મેચ્યોરિટી વધારી શકો છો. તેનો લાભ તમને ભવિષ્યમાં જરૂર મળે છે. જયારે લોકો તમારામાં રસ લેવાનું શરૂ કરે છે ત્યારે તમારી સફળતાની શરૂઆત થાય છે.

– અને એટલે જ આપણે તંદુરસ્ત તન નહીં, પણ તંદુરસ્ત જીવનની કામના કરતા હોઈએ છીએ.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

પાંસળીમાં ઈજા હોવા છતાં શૂટિંગ પર પહોંચ્યા સલમાન ખાન

મુંબઈ: બોલીવુડના ‘ભાઈજાન’ સલમાન ખાનને બિગ બોસની નવી સીઝનમાં જોવા માટે ચાહકો ઉત્સાહિત છે. બિગ બોસ સીઝન-18 ટૂંક સમયમાં ચાહકો માટે રજૂ થવા જઈ રહી છે. આ સિઝનની શરૂઆત પહેલા જ છેલ્લા કેટલાક સમયથી તેના વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. એવી અફવા હતી કે સલમાન ખાન આ વર્ષે બિગ બોસ શોને હોસ્ટ નહીં કરે. જો કે, હવે બિગ બોસના ચાહકો માટે એક સારા સમાચાર છે અને આ શોને સલમાન ખાન જ હોસ્ટ કરશે.

(Photo: IANS)

અભિનેતા સલમાન ખાન બિગ બોસ-18 હોસ્ટ કરવા માટે તૈયાર છે. મળતી માહિતી મુજબ, સલમાન ખાને શો બિગ બોસ-18નું શૂટિંગ શરૂ કરી દીધું છે. બિગ બોસ-18 ટૂંક સમયમાં દર્શકોની સામે આવશે. બિગ બોસ OTT-3માં સલમાન ખાનની ગેરહાજરી ચાહકોને અનુભવાઈ હતી. હવે સલમાન ખાન ફરી એકવાર હોસ્ટની ભૂમિકામાં જોવા મળશે.

એવી અટકળો હતી કે સલમાન ખાન સ્વાસ્થ્યના કારણોસર બિગ બોસ શો હોસ્ટ નહીં કરે. એવા અહેવાલો હતા કે સલમાન ખાન પાંસળીની ઈજાને કારણે બિગ બોસ-18નો ભાગ બની શકશે નહીં, પરંતુ હવે સલમાન ખાને તમામ અફવાઓને ફગાવી દીધી છે કારણ કે તે સીધા બિગ બોસના સેટ પર પહોંચી ગયા છે. બિગ બોસ-18ના પ્રોમો શૂટ કરવા માટે બિગ બોસના સેટ પર પહોંચેલા સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન ખાન બિગ બોસ-18ના સેટની બહાર જોવા મળી રહ્યા છે. સલમાન ખાન આગામી રિયાલિટી શો બિગ બોસ-18ના પ્રોમોના શૂટિંગ માટે સેટ પર પહોંચ્યા હતા. સલમાન ખાન બ્લેક બ્લેઝર અને બ્લુ શર્ટ સાથે પેન્ટમાં ખૂબ જ સુંદર લાગે છે.

વીડિયોમાં સલમાન ખાન ફોટા માટે પોઝ આપતી વખતે ઈજા સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યા હતા. ચાલતી વખતે તે તેની પાંસળીને સ્પર્શતા જોવા મળ્યા હતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે પીડામાં છે. દર્દમાં હોવા છતાં સલમાન બિગ બોસના સેટ પર પહોંચ્યા હતા અને સેટની બહાર ચાહકોને પણ મળ્યા હતાં. તેની સાથે એક પ્રોમો પણ શૂટ કર્યો. ‘બિગ બોસ-18’નો પ્રોમો સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં રિલીઝ કરવામાં આવી શકે છે.

સુરતથી જળસંચય જન ભાગીદારી યોજનાનો શુભારંભ થયો

સુરત: આજે ઈન્ડોર સ્ટેડિયમથી જળસંચય જનભાગીદારી યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી છે. આ સાથે PMએ કહ્યું હતું કે, દેશના 140 કરોડ નાગરિકોની ભાગીદારીથી આ યોજના હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે.  સુરત શહેરના અઠવાલાન્સ વિસ્તારમાં આવેલા પાલિકાના ઈન્ડોર સ્ટેડિયમમાં આજે જળશક્તિ મંત્રાલય દ્વારા આયોજીત જળસંચય જનભાગીદારી યોજના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમાં 24 મીનીટના ભાષણમાં તેઓએ સમગ્ર અભિયાન અંગેની માહિતી આપી હતી.

PM મોદીએ ભુતકાળ વાગોળતા તેઓએ કહ્યું હતું કે ,“સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ પાણીની સમસ્યા દુર થઈ છે. સરદાર સરોવર ડેમ અને સૌની યોજના તથા નર્મદાના પાણી આજે રાજ્યના છેવાડાના વિસ્તાર સુધી પહોંચ્યા છે. આ માત્ર નીતિનો જ નહીં પરંતુ સામાજિક નિષ્ઠાનો વિષય પણ છે અને તેની મુખ્ય તાકાત જનભાગીદારી છે. આપણા દેશમાં જળને ઈશ્વરનું રૂપ કહેવામાં આવે છે અને એટલે જ નદીઓને દેવી અને સરોવરોને દેવાલયનું સ્થાન મળ્યું છે. નદીઓ સાથેના આપણા સંબંધો હજારો વર્ષોથી ચાલી આવ્યા છે. પાણીની સમસ્યા અંગે આપણા પૂર્વજો પણ સચેત હતા અને એટલે જ તેઓને પણ જળ સંરક્ષણનું મહત્વ પણ ખબર હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કેચ ધ રેઈન કેમ્પેઈન 2021 માં શરૂ કરવામાં આવેલ આ યોજનામાં હવે શહેરો અને ગામડાઓ પણ જોડાઈ રહ્યા છે અને દેશના 140 કરોડ નાગરિકોની ભાગીદારીથી આ યોજના હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે. નલ સે જલ યોજનાના કારણે અગાઉ દેશમાં માત્ર ત્રણ કરોડ ઘરોમાં જ પીવાનું પાણી નળ થકી પહોંચતું હતું. જો કે, નલ સે જલ યોજના પગલે આજે દેશમાં 75 ટકા એટલે કે 15 કરોડ ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોંચી રહ્યું છે. જેને કારણે મહિલાઓ ખાસ કરીને ઉનાળામાં પીવાના પાણી માટે થતી હાલાકી માંથી મુક્તિ મળી છે. તેઓએ લોકોને પણ સમજદારીપૂર્વક પાણીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ યોજના માત્ર પાણીના સંરક્ષણ માટે જ નહીં પરંતુ દેશના યુવાઓ માટે પણ મહત્વપૂર્ણ છે. આ યોજના થકી દેશભરમાં લાખો નાગરિકોને રોજગાર મળ્યો છે. ખાસ કરીને યોજનામાં જોડાયેલા એન્જીનિયરો, પમ્બરોથી માંડીને અન્ય યુવાઓને પણ વિશેષ લાભ મળ્યો છે જ્યારે બીજી તરફ આ યોજનાને કારણે અસંખ્ય લોકોને રોજગારની સાથે-સાથે સ્વ-રોજગાર અવસર પણ મળ્યો છે.

આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં સુજલામ સુફલામ યોજના પગલે જળ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે અને આજે વડોદરા દેશનો પહેલો જિલ્લો છે જ્યાં પ્રત્યેક સરકારી શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, એક તબક્કે ગુજરાત રાજ્ય દુષ્કાળ સામે ઝઝમતું હતું. જો કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જળસંરક્ષણ પ્રત્યેની યોજનાઓને કારણે જ આજે રાજ્ય વોટર સિક્યોર સ્ટેટ બન્યું છે. જળસંચય જન ભાગીદારી યોજનાને સફળ બનાવવા માટે તેઓએ રાજ્યના ઔદ્યોગિક એકમો, મહાનગર પાલિકાઓ અને ગ્રામ પંચાયતો સહિત સંસ્થાઓને પણ આ અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરી હતી.

BSE સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 24,900ની નીચે

અમદાવાદઃ સપ્તાહના અંતે ઘરેલુ શેરબજારમાં ભારે નફારૂપી વેચવાલી થઈ હતી. જેથી નિફ્ટી અને સેન્સેક્સ એક ટકાથી વધુ તૂટ્યા હતા. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ જોરદાર વેચવાલી થઈ હતી. જેથી બજાર નીચલા સ્તરે બંધ થયું હતું. બજારમાં વેચવાલીથી રોકાણકારો અસ્કયામતોમાં રૂ. છ લાખ કરોડ સ્વાહા થયા હતા.

ઘરેલુ બજારમાં સેન્સેક્સ 1017 પોઇન્ટ તૂટીને 81,184ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 293 પોઇન્ટ તૂટીને 24,852ની સપાટીએ બંધ રહ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ 947 પોઇન્ટ તૂટીને 58,502ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી બેન્ક 896 પોઇન્ટ તૂટીને 50,577ના સ્તરે બંધ થયો હતો. BSEના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો, જ્યારે PSE, ઓઇલ એન્જ ગેસ અને એનર્જી ઇન્ડેક્સમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું હતું.

અમેરિકામાં રોજગારથી જોડાયેલા મહત્ત્વના ડેટા સાંજે જાહેર થવાના છે, જેની અસર ફેડ રિઝર્વના વ્યાજદરોથી જોડાયેલા નિર્ણય પર પડી શકે છે. US ફેડની આ મહિને મીટિંગ થવાની છે. સપ્ટેમ્બરની ફેડ મીટિંગમાં વ્યાજદરોમાં કાપ મુકાવાની શક્યતા છે. જોએ કાપ કેટલો રહેશે એ રોજગારના ડેટા પર નિર્ભર રહેશે.

ઘરેલુ શેરબજારોમાં NSE પર ઉપલબ્ધ આંકડા મુજબ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FII)એ પાંચ સપ્ટેમ્બરે રૂ. 689 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ રૂ. 2970.74 કરોડની લેવાલી કરી હતી.

BSE એક્સચેન્જ પર કુલ 4034 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1412 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2534 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 88 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 289 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 36 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

વરુણ ધવન બાદ આ અભિનેતાની ‘બોર્ડર 2’માં એન્ટ્રી

મુંબઈ: વરુણ ધવન બાદ હવે સની દેઓલની ‘બોર્ડર 2’માં દિલજીત દોસાંઝની એન્ટ્રી થઈ છે. સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ ‘બોર્ડર 2’ની કાસ્ટ સાથે જોડાયા છે. સની દેઓલે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે. સની દેઓલે સોશિયલ મીડિયા પર પોતાનો વીડિયો શેર કરીને દિલજીત દોસાંજનું ખાસ રીતે સ્વાગત કર્યું છે. અભિનેતાએ વર્ષ 2023માં ‘ગદર 2’થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે ટૂંક સમયમાં તે ‘બોર્ડર 2’થી મોટા પડદા પર ધૂમ મચાવશે.

બોર્ડર 2માં દિલજીત દાસાંઝની એન્ટ્રી
દિલજીત દસાંજનું સ્વાગત કરતા સની દેઓલે લખ્યું, ‘#Border2 ની બટાલિયનમાં સૈનિક @DiljitDosanjhનું સ્વાગત છે.’ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં દિલજીતનો અવાજ સંભળાય છે, જ્યાં તે કહે છે, ‘ઈસ દેશ કે તરફ ઉઠનેવાલી હર નજર ઝૂક જાતિ હૌ ખૌફ સે… ઈન સરહદોં પર જબ ગુરુ કે પાસ પહરા દેતે હૈં.’ દિલજીતના આ વીડિયોને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે. તેનો દમદાર અવાજ સાંભળીને તમારા રુવાડાં ઉભા થઈ જશે.

બોર્ડર 2 આ દિવસે રિલીઝ થશે
આ પહેલા સની દેઓલે ‘બોર્ડર 2’માં વરુણ ધવનની એન્ટ્રીની જાહેરાત કરી હતી. પોસ્ટમાં એ પણ ખુલાસો થયો છે કે આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026ના રોજ પ્રજાસત્તાક દિવસના સપ્તાહના અંતે રિલીઝ થવાની છે. બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’માં સની દેઓલ, જેકી શ્રોફ, અક્ષય ખન્ના, સુનીલ શેટ્ટી, પૂજા શેટ્ટી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની દેઓલ છેલ્લે ‘ગદર 2’માં અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર સાથે જોવા મળ્યા હતા.

ભારતની સૌથી મોટી વૉર ફિલ્મ
‘બોર્ડર 2’નું નિર્દેશન અનુરાગ સિંહ કરશે,જેમણે અગાઉ ‘કેસરી’,’પંજાબ 1984′, ‘જટ્ટ એન્ડ જુલિયટ’ અને ‘દિલ બોલે હડિપ્પા!’ જેવી ફિલ્મો બનાવી છે ‘બોર્ડર’ના 27 વર્ષ પૂરા થવા પર આ ફિલ્મ અંગે જાહેરાત કરવામાં આવી હતી. નિર્માતાઓએ તેને ‘ભારતની સૌથી મોટી વૉર ફિલ્મ’ ગણાવી હતી.

અમદાવાદના શાહીબાગનો અંડરપાસ બંધ રહેશે

અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ અંડરપાસ પરથી પસાર થતા રેલવે ટ્રેક નીચે લગાવવામાં આવેલી પ્લેટો જર્જરીત સ્થિતિમાં હોવાથી તેના રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન આગામી 18મી સપ્ટેમ્બર સુધી આ અંડરપાસથી રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહશે. આ અંડરપાસ બંધ રહવાથી લોકોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે.

શહેર ટ્રાફિકના જોઇન્ટ પોલીસ કમિશનર એમ એન ચૌધરીએ એક નોટીફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે પશ્વિમ રેલવેની મુખ્ય લાઇન શાહીબાગ અંડરપાસ પરથી પસાર થાય છે. જેમાં અંડરપાસમાં ટ્રેક નીચે લગાવવામાં આવેલી લોંખડની પ્લેટો જર્જરિત હાલતમાં હોવાથી તેના રીપેરની કામગીરી 5 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાનમાં રાતના 12 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી અંડરબ્રીજ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

Monsoon Update: રાજ્યમાં 24 કલાકમાં 207 તાલુકામાં નોંધાયો વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગ આગાહી પ્રમાણે ભારે વરસાદ નોંધાય રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ  જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 5.55 ઈંચ, તલોદમાં 5 પાંચ ઈંચ, ણસામાં 4.53 ઈંચ, પ્રાંતિજમાં 3.98 ઈંચ, રાધનપુરમાં 3.90 ઈંચ, હિમતનગરમાં 3.82 ઈંચ અને મહેસાણામાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો છે.

સાતમી સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

બીજી બાજું હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારેથી હળવા વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મહેસાણા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે રાજ્યમાં હવે ધીમે ધીમે વરસાદની ગતિમાં ચોક્ક્સ ઘટાડો થશે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્વિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં વરસશે.’ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતાં 10 સપ્ટેબરે ડીપ ડિપ્રેશન સર્જાશે, જેથી 12થી 22 સપ્ટેમ્બર દરમિયાન ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ડીપ ડિપ્રેશન સર્જાતાં પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકા વરસાદ વરસી ચૂકયો છે. તમામ ઝોનમાં 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાઈ છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોન 128 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 122 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 116 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 104 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

બે વાર કરી, પણ હવે ક્યારેય ભૂલ નહીં કરીએઃ નીતીશકુમાર

પટનાઃ બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચઢી રહેલા રાજકીય પારાને CM નીતીશે શાંત કરવાના પ્રયાસ કર્યા છે. પટનામાં CM નીતીશકુમારે ફરી એક કહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં ક્યારેય હવે RJDની સાથે ગઠબંધન નહીં કરે. તેમણે આયોજિત એક કાર્યક્રમમાં નીતીશકુમારે RJD પર બિહાર માટે કામ નહીં કરવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે અમારાથી બે વાર ભૂલ થઈ હતી. અમે બે વાર એ લોકોનો સાથ આપ્યો અને પછી હટાવી દીધો. હવે અમે ક્યારે અહીં-તહીં નહીં જઈએ.

નીતિશ કુમારે હાલમાં RJD નેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. એ પછી એવી અટકળો થઈ  હતી કે બિહારના રાજકારણમાં ફરી એક વાર નવાજૂની થઈ શકે છે. આ મુલાકાત પણ અચાનક થઈ હતી અને બંને નેતા વચ્ચે લગભગ અડધા કલાક સુધી ચર્ચા થઇ હતી.

હવે નીતિશ કુમારે આ મામલે લાગી રહેલા તમામ કયાસો પર પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે NDA સાથે હવે અમારું ગઠબંધન સ્વાભાવિક છે અને હવે તે હંમેશાં માટે જળવાઈ રહેશે. ઉલ્લેખનીય છે કે ભાજપના અધ્યક્ષ નડ્ડા પણ આજે પટના પહોંચ્યા હતા અને નીતિશ કુમાર સાથે તેમની મુલાકાત થઇ હતી. નડ્ડા અહીં બે દિવસ રોકાશે.

CM નીતિશ કુમાર RJD પ્રમુખ લાલુ યાદવના ઘરે તેમને મળવા ગયા હતા, જેને કારણે ફરી અટકળો શરૂ થઈ હતી કે નીતિશ ફરીથી મહાગઠબંધનમાં સામેલ થશે. કહેવાય છે કે નીતીશ 3-4 દિવસમાં બીજી વખત તેજસ્વી અને લાલુને મળવા આવ્યા હતા. આનો એક વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો, જેના પછી આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા હતા. હવે બિહારના CMએ ખુદ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.