સાહિલ ચઢ્ઢાને જે નિર્દેશકે અભિનય એનું કામ ન હોવાનું કહ્યું હતું એમણે જ પોતાની ફિલ્મમાં અમિતાભ સાથે કામ
આપ્યું હતું. સાહિલને નાનપણથી જ અભિનયનો શોખ હતો. યુવાન થયા પછી સાહિલ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા પહોંચી ગયો હતો. જે કામ મળે એ કરતો હતો. તે મોડેલિંગ કરતો હતો. ફિલ્મ ‘મશાલ’ વખતે કલાકારોના કપડાં, જમવાનું વગેરે લાવવાનું કામ કર્યું હતું. નિર્દેશક રવિ ચોપડાએ એમના પ્રોડકશનમાં એનું ઓડિશન જોઈને કહ્યું કે તું દૂબળો-પાતળો છે. તારો મેળ પડશે નહીં. સમય બગાડ્યા વગર તું દિલ્હી પાછો જતો રહે. સાહિલે એમને ખોટા સાબિત કરવા મહેનત કરી. કેટલીક ટીવી સિરિયલો કરી.
એક ફિલ્મ ‘સત્યમેવ જયતે’ પછી સાહિલની થોડી નોંધ લેવાઈ હતી. તે એક કપડાના શુટિંગની જાહેરાત માટે ખંડાલા જતો હતો ત્યારે મોડેલ મિત્ર વેવર્લીએ એને કહ્યું કે હું એક ફિલ્મ ‘લાલ દુપટ્ટા મલમલ કા’ (૧૯૮૮) નું ઓડિશન આપીને આવી છું. મારો નંબર લાગ્યો નથી પણ તું હીરો તરીકે ઓડિશન આપી શકે છે. સાહિલે જાણ્યું કે એ ફિલ્મ રવીન્દ્ર પીપટની છે. એમની એક ફિલ્મ સાહિલ સાથે બની શકી ન હતી. રવીન્દ્રએ ગુલશનકુમારની ફિલ્મની સ્ક્રીપ્ટ સંભળાવી. ઓડિશન આપ્યા પછી સાહિલે કહ્યું કે આ મહિલાપ્રધાન ફિલ્મ છે. પણ પછી પોતાનું જ મન મનાવ્યું કે હું હીરો છું અને ક્લાઇમેક્સમાં પણ તક મળશે. રવીન્દ્રએ એના માટે સારા દ્રશ્યો બનાવવાનું આશ્વાસન આપ્યું. ત્યારે સાહિલે અભિપ્રાય આપ્યો હતો કે આ એક જૂના જમાનાની પ્રેમવાર્તા છે. કોઈ આધુનિક લવસ્ટોરી નથી? આ વાતને દોઢ મહિનો થઈ ગયો અને એમના તરફથી કોઈ સંદેશ આવ્યો નહીં. સાહિલ ત્યારે માંદો પડ્યો હતો એટલે બહુ ધ્યાન આપ્યું નહીં.

એક દિવસ એણે રેડિયો પર ‘ક્યા કરતે થે સાજના’ ગીત સાંભળ્યું અને ખ્યાલ આવ્યો કે આ એ જ ફિલ્મ છે જેનું મેં ઓડિશન આપ્યું હતું. એને થયું કે આ ફિલ્મ મેળવવી જ જોઈએ. એ રવીન્દ્ર પાસે ગયો અને પૂછ્યું કે ફિલ્મનું શું થયું? એમણે કહ્યું કે તારે તો મોર્ડન લવસ્ટોરી કરવી છે ને? સાહિલે કહ્યું કે ના હું આ કરી લઇશ. અને સાહિલે ફરી કેટલીક છોકરીઓ સાથે હીરો તરીકે ઓડિશન આપ્યું. એ પછી વળી પંદર દિવસ સુધી કોઈ સંદેશ ના આવ્યો. એક દિવસ એરપોર્ટ પર ‘ટી સીરીઝ’ ના ગુલશનકુમારે એને નામથી બોલાવીને કહ્યું કે મેં તારું ઓડિશન જોયું છે અને આપણે ફિલ્મ કરી રહ્યા છે. ‘લાલ દુપટ્ટા મલમલ કા’ ના પહેલાં ઓડિયો ગીતો રજૂ કરવામાં આવ્યા હતા અને એની લોકપ્રિયતને કારણે ગુલશનકુમારે એ ગીતો સાથે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું.
ફિલ્મ રજૂ થતાની સાથે જ સફળ થતાં સાહિલ મોટો ડીજીટલ સ્ટાર બની ગયો હતો. એ પછી ખાસ કોઈ ફિલ્મો મળી નહીં. સલમાન ખાન પણ ત્યારે એનાથી પ્રભાવિત હતો અને કહ્યું હતું કે હું એક ફિલ્મની સ્ક્રીપ્ટ લખી રહ્યો છું. આમિર ખાનને એ પસંદ આવી નથી. હું તારી અને મોહનીશ બહલ સાથે બનાવીશ. પછી કહ્યું હતું કે ‘મૈંને પ્યાર કિયા’ (૧૯૮૯) થી અભિનેતા તરીકે નહીં ચાલે તો નિર્દેશક બનશે અને તારી સાથે ફિલ્મ બનાવશે. સાહિલ જીવન નિર્વાહ માટે જાહેરાતો કરતો રહેતો હતો. ત્યારે ફિલ્મ ‘શહઝાદે’ માટે આમિર ખાને ના પાડ્યા પછી સાહિલને ઓફર થઈ એમાં આદિત્ય પંચોલી આવી ગયો હતો.

આદિત્ય ચોપડાએ એને યશજીની એક ફિલ્મ ‘ડર’ (૧૯૯૩) કરવાની સલાહ આપી હતી. કેમકે આમિરે ના પાડી હતી. એમાં નકારાત્મક ભૂમિકા હોવાનું જાણી ખચકાયો હતો. પણ મહત્વની ભૂમિકા હોવાથી હા પાડી હતી. યશજીની ‘લમ્હે’ (૧૯૯૧) ફ્લોપ થયા પછી ફેરફાર થતાં એ ભૂમિકામાં શાહરૂખ ખાન આવી ગયો હતો. વર્ષો પછી રવિ ચોપડાએ અમિતાભની ફિલ્મ ‘બાગબાન’ (૨૦૦૩) માં સાહિલને કામ આપ્યું હતું અને પરિવાર સાથે મુલાકાત કરાવીને વખાણ કરતાં કહ્યું હતું કે આ છોકરાને મેં ના પાડી હતી છતાં એ અભિનયમાં રહ્યો અને આ સ્થાન પર પહોંચ્યો છે.











આનંદનો ઉત્સવ હોય અને મોઢું મીઠુ તો પહેલા કરાવવું જોઈએ. પણ શું આજના સમયમાં મોઢું કરવું વ્યક્તિના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. કેમ કે, તહેવાર ટાણે રાજ્યના ખૂણે ખૂણામાં અખાદ્ય સમાગ્રી વેચવાનો ગોરખધંધો શરૂ થઈ જતો હોય છે. ભેળસેળ જેવી ઘટના તો જાણે સામાન્ય બની ગઈ હોય, સામે પક્ષે તંત્ર તરફથી પણ એક્શન લેવાના ઢોંગ ધતિંગ થતા હોય એવું લાગી રહ્યું છે. ઘણી વખત એવું નજરે પડતું હોય કે, ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈ જવાતા હોય પણ તેના પરિણામ તો તહેવાર પછી આવે છે.
એવા કેટલાક વેપારીઓ જે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે, તેની સાથે તંત્ર એક્શન તો લે છે, આવા લોકો પાસેથી FSSAI કાર્યવાહી પણ કરે છે, અને દંડ પણ વસૂલે છે. કોઈપણ સામગ્રીનો પહેલા સામાન્ય ટેસ્ટ થાય, જો તેમાં કમી વર્તાય તો તેને FSL માં મોકલવામાં આવે છે. આ રિપોર્ટ આવતા લાંબો સમય લાગે છે. જ્યાં સુધી આ રીપોર્ટ નથી આવતા ત્યાં સુધી વેપારી ખાદ્ય સામગ્રી વેચી શકતો નથી. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વેપારી દંડ ભરી છૂટી જતા હોય છે. જ્યારે ઘણી વખત એવુ પણ બનતું હોય છે કે રાજ્ય સ્તરે વેપારીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હોય, પછી તે વેપારી કેન્દ્રીય સ્તરેથી લાયસન્સ મેળવી લેતો હોય છે. આ સ્ટેટ અને સેન્ટ્રલ વચ્ચે જે લાયસન્સનું તાલમેલ વેપારી બનાવે છે તેના માટે FSSAIએ કડક કાયદા લાવવા જોઈએ. કાયદા તો છે, પરંતુ ક્યાંકને ક્યાંક લોકો તેમાંથી છટકબારી શોધી નીકળી જતા હોય છે. એવા કડક કાયદા લાવવા જોઈએ જેથી લોકોને આવું કામ કરતા ડર લાગે.
પહેલા તો આવી સમસ્યા પ્રોડક્ટ પર નિર્ભર કરતી હોય છે, કે તે પ્રોડક્ટમાં શું સામગ્રીનો વપરાશ થયો છે. ખાદ્ય સામગ્રીમાં વપરાતા મસાલામાં જે કલરનું મિશ્રણ થાય છે, તે આપણા શરીર માટે હાનીકારક હોય છે. કેટલીક એવી વસ્તુ જેના સામાન્ય ઘરે પણ ટેસ્ટ કરી શકાય છે, એ આપણે કરવા જોઈએ પછી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. બજારમાં મળતી મીઠાઇમાં કંદોઈ હંમેશા પામ ઓઈલ અને વનસ્પતિ ઘીનો ઉપયોગ કરે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક હોય છે. આ ઉપરાંત આપણે બહારનું ખાવાનું એક લીમીટમાં લેવું જોઈએ. ગ્રાહક જ્યારે પણ બજારની વસ્તુ ખરીદવા જાય ત્યારે પહેલા લેબલ ચેક કરવુ જોઈએ, કે પ્રોડક્ટમાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે ત્યારે ભ્રષ્ટાચારનું પ્રમાણે વધારે છે. જેથી આપણી સુરક્ષા આપણા જ હાથમાં હોય છે. કાયદાની કડક થતા પહેલા આપણે સજાગ થઈ જવું જોઈએ.
આજના સમયમાં સારૂ ફૂડ મેળવવું થોડું મુશ્કેલ થઈ ગયું છે. કેમ કે દરેક દુકાનમાં નાની મોટી ભેળસેળ તો જોવા મળતી જ હોય છે. બજારના ખાવાની ગુણવત્તા આમ પણ ઓછી હોય છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘણી દુકાન પર રેડ પાડવામાં આવે છે, સેમ્પલ પણ લેવાય છે પરંતુ તેના પરિણામ નથી આવતા. આપણે ત્યા કોઈ એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. જેમાં ખાદ્ય સામગ્રી સાથે તેમાં ઉપયોગ લેવાલી સામગ્રીનો પણ ઉલ્લેખ હોય. કેમ કે કેટલીક વખત લોકો તંત્રના એક્શન પહેલા દુકાન દારો સામાનની હેરફેર કરી દેતા હોય છે. આમ તો આપણે ત્યાં કડક કાયદા છે. પણ ભેળસેળ કરનારા તેમાંથી નીકળવાના રસ્તા શોધી લેતા હોય છે. આપણે એવા કાયદા બનાવવા જોઈએ, જેથી આવું કામ કરના હાથમાંથી નીકળી ના શકે.
મારા મત અનુસાર, જ્યારે પણ બજારમાં કોઈ પણ વસ્તુની ચકાસણી કરીને વસ્તુની ખરીદી કરીશ. હાલ તંત્ર પણ એક્શન મોડ આવી છે. અને તમામ દુકાનમાં સેમ્પલ લેવાની પ્રક્રિયા તો હાથ ધરી પણ તેના રીઝલ્ટ બે-ત્રણ મહિને આવે છે. મારું એવું માનવું છે કે કાયદા થોડા કડક કરવાની જરૂર છે. આવી ઘટના સામાન્ય દુકાન સહિત મોટી કંપનીમાં પણ બની રહી છે, કે તેની પ્રોડક્ટમાં ભેળસેળ મળી આવતી હોય. એવા કડક નિયમ હોવા જોઈએ કે, કોઈ પણ પ્રોડક્ટ બજારમાં મુકતા પહેલા તેની પુરતી ચકાસણી થવી જોઈએ. આવી નાની મોટી સમસ્યા ભારતમાં જ જોવા મળશે. ભારત બહારના કાયદા એટલા કડક છે આવી સમસ્યાનો સામનો જનતાને કરવો પડતો નથી. મારું એવું માનવું છે કે ગ્રાહક તો જાગૃત થઈ ગયા છે. પરંતુ કાયદા સાથે સરકારને જાગૃત થવાની જરૂર છે.

