અમદાવાદ પોલીસનો વઘુ એક તોડકાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ક્રિપ્ટો કરન્સીનો એક સોદો થયો અને સીજી રોડ ઉપર આંગડિયા પેઢીમાં 20 લાખ રૂપિયાનું ચૂકવણું થાય ત્યાં ઝોન-1 સ્કવોડ પોલીસ પહોંચી હતી. ક્રિપ્ટો કરન્સીનો સોદો કરનાર અશોક નામનો શખ્સ અને પોલીસે પાંચ લાખ તેની પાસેથી લીધાનું રહસ્ય પણ ઘેરાયું છે. ચોંકાવનારી બાબત એ છે કે, એક મહિના પહેલાં નવરંગપુરામાં જ તોડ અંગે બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં હતાં. ત્યારે હવે ઝોન-1 સ્કવોડ સામે આક્ષેપો થયાં છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદના અશોક નામના એક શખ્સે છેલ્લા એક-દોઢ વર્ષથી સુદર્શનભાઈ નામના વેપારી સાથે મિત્રતા કેળવી 50 લાખાના રોકાણ સામે 60 લાખ કમાવાની લાલચ આપી હતી. જેમાં એક વ્યક્તિને પૈસાની જરૂરત હોવાથી ૩0 લાખની ક્રિપ્ટો કરન્સી 20 લાખમાં વેચવાની હોવાની વાત કરાઈ હતી. સુદર્શનભાઈએ પોતાના વોલેટમાં યુ.એસ.ડી.ટી. આવે તે પછી જ 20 લાખ આપશે તેવી વાત કરી હતી. વોલેટમાં ક્રિપ્ટો કરન્સી આવે તેની રાહ જોવાઈ રહી હતી ત્યાં મયૂર, અમીત સહિતના પોલીસ કર્મચારીઓ આવ્યાં હતાં. આંગડિયા પેઢીથી 20 લાખ રૂપિયા સાથે સુદર્શનભાઈ અને અશોકને નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઉપરના માળે લઈ જવાયાં હતાં. ઝોન-1 સ્કવોડની ઓફિસમાં પીએસઆઈ જેવા દેખાતાં એક અધિકારી પાસે બન્નેને 20 લાખ રૂપિયા સાથે રજૂ કરવામાં આવ્યાં હતાં. કંઈક અજૂગતું થશે તેવી આશંકાથી સુદર્શનભાઈએ પોતાના ઓળખિતાઓને ફોન કર્યા હતા. દબાણ સર્જાતાં અશોકે જ ઝોન-1 સ્કવોડને જવા દેવા માટેની ભલામણ કરવા સાથે સુદર્શનભાઈને 20 લાખ પરત અપાવવા ખાતરી આપી હતી. બદલામાં અશોક રૂા. પાંચ લાખ ચૂકવે તેવી માગણી કરાઈ હતી. અગાઉ નવરંગપુરામાં કામ કરી ચૂકેલા અને હાલ વેજલપુરમાં કાર્યરત પોલીસ કર્મચારીને મઘ્યસ્થી બનાવીને પાંચ લાખ રૂપિયાનો હવાલો અપાયો હતો. આ પ્રકારે અશોક પાસેથી પાંચ લાખ મેળવાયાં હતાં.
જો કે, ત્રણ દિવસ સુધી પૈસા પરત આવ્યાં નહોતાં અને અશોકે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. આખરે, વેપારી સુદર્શનભાઈએ પોલીસ કમિશનર કચેરીમાં પોતાની સાથે તોડબાજી થયાની રજૂઆત કરતાં પોલીસ કમિશનર દ્વારા ડીસીપી કક્ષાના અધિકારી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. ચાર દિવસ અગાઉના ઘટના ક્રમમાં ક્રિપ્ટો કરન્સી લેવા આવેલા વેપારીના 20 લાખ રૂપિયા હાલમાં કોની પાસે છે? તે તપાસનો મુદ્દો છે. વોલેટમાં યુએસડીટી આવે તે પછી 20 લાખ ચૂકવવાની તૈયારી વેપારીએ બતાવી હતી અને આંગડિયા પેઢીએ હતા. આ જ વેપારી પાસે 20 લાખ છે અને ક્રિપ્ટો કરન્સીનો સોદો છે તેની વિગતો પોલીસને કઈ રીતે ખબર પડી? 20 લાખ રૂપિયા પરત મળ્યાં નથી અને અશોકે પાંચ લાખ આપવાના છે તેનો હવાલો વેજલપુરના પોલીસ કર્મચારીએ શા માટે લીધો? પોલીસે 20 લાખ પરત આપવા ખાતરી આપ્યા પછી પૈસા ક્યાં ગયા? ખરેખર પચ્ચીસ લાખ ચાઊં થયાં કે મિલીભગત હોવાથી 20 લાખ ચાઊં કરવા અશોકના પાંચ લાખ લેવાયાનું નાટક થયું?





દિવાળી એટલે ગુજરાતી સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષનો પ્રારંભ. આમ તો દિવાળી પ્રકાશનો તહેવાર કહેવાય જ્યાં પ્રભુ શ્રી રામે રાવણનો વધ કરી ફરી રામરાજ્યની સ્થાપના કરી હતી. આ અવસરને આપણે અવનવી વાનગી, રંગબેરંગી રંગોળી અને ઝળહળતા ફટાકડા સાથે કેટલીક ધાર્મિક વિધિ અને પરંપરા સાથે ઉજવીએ છીએ. દિવાળીનો તહેવાર પાંચ દિવસ સુધી ઉજવાય છે. જેમાં દરેક દિવસનો અનેરો મહિમા અને વિધિવધાન હોય છે. પરંતુ હવેના સમયમાં દિવાળીનો વાસ્તવિક અર્થ બદલાયો છે. કેટલીક પરંપરામાં આધુનિક ફેરફાર આવ્યા છે, તો કેટલીક પરંપરા તો લુપ્ત થવાના આરે છે.
બદલતા સમય સાથે બદલાતી પરંપરા કેટલી યોગ્ય છે? આ વખતે ઓપિનિયન વિભાગમાં આ વિશે જાણો અલગ-અલગ વર્ગના લોકોનો શું છે અભિપ્રાય..
બદલાતી પરંપરા પાછળનું મુખ્ય કારણ એ જ છે, કે પહેલાના અભ્યાસ અને આજના અભ્યાસમાં ઘણો ફરક હોય છે. પહેલા અભ્યાસમાં વડીલોના માન સમ્માનની રખવાળી યુવા પેઢીના હાથે હોવાની વાત શીખવવામાં આવતી હતી. જ્યારે આજકાલ આપણે લોકો વિદેશી કલ્ચરને વધુ મહત્વ આપીએ છીએ, અને આપણા કલ્ચરને ભૂલવા લાગ્યા છીએ. એટલા માટે આપણા તહેવાર ઉજવવાની રીતમાં બદલાવ આવી રહ્યા છે. જ્યારે ટેકનોલોજીએ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. નાની ઉંમરમાં વધતા ફોનના ઉપયોગથી દેખાદેખીનો દોર ચાલ્યો છે. લેટેસ્ટ બનવાના ચક્કરમાં આપણી પરંપરા ભૂલાતી જાય છે. પહેલાના સમયમાં વાલી ગુરુ પાસે શિષ્યના સારા સંસ્કાર આપવાની વાત કરતા, જ્યારે આજના સમયમાં નાનો એવો ઠપકો આપવાથી પણ મોટા ધીંગાણા થઈ જાય છે. પહેલાના સમયમાં ચોપડામાં પૂજન કરવામાં આવતું જેની જગ્યા પર હવે કોમ્પ્યુટર જેવી સિસ્ટમોની પૂજા કરવવામાં આવે છે.
ખેરખર તો, આપણે જૂની પરંપરાને ભૂલતા જઈએ છીએ. નવા જમાનામાં આપણે ‘ચાલશે’ બોલતા શીખી ગયા છીએ. સાચી વાત એ છે, કે નવા વર્ષની શરૂઆતમાં જે પણ કરીએ એ આખુ વર્ષ કરતા રહીએ, એવી ભાવનાથી આપણે વડીલોના આશીર્વાદ લેવા જતા હતા. વડીલો પણ આશીર્વાદ સ્વરૂપે બાળકોને કાંઈને કાઈ આપતા, આ પરંપરા તો જાણે નીકળી જ ગઈ છે. આ ઉપરાંત બીજી પરંપરા લુપ્ત થઈ છે એ ઝગમગતી દિવળીની પરંપરા, જેની જગ્યા LED લાઈટોએ લીધી છે. કેટલીક પરંપરામાં બદલાવ સારા માટે થાય છે. પરંતુ કેટલીક પરંપરા લુપ્ત થવાના સારા પરિણામોની જગ્યા પર ખરાબ પરિણામો વધુ આવી શકે છે. પહેલાના સમયમાં ફટાકડા ફોડવાનું ચલણ ન હતું. જ્યારે હવે રંગબેરંગી ફટાકડા ફોડી પ્રદૂષણ કરવાને જ દિવાળીની ઉજવણી ગણવામાં આવે છે. જો કે એ સાચા અર્થમાં દિવાળી નથી. સાચા અર્થમાં દિવાળીમાં એકબીજાની ખુશીમાં વધારો કરવો, ઘર આંગણાને અવનવી કળા, ચિત્રકલાથી મહેકાવવું અને હળીમળીને રહેવાનો તહેવાર છે.
મારી દ્રષ્ટિએ પરંપરાગત રીત અંધકારમાંથી અજવાળા તરફ જવાનો તહેવાર એટલે દિવાળી છે. દિવાળી તો અતિપ્રાચીન તહેવાર છે. પરંતુ સમય સાથે બધું બદલાઈ ગયું છે. પહેલા લક્ષ્મી માતા સાથે વિષ્ણુના અલગ-અલગ સ્વરૂપોનું પૂજન કરવામાં આવતું હતું. આજકાલ લોકો આપણી પરંપરા છોડી પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે, જે આપણા માટે દુઃખદ ઘટના છે. એવુ નથી કે આપણી પરંપરા લુપ્ત થઈ ચુકી છે. કેટલીક જગ્યા પર હજુ પણ જૂના પરંપરાગત રીત-રિવાજો જોવા મળે છે. સમય જતા દિવાળી તેના ધાર્મિક મૂળથી અલગ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ તહેવાર મોટો સામાજિક અને સાંસ્કૃતિક તહેવાર બન્યો હોય તેવું લાગી રહ્યું છે. હા ઘણી જગ્યા પર ધાર્મિક પરંપરાને અનુસરવામાં આવે છે, પણ સોશિયલ મીડિયા પર મુકવા માટે. આજના યુવાનોને માત્ર ભેટ સોગાદો, ફટાકડાં અને દિવાળી પાર્ટીમાં જ રસ છે.
પહેલાનો સમય અને અત્યારનો સમય અલગ છે. અમુક એવા રિવાજો છે જે બદલાયા નથી. હા એ વાત સાચી કે અમુક રિવાજો સમય સાથે બદલાય ગયા છે, તો અમુક સમય સંજોગોને લઈ છૂટી ગયા છે. હાલના સમયમાં જે કામ ફોનથી થતું હોય, તેના માટે રૂબરૂ મળીને સમય વ્યર્થ કરવાની મારી દ્વષ્ટિએ કોઈ જરૂર નથી. વાત રહી વિધી વિધાનની તો, પહેલાંના સમયમાં બધુ કામ ચોપડા પર થતું એટલા માટે ચોપડા પૂજન કરતા. જ્યારે હાલના સમયમાં બધુ કામ કોમ્પ્યુટર પર થાય છે એટલા માટે કોમ્પ્યુટર પૂજા થાય છે. જેને આપણે પરિવર્તન સંસારનો નિયમ કહી શકાય.
આમ જોવા જોઈએ, તો પરિવર્તન સંસારનો નિયમ છે. એજ માની ને અમુક વસ્તુમાં બદલાવ જરૂરી છે. પરંતુ જે સમાજ પાછલા કેટલાંક વર્ષોથી એક પરંપરાને અનુસરતો હોય તે કાંઈ ખોટી તો ના જ હોયને. એટલે કેટલીક પરંપરામાં કોઈ ફેરફાર નાજ આવવો જોઈએ. જ્યારે આજના વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરનારાને દિવાળીની પરંપરાની ખબર જ નથી હોતી. આજ કાલના યુવાનોને માત્ર નવા કપડા પહેરી, ફોટો પડાવવા સાથે ફટાકડાંની આતીશબાજી કરવામાં જ રસ છે. મારા મત પ્રમાણે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનની નવી ટેકનોલોજી સાથે રીત બદલાય છે, પરંપરા બદલાય નથી. હાલના સમયમાં પણ કેટલીક જગ્યા પર ચોપડા પૂજન કરવામાં આવે જ છે.







