Home Blog Page 1318

શું છે એરપોર્ટ માટેનું અદાણી ગ્રુપનું વિઝન?

અમદાવાદઃ દેશનાં સાત મોટાં એરપોર્ટનું સંચાલન કરતી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)ના ડિરેક્ટર જીત અદાણીએ તેમની મહત્વાકાંક્ષી યોજનાઓ વિશે જણાવ્યું છે. એક જાણીતા અખબારને ઈન્ટર્વ્યુ આપતાં તેમણે એરપોર્ટ બિઝનેસમાં એક ટ્રિલિયન કેપેક્સનો મહત્ત્વાકાંક્ષી પ્લાન પણ જણાવ્યો હતો.  AAHLને સૂચિબદ્ધ કરતાં પહેલાંના ટ્રિગર પોઈન્ટ્સમાં નવી મુંબઈ એરપોર્ટના વ્યાપારીકરણ અને તેના સ્ટેબિલિટી વિશે પણ પ્રકાશ પાડ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં અદાણી જૂથ આશરે રૂ. 1 ટ્રિલિયનનું રોકાણ આકર્ષવાની અપેક્ષા રાખે છે. અમે એરલાઇન્સ પાસેથી કોઈ શુલ્ક લેવા માગતા નથી. અમારું અંતિમ વિઝન એરલાઇન્સનું એરપોર્ટ પર વર્કિંગ મફત બનાવવાનું છે. અમે માત્ર સિટી સાઇડ ડેવલપમેન્ટ અને નોન-એરો સ્ત્રોતોમાંથી અમારું સંપૂર્ણ વળતર મેળવવા માગીએ છીએ. ત્યાર બાદ અમારે રેગ્યુલેટર (AERA, જે એરપોર્ટસ માટે ચાર્જ નક્કી કરે છે) સાથે લડવાની જરૂર નથી.

AAHLમાં એરો વિ નોન-એરો આવકના હિસ્સા વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે આગામી પાંચ વર્ષમાં હવાઈ આવકનો હિસ્સો નોન-એરો રેવન્યુમાં હોય. અત્યારે એરો વિરુદ્ધ નોન-એરોનો હિસ્સો 55 વિરુદ્ધ 45 છે. આગામી પાંચ વર્ષમાં લગભગ 10-15 ટકા ઉમેરો કરવા કવાયત કરવી પડશે. અમને લાગે છે કે 10-15 વર્ષોમાં એરોની આવકનો હિસ્સો 10 ટકાથી ઓછો હશે, કારણ કે એક વાર શહેરની બાજુનો વિકાસ થશે, તે કુલ આવકના લગભગ 40-50 ટકા આપશે.

અમે અમારો એરપોર્ટ બિઝનેસ શરૂ કર્યો ત્યારથી નોન-એરો રેવન્યુ લગભગ ત્રણ ગણી વધી છે. આગામી બે વર્ષોમાં નોન-એરોગ્રોથ સ્ટેપ જમ્પ થવા જઈ રહ્યો છે. તેનાથી મોટા પ્રમાણમાં રેવન્યુ જનરેટર થશે. એક વાર આ ત્રણ વસ્તુઓ થઈ જાય પછી, AAHLનું EBITDA જે આજે લગભગ $ 300 મિલિયન છે, તે વધીને $1-1.5 બિલિયન થઈ જશે. ત્યાર બાદ આ વ્યવસાયને સૂચિબદ્ધ કરવા અને મૂલ્ય વૃદ્ધિ દર્શાવવા આરામદાયક હોઈશું. બે ત્રણ વર્ષમાં આ EBITDA  સ્તર પ્રાપ્ત કરી શકીશું.

આગામી પાંચ વર્ષ માટે AAHLની યોજના અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે જે રીતે અમે અમારી ફાઇનાન્સિંગ અને બધું કર્યું છે – તે આગામી પાંચ વર્ષ માટે રૂ. 1 ટ્રિલિયનથી વધુ છે. હાલના ટર્મિનલના વિસ્તરણ અને એરપોર્ટ પર નવા ટર્મિનલ બનાવવા આશરે રૂ. 20,000 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. આશરે રૂ. 20,000 કરોડનો ઉપયોગ મુંબઈ, અમદાવાદ, લખનૌ અને જયપુરના એરપોર્ટ પર પ્રારંભિક સિટીસાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. નવી મુંબઈ એરપોર્ટ પર બીજા તબક્કાના બાંધકામ માટે લગભગ રૂ. 18,000 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. અમે ભાવિ મર્જર, એક્વિઝિશન અને કેન્દ્ર સરકારના એરપોર્ટ મુદ્રીકરણ (ખાનગીકરણ)ના આગામી રાઉન્ડ માટે લગભગ રૂ. 20,000 કરોડ પણ રાખી રહ્યા છીએ. જો કોઈ આંતરરાષ્ટ્રીય તક અમારા માટે ફળીભૂત થાય તો અમે તે ભંડોળ રાખીએ છીએ. તેઓ જણાવે છે કે અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે ડિજિટલ તેમ જ ભૌતિક અનુભવ બંને ગ્રાહક માટે અદાણીનો અનુભવ હોવો જોઈએ. અમે ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ કંપની નવી મુંબઈ એરપોર્ટમાં માર્ચમાં શરૂ કરીશું.

પહેલી વાર કોઈ સ્ટારકિડની કંગનાએ કરી પ્રશંસા, કોન કામથી ઈમ્પેસ થઈ?

મુંબઈ: બોલિવૂડના કિંગ તરીકે ઓળખાતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. હવે વારો છે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો. પરંતુ આર્યન ખાને અભિનય નહીં પણ દિગ્દર્શનનો મુશ્કેલ રસ્તો તેની કારકિર્દી તરીકે પસંદ કર્યો છે. આર્યન ખાને મંગળવારે તેની ડેબ્યૂ સિરીઝ ‘સ્ટારડમ’ની પણ જાહેરાત કરી છે. આ OTT સિરીઝ શાહરૂખ ખાનના પ્રોડક્શન રેડ ચિલી હેઠળ બની રહી છે અને નેટફ્લિક્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. હવે આ સ્ટાર કિડના આ નિર્ણયની બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પ્રશંસા કરી છે.

બોલિવૂડ અને સ્ટારકિડ્સ સામે અવાજ ઉઠાવનાર કંગના રનૌત માટે આ કદાચ પહેલીવાર છે જ્યારે તે સ્ટારકિડ્સના વખાણ કરતી જોવા મળી છે. કંગનાએ આર્યન ખાનના આ સાહસિક નિર્ણયની પ્રશંસા કરતી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. કંગનાએ આ પોસ્ટમાં લખ્યું, ‘એ સારી વાત છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બાળકો માત્ર મેકઅપ કરીને અને વજન ઘટાડીને એક્ટિંગનો સરળ રસ્તો પસંદ નથી કરી રહ્યા. આપણે સાથે આવવાની અને ભારતીય સિનેમાના ધોરણોને વધારવાની જરૂર છે. જેની પાસે સંસાધનો છે તેમની જવાબદારી ખાસ કરીને વધારે છે. મુશ્કેલ રસ્તો પસંદ કરવા બદલ આર્યન ખાન પ્રશંસાને પાત્ર છે. હું તેની સીરિઝની આતુરતાથી રાહ જોઈશ.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

આર્યન ખાન ડાયરેક્શનમાં ડેબ્યૂ કરશે

તમને જણાવી દઈએ કે આર્યન ખાને તેની સીરિઝ ‘સ્ટારડમ’ શરૂ કરી છે. આર્યન ખાનની માતા ગૌરી ખાન આ સિરીઝનું નિર્માણ કરી રહી છે. આર્યન ખાને પોતે તેની વાર્તા લખી છે અને તેનું દિગ્દર્શન પણ કરી રહ્યો છે. સિરીઝની વાર્તા તેના નામ પરથી જ સ્પષ્ટ છે. ફિલ્મી દુનિયા અને તેના રંગીન ગ્લેમરને પડદા પર રજૂ કરવાનો પ્રયાસ કરશે. સિરીઝની સ્ટાર કાસ્ટને લઈને હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી. પોતાના પુત્રની સિરીઝની જાહેરાત કરતા શાહરૂખ ખાને લખ્યું, ‘આ ખૂબ જ ખાસ દિવસ છે, જ્યારે અમે એક નવી વાર્તાની જાહેરાત કરી રહ્યા છીએ. આજે આર્યન ખાન તેની ખાસ સફર શરૂ કરી રહ્યો છે. નવી સિરીઝ નેટફ્લિક્સ પર આવવાની છે. આ સિરીઝમાં ઘણો ડ્રામા અને ઈમોશન હશે અને તમને એક નવી દુનિયાની મુલાકાત લેવાની તક મળશે.

રેડ ચિલીઝ એ 19 થી વધુ ફિલ્મો બનાવી છે

શાહરૂખ ખાનના હોમ પ્રોડક્શન હાઉસ ‘રેડ ચિલીઝ’એ અત્યાર સુધીમાં દોઢ ડઝનથી વધુ ફિલ્મો બનાવી છે. તેણે શાહરુખ ખાનની ઝીરો, રઈસ, મેં હૂં ના, જબ હેરી મેટ સેજલ અને ડિયર જિંદગી જેવી ઘણી ફિલ્મો બનાવી છે. ગૌરી ખાન આ પ્રોડક્શન ચલાવે છે. હવે આર્યન ખાનની સિરીઝ આ પ્રોડક્શન હેઠળ બની રહી છે. જે નેટફ્લિક્સ પર આવતા વર્ષે 2025માં રિલીઝ થશે.

શિયાળાની સાથે પ્રદૂષણમાં વધારો, સુરતમાં સૌથી વધુ AQI 263

શિયાળાની સાથે જ દિલ્હીની હવા ઝેરી બનવા લાગી છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ સતત વધારો નોંધાય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે AQI 400ને પાર થઇ ગયો છે. ગુજરાતમાં પણ ધીરે-ધીરે પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગ્યું છે. 19 નવેમ્બરના સુરતમાં સૌથી વઘુ 263નો એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. અત્રે નોંધનીય છે કે ગુજરાતીઓ હાલ દિવસમાં બે સિગારેટ પીવે તેટલું પ્રદૂષણનું પ્રમાણ છે.

સૂત્રોના આંકડાનું માનીયે તો, ગુજરાતમાંથી મંગળવારના સુરતમાં 263ના એર ક્વોલિટી ઈન્ડેક્સ સાથે સૌથી વઘુ પ્રદૂષિત હવા હતી. તજજ્ઞોના મતે 201-300 વચ્ચે એર ક્વોલિટી ઈન્ડેક્સ હોય તે તેને ખરાબની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જેમાં લાંબો સમય રહેવાથી શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઇ શકે છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર જાય તો તંદુરસ્ત વ્યક્તિને પણ અસર કરે છે. તબીબોના મતે શ્વાસની સમસ્યા હોય તેમના માટે હાલ માસ્ક પહેરીની બહાર નીકળવું હિતાવહ છે. 19 નવેમ્બર સુધીમાં સુરતનો AQI 263 નોંધાય રહ્યો છે, જે ગુજરાતમાં સૌથી વધું AQI છે. આ ઉપરાંત અંકલેશ્વનો AQI 182 નોંધાયો છે. અમદાવાદનો 182, વટવાનો 118 AQI અને ગાંધીનગરનો AQI 113 નોંધાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માપદંડ કરતાં પણ દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ 60 ગણું વધારે છે. દિલ્હીમાં હાલ પ્રદૂષણનું પ્રમાણ દિવસમાં 49 સિગારેટ પીવા સમાન છે. જેના ઉપરથી જ દિલ્હીમાં પ્રદૂષણની ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે. અન્ય  રાજ્યોમાંથી હરિયાણામાં 29, બિહારમાં 10, ઉત્તર પ્રદેશમાં 9.50, ઓડિશા-બંગાળ-રાજસ્થાનમાં 7.5, સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ છે.

“ઇન્ટરનેશનલ મેન્સ ડે” : પુરુષ એ આપણા સામાજિક માળખાનું કેન્દ્ર છે

19 નવેમ્બર ઇન્ટરનેશનલ મેન્સ ડે, 1999માં આ દિવસની સ્થાપના વેસ્ટ ઇન્ડીઝ, ત્રિનીદાદ યુનિવર્સીટીના પ્રોફેસર દ્વારા કરાઈ હતી. પુરુષોની આર્થિક સામાજિક અને મેળવેલી સિદ્ધિઓની ઓળખ અને ઉજવણી માટેનો આ દિવસ છે.

જો મહિલા દિવસને રંગેચંગે ઉજવાતો હોય તો પુરુષની સાચી છબીને પણ સમાજમાં બહાર લાવવી જોઈએ. મહિલા દિવસે સોશિયલ મીડિયા ઉપર ઘણું લખાય છે તો આજે કેમ નહિ? સામાજિક અને કૌટુંબિક માળખાની જાળવણીમાં સૌથી મહત્વનો પિલ્લર પુરુષ છે એ માટે પણ તેને યોગ્ય સન્માન અને ઓળખ મળવી જોઈએ.

ક્યાંક વાંચ્યું હતું કે પુરુષો સુખ અને ખુશીથી નહિ પણ દુઃખ અને વેદનાથી શીખે છે. હું માનું છું સુખ મેળવ્યા કરતા વધારે વહેંચે છે, અને દુઃખ પચાવે છે. આજે દુનિયામાં દર 50 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. જેમાં મોટાભાગના પુરુષો અને કિશોરો હોય છે. કારણ એક છે કે તે મનની વાત બીજા કોઈને વહેચતો નથી. ખુલ્લા મને સમસ્યાઓ વિશે વાત કરતો નથી.

નાનપણથી જેમ બાળકીઓને શિખવાડવામાં આવે છે કે સૌથી મહત્વનું ઘરેણું લાજ શરમ અને શરીર છે એને સાચવો. એમજ બાળકને છોકરાને કહેવામાં આવે છે છોકરાઓ બહાદુર હોય રડે નહિ, લાગણીઓ વ્યક્ત કરવી એ નબળાઈ કહેવાય અને આજ માન્યતાઓ તેમને ખુલ્લા મને દુઃખની અભિવ્યક્તિ કરતા રોકે છે. પછી એ શારીરિક હોય માનસિક હોય કે આર્થિક હોય. અને તણાવ જીવનમાં ધીમું ઝેર બની જાય છે જે અંદરથી કોતરતું રહે છે.

હાર્ટએટેકના સૌથી વધુ કેસ પુરુષોના નોંધાય છે. એજ રીતે માનસિક રોગોનો આંકડો પણ પુરુષોનો મોટો છે. સ્ત્રીઓ માટે સમાજમાં જે પણ કઈ થઇ રહ્યું છે તેની સરાહના છે, સાથે પુરુષોના આરોગ્ય અને સ્વાસ્થનું ઘ્યાન રાખી શકે તેવી પણ યોજનાઓ થવી જોઈએ.

શિક્ષિત સમાજમાં પુરુષો અને તેમની સાથે સંકળાયેલી સ્ત્રીઓ સ્વાસ્થ્ય બાબતે જાગૃત હોય છે પરંતુ અર્ધ શિક્ષિત સમાજમાં પુરુષના આરોગ્ય વિશે કોઈ ખાસ યોજનાઓ નથી જેના પરિણામે ઉપર કહેલા રોગ અને સમસ્યાઓનું પ્રમાણ વધતું રહે છે. જેમ સ્ત્રીઓને અંગત સમસ્યાઓ છે, તેમ પુરુષોને પણ શારીરિક અને માનસિક વેદના અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થવું જરૂરી છે.

સાથે આર્થિક તંગી આજના સમયમાં મોટી સમસ્યા છે, જે સહુ પ્રથમ પુરુષના ખભે પહેલી આવે છે. દુનિયાનો કોઈ પણ દેશ હોય, ગમે તેટલો ઘનવાન કે શિક્ષિત સમાજ હોય પરંતુ ઘર કુટુંબની જવાબદારી સ્ત્રીની અને કમાણીની, વ્યવસ્થાની સાચવણી એ પુરુષની જવાબદારી છે એ પ્રમાણે બહારનું તણાવ અને પુરુષના માથે પ્રથમ આવે છે. ઘરમાં બીજા સભ્યો ઉપર તેની અવળી અસર ના પડે એ માટે તે મોટાભાગે ચુપ રહે છે જેના પરિણામે સ્વાસ્થ્ય કથળે છે.

સ્ત્રીઓ મોટાભાગે આવેલ આપત્તિમાં ખુલ્લા મને રડી કે ચર્ચા કરી તણાવ ઓછું કરે છે સાથે આંતરિક મજબૂતાઈ મેળવી લે છે. જ્યારે પુરુષ કોઈ પણ ઉંમરે અંદરથી બાળક જેવો હોય છે. બાળપણમાં માતા, પછી પત્નીના સહારે તેમની મમતાની છાયામાં રહેલો હોવાથી સ્ત્રી જેટલી મજબૂતાઈ મેળવી શકતો નથી. આથી ઝડપથી ભાંગી જાય છે.

પુરુષને આ બાબતની જાણ નથી કે ઘરના સભ્યોને દુઃખ થશે એમ વિચારી છુપાવી રાખેલું પોતાનું દુઃખ જ્યારે અજગર બની બહાર આવશે ત્યારે આખો પરિવાર તેનો કોળીયો બની જશે. કારણ પુરુષ એકલો ક્યારેય નથી હોતો તેની સાથે આખો પરિવાર જોડેલો હોય છે માટે સહુને ખુશ રાખવા પોતાની કાળજી પ્રથમ જરૂરી છે.

હું માનું છું સ્ત્રીની માફક દરેક પુરુષે પોતાના સાથીની સામે ખુલ્લા મને દરેક દુ:ખની ચર્ચા કરવી જોઈએ. જેને પ્રેમ કરતા હોઈએ તેને પોતાના સુખ દુઃખથી વાકેફ રાખવા જોઈએ. આમ કરતા મન હળવું રહે છે એને સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે.

સમાજમાં બે પ્રકારની વ્યક્તિઓ જોવા મળવાની. એક જે સ્ત્રીઓને હંમેશા ગુલામ કે કોઈ વસ્તુ તરીકે જોતી હોય તો સામે છે એવા પણ પુરુષો છે કે સ્ત્રીઓને માનથી પ્રેમથી અને એનાથી આગળ વધીને દેવી સ્વરૂપે પણ જોતા હોય છે. એ આશા રાખીએ કે આપણાં જીવનમાં આવતા દરેક પુરુષ સજ્જન અને પ્રેમાળ હોય. એ દરેક પુરુષોને આ દિવસે શુભકામનાઓ.

  • રેખા પટેલ (ડેલાવર-યુએસએ)

નિષ્ફળતા પર કેવી રીતે કાબુ મેળવી શકાય?

ભારતમાં એક કહેવત છે “કામ સત્વને લીધે ફળીભૂત થાય છે નહીં કે સાધન-સામગ્રીથી”. કોઈ કામને સફળ બનાવવા માટે સત્વગુણ વધવો જોઈએ. સત્વગુણમાં વૃધ્ધિ કેવી રીતે થઈ શકે? યોગ્ય આહારથી, યોગ્ય આચરણથી તમારા મનને થોડી વાર વિશ્રાંત કરવાથી. આમ કરવા છતાં જો તમને નિષ્ફળતા મળે તો સત્વગુણ તમારા ઉત્સાહને ફીકો પડવા દેતો નથી. જ્યારે પ્રેરકબળ હોય છે ત્યારે કામ પડતું મુકવાનો તમને વિચાર જ ના આવે.

કેટલીક નિષ્ફળતાઓ વખતે પણ કંઈક સાર્થક હાંસલ થશે એ પ્રતીતિ રહે છે અને જ્યારે તમે તમારા કામ માટે સમર્પિત હોવ તો એ ખાતરી ટકી રહે છે. ઉદાહરણ તરીકે કાર્યમાં ઉત્સાહ અને હ્રદયમાં શાંતિ રાખી તો લોકો સ્વતંત્રતા માટે બે સદી સુધી ઝઝુમી શક્યા હતા. જે લોકો સ્વતંત્રતા માટે સંઘર્ષ કરતા હતા તેમને કોઈ આર્થિક વળતર નહોતુ મળતું છતાં તેમણે ચળવળ છોડી? ત્રીજું પરિબળ એ છે કે નિષ્ફળ થવાના કારણો શોધવા.

એક કારણ પોતાની કોઈ નબળાઈ અથવા પધ્ધતિ કે તૈયારીમાં કોઈ અપૂર્ણતા હોઈ શકે છે. પોતાની અપૂર્ણતા –જેમ કે કોઈ વ્યક્તિ પોતાના કાર્યની રજુઆત યોગ્ય રીતે કરી શકતા નથી. દા.ત.,જો તમે કોઈ ઈન્ટરવ્યૂ માટે ગયા હોવ અને થોડું આમતેમ બોલી કાઢો તો ઈન્ટરવ્યૂ લેનારને શંકા થાય કે તમે નોકરી કરી શકશો કે નહીં. આમ, વ્યક્તિ પોતાની અપૂર્ણતાને લીધે પસંદગી પામતા નથી. પોતાની અપૂર્ણાતામાંથી બહાર આવવા માટે પોતાની ક્ષમતામાં વધારો કરો. દરેક નિષ્ફળતા સફળતા તરફનું એક સોપાન છે.

વિશ્લેષણ કરો કે તમે નિષ્ફળતામાંથી શું શીખ્યા. તમે લાગણીઓમાં તણાઈ ગયા? જે લોકો એ વ્યવસાયમાં પહેલેથી છે તેમની તમે સલાહ નહોતી લીધી? તમને તેમની પર વિશ્વાસ નહોતો કે તમે ભરોસાપાત્ર લોકોને તમારી સાથે નહોતા રાખ્યા. આ બધા કારણો હોઈ શકે છે. કોઈ પણ અપૂર્ણતામાંથી મુક્ત થવા માટે તમારી ક્ષમતા વધારો તથા તમે જે ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો તે વિષયક જ્ઞાનમાં ઊંડા ઉતરો.

આ ઉપરાંત જે પગલું ભરવું જોઈએ તે છે પધ્ધતિ કે વ્યવસ્થામાં સુધારા કરવા. આ બાબત કોઈ એક વ્યક્તિના હાથની વાત નથી. દા.ત.,જો ભ્રષ્ટાચાર નિયંત્રિત કરવો હોય તો શું તમે એકલા સંઘર્ષ કરી શકો? તે માટે તમારે તમારા જૂથની સાથે રહેવું પડે. લોકોમાં જરુરી જાગૃતિ જગાવી પડે. તમારી સાથે લોકો આગળ વધે તેમ કરવું પડે. “સંઘે શક્તિ કલિયુગે” એટલે કે કળિયુગમાં સમુદાયમાં તાકાત જોવા મળે છે. લોકો કહે છે કે આ કળીયુગની પરાકાષ્ઠા છે અને એવું લાગે છે કે જાણે સત્ય કોરે મુકાઈ ગયું છે. જો તમને આવું લાગતું હોય તો જૂથમાં કાર્ય કરો. કેટલાક લોકોને સાથે રાખીને આગળ વધો અને જુઓ કે કામ પાર પડે છે કે નહીં.

ક્ષમતા વધારવા તમારે પોતે કંઈક કરવું પડે, પોતાની અંદર ઉતરવું પડે. વધારે લોકોને પોતાની સાથે કરી શકો તે માટે દુનિયામાં હળો મળો અને ક્ષમતાઓ પ્રાપ્ત કરવા પોતાની જાત સાથે રહો.

આ બન્ને બાબતોનું ધ્યાન રાખવાથી તમને ચોક્કસ તમારા કાર્યમાં સફળતા મળશે. જો તમે તમારા બધા વિકલ્પો અજમાવી જોયા હોય તો તમારા 100% સમર્પિત કરો અને તેમ છતાં પણ જો સફળતા ના મળે તો ઠીક છે. બીજું કોઈ કાર્ય તમારા હાથમાં લો. પરંતુ એક કે બે વાર નિષ્ફળતા મળે તો પલાયન ના થશો. દરેક વિમાસણ વિકાસની નિશાની છે. વિમાસણ થાય ત્યારે માત્ર વિશ્રામ કરો. વિશ્રામ દરમ્યાન તમારું અંતર્જ્ઞાન કાર્યરત થાય છે. તેના પર ભરોસો રાખો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રાજકોટના પડઘરી પાસે વિકરાળ આગ, ફેક્ટરીનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ

રાજકોટ: ગુજરાતમાં થોડા સમયમાં આગ લાગવાના બનાવો પ્રકાસમાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે ભાવનગરના ગીચ વિસ્તારમાં આવેલા કટલરીના ગોડાઉનમાં આગ લાગી હતી, જેને ચાર કલાકની જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. બીજી તરફ રાજકોટના પડઘરી નજીક એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગી હતી. જોતજોતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ કાબૂમાં ન આવતાં જામનગર, મોરબી અને ગોંડલથી ફાયરબ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પડધરી નજીક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાના બનાવના સમાચાર મળી રહ્યા છે. જાણકારી પ્રમાણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જે બાદ આજુ બાજુના ગામમાંથી ફાયર ટીમોને બોલાવી આગાને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આખી રાત ભારે જહેમત બાદ અત્યાર 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ સંપૂર્ણ આગ ઓલવવામાં બપોર સુધીનો સમય લાગે એવું અનુમાન છે. પ્લાસ્ટિકની ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક મટિરિયલનો જથ્થો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આગની ઘટનાની જાણ થતાં પોલીસ સહિત ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફેક્ટરીનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કંઇ જાણવા મળ્યું નથી. ત્રણેય જિલ્લાની ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો ચલાવી રહી હોવાથી બપોર સુધીમાં આગ પર કાબૂ મેળવી શકાય તેવી શક્યતા છે.

નિકાહના 29 વર્ષ બાદ એ.આર રહેમાનના સાયરા બાનુ સાથે છૂટાછેડા

મુંબઈ: ઓસ્કાર વિનર મ્યુઝિક કંપોઝર અને સિંગર એઆર રહેમાન વિશે એક એવા સમાચાર સામે આવ્યા છે, જેણે તેમના ફેન્સને ચોંકાવી દીધા છે. એઆર રહેમાન લગ્નના 2 દાયકા બાદ પત્ની સાયરા બાનુથી અલગ થઈ રહ્યા છે. જાણીતા સંગીતકાર એઆર રહેમાનની પત્ની સાયરા બાનુએ તેમના પતિથી અલગ થવાની જાહેરાત કરી છે. બે દાયકાથી વધુ સમયથી પરિણીત દંપતીએ આ નિર્ણય પાછળના કારણો વિશે હજુ સુધી કોઈ માહિતી શેર કરી નથી.

તાજેતરમાં જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં આની જાહેરાત કરવામાં આવી છે, જેમાં લખ્યું છે – ‘લગ્નના ઘણા વર્ષો પછી સાયરાએ તેના પતિ અને સંગીતકાર એઆર રહેમાનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમના સંબંધોમાં એક મહત્વપૂર્ણ ભાવનાત્મક વળાંક આવ્યા બાદ તેઓએ આ નિર્ણય લીધો છે. એકબીજા પ્રત્યેના ઊંડો પ્રેમ હોવા છતાં, દંપતીએ જોયું કે તેમના સંબંધોમાં તણાવ અને મુશ્કેલીઓએ પણ તેમની વચ્ચે અંતર વધારી દીધું છે અને તેમની વચ્ચે એક ઊંડી ખાડી ઊભી કરી છે, જેને બંને પક્ષો પાર કરી શક્યા નથી.’

સાયરાની જનતાને અપીલ
‘સાયરાએ એ વાત પર પણ ભાર મૂક્યો છે કે તેમના સંબંધોમાં રહેલી પીડા અને વેદનાને કારણે તેણે આ નિર્ણય લીધો છે. સાયરા આ પડકારજનક સમયમાં લોકો પાસેથી ગોપનીયતા અને સમજણની વિનંતી કરે છે, કારણ કે તે તેના જીવનના સૌથી મુશ્કેલ અને પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહી છે.

લગ્ન 1995 માં થયા હતા
તમને જણાવી દઈએ કે, એઆર રહેમાને 1995માં સાયરા બાનુ સાથે લગ્ન કર્યા હતા. આ એરેન્જ્ડ મેરેજ હતા. એઆર રહેમાને સિમી ગરેવાલના ચેટ શોમાં ખુલાસો કર્યો હતો કે તેની માતાએ સાયરા સાથે તેના લગ્ન નક્કી કર્યા હતા. તેણે એમ પણ કહ્યું કે તેની પાસે પોતાના માટે કન્યા શોધવાનો સમય નહોતો, તેથી તેણે તેની માતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા. એઆર રહેમાન અને સાયરા બાનુના લગ્નને 29 વર્ષ થયા છે. આવી સ્થિતિમાં કપલના અલગ થવાની જાહેરાતે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

વિધાનસભા ચૂંટણીઃ સવારે 11 વાગ્યા સુધી 18 ટકાથી વધુ મતદાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા અને ઝારખંડની 38 સીટો પર મતદાન જારી છે, જેમાં સવારે 11 વાગ્યા સુધી 18.14 ટકા મતદાન થયું છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મીરાપુર વિધાનસભા સીટની પેટા ચૂંટણીમાં ભીડે પથ્થરમારો કર્યો છે. જેને પગલે તણાવપૂર્ણ સ્થિતિ છે. ભીડને કન્ટ્રોલ કરવા માટે SSPએ મોરચો સંભાળ્યો છે. આ રીતે મુરાદાબાદની કુંદરકી સીટ પર પણ મતદાનમાં હંગામાના અહેવાલ છે.

મહારાષ્ટ્રમાં સવારે 11 વાગ્યા સુધી અહમદનગર 18.24 ટકા, અમરાવતી 17.45 ટકા, ઔરંગાબાદ 18.98 ટકા, બીડ 17.41 ટકા, ભંડારા 17.41 ટકા, ભંડારા 19.44 ટકા, ગઢચિરોળી 30 ટકા, કોલ્હાપુર 20.59 ટકા, મુંબઈ શહેર 15.78 ટકા, મુંબઈ ઉપનગર 17.99 ટકા, નાગપુર 18.90 ટકા, નાસિક 18.71 ટકા, પુણે 15.64 ટકા, રત્નાગિરિ 22.93 ટકા અને થાણેમાં 16.63 ટકા મતદાન થયું છે.

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો અને ઝારખંડની બાકીની 38 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. . આ ઉપરાંત ઉત્તર પ્રદેશની નવ, પંજાબની ચાર અને કેરળની એક વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે પણ મતદાન થશે. આ સાથે જ નાંદેડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. બન્ને રાજ્યોમાં મતગણતરી 23 નવેમ્બરે થશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાનના દિવસે મુંબઈ અને રાજ્યનાં અન્ય શહેરોમાં ડ્રાય ડે રહેશે.

મહારાષ્ટ્રમાં મહાયુતિ (એકનાથ શિંદેની શિવસેના, ભાજપ અને અજિત પવારની એનસીપી) અને એમવીએ (ઉદ્ધવ ઠાકરે શિવસેના, શરદ પવાર એનસીપી અને કોંગ્રેસ) વચ્ચે ખરાખરીનો મુકાબલો છે. મહાયુતિ ગઠબંધન સત્તા ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, જ્યારે મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધન શાસક સરકારને હાંકી કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે.મહારાષ્ટ્રમાં નોંધાયેલા મતદારોની સંખ્યા વધીને 9,63,69,410 થઈ ગઈ છે, જે 2019માં 8,94,46,211 હતી. મહારાષ્ટ્રમાં આ વખતે 1,00,186 મતદાન મથકો હશે. જ્યારે 2019ની વિધાનસભા ચૂંટણીમાં 96, 654 મતદાન મથકો હતા. મતદારોની સંખ્યા વધવાને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આશરે છ લાખ કર્મચારીઓને ચૂંટણી ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે.

મહાયુતિમાં ભાજપ 143 સીટો પર ચૂંટણી લડી રહી છે. શિવસેના (શિંદે) 81 બેઠકો પર, NCP (અજિત પવાર) 59 બેઠકો પર અને અન્ય સાથી પક્ષો છ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. એમવીએમાંથી કોંગ્રેસ 101 સીટો પર, શિવસેના (ઉદ્ધવ) 95 અને એનસીપી (શરદ પવાર) 86 સીટો પર ચૂંટણી લડી રહી છે. અન્ય સાથી પક્ષો 6 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.

ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 38 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. બુધવારે 14,218 બૂથ પર 1.23 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વિધાનસભા બેઠકો માટે 14,218 બૂથ બનાવવામાં આવ્યા છે.

 

વાહ ભાઈ વાહ! – ૨૦ નવેમ્બર ૨૦૨૪

વધેલા લોટના સ્પ્રિંગ રોલ

ઘણીવાર રોટલી માટેનો લોટ કોઈક કારણસર વધી જતો હોય છે. તો વધેલા લોટમાંથી સ્વાદિષ્ટ નાસ્તો બની શકે છે!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 2
  • મોઝરેલા ચીઝ અથવા પ્રોસેસ ચીઝ ½ કપ
  • હળદર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • ચાટ મસાલો ½ ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • ટોમેટો કેચ-અપ
  • તેલ તળવા માટે
  • ધોઈને સમારેલી કોથમીર ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ

સ્લરી માટેઃ

  • મેંદો 2 ટે.સ્પૂન
  • કોર્નફ્લોર 2 ટે.સ્પૂન
  • ચીલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • તલ 1 ટે.સ્પૂન

રીતઃ બટેટાને ખમણી લો અથવા છૂંદો કરી લો. ત્યારબાદ તેમાં મોઝરેલા ચીઝ, હળદર, લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો, કાળા મરી પાઉડર તેમજ સમારેલી કોથમીર ઉમેરો.

વધેલો લોટ લઈ તેનો એક મોટો લૂવો લો. તેનો મિડિયમ જાડાઈનો મોટો રોટલો વણી લો. વણેલા આખા રોટલા ઉપર ચમચી વડે ટોમેટો કેચ-અપ લગાડી લો. હવે તેની ઉપર બટેટાનું તૈયાર કરેલું ખમણ પાથરી દો. 1 સેં.મી. જેટલી કિનારી બાકી રાખીને પૂરણ પાથરવું. હવે કિનારીની એક બાજુએથી રોટલાનો રોલ વાળવો. રોલ વાળી લીધા બાદ તેના બંને છેડાને પ્રેશ કરીને વાળીને પેક કરી લેવા.

બીજી રીત પ્રમાણે વણેલા મોટા રોટલા ઉપર કોથમીર-ફુદીનાની તીખી ચટણી લગાડી ઉપર પૂરણ પાથરવું તેની ઉપર બીજો વણેલો રોટલો મૂકી ટોમેટો કેચ-અપ લગાડીને પૂરણ પાથરીને ઉપર ત્રીજો રોટલો મૂકીને ત્રણે રોટલાની કિનારી પ્રેશ કરીને પેક કરી લો.

 

મુઠીયા બાફવાના વાસણમાં કાંઠો મૂકી પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તૈયાર સ્ટફિંગ વાળા રોટલાને જાળીવાળા ઢાંકણ ઉપર ગોઠવીને વાસણ ઢાંકીને 10-15 મિનિટ બફાવા દો.

15 મિનિટ બાદ ગેસ બંધ કરી રોટલાને બહાર ઠંડો થવા મૂકો. ઠંડો થયા બાદ તેના ચપ્પૂ વડે ચોરસ અથવા ત્રિકોણ આકાર કટ કરી લો.

એક વાસણમાં મેંદા તેમજ કોર્નફ્લોરમાં થોડું થોડું પાણી મેળવીને મિડિયમ ઘટ્ટ સ્લરી બનાવી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, તલ તેમજ સમારેલી કોથમીર મેળવી દો.

ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરીને રોટલીના રોલના ટુકડા સ્લરીમાં ડુબાળીને તળી લો.

રોલના પીસ શેલો ફ્રાય કરી શકો છો. તેમજ મુઠીયાની જેમ વઘારી પણ શકાય છે.