મુંબઈ: કાંદિવલી સ્થિત કે.ઈ.એસ. (કાંદિવલી એજયુકેશન સોસાયટી) ઇન્ટરનૅશનલ સ્કૂલે હવે રાષ્ટ્રીય સ્તરે પણ નામના મેળવી છે. તે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રનું ગૌરવ બની છે. વર્ષ 2024-25ના એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા ગ્રૅન્ડ જ્યુરી રૅન્કિંગમાં કે.ઈ.એસ. સ્કૂલે મુંબઈ તથા મહારાષ્ટ્રમાં પ્રથમ અને સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
શિક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ નવોદિત શાળાઓને આ રૅન્કિંગ આપવામાં આવે છે. એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા ગ્રૅન્ડ જ્યુરી રૅન્કિંગનો વર્ષ 2016માં પ્રારંભ થયો હતો. જેમાં નવી શરૂ થયેલી શાળાઓને તેમના પ્રગતિના સ્તરના આધારે રૅન્કિંગ આપવામાં આવે છે. દરેક શાળાનું 14 માપદંડના આધારે વાર્ષિક ધોરણે રૅન્કિંગ કરવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અને એમના દ્વારા સમાજને સમર્થ બનાવતી શાળાઓને બિરદાવવાનો આ એક પ્રયાસ છે. આ વર્ષે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટતા, નવસર્જન, સામુદાયિક સહભાગ તથા પ્રોફેશનલ વિકાસ એ માપદંડોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
કે.ઈ.એસ. ઇન્ટરનૅશનલ સ્કૂલના પ્રેસિડન્ટ મહેશ શાહે આ પ્રસંગે જણાવ્યું, “અમારે ત્યાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અનેક નાનાં-નાનાં પગલાં ભરવામાં આવ્યાં છે. અમે સતત કોઈને કોઈ સુધારા કરતાં રહીને સમયની સાથે તાલ મિલાવવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહીએ છીએ. બાહ્ય જગતમાં ખીલી શકે અને વ્યક્તિત્વની દૃષ્ટિએ નીખરી શકે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા પર અમારી શાળા હંમેશા ભાર મૂકે છે.”
નવી દિલ્હીઃ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શિડ્યુલ અને સ્થળ પર સસ્પેન્શન યથાવત્ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની શાન ઠેકાણે લાવવાનો નિર્ણય ICCએ કર્યો છે. ICC સહિત ટુર્નામેન્ટમાં ભાગ લેતા દેશોની લીલી ઝંડી મળ્યા પછી પાકિસ્તાન હજી પણ અક્કડ વલણ દાખવી રહ્યું છે, જેથી ICCએ પાકિસ્તાનનો કાન આમળતાં કહ્યું હતું કે PCB BCCIની વાત પાકિસ્તાન માને અન્યથા ચેમ્પિયન્સ ટ્રોફી ભૂલી જાય.
ચૈમ્પિયંસ ટ્રોફી મુદ્દામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઇચ્છતું હતું કે હાઇબ્રિડ મોડલ સ્વીકાર કરવા બદલે તેને પણ ફાયદો થાય અને BCCI પણ સંતુષ્ટ થઈ જાય. વાસ્તવમાં, PCB નું કહેવું હતું કે ભારતીય ટીમ તેઓનાં દેશ આવવા ઇચ્છતી નથી, તો આગામી ઇવેન્ટ્સમાં પાક ટીમ પણ રમવા માટે ભારત નહીં જાય અને તેના માટે પણ હાઇબ્રિડ મોડલ લાગુ કરવું જોઈએ. સ્પષ્ટ રીતે પાકિસ્તાન તરફથી ભારત-પાક મેચો દુબઈમાં કરાવવાની માગ કરવામાં આવી હતી. હવે એક નવો ખુલાસો થયો છે કે BCCIએ ભારત બનામ પાકિસ્તાન આગામી મેચોને હાઇબ્રિડ મોડલ હેઠળ કરાવવાની માગ ને નકારી દીધી છે.
પાકિસ્તાનની માગ એ હતી કે આગામી 3 વર્ષ સુધી કોઈ પણ ICC ઇવેન્ટમાં ભારત બનામ પાકિસ્તાન મેચને ન્યુટ્રલ વેન્યુ પર કરાવવામાં આવે. ન્યુટ્રલ વેન્યુ તરીકે દુબઈનું નામ આપવામાં આવ્યું હતું અને આ ફોર્મ્યુલાને પહેલાં ‘પાર્ટનરશિપ’ કહીને સંબોધવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેને લીલી ઝંડી આપવાની અટકળો હતી, પરંતુ હવે પાકિસ્તાની મીડિયા મુજબ BCCIએ આ માગને નકારી દીધી છે. પાકિસ્તાનને દુઃખે છે કે પેટ અને કૂટે છે માથું. હવે ICCથી પાકિસ્તાને એની આવક 5.75 ટકાથી વધારવાની માગ કરી છે. ICCની આ આવકના મોડલ હેઠળ વાર્ષિક 60 કરોડ ડોલર વિતરિત કરે છે, જેમાંથી BCCIને સૌથી વધુ 38.50 ટકા (આશરે રૂ. 1953 કરોડ વાર્ષિક) હિસ્સો મળે છે, જ્યારે એસોસિયેટ દેશોને 11.19 ટકા મળે છે. ઇન્ગલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને પ્રતિ વર્ષ ક્રમશઃ 6.89 ટકા, 6.25 ટકા અને 5.75 ટકા મળે છે.
અમદાવાદ: 132 વર્ષ પહેલા અહિંયા અંગ્રેજ શાસન કાળ દરમિયાન એલિસા બેલ દ્વારા એક એલિસબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ બ્રિજ હવે જર્જરીત અને ભયજનક હાલાતમાં છે, જેથી બ્રિજને છેલ્લાં દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો. તેવામાં રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળાવવા અને સમયસર અદ્યતન ટેકનોલોજી દ્વારા યોગ્ય રીપેરીંગ કામ કરવામાં આવે તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બ્રિજને કેટલું નુકસાન થયું છે? કયા પ્રકારની મરામતની જરૂર છે? કેટલો ભાગ જર્જરીત છે? આ તમામ બાબતોનો બ્રિજ રિનોવેશન કન્સલ્ટન્ટ પાસેથી AMCએ રિપોર્ટ કઢાવ્યો હતો. આ રિપોર્ટ કરાવ્યા બાદ રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી પાછળ 26.78 કરોડ રૂપિયાનો ખર્ચે કરવામાં આવશે. બ્રિજ પર ડેકોરેટિવ પ્લાન્ટેશન આકર્ષક બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી લગભગ બે વર્ષ ચાલશે. બ્રિજના પુનઃસ્થાપન બાદ રાહદારીઓ માટે બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. લોકો હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ શકે એ પ્રકારે બ્રિજનું રીપેરીંગ કામમાં મેથડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇન બનાવવામાં આવશે. આ સાથે સાબરમતી નદી પટમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે યોજાતી પરંપરાગત રવિવારી બજારમાં આવવા-જવા માટે બ્રિજને રાહદારીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1892માં અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલા એલિસબ્રિજની લંબાઈ 433.41 મીટર, પહોળાઈ 6.25 મીટર અને 30.96 મીટરના 14 સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં તૈયાર કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હી: ખેડૂતોએ અચાનક દિલ્હી કૂચ કરવાની તેમની યોજના પર ‘બ્રેક’ લગાવી દીધી છે. જો કે, ખેડૂતો દલિત પ્રેરણા સ્થળ પર તેમનો વિરોધ યથાવત રાખશે. સોમવારે ખેડૂતોએ તેમની માંગણીઓ સાથે દિલ્હી સુધી કૂચ શરૂ કરી હતી. સવારે હજારો ખેડૂતો મહામાયા ફ્લાયઓવર પાસે ભેગા થયા હતા. અહીંથી ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી. જો કે સાંજ સુધીમાં ખેડૂતોએ તેમની યોજના બદલી નાખી. તેઓ દલિત પ્રેરણા સ્થળ પર ભેગા થવા લાગ્યા. હાલમાં ખેડૂતો દલિત પ્રેરણા સ્થળ પર જ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું આ વિરોધ-પ્રદર્શન નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને તેમની પાંચ માંગણીઓના મુદ્દે છે.
નોઈડા અને દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો સાથે વહીવટી તંત્રની બેઠક યોજાવાની છે. જો ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચે વાતચીત દ્વારા ઉકેલ નહીં આવે તો ખેડૂતો ફરીથી દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરશે. જો કે સભા પહેલા જ ખેડૂતોએ રસ્તો ખોલી નાખ્યો હતો. જેના પગલે પોલીસ પણ બેરિકેડ હટાવી રહી છે. હવે આંદોલનકારી ખેડૂતો દલિત પ્રેરણા સ્થળની અંદર બેસીને પોતાનો વિરોધ ચાલુ રાખશે. રાજધાની દિલ્હીના સંસદ ભવનમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ખેડૂતો પોતાની માંગણીઓ સાથે દિલ્હી જવા માગે છે. ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા રોકવા માટે પોલીસે ભારે મહેનત કરવી પડી રહી છે.આંદોલન કરી રહેલા ખેડૂતોની માગણીઓ પર એક નજર કરીએ તો,
જમીન સંપાદન કાયદા અનુસાર, 1 જાન્યુઆરી, 2014 પછી સંપાદિત કરવામાં આવેલી જમીન માટે ચાર ગણું વળતર આપવું જોઈએ.
નવા જમીન સંપાદન કાયદાના લાભો જિલ્લામાં લાગુ કરવા જોઈએ.
ખેડૂતોની માગ છે કે જમીન સંપાદનના બદલામાં 10 ટકા વિકસિત જમીન આપવી જોઈએ.
ભૂમિહીન ખેડૂતોના બાળકોને રોજગાર અને પુનઃવિકાસની સુવિધાઓ મળવી જોઈએ.
ઉચ્ચ સત્તા સમિતિની ભલામણોનો અમલ થવો જોઈએ.
ખેડૂતો પોતાની માગ પર અડગ છે. મુખ્ય સચિવની વાતચીતને કારણે ખેડૂતોએ હાલમાં દિલ્હી તરફની કૂચ અટકાવી દીધી છે. જો મામલો ઉકેલાશે તો ખેડૂતો આંદોલન મોકૂફ રાખશે. જો કોઈ કારણોસર મંત્રણા નિષ્ફળ જશે તો ખેડૂતો ફરી એકવાર ‘ચાલો દિલ્હી જઈએ’ના નારા લગાવશે. અન્ય ખેડૂત સંગઠનો 6 ડિસેમ્બરે મોરચો કાઢવા જઈ રહ્યા છે. આ આંદોલન કિસાન મઝદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા (SKM, બિન-રાજકીય) દ્વારા કરવામાં આવશે. બંને ખેડૂત સંગઠનો 6 ડિસેમ્બરથી દિલ્હી તરફ કૂચ કરશે.
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર દરમ્યાન જારી અવરોધ વચ્ચે હવે બધી પાર્ટીઓ આગામી સપ્તાહથી બંધારણ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની સાથે સર્વપક્ષી બેઠકમાં તમામ સાંસદોએ સંસદની કાર્યવાહી સારી રીતે ચાલવા દેવા માટે સહમતી વ્યક્ત કરી હતી.
લોકસભામાં ચાલી રહેલી મડાગાંઠને સમાપ્ત કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે સર્વપક્ષી બેઠક યોજી હતી. આ બેઠકમાં સંસદની સુચારુ કામગીરી પર સર્વસંમતિ સધાઈ હતી, જેના કારણે આવતી કાલથી સંસદનું કામકાજ સામાન્ય થવાની ધારણા છે. આ બેઠકમાં લોકસભા અધ્યક્ષે તમામ સભ્યોને અપીલ કરી કે તેઓ ગૃહને સુચારુ રીતે ચાલવા દે અને જનતાને લગતા મુદ્દાઓ પર ચર્ચાને પ્રાથમિકતા આપે. તમામ પક્ષોના પ્રતિનિધિઓએ સ્પીકરની આ અપીલ સાથે સંમત થયા અને ગૃહમાં મડાગાંઠનો અંત લાવવાની ખાતરી આપી હતી. સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મંગળવારથી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સુચારુ રીતે ચાલશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિવિધ પક્ષોના ફ્લોર લીડર્સ સાથે બેઠક યોજી હતી, જેમાં આ સર્વસંમતિ સધાઈ હતી. લોકસભામાં 13-14 અને રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા કરવા તમામ સાંસદો તૈયાર થયાં છે.
કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ સંસદની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે લોકસભામાં 13 અને 14 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થશે. તેમણે કહ્યું કે સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવો એ સારું નથી. અમે તમામ વિપક્ષી નેતાઓને અપીલ કરીએ છીએ કે તે સમજૂતી પર સારી રીતે કામ કરે કે આપણે બધા આવતી કાલથી સંસદનું કામકાજ સુનિશ્ચિત કરીશું.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ હવે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. જેના ભાગરૂપે સોમવારે ભાજપે મહારાષ્ટ્રમાં બે નિરીક્ષકોની નિમણૂક કરી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ભાજપ ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં તેના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે. જો કે મહારાષ્ટ્રમાં હજુ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી મુખ્યમંત્રી ભાજપના જ હશે.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને 236 બેઠકો મળી છે. ભાજપે સૌથી વધુ 132 બેઠકો, શિવસેનાએ 51 બેઠકો અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) 46 બેઠકો જીતી હતી.
અમદાવાદ: શહેરના પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 14 પોલીસ પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. નોંધનિય બાબત છે કે છેલ્લા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલી આવશે એવી ચર્ચાએ જોર પકડયું હતુ, પરંતુ આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના 14 પોલીસ સ્ટેશનના સ્ટાફને મળશે નવા પીઆઈ. હજી પણ અમદાવાદ શહેરમાં અમુક પોલીસ સ્ટેશનો એવા છે જયા કોન્સ્ટેબલ અને અન્ય સ્ટાફની મહેકમ ખૂટી રહી છે.
પોલીસમાં થોડાક દિવસ પહેલા અમદાવાદમાં નોકરી કરતા પોલીસના વહીવટદારોની બદલી જિલ્લામાં કરવામાં આવી હતી જેને લઈ અમુક પીઆઈ ઉપર છાંટા પણ ઉડયા હતા ત્યારે અમદાવાદ પોલીસે અચાનક 14 પીઆઈઓની બદલી કરી નાખી છે. એલિસબ્રીજ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તે પોલીસ સ્ટેશનમાં પણ નવા પીઆઈને મૂકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં વધતી જતી ક્રાઈમની ઘટનાઓને લઈ શહેર પોલીસ કમિશનરે બદલી કરી હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે. હજી પણ ઘણા પોલીસ સ્ટેશનમાં એવા પીઆઈ છે કે જેમની બદલી લાંબા સમયથી થઈ નથી.
અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ બજારમાં તેજી થઈ હતી. છેલ્લા કલાકોમાં હેવી વેઇટ શેરોમાં તેજીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે બંધ થયા હતા. ઇન્ટ્રા-ડેમાં પણ નિફ્ટી 24,300ને પાર થયો હતો. બેન્ક નિફ્ટીમાં પણ 350 પોઇન્ટથી વધુની તેજી થઈ હતી. રિયલ્ટી, મેટલ શેરોમાં સૌથી વધુ તેજી તઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ એક ટકાથી વધુ વધીને બંધ રહ્યા હતા.
સરકારે ATF, ક્રૂડ પ્રોડક્ટ્સ, પેટ્રોલ અને ડીઝલ ઉત્પાદનો પરથી વિન્ડ ટેક્સ ખતમ કર્યો છે. આ નિર્ણયથી સરકારના ગ્રોસ રિફાઇનિંગ માર્જિનમાં વધારો થશે. સરકારે એને જુલાઈ, 2022માં વૈશ્વિક ક્રૂડની વધતી કિંમતોને કારણે લગાવ્યો હતો. સરકારે વિન્ડ ફોલ હટાવતાં રિલાયન્સ અને ONGC શેરોમાં તેજી થઈ હતી. ટ્રેડિંગ સેશનમાં સિમેન્ટ અને ગ્રીન એનર્જી શેરોમાં તેજી થઈ હતી.
આ સાથે કિંમતોમાં વધારા પછી સિટી ગેસ કંપનીઓમાં તેજી રહી હતી. MGL અને IGLમાં પાંચ ટકાની તેજી થઈ હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 446 પોઇન્ટ ઊછળીને 80,249ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 145 પોઇન્ટ ઊછળી 24,276ના મથાળે બંધ થયો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 4237 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2509 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1546 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 182 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 246 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 27 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.
વડોદરાના ડૉ. બિનલ રાણાએ માલદિવ્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આ કરનારા તેઓ ગુજરાતના પ્રથમ મહિલા બોડી બિલ્ડર છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા ન બની શકવા છતાં બોડી બિલ્ડિંગની દુનિયામાં પ્રતિષ્ઠિત ગણાતા WBPF (વર્લ્ડ બોડી બિલ્ડિંગ એન્ડ ફિઝિક્સ સ્પોર્ટ્સ ફેડરેશન)ના કેલેન્ડર પર ચમકવાનો મોકો મળ્યો છે. વર્ષ 2016થી ડૉ. બિનલ રાણા મહિલા બોડી બિલ્ડિંગની સ્પર્ધાઓમાં ભાગ લે છે. 2016થી લઈને 2024 સુધીની તેમની આ સફર જરા પણ સરળ રહી નથી.
ડૉ. બિનલ રાણા વ્યવસાયે તો કાર્ડિયો ફિઝિયોથેરાપીસ્ટ છે, પરંતુ બોડી બિલ્ડિંગ તેમની પેશન છે. એ હદ સુધી કે પોતાના પેશનને ફૉલો કરવા માટે બિનલબેને પોતાના માતા-પિતાનું ઘર પણ છોડવું પડ્યું હતું.
બિનલબેન જીમમાં જતા ત્યારે ટ્રેનર સંદીપ ચૌહાણે એમને બોડી બિલ્ડિંગના ક્ષેત્રમાં આગળ વધવાની સલાહ આપેલી. એ સમયે અને હજુ આજે પણ, કોઈ યુવતી આવીને કહે કે મારે બોડી બિલ્ડિંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે, તો લોકોને અચરજ થાય એવો માહોલ પ્રવર્તે છે. બોડી બિલ્ડિંગની સ્પર્ધાઓમાં બિકીની પહેરવી પડે છે એ પણ મહિલાઓ માટે શરમ-સંકોચનું કારણ ખરું.
પરંતુ આ બધામાં અલગ પડતાં ડૉ. બિનલ રાણા બોડી બિલ્ડર, વુમન્સ ફિઝીક્સમાં ઍથ્લીટ તેમજ કાર્ડિયો ફિઝિયૉથૅરપિસ્ટ છે. તેમણે અમદાવાદ, મુંબઈ, ગોવા, પૂણે વગેરે શહેરોમાં યોજાયેલી અનેક બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં ભાગ લીધો છે. બિનલબેન ભારતના એક માત્ર લિગલ ફેડરેશન એવા ‘ઈન્ડિયન બોડી બિલ્ડર્સ ફેડરેશન’ના સભ્ય છે. તેમજ તેમની સૌથી મહત્વની વાત એ છે કે તેઓ નેચરલ એથ્લિટ છે. બોડી બિલ્ડિંગ માટે તેઓ કોઈપણ પ્રકારના ઈનહેન્સિંગ ડ્રગ્સ( શક્તિ વધારવા માટેની દવાઓ) લેતા નથી. જેના કારણે તમે બિનલબેનને 365 દિવસ ફિટ બોડીમાં જ જોઈ શકો છો.
વુમન્સ ફિઝીક્સમાં તેમને જ્યારે મંચ પર બોડી બિલ્ડર તરીકે રજૂ થવાનું હોય ત્યારે બિકીની પહેરવી પડે છે. બિનલબેન કહે છે, “હું બિકીની પહેરું તે મારા માતા-પિતાને પસંદ ન હતું. એવી કેટલીય સ્પર્ધાઓ હશે જેમાં ભાગ લેતા સમયે મેં ઘરે જણાવ્યું ન હતું. અથવા ફક્ત એટલું જ કહ્યું હોય કે હું ફિટનેસ કૉમ્પિટીશનમાં રમવા જાઉં છું. જો કે હું આ બધી કૉમ્પિટીશન્સના ફોટો સોશિયલ મીડિયા પર મૂકતી હતી. કેમ કે મારાં માતા-પિતા સોશિયલ મીડિયા પર નથી. જો કે, એકદિવસ મારા માતાના એક બહેનપણી ઘરે આવ્યા અને તેમણે મારી માતાને કહ્યું કે તમારી દીકરી તો ખૂબ જ આગળ વધી ગઈ છે. તમે તો તેને બહુ જ છૂટ આપી દીધી છે. તે કૉમ્પિટીશનમાં બિકીની પહેરીને શરીરનું પ્રદર્શન કરે છે. આ વાત સાંભળીને મારા મમ્મીને ખૂબ ખોટું લાગ્યું હતું. તેમને થયું હતું કે મારી દીકરી આ બધું શું કરી રહી છે!
બિનલબેન કહે છે કે, આપણા સમાજમાં દરેક મા-બાપ એવું જ ઈચ્છે કે તેમના બાળકો ડોક્ટર કે એન્જિનિયર બને. કોઈપણ મા-બાપ પોતાના બાળકોને આર્ટિસ્ટ બનાવવા જ માગતા નથી. હું ભણવામાં હોંશિયાર હતી એટલે સાયન્સ સ્ટ્રિમમાં ભણીને ફિઝિયૉથેરાપિસ્ટ બની ગઈ. હવે મારા માતા-પિતાએ મને કહ્યું કે તું ફિઝિયૉથૅરપિસ્ટ છે તું આ રીતે શરીરનું પ્રદર્શન કરે તે ન શોભે. જો કે મારું મન એવું કહે છે કે આ મારો ગમતો વિષય છે અને હું બીજા રમતવીરોની જેમ મારા ફિલ્ડમાં મારું બેસ્ટ પ્રદર્શન કરું છું, જેમાં મને કોઈ શરમની વાત લાગતી નથી.
છેલ્લાં આઠ વર્ષથી બિનલબેન એકલાં જ રહે છે. શરૂઆતમાં ઘર-પરિવારથી દૂર રહેવું તેમને ખટકતું હતું. ઘરની ખૂબ યાદ આવતી હતી. જો કે ધીમે-ધીમે આદત પડી ગઈ છે. પરંતુ બિનલબેન પોતાના પેશનને વળગી રહ્યા, પોતાના નિર્ણય પર અડગ રહ્યા.
અલબત્ત, હવે તેમના માતા-પિતા તેમનાથી નારાજ નથી. પરિવાર તેમને પૂરેપૂરો સપોર્ટ કરે છે. છેલ્લે બિનલબેન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે માલદિવ્સ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમના પિતાએ ખૂબ જ સપોર્ટ પણ કર્યો. જો કે સંઘર્ષના દિવસો હજુ પણ બિનલબેનને ઈમોશનલ કરી દે છે.
બિનલબેનનો સંઘર્ષ હજુ પૂરો થયો નથી. તેઓ કહે છે, “લોકોએ એ સમજવાની જરૂર છે કે જેમ સ્વિમરને સ્વિમિંગ કૉસ્ચ્યુમ પહેરવા પડે છે, તેવી જ રીતે બોડી બિલ્ડિંગમાં મહિલા ખેલાડીએ બિકીની પહેરવી પડે છે. કારણ કે બિકનીમાં જ ખેલાડીનું સુડોળ શરીર સારી રીતે લોકો સમક્ષ રજૂ કરી શકાય છે. એમ તો મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ જેવી સ્પર્ધાઓમાં પણ યુવતીઓએ બિકની રાઉન્ડમાંથી પસાર થવું જ પડે છે. તો આ અલગ-અલગ સ્પર્ધાઓની જરૂરિયાત પ્રમાણે નિયમો બનાવેલા હોય છે. જેમાં કોઈપણ પ્રકારની શરમની વાત મને લાગતી નથી.
બોડી બિલ્ડિંગ વિશે વાત કરતા એ કહે છે, બોડી બિલ્ડિંગનો અર્થ એવો નથી કે તમારી પાસે પુરુષો જેવા અત્યંત કસાયેલા મસલ્સ હોય. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ વ્યાપક માત્રામાં હોય છે. મહિલા ખૂબ કસરત કરે તો પણ પુરુષો જેવી કસાયેલી સ્નાયુઓવાળી બોડી બનાવી શકતી નથી. પરંતુ આ દરેકની પોતાની ચોઈસની વાત છે. મને જિમમાં જઈને કસરત કરવી ગમે છે. કસાયલું શરીર, સુડોળ શરીર મને ગમે છે. બોડી બિલ્ડિંગનો ફાયદો એ છે કે તેનાથી સ્નાયુઓ વધુ મજબૂત બને છે.
બિનલ રોજ એક કલાક જિમમાં જઈને કસરત કરે છે. તે માને છે કે એક કલાકની કસરત પર્યાપ્ત છે.
બિનલબેનનું કહેવું છે કે, હું બોડી બિલ્ડિંગને એક સ્પોર્ટસ તરીકે જોઉં છું. લોકો તેને કઈ રીતે જુએ છે તે વાતની મને ખબર નથી. પરંતુ હું તો એક એક કાર્ડિયો ફિઝિયૉથેરાપિસ્ટ છું. તો મને તો ખબર છે કે સ્વસ્થ રહેવું કેટલું જરૂરી છે. કારણ કે દરેક નવા રોગની દવા ઉપલબ્ધ હોય તેવું જરૂરી નથી. જો તમારી ઈમ્યુનિટિ સારી હશે તો જ તમે કોઈપણ રોગ સામે રક્ષણ મેળવી શકો છો. આથી હું તો જિમમાં જઈને કસરત ફિટ રહેવા માટે જ કરું છું.
બોડી બિલ્ડિંગના ફિલ્ડ વિશે વાત કરતા ડૉ. બિનલ રાણા કહે છે કે આ ખૂબ જ કોસ્ટલી ફિલ્ડ છે. જેમાં વળતર કરતાં ઘરનો ખર્ચો વધુ થાય છે. જેમાં તમારો ડાયેટનો ખર્ચો થાય, ટ્રાવેલિંગનો ખર્ચો થાય, અકોમોડેશનનો ખર્ચો થાય, સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેની ફીનો ખર્ચો થાય. આથી લોકો આ ફિલ્ડમાં જલ્દી આવતા નથી. હું તો એક પ્રોફેશનલ ફિઝિયૉથેરાપિસ્ટ છું એટલે મારી અર્નિંગનો સોર્સ છે. પરંતુ જો કોઈ વિચારે કે માત્રને માત્ર બોડી બિલ્ડિંગ કરીને જ જીવનનિર્વાહ ચાલે તો તે શક્ય નથી. સરકાર તરફથી આ ફિલ્ડ માટે કોઈ પ્રોત્સાહન મળતું નથી. પુરૂષોની સરખામણીમાં મહિલાઓને વળતર પણ ઓછું મળે છે. આથી સંઘર્ષ તો આ ફિલ્ડમાં ઘણો છે. પરંતુ મારા માટે તો આ માત્ર પેશન છે. જેની સાથે હું આગળ વધી રહી છું.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નવી યોજના હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે. પરંતુ રાજ્ય સરકાર આ યોજના ક્યારે અમલમાં લાવશે તે અંગેની માહિતી જ આપી નથી.
રાજ્યના આદિજાતિ વિસ્તારના 52 તાલુકા અને બિન આદીજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત દૂધ સંજીવની યોજના હેઠળ 200 મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. ત્યારે આવા 81 તાલુકાઓની 12,522 શાળાઓમાં નોંધાયેલા 15.05 લાખ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણના બપોરના ભોજન પછી નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે. સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણલક્ષી યોજનાઓ વધુ સુદ્રઢ કરીને તેનો વ્યાપ વિસ્તારવા આ પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવશે. રાજ્યમાં પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી-પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે. મટીરીયલ કોસ્ટ માટે 493 કરોડ રૂપિયા તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની કામગીરી માટે 50 ટકા માનદ વેતન વધારા કરાયો છે. તેના માટે 124 કરોડ રૂપિયા મળીને ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ માટે વાર્ષિક 617 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. પીએમ પોષણ યોજનાના સંચાલકને હવે 4500 રૂપિયાનું માસિક વેતન આપાશે. આ ઉપરાંત 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક 3750 રૂપિયા. જ્યારે નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક 1500 માનદ વેતન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ આ યોજના ક્યારે અમલમાં આવશે તે અંગેની કોઈ પણ તારીખની જાહેરાત કરાઈ નથી.