Home Blog Page 1207

સુરતમાં વધતા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસનું નાઈટ કોમ્બિંગ ઓપરેશન

સુરત: સુરતમાં વધતા ક્રાઈમ રેટને લઈ પોલીસ એક્શન મોડમાં આવી છે. ક્રાઈમ કંટ્રોલ કરવા માટે નાઈટ કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. અલગ અલગ ટીમે બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોમ્બિંગ માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડ્રોન કેમેરાની મદદથી ધાબા પર કોઈ અસામાજિક પ્રવૃતિઓ નથી ચાલી રહી ને તેને લઈ પણ તપાસ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ભેસ્તાન આવાસમાં પોલીસે કોમ્બિંગ નાઈટ હાથ ધરી હતી. આ કોમ્બિંગ નાઈટમાં કોન્સ્ટેબલથી લઈ ડીસીપી સુધીના અધિકારીઓ હાજર રહ્યાં હતા અને કોમ્બિંગ નાઈટ કરી હતી જેમાં આવાસમાં જઈ લોકોના ઘરની અંદર શું રહેલું તે પણ પોલીસે ચેક કર્યુ હતુ સાથે સાથે સાથે ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓની પણ તપાસ કરવામાં આવી હતી. આ કોમ્બિંગમાં મહિલા પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા અને તેમણે પણ લોકોના ઘરમાં સર્ચ કર્યુ હોવાની વાત સામે આવી છે. 2 ડ્રોનની મદદથી પોલીસે ધાબા પર અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથધર્યુ હતુ સાથે સાથે પોલીસની અલગ-અલગ 6 ટીમો બનાવવામાં આવી હતી અને તેમણે પણ સર્ચ કર્યુ હતુ. આ વિસ્તારમાં ગુનેગારો વધુ અને ક્રાઈમ રેટ વધુ હોવાથી પોલીસ પણ સતર્ક બની છે. પોલીસે ગત કોમ્બિંગ નાઈટમાં કેટલા ગુના નોંધ્યા તેની માહિતી હાલમાં સામે આવી નથી. સુરતમાં આમ પણ ક્રાઈમ રેશિયો વધારે રહે છે. હત્યા, દુષ્કર્મ, લૂંટ જેવી ઘટનાઓ છાશવારે બનતી હોય છે. ત્યારે આરોપીઓને કાયદાનું ભાન પણ પોલીસ કરાવતી હોય છે. તેમ છત્તા બેફામ બનેલા આરોપીઓને પોલીસની જાણે બીક ના હોય અને કાયદો પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ તે લોકો ગુનો આચરવામાં જરાય પણ બીક રાખતા નથી,ત્યારે આવા આરોપીઓમાં ફફડાટ બેસે તેને લઈ પોલીસ કોમ્બિંગ કરતી હોય છે અને વિસ્તારમાં શાંતિ રહે તે માટે કોમ્બિંગ નાઈટ કરવી પણ જરૂરી છે.

નવી મિલકતોમાં બિલ્ડર ગણાશે પહેલો માલિક, AMC રેવન્યુ કમિટીનો ઠરાવ

અમદાવાદમાં ઊભા થતા મોટા મોટા બિલ્ડીગો અને ઘરોના વેચાણ થયા પછી બિલ્ડરો દ્વારા ટ્રાન્સફર ફી ન ભરવા માટે કંઈ કઈ છટકબારી શોધાતી હતી. જેના પર સરકારે પૂર્ણ વિરામ મુક્યો છે. વાત એમ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠકમાં શહેરમાં હવે પછી બનતી નવી મિલકતોમાં બિલ્ડરને પહેલો માલિક ગણવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનને નામ ટ્રાન્સફર ફી પેટે રૂપિયા 18 કરોડની આવક થાય છે. જેમાં બિલ્ડરને પહેલો માલિક ગણવાના ઠરાવ પછી વધારો થવાથી રૂપિયા 25 કરોડ સુધી આવક પહોંચી શકે એમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગમાં થતી નામ ટ્રાન્સફર ફીની વિગત ચકાસવામા આવતા પ્રાથમિક તબકકે એવુ જાણવા મળ્યુ છે કે, ઘણાં ખરા કીસ્સાઓમાં બિલ્ડિંગ યુઝ પરમિશન મેળવતા સમયે જે તે બિલ્ડર દ્વારા 25 કે 30 મિલકતની ટ્રાન્સફર ફી ભરી દેવામાં આવતી હોય છે. પછી મિલકત ખરીદનાર દ્વારા જયારે મિલકત ખરીદવામા આવે તે સમયે નામ ટ્રાન્સફર કરવા માટે ફી ભરવામા આવી ના હોય એવા કીસ્સા ધ્યાનમાં આવ્યા છે.  આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને કમિટીએ ઠરાવ કર્યો છે કે, હવે પછી શહેરમાં બનનારી નવી તમામ મિલકત માટે બિલ્ડર જ પહેલો માલિક ગણાશે. હાલમાં

મહાકુંભમાં થયેલી ભાગદોડને લઈને કોર્ટમાં ‘સુપ્રીમ’ અરજી

નવી દિલ્હીઃ પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ નોઝ પર થયેલી ભાગદોડને કારણે અત્યાર સુધી 30 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આમાં, ભાગદોડ અંગે રિપોર્ટ મગાવવાની માંગ કરવામાં આવી છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા કાર્યક્રમો અંગે માર્ગદર્શિકા જારી કરવાની પણ માગ કરવામાં આવી છે. PILમાં કેન્દ્ર સરકાર અને યુપી સહિત તમામ રાજ્ય સરકારોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ અરજી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવી છે.

મહાકુંભમાં થયેલી આ નાસભાગમાં 30 લોકોનાં મોત થયા છે જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. અરજદારો આજે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની કોર્ટમાં વહેલી સુનાવણીની માગ કરે એવી શક્યતા છે.

PILમાં કરવામાં આવેલી માગ કઈ છે?

કોર્ટમાં PILમાં તમામ રાજ્યોને યોગ્ય રીતે સુવિધા સ્થાપિત કરવા અને તેમના રાજ્યના લોકો માટે એક કેન્દ્ર પૂરું પાડવા અને તેમનાં રાજ્યોથી આવતા લોકોને માર્ગદર્શિકા આપવા માટે અનુસરવા માટેનાં સલામતી પગલાં અંગે મૂળભૂત માહિતી પ્રદર્શિત કરવા માટે નિર્દેશો માગવામાં આવ્યા છે. અને આ કેન્દ્રો કટોકટીની સ્થિતિમાં કોઈ પણ સહાય પૂરી પાડવા માટે તૈયાર હોવા જોઈએ.

જાહેરાતો અને પ્રદર્શનો માટે પણ વ્યવસ્થા કરવી જોઈએ. દેશની પ્રાદેશિક અને અન્ય ભાષાઓમાં દિશા નિર્દેશો, રસ્તાઓ વગેરે દર્શાવતા બોર્ડ જેથી લોકો કોઈની મદદ વગર કટોકટીની સ્થિતિમાં યોગ્ય માહિતી મેળવી શકે.બધી રાજ્ય સરકારોએ સંદેશ મોકલવા માટે ઇલેક્ટ્રોનિક મોડની પણ વ્યવસ્થા કરવી જોઈએ. સંદેશ SMS, બેઝિક વોટ્સએપ દ્વારા મોકલવો જોઈએ. જેથી ભક્તોને માર્ગદર્શિકા અને સલામતીનાં પગલાં અંગેની માહિતી સરળતાથી મળી શકે. ઉત્તર પ્રદેશ સાથે સંકલનમાં રહીને, બધી રાજ્ય સરકારોએ પ્રયાગરાજમાં તેમની તબીબી ટીમો પણ તૈનાત કરવી જોઈએ. સામાન્ય શ્રદ્ધાળુઓની સુરક્ષા અને તેમના પ્રવેશ અને બહાર નીકળવા માટે મહત્તમ જગ્યા હોવી જોઈએ.

ભાગદોડની ઘટના અંગે ઉત્તર પ્રદેશ મહાકુંભ 2025 પર સ્ટેટસ રિપોર્ટ મંગાવવાની માગ કરવામાં આવી છએ આ બેદરકારીભર્યા વલણ માટે જવાબદાર વ્યક્તિઓ, અધિકારીઓ અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

વોશિંગ્ટન DCમાં રીગન એરપોર્ટ નજીક વિમાન હેલિકોપ્ટર વચ્ચે ટક્કર

અમેરિકા: કટોકટી પરિસ્થિતિને કારણે રીગન નેશનલ એરપોર્ટ અસ્થાયી રૂપથી બંધ કરવામાં આવ્યું છે. યુ.એસ. એવિએશન ઓથોરિટી (FAA) આ માહિતી આપી છે. વોશિંગ્ટન ડી.સી.ની બહાર સ્થિત આ એરપોર્ટ નજીક પોટોમેક નદીમાં એક નાનું વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડી.સી. ફાયર અને ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. વ્હાઈટ હાઉસ નજીક આવેલા રિગન નેશનલ એરપોર્ટ પર એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટક્કર થતાં બંને ક્રેશ થઈ ગયા હતા. વિમાનમાં લગભગ 60 મુસાફરો સવાર હતા.

પોટોમેક નદીમાં પેસેન્જર વિમાન ક્રેશ થયું

ડીસી ફાયર અને ઇમરજન્સી મેડિકલ સર્વિસીસના અહેવાલ મુજબ, વોશિંગ્ટન ડીસી નજીક રીગન નેશનલ એરપોર્ટ નજીક પોટોમેક નદીમાં એક પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે ફાયરબોટ તૈનાત કરવામાં આવી છે.

“ડીસીએ ખાતે તમામ ફ્લાઇટ્સના ટેકઓફ અને લેન્ડિંગ અટકાવી દેવામાં આવ્યા છે. એરફિલ્ડ પર કટોકટી સેવાઓ વિમાન દુર્ઘટનાનો જવાબ આપી રહી છે. જોકે, ટર્મિનલ હજુ પણ ખુલ્લું છે,” રીગન નેશનલ એરપોર્ટે સોશિયલ મીડિયા પર જણાવ્યું.

નોબલ શાંતિ પુરસ્કાર માટે ઇલોન મસ્કના નામનું નોમિનેશન કોણે કર્યું?

અમેરિકા: વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક અને ટેસ્લા, સ્પેસ એક્સ અને એક્સ જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્કને 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે સત્તાવાર રીતે નોમિનેટ કર્યા છે. આ નોમિનેશન યુરોપિયન સંસદના સ્લોવેનિયન સભ્ય (MEP) બ્રેન્કો ગ્રીમ્સે કર્યું છે. ગ્રીમ્સના મતે, આ નોમિનેશન અભિવ્યક્તિની સ્વતંત્રતાના સમર્થનમાં મસ્કના સતત પ્રયાસો અને વૈશ્વિક શાંતિમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે છે.

બ્રેન્કો ગ્રીમ્સે મસ્કને નોમિનેટ કર્યા

આ પ્રસ્તાવની પુષ્ટિ કરતા બ્રેન્કો ગ્રીમ્સે કહ્યું, ‘આજે સફળતાપૂર્વક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિના મૂળભૂત માનવ અધિકારનું સતત સમર્થન કરતા ઈલોન મસ્કને 2025 નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવો જોઈએ.’ આ નોમિનેશનમાં તેમને ટેકો આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું, ‘આ પડકારજનક પ્રોજેક્ટમાં મદદ કરનારા તમામ સહ-પ્રસ્તાવકો અને સહકાર્યકરોનો હૃદયપૂર્વક આભાર.’

સમર્થકોમાં ભારે ઉત્સાહ

નોમિનેશનના અહેવાલ બાદ ઈલોન મસ્કના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડોજકોઈન ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા એક ડિઝાઇનરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ઈલોન મસ્કને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટેના તેમના પ્રયાસોને માન્યતા આપવા માટે 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.’આખી પ્રક્રિયા શું છે?

નોબેલ શાંતિ પુરસ્કાર માટેની પસંદગી પ્રક્રિયા ખૂબ જ કઠોર અને વિગતવાર છે. નોંધણી માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે અને તે સામાન્ય રીતે ઓક્ટોબરના મધ્યમાં શરૂ થાય છે. સમયમર્યાદા પછી, ફેબ્રુઆરીના મધ્યમાં મૂલ્યાંકન માટે નોબેલ સમિતિને નોમિનેશન સબમિટ કરવામાં આવે છે. ત્યારબાદ સમિતિ બધા માન્ય નોમિનેશનની સમીક્ષા કરે છે અને વધુ ચકાસણી માટે ઉમેદવારોની ટૂંકી યાદી તૈયાર કરે છે. આ તબક્કામાં, કાયમી સલાહકારો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના એક્સપર્ટ ઓપિનિયન ધ્યાને લેવામાં આવે છે.

3 ઇઝરાયલી, 5 થાઈ બંધકોની મુક્તિ, 110 પેલેસ્ટિનિયન કેદીઓ પણ મુક્ત કરાશે

ઇઝરાયલ: યુદ્ધવિરામ કરાર હેઠળ, હમાસ ગુરુવારે ત્રણ ઇઝરાયલી અને પાંચ થાઈ બંધકોને મુક્ત કરશે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયલી મીડિયા અહેવાલો અનુસાર, હમાસ ઇજિપ્ત અને કતાર થઈને ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે. IDF એ સૈનિકો અગમ બર્જર (20), અરબેક યેહુદ (29) અને ગાડી મોશે મોઝેસ (80)ના નામ સોંપ્યા, જેમને આજે મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, હમાસ થાઇલેન્ડના પાંચ નાગરિકોને પણ મુક્ત કરશે. જો કે, જે પાંચ થાઈ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે તેમના નામની પુષ્ટિ થઈ નથી.

ઇઝરાયલ કેદીઓને પણ મુક્ત કરશે
તમને જણાવી દઈએ કે ગાઝામાં આઠ થાઈ બંધકો છે. આ ઉપરાંત, એક નેપાળી અને એક તાંઝાનિયન બંધક પણ હમાસની કસ્ટડીમાં છે. ઇઝરાયલ દ્વારા બે થાઈ નાગરિકો અને એક તાંઝાનિયાના નાગરિકને પહેલાથી જ મૃત જાહેર કરવામાં આવ્યા છે. યુદ્ધવિરામ કરાર હેઠળ, ઇઝરાયલ 110 પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે, જેમાં ઇઝરાયલ સામે ખતરનાક હુમલાઓમાં સામેલ લગભગ 30 સૈનિકોનો સમાવેશ થાય છે. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

ચાર મહિલા સૈનિકોને મુક્ત કરવામાં આવ્યા

હમાસે શનિવારે ચાર ઇઝરાયલી મહિલા સૈનિકોને મુક્ત કરી હતી. ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે 25 જાન્યુઆરી, શનિવારના રોજ આ માહિતી આપી. ઇઝરાયલે હમાસ દ્વારા મુક્ત કરાયેલી દરેક મહિલા સૈનિકના બદલામાં 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનું વચન આપ્યું છે.હમાસની કેદમાં રહેલા આ સૈનિકોનું 7 ઓક્ટોબર 2023ના રોજ નાહલ ઓઝ પોસ્ટ પરના હુમલા દરમિયાન અપહરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કતાર અને ઇજિપ્તે અમેરિકાના સમર્થનથી આ યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરી છે. નવેમ્બર 2023 માં થયેલા ટૂંકા યુદ્ધવિરામ પછી આ પહેલી વાર છે જ્યારે લડાઈમાં કાયમી વિરામ આવ્યો છે.

સુવિચાર – ૩૦ જાન્યુઆરી ૨૦૨૫

સુવિચાર – ૧૧ એપ્રિલ, ૨૦૨૪

૩૦ જાન્યુઆરી ૨૦૨૫

ઉનાળામાં કોરબેટમાં હાથીના ઝુંડ જોવાની મજા જ કંઈક અલગ હોય છે…

ઉનાળામાં જીમ કોરબેટ નેશનલ પાર્ક જવાના બે ફાયદા છે. આ સિઝનમાં અહીં સફારીમાં વાઘ પણ જોવા મળે અને હાથીઓના ઝુંડ પણ જોવા મળે. અને હા ક્યારેક હાથીના ચાર્જ કરવાનો (પાછળ પડવાનો) લાભ પણ મળે.

કોરબેટ નેશનલ પાર્કમાં ઉનાળામાં બીજરાની ઝોન હોય કે ઢિકાલા ઝોન હોય હાથીના નાના ગૃપ થી લઈ 50-60 હાથીનું ઝુંડ જોવા મળે. હાથીનું ઝુંડ સસ્તા પરથી પસાર થતું હોય ત્યારે જીપ્સીથી વચ્ચે થી ઉતાવળે પસાર નહીં થવાનું ખાસ ધ્યાન રાખવું પડે. નહીં તો ક્યારેક હાથી પાછળ પડીને ચાર્જ કરી દે.

હાથીઓના ઝુંડને નદી પસાર કરતા તથા નદીની રેતીને સુંઢ થી ભરીને શરીર પર અને હવામાં ઉડાવતા જોતા જોતા ફોટો-વિડિયોગ્રાફી કરવાની મજા કંઈક અનેરી જ છે.

ઘણીવાર તો આ ઝુંડમાં 8-10 નાના મદનિયા (હાથીના બચ્ચા) હોય, જે ખૂબ રમતીયાળ હોય અને સરસ ફોટો લેવાના અનેક મોકા પણ આપે. આમ ઉનાળામાં કોરબેટ નેશનલ પાર્કની મુલાકાતનો અનુભવ એકવાર ચોક્કસ લેવો જોઈએ.

એટિટ્યુડ છે તો બધું છે…

થોડા દિવસ પહેલાં વાંચવામાં આવ્યું કે 19 જાન્યુઆરીએ મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમને પચાસ વર્ષ પૂર્ણ થયાં તેની ઉજવણી એ જ સ્ટેડિયમમાં થઈ. આ અવસરે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશને ભારતના દંતકથા સમાન ક્રિકેટર સુનીલ ગાવસકરની પંચોતેરમી વર્ષગાંઠ ઊજવી. યોગાનુયોગ, 23 જાન્યુઆરી, 1975ના રોજ વાનખેડે પર રમાયેલી પહેલી મૅચના ઓપનર સુનીલ ગાવસકર હતા.

હવે 2025માંથી આપણે ભૂતકાળમાં જઈએઃ

લંડનના લૉર્ડ્સ સ્ટેડિયમ પર રમાયેલી 1983ના ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે બળવાન ગણાતા વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું તેને એક તુક્કો ગણી લેવામાં આવ્યો, કારણ કે, વેસ્ટ ઈન્ડીઝે 1975 અને 1979ના વર્લ્ડ કપ જીત્યા હતા. વેસ્ટ ઈન્ડીઝના કૅપ્ટન ક્લાઈવ લોઈડને આ પરાજય પચ્યો નહીં. એ જ વર્ષે લૉઈડ પોતાની મજબૂત ટીમ લઈને ભારત આવ્યા. આ પ્રવાસમાં એ પાંચ વન-ડે અને છ ટેસ્ટની સિરીઝ રમવાના હતા. પાંચ વન-ડેની શ્રેણીમાં વિન્ડીઝે ભારતનાં સૂપડાં સાફ કરીને વર્લ્ડ કપના પરાજયનો બદલો લીધો. તે વખતે છાપાંમાં એક શબ્દ ગાજેલોઃ ‘રિવેન્જ સિરીઝ.’ વર્લ્ડ કપમાં હારવા બદલ વેસ્ટ ઈન્ડીઝનો ભારત સામે આ રિવેન્જ એટલે બદલો હતો. તે પછી પહેલી ટેસ્ટ પણ એક ઈનિંગ્સથી આપણે હારી ગયા. અને ટીમના ઓપનર સુનીલ ગાવસકરના દેખાવ સામે સવાલ પેદા થવા લાગ્યા.

અચાનક સુનીલ ગાવસકરે પોતાનું વલણ બદલ્યું. તેઓ ડિફેન્સિવ એટલે કે સાચવી સાચવીને રમતા. હવે એમણે આક્રમક રમવાનો નિર્ણય લીધો. દિલ્હીના ફિરોજશા કોટલા મેદાન પર બીજી ટેસ્ટમાં ગાવસકરે 128 બૉલમાં 121 રન બનાવ્યા. એ સમયે ટેસ્ટ મૅચના સંદર્ભમાં ગાવસકરની સ્ટાઈલ તથા એમની એવરેજ જોતાં આ ખૂબ ઝડપી ઈનિંગ્સ હતી, જેમાં ગાવસકરે 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

એટિટ્યુડ અથવા વલણ જો બદલાય તો બધું જ બદલાઈ જતું હોય છે. એટિટ્યુડ બદલતાંની સાથે તમને તમારી અંદર રહેલી એવી વિશેષતા અંગે જાણવા મળે છે, જેના વિશે તમે હજુ સુધી જાણતા ન હતા.

સમુદ્રનાં જળનાં જેટલાં ટીપાં હોય, હવામાં ઓક્સિજનના જેટલા અણુ હોય તેટલા વિચાર મનુષ્યના મગજમાં રમતા હોય છે. યોગ્ય સમયે તેને પકડવા તેનો આધાર આપણા વલણ છે. તમારું વલણ કોઈ પણ સ્થિતિને તમારા માટે ફાયદામાં પરિવર્તિત કરી શકે છે. જો તમારું વલણ સાચી દિશામાં હોય તો તમે કોઈ પણ વિચાર કે ઘટનાને પોતાના કે સમાજની ભલાઈ માટે પરિવર્તિત કરી શકો છો.

ફેસબુકની શરૂઆત આ રીતે જ થઈ હતી. અમુક મિત્રોના એક નાનકડા ગ્રુપ માટે ફેસબુક નામનું પ્લેટફોર્મ આજે કેટલું વિશાળ બની ગયું છે. વલણ બધું જ બદલી નાખે છે. તમે વસ્તુને, પરિસ્થિતિને કેવી રીતે જુઓ છો તે ખૂબ જ મહત્ત્વનું છે. જો તમે સવારે ઊઠતાંવેંત એવું વિચારવા માંડો કે, આ કામ નહીં શકે… કેવી રીતે થશે? કોઈની મદદ તો મળશે નહીં… હવે ખબર નહીં શું થશે? વગેરે વગેરે વિચારવા માંડશો તો, દોડવાનું તો છોડો, ધીમી ગતિએ ચાલી પણ નહીં શકો. એટિટ્યુડ તો એવો જ રાખવાનો છે કે, ‘હા આ થઈ શકે છે. હું કરી શકું છું.

એટિટ્યુડનો બીજો મોટો ફાયદો તમારા અંદર રહેલી છૂપી શક્તિ અને પ્રતિભાને બહાર લાવવાનો છે- જો ઉચિત વલણ રાખો તો. આપણી પાસે એવી હજારો ઊર્જાઓ છે, જેનો આપણે સમગ્ર જીવનકાળ દરમિયાન ઉપયોગ કરતા નથી કેમ કે, આપણું વલણ ઉચિત ન હતું.

આપણે જ્યારે કોઈ ઊર્જાવાન વ્યક્તિને જોઈએ છીએ તો ચકિત થઈ જઈએ છીએ. આપણને લાગે છે કે, આ તો સુપર હીરો છે, પરંતુ એ જ ઊર્જા તમારી અંદર પણ છે. કેમ કે ઈશ્વરે આપણને સૌને અસંખ્ય ઊર્જા ભેટ આપી છે. જરૂર છે એ ઊર્જાને યોગ્ય રીતે વાપરવાની.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)