Home Blog Page 1196

માઝી મુંબઈએ ત્રીજી મેચમાં બેંગ્લોર સ્ટ્રાઈકર્સને 22 રને હરાવ્યું

મુંબઈ: ૨૯ જાન્યુઆરીના રોજ દાદોજી કોંડાદેવ સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની બીજી સીઝનમાં માઝી મુંબઈએ હાઇ-સ્કોરિંગ દિવસ જોયો. દિવસની બીજી મેચમાં, માઝી મુંબઈએ KVN બેંગ્લોર સ્ટ્રાઇકર્સને ૨૨ રનથી હરાવ્યું હતું, જે રજત મુંધેના પ્રભાવશાળી પ્રદર્શનને આભારી છે.બીજી મેચમાં, રજત મુંધેની અણનમ અડધી સદીએ માઝી મુંબઈને સતત ત્રીજી જીત અપાવી. મોહમ્મદ નદીમ, કરણ મોરે અને અભિષેક કુમાર દાલહોરને ગુમાવ્યા બાદ મુંબઈ શરૂઆતના નબળા પ્રદર્શનમાંથી બહાર આવ્યું. રજત અને વિજય પાવલેની ભાગીદારીએ તેમને 10 ઓવરમાં 103/6 સુધી પહોંચાડવામાં મદદ કરી.બેંગ્લોરનો રનનો પીછો કરવાનું નિષ્ફળ રહ્યું. કારણ કે તેઓ નિયમિતપણે વિકેટ ગુમાવતા રહ્યા. 10 ઓવરના અંતે 81 રનમાં 8 વિકેટ પડી ગઈ હતી. અભિષેક કુમાર દાલહોરે ચાર વિકેટ સાથે મુંબઈ માટે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું.

સરકાર દ્વારા છઠ્ઠી ફેબ્રુઆરીએ નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવાની શક્યતા

નવી દિલ્હીઃ નવો ઇન્કમ ટેક્સ બિલનો ડ્રાફ્ટ છઠ્ઠી ફેબ્રુઆરીએ બજેટ સેશનમાં સંસદમાં રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. આ બિલ હાલના ઇન્કમ ટેક્સ કાયદામાં મોટા ફેરફાર લાવનારું છે. એમાંથી આશરે ત્રણ લાખ શબ્દો દૂર કરવામાં આવે એવી શક્યતા છે. જેથી એને સમજવાનું સરળ રહેશે. ઇન્કમ ટેક્સ કાયદો આશરે છ લાખ શબ્દોનો છે, જેનને અડધાથી ઓછો કરવાની યોજના બનાવી છે.

નવા બિલમાં ટેક્સનો વ્યાપ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એને ફેરફારથી સરકાર ટેક્સ સિસ્ટમને અસરકારક બનાવવા ઇચ્છે છે. નાણામંત્રી નિર્મલા સીતારમને કેન્દ્રીય બજેટમાં 1ર લાખ સુધીની આવક ટેકસ ફ્રી કરી મધ્યમવર્ગને મોટી રાહત આપી સાથે નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવા એલાન કર્યું હતું. જેને આગામી સપ્તાહે સંસદમાં રજૂ કરાશે.

નાણાં મંત્રીએ કહ્યું હતું કે આ ઇન્કમ ટેક્સનું નવું બિલ ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા લાવવામાં આવી રહ્યું છે. જો તેને સંસદની મંજૂરી મળી જાય છે અને તમામ પ્રક્રિયા પૂરી થઈ જાય છે તો દેશમાં ઇન્કમ ટેક્સનો નવો કાયદો આવશે. દેશમાં હાલ 1961નો ઇન્કમ ટેક્સ કાયદો લાગુ છે. બજેટ ર0ર0માં સરકારે આ કાયદા હેઠળ જ એક નવી ટેક્સ પદ્ધતિ લાગુ કરી હતી, પરંતુ જુલાઈ ર0ર4માં રજૂ કરાયેલા બજેટમાં સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે દેશમાં ઇન્કમ ટેક્સ કાયદો બદલવાની જરૂર છે. જે માટે સમીક્ષા સમિતિ રચવામાં આવી હતી.

નાણાં મંત્રીએ કહ્યું હતું કે એક દાયકાથી ટેક્સ રિફોર્મ લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી લોકો સરળ ભાષામાં ટેક્સની આ વ્યવસ્થા સમજી શકે. નવા ઇન્કમ ટેક્સ બિલને આવતાં સપ્તાહે સંસદમાં રજૂ કરાશે. નવા કાયદાથી ટેક્સ વ્યવસ્થા સરળ બનશે અને સામાન્ય લોકો તેને સમજી શકશે એટલે તે જરૂરી છે.

નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં સ્પોર્ટસ બજેટમાં રૂ. 350 કરોડનો વધારો

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ખેલો ઇન્ડિયા માટે રૂ. 351.98 કરોડનો નોંધપાત્ર વધારાની ફાળવણી કરવામાં આવી છે, જેનો સૌથી મોટો હિસ્સો ખેલો ઇન્ડિયા કાર્યક્રમને મળશે. યુવા મામલા અને સ્પોર્ટ્સ મંત્રાલયે કુલ મળીને રૂ. 3794.30 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એ રકમ ગયા વર્ષની તુલનામાં રૂ. 351.98 કરોડથી વધુ છે.

કેન્દ્ર સરકાર દ્વારા ખેલો ઈન્ડિયા યોજના ચલાવવામાં આવે છે. આ અંતર્ગત પાયાના સ્તરે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા, રમતગમતમાં યુવાનોની રુચિ વધારવા અને દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર બનાવવાનું કામ કરવામાં આવે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું, જેમાં  નાણાપ્રધાને આ યોજના માટે રૂ. 1000 કરોડ ફાળવ્યા છે, જેમાં ગત વખતની સરખામણીએ રૂ. 100 કરોડનો વધારો થયો છે. ગયા વખતે આ યોજના માટે 900 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

ખેલો ઈન્ડિયાની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. ત્યારથી ભારત સરકારે આ યોજનામાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે, જેથી દેશના વિવિધ ભાગોમાંથી ઊભરતી રમત પ્રતિભાને આગળ લાવી શકાય.

ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિક્સ યોજવામાં આવી હતી. ત્યારે ભારત સરકાર દ્વારા સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રમત મંત્રાલયના બજેટમાં 45.36 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને કુલ 3442.32 કરોડ રૂપિયા સ્પોર્ટ્સ માટે ફાળવવામાં આવ્યા હતા, જ્યારે તે પહેલાં સ્પોર્ટ્સ બજેટ માટે 3396.96 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ વખતે બજેટની જાહેરાત માત્ર ખેલો ઈન્ડિયા માટે કરવામાં આવી છે. અત્યાર સુધી, નેશનલ સ્પોર્ટ્સ ફંડ અને SAI માટે અલગથી કોઈ ફાળવણી જાહેર કરવામાં આવી નથી.

ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકાર, નલિયામાં પારો 8.8 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદ: કમોસમી વરસાદની આશંકા વચ્ચે ગુજરાતમાં ફરી એક વખત ઠંડીએ જોર પકડ્યું છે. રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે અને રાત્રી સમયના ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તો બપોરે ઉનાળા જેવી ગરમી જોવા મળી રહી છે. આ વચ્ચે નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકાર જોવા મળી રહ્યો છે. ત્યારે નલિયામાં 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી, અમદાવાદમાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી, અમરેલીમાં 14.5 ડિગ્રી, પાલનપુરમાં 15.2 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી, વડોદરામાં 16.3 ડિગ્રી, ભાવનગરમાં 17.2 ડિગ્રી,  પોરબંદરમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં 2જી અને 3જી ફેબ્રુઆરીના કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડતા કમોસમી વરસાદનું સંકટ ટળ્યું છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની સુધી ગગડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

પ્રજ્ઞાનંદે ફાઇનલમાં ડી ગુકેશને હરાવીને ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો

ભારતના ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદે 2 ફેબ્રુઆરીના રોજ નેધરલેન્ડ્સના વિજક આન ઝી ખાતે આયોજિત ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025 ચેસ ટુર્નામેન્ટની ફાઇનલમાં ડી. ગુકેશને હરાવીને ટાઇટલ જીત્યું. તે એક ઓલ ઈન્ડિયન ફાઈનલ હતી જેમાં બંને ખેલાડીઓએ 13 રાઉન્ડ પછી સમાન પોઈન્ટ મેળવ્યા હતા. પ્રજ્ઞાનંદને ટાઇટલ જીતવા માટે ફક્ત ડ્રોની જરૂર હતી પરંતુ તે જર્મનીના વિન્સેન્ટ કીમર સામે હારી ગયો. આ દરમિયાન, ગુકેશ પણ અર્જુન એરિગાઇસી સામે હારી ગયો. આ પરિસ્થિતિ પછી બંને વચ્ચેનો મુકાબલો ટાઈબ્રેકર સુધી પહોંચ્યો. ટાઈબ્રેકરમાં બંને ખેલાડીઓએ જીત માટે સંઘર્ષ કર્યો.

પહેલી ગેમમાં પ્રજ્ઞાનંદે ભૂલ કરી અને પોતાની ગેમ હારી ગયો, કારણ કે તે બેનોની સામે વિરુદ્ધ રંગમાં હતો.જોકે,બીજી ગેમમાં તેણે ટ્રોમ્પોસ્કીની શરૂઆતનો ફાયદો ઉઠાવ્યો અને ગુકેશની ભૂલનો લાભ લઈને સ્કોર 1-1 ની બરાબરી પર લાવી દીધો.ત્યારબાદ ટાઈબ્રેકર સડન ડેથમાં બદલાઈ ગયો,જ્યાં સફેદ પીસ વાળા ખેલાડીને 2 મિનિટ અને 30 સેકન્ડનો સમય મળ્યો, જ્યારે કાળા પીસ વાળા ખેલાડીને 3 મિનિટનો સમય મળ્યો.આ તણાવપૂર્ણ મેચમાં ગુકેશે પોતાનો કાબુ ગુમાવ્યો જ્યારે પ્રજ્ઞાનંદે પોતાની શાનદાર ટેકનિકથી મેચ જીતી લીધી અને પોતાની કારકિર્દીમાં પહેલીવાર માસ્ટર્સ ટાઇટલ કબજે કર્યું.

આ સતત બીજા વર્ષે ગુકેશ ટાઈબ્રેકરમાં હારી ગયો હતો, કારણ કે તે 2024 માં ચીનના વેઈ યી સામે હારી ગયો હતો. ટાઇટલ જીત્યા પછી પ્રજ્ઞાનંદે મજાકમાં કહ્યું કે તે પોતાનો ટાઇટલ અર્જુનને ભેટ આપવા માંગે છે, જેણે અંતિમ રાઉન્ડમાં ગુકેશને હરાવીને ટુર્નામેન્ટને ટાઇબ્રેકર સુધી પહોંચાડી હતી. પ્રજ્ઞાનંદે કહ્યું કે મને નહોતું લાગતું કે અર્જુન ગુકેશને હરાવી શકશે. થોડા સમય માટે એવું લાગતું હતું કે ગુકેશ ખરેખર સારો હતો. જ્યારે મેં તે પરિણામ જોયું, ત્યારે મેં પહેલેથી જ ખોટી રમત રમી હતી અને હું મુશ્કેલ પરિસ્થિતિમાં હતો. મને લાગ્યું કે હું ફક્ત મારો બચાવ કરી શકું છું. આ શાનદાર જીત સાથે પ્રજ્ઞાનંદે માત્ર પોતાનો ખિતાબ જ જીત્યો નહીં પરંતુ તેની ચેસ યાત્રામાં એક નવો સીમાચિહ્ન પણ સ્થાપિત કર્યો.

 

સંસદમાં મહાકુંભ દુર્ઘટના પર ચર્ચા કરવાની માગ વચ્ચે હંગામો

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે મહાકુંભમાં મૌની અમાસે ભાગદોડને મુદ્દે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. આ દુર્ઘટનામાં મૃતકોના આંકડાને લઈને વિપક્ષ માગ કરી રહ્યો છે. વિપક્ષના સાંસદોએ માગ કરી હતી કે કુંભમાં મૃત્યુ પામેલા લોકોની યાદી જાહેર કરવામાં આવે.  વિરોધ પક્ષના સાંસદ લોકસભામાં સ્પીકરની સામે દેખાવો કરી રહ્યા છે.

કોંગ્રેસના સાંસદ મનિકમ ટૈગોરે તામિલનાડુમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરન્ટી યોજના (મનરેગા) ગેઠળ રૂ. 1056 કરોડનાં બાકી લેણાં જારી કરવા મુદ્દે ચર્ચા માટે લોકસભામાં પ્રસ્તાવની નોટિસ આપી છે.આ ઉપરાંત વકફ (સંશોધન) બિલ 2024 પર સંયુક્ત સંસદ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ સંસદમાં રિપોર્ટ રજૂ કરશે. સમિતિએ 14 ખંડો અને વિભાગોમાં 25 સુધારા સાથે બિલને મંજૂરી આપી છે.આ પછી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ પર ચર્ચા શરૂ કરી શકે છે. તેઓ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. રાહુલનું કહેવું છે કે આ બજેટ ગોળી વાગવા પર બેન્ડ-એઈડ લગાવવા જેવું છે.

JPCએ 30 જાન્યુઆરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ડ્રાફ્ટ રિપોર્ટ સોંપ્યો હતો. આ દરમિયાન જેપીસી અધ્યક્ષ જગદંબિકા પાલ, નિશિકાંત દુબે અને ભાજપના અન્ય સાંસદો હાજર હતા. વિપક્ષનો કોઈ સાંસદ દેખાતા ન હતો. JPCએ 29 જાન્યુઆરીએ ડ્રાફ્ટ રિપોર્ટને મંજૂરી આપી હતી. તેની તરફેણમાં 16 સભ્યોએ મતદાન કર્યું હતું. જ્યારે 11 સભ્યોએ વિરોધ કર્યો હતો.JPCના અધ્યક્ષ પાલે કહ્યું હતું કે અમારી સામે 44 ખંડ હતા, જેમાંથી સભ્યોએ 14 ખંડમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમે બહુમતીથી મતદાન કર્યું અને પછી આ સુધારાઓ સ્વીકારવામાં આવ્યા હતા.

આ સમિતિમાં સામેલ વિપક્ષી સાંસદોએ આ બિલ સામે વાંધો ઉઠાવ્યો હતો. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે અમને 655 પાનાંનો ડ્રાફ્ટ રિપોર્ટ મળ્યો છે. 655 પાનાંનો રિપોર્ટ એક રાતમાં વાંચવો અશક્ય હતો. મેં મારી અસંમતિ વ્યક્ત કરી છે અને સંસદમાં પણ હું આ બિલનો વિરોધ કરીશ.

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્તરાખંડના સ્પર્ધકે રેકોર્ડ તોડ્યો

જૂનાગઠ: ગિરનાર પર યુવાનોના જોમ અને જુસ્સાને પડકાર સમાન 17મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરના 20 રાજ્યોમાંથી 570 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધમાં ઉત્તરાખંડના સ્પર્ધકે ગત વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. સિનિયર કેટેગરીમાં 53.28 મિનિટમાં ગીરનાર સર કર્યો હતો. સ્પર્ધામાં પ્રથમ વિજેતાને 1 લાખ રોકડ ઈનામ આપવામાં આવ્યું. જ્યારે અન્ય 40 સ્પર્ધકોમાં કુલ 19 લાખ રૂપિયા ઈનામ અપાયું.

અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રેકોર્ડ બ્રેક થયો હતો. ઉત્તરાખંડના સ્પર્ધકે ગત વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. સિનિયર કેટેગરીમાં 53.28 મિનિટમાં ગીરનાર સર કર્યો હતો. 2022 માં 55.30 મિનિટનો રેકોર્ડ હતો. પરમાર લાલાનો રેકોર્ડ ઉત્તરાખંડના દિગંબર સિંઘે તોડ્યો હતો. દિગંબર સિંઘે પ્રથમવાર જ લીધો સ્પર્ધામાં ભાગ લીધો હતો અને રેકોર્ડ તોડ્યો હતો. પ્રથમ ક્રમાંક મેળવનારને એક લાખનું રોકડ પુરસ્કાર અપાયું હતું.

સ્પર્ધામાં પુરુષ વર્ગના ખેલાડીઓએ ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધીના 5,500 પગથિયાં અને મહિલા વર્ગની સ્પર્ધકોએ 2,200 પગથિયાં સર કરવાના હતા. આ સ્પર્ધામાં ચાર અલગ-અલગ કેટેગરીમાં પ્રથમ દસ ક્રમાંક મેળવનાર વિજેતાઓને મોટી રકમના રોકડ પુરસ્કાર, શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. જિલ્લા યુવા વિકાસ અધિકારીએ માહિતી આપી કે, આ સ્પર્ધામાં સિનિયર અને જુનિયર એમ બંને વર્ગના ભાઈઓ-બહેનોએ ભાગ લીધો છે. આ સ્પર્ધા દ્વારા યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓ પ્રત્યે રસ જાગૃત થાય અને શારીરિક-માનસિક દ્રઢતા વધે તેવો હેતુ છે.

Grammy Awards 2025:એવોર્ડ મેળવનાર ભારતીય-અમેરિકી આર્ટિસ્ટ ચંદ્રિકા ટંડન કોણ છે?

ભારતીય-અમેરિકન કલાકાર ચંદ્રિકા ટંડને તેમના આલ્બમ ત્રિવેણી માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ યા ચૅન્ટ આલ્બમ કેટેગરીમાં તેમનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો. તેણીએ પહેલા પણ ગ્રેમીમાં નામાંકન મેળવ્યું છે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે તેણીએ એવોર્ડ જીત્યો હોય. ચંદ્રિકાએ તેના પાટનર્સ, દક્ષિણ આફ્રિકાના વાંસળીવાદક વાઉટર કેલરમેન્સ અને જાપાની સેલિસ્ટ એરુ માત્સુમોટો સાથે આ એવોર્ડ મેળવ્યો. ચંદ્રિકા પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયીની મોટી બહેન છે.

ચંદ્રિકા ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા
ગ્રેમી એવોર્ડ્સ 2 ફેબ્રુઆરીના રોજ લોસ એન્જલસના Crypto.com એરેના ખાતે યોજાયો હતો. ચંદ્રિકા ટંડન અહીં ભારતીય પરંપરાગત પોશાક પહેરીને પહોંચ્યા હતા. તેણીએ સુંદર સિલ્ક સલવાર સૂટ પહેર્યો હતો અને સ્ટેટમેન્ટ નેકલેસથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તે ભારતીય મૂળના થોડા કલાકારોમાંના એક હતા જેમને વિવિધ શ્રેણીઓમાં નામાંકન મળ્યું હતું.

ગ્રેમી જીત્યા પછી ચંદ્રિકાએ શું કહ્યું?
ચંદ્રિકા ટંડન વિશે વાત કરીએ તો, સંગીતકારનો જન્મ અને ઉછેર ચેન્નાઈમાં થયો છે. એવોર્ડ જીત્યા પછી રેકોર્ડિંગ એકેડેમી સાથે બેકસ્ટેજ પર વાત કરતા ચંદ્રિકા ટંડને પોતાની ખુશી વ્યક્ત કરી અને કહ્યું, “આ અદ્ભુત લાગે છે.” તેણીએ ઉમેર્યુ કે, “મારી સાથે કેટલાક અન્ય મહાન અને અદ્ભુત સંગીતકારો પણ નોમિનેટ થયા હતા. અમારા માટે, આ જીતવું ખૂબ જ યાદગાર ક્ષણ છે.”

અન્ય ભારતીય મૂળના ઉમેદવારો પર વિજય
બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ યા ચૅન્ટ આલ્બમ કેટેગરીમાં, રિકી કેજનું બ્રેક ઓફ ડોન, ર્યુઇચી સાકામોટોનું ઓપસ, અનુષ્કા શંકરનું ચેપ્ટર II: હાઉ ડાર્ક ઇટ ઇઝ બિફોર ડોન અને રાધિકા વેકરિયાનું વોરિયર્સ ઓફ લાઈટ પણ નોમિનેટ થયા હતા. તેમને પાછળ છોડીને, ચંદ્રિકા ટંડને ત્રિવેણી માટે એવોર્ડ જીત્યો.

ISROનું NVS-02 નક્કી કક્ષામાં સ્થાપિત ન થયું, થ્રસ્ટર્સ ફેલ

નવી દિલ્હી: ઈન્ડિયન સપેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)ના 100મા રોકેટ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે લોન્ચ કરાયેલા આ મિશનમાં રવિવારે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. 2250 કિલોગ્રામ વજન ધરાવતું આ સેટેલાઈટ નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટલેશન એટલે કે NavICનો હિસ્સો હતો. એવું મનાય છે કે NavIC સીરિઝના સેટેલાઈટ 2013થી લઈને અત્યાર સુધી અપેક્ષા પ્રમાણે ખરા ઉતર્યા નથી. NVS-02 ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવાના ISROના પ્રયાસોને ત્યારે ફટકો પડ્યો જ્યારે અવકાશયાનમાં લાગેલા થ્રસ્ટર્સ કામ કરવામાં નિષ્ફળ ગયા. સ્પેસ એજન્સીએ આ ઘટનાની માહિતી આપી. ઇસરોએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે અવકાશયાન પર સ્થાપિત થ્રસ્ટર્સની નિષ્ફળતાને કારણે NVS-02 ઉપગ્રહને નક્કી ભ્રમણકક્ષામાં મૂકવાનો પ્રયાસ સફળ થયો ન હતો.

ક્યારે લોન્ચ કરાયું હતું મિશન? 

ભારતની પોતાની અવકાશ-આધારિત નેવિગેશન સિસ્ટમ માટે મહત્વપૂર્ણ મનાતા NVS-02 ઉપગ્રહને 29 જાન્યુઆરીએ GSLV-Mk 2 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો.  અહેવાલ અનુસાર, ઇસરોએ એમ પણ કહ્યું કે, ‘સેટેલાઇટ સિસ્ટમ હાલમાં યોગ્ય હાલતમાં છે અને સેટેલાઈટ હાલમાં એલિપ્ટિક ઓર્બિટમાં છે. એલિપ્ટિક ઓર્બિટમાં નેવિગેશન માટે સેટેલાઈટના ઉપયોગ માટે મિશનની વૈકલ્પિક રણનીતિઓ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અહેવાલ છે કે 2013 થી NavIC શ્રેણીના કુલ 11 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાંથી 6 સંપૂર્ણપણે અથવા આંશિક રીતે નિષ્ફળ ગયા છે.NavIC ક્યારે વિકસિત કરાવાયું હતું 

1999માં પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધ પછી ભારતે NavIC વિકસાવ્યું હતું. યુદ્ધ દરમિયાન ભારતને GPS ડેટા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ GPSનું પ્રાદેશિક સંસ્કરણ બનાવવાનું વચન આપ્યું હતું.

જીપીએસથી કેમ અલગ?

અમેરિકન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) ની તુલનામાં તેની ચોકસાઈ કમાલની છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તે 20 મીટરના GPSને બદલે પાંચ મીટર સુધી સચોટ સ્થિતિ આપે છે. જમીન, હવા અને પાણીમાં તેની સચોટ સ્થિતિ સંરક્ષણ ક્ષેત્ર, નાગરિકો અને કંપનીઓના કામને આસાન બનાવી દેશે.

ટ્રમ્પના ટેરિફ વૉરની બજાર પર અસર, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો

મુંબઈ: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય બાદ વિશ્વભરના બજારો પર દબાણ વધ્યું છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી, જ્યાં પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 731 પોઈન્ટ ઘટીને 76,774 પર પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 243 પોઈન્ટ ઘટીને 23,239 પર ટ્રેડ કરી રહ્યો હતો.

શેરબજાર ખુલતા જ કડાકો 

બજાર ખુલતાની સાથે જ વેચવાલી જોવા મળી અને સેન્સેક્સ 710.70 પોઈન્ટ ઘટીને 76,795.26 પર જ્યારે નિફ્ટી 211.75 પોઈન્ટ ઘટીને 23,270.40 પર ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં મોટી કંપનીઓના શેર વેચવાલીના દબાણ હેઠળ આવી ગયા હતા અને બેન્કિંગ, આઈટી અને ઓટો સેક્ટરમાં મોટો કડાકો નોંધાયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધના સંકેતોએ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધારી છે. જો અમેરિકા તેની આયાત ડ્યુટીમાં મોટા ફેરફારો કરશે તો તેની અસર ભારતીય કંપનીઓ અને નિકાસકારોને પણ પડી શકે છે. આ આશંકાને કારણે વિદેશી રોકાણકારોએ તેમની વેચવાલી વધુ તીવ્ર બનાવી, જેના કારણે બજાર પર દબાણ વધ્યું છે.

ડૉલર સામે રૂપિયો ઓલ ટાઈમ લૉ 

બીજી બાજુ ડૉલરની સામે રૂપિયો ઓલ ટાઈમ લૉની સપાટીએ પહોંચી ગયો હતો. પહેલીવાર રૂપિયો 87ના લેવલને ક્રોસ કરી ગયો. શુક્રવારે રૂપિયાઓ 86.61 ના સ્તરે બંધ થયો હતો પણ આજે 41 પૈસાના મોટા કડાકા સાથે તે 87.02 પર ઓપન થયો જે ફેબ્રુઆરી 2023 બાદ સૌથી મોટો કડાકો મનાઈ રહ્યો છે. જોકે આ કડાકો ત્યાં જ ન રોકાયો અને રૂપિયો ડૉલર સામે 55 પૈસા તૂટીને 87.17ના લેવલને ક્રોસ કરી ગયો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વૉરને કારણે ડૉલર મજબૂત થઇ રહ્યો છે. ડૉલર ઈન્ડેક્સ 1.4% ની મજબૂતી સાથે 109.84 પર પહોંચી ગયો છે.