Home Blog Page 1181

મૉડર્ન રિલેશનશિપનું વરવું, પણ મોજીલું ઈમોજી!

આઠેક વર્ષ પહેલાં, ‘સિક્રેટ સુપરસ્ટાર’થી પોતાની છાપ અંકિત કરનાર અને તે પછી ‘લાલસિંહ ચઢ્ઢા’થી નિરાશ કરનારા ડિરેક્ટર અદ્વૈત ચંદન વેલેન્ટાઈન્સ મન્થમાં ‘લવયાપા’ લઈને આવ્યા છે, જે આજે મોટા પરદા પર રિલીઝ થઈ છે. ‘લવયાપા’ આજની ટિકટોક જનરેશનની રિલેશનશિપ, સ્માર્ટ ફોનના પગલે આવેલું સોશિયલ મિડિયા નામનું દૂષણ, ડીપ-ફેક જેવી ખતરનાર ટેક્નોલોજી, કોઈની કાયા વિશે શર્મનાક ભદ્દી ટિપ્પણીઓ કરવી (બૉડી શેમિંગ), વગેરેની વાત માંડે છે.

એન્ટરટેન્મેન્ટનાં બધાં પ્લેટફોર્મમાં આજે સૌથી વધારે ટાઈમ જેને આપવામાં આવે છે એ ઈન્સ્ટાગ્રામ રીલની જનરેશનને ગમી જાય એવો ફિલ્મનો પ્લોટ છેઃ મોબાઈલ ફોનની અદલાબદલી. લેખનમાં સોશિયલ મિડિયાની ફેવરીટ કૉમેડીની છાપ છેઃ બૉય વર્સીસ ગર્લ અથવા બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાંથી કોનાં વધારે સિક્રેટ છે, કોણ શું છુપાવે છે, કોણ સારું છે, કોણ ખરાબ.

2022માં આવેલી રાઈટર-ડિરેક્ટર પ્રદીપ રંગનાથનની તમિળ ફિલ્મ ‘લવ ટુડે’ની આ રિમેક માટે સ્નેહા દેસાઈએ પટકથા-સંવાદ લખ્યાં છેઃ દિલ્હીના અપર મિડલ ક્લાસનો ગૌરવ સચદેવા અથવા ગુચી અથવા બબ્બુ (જુનૈદ ખાન) અને એવા જ વર્ગમાંથી આવતી બાની શર્મા (ખુશી કપૂર)ની સોશિયલ મિડિયાની ફ્રેન્ડશિપ લવ સુધી પહોંચી છે. બબ્બુ આઈટી કંપનીમાં ડેવેલપર છે. એના ઘરે વાતે વાતે હાઈપર થઈ જતી મમ્મી (ગ્રુશા કપૂર) છે, મોટી બહેન કિરણ (તન્વિકા પરળીકર) છે, જેના ગોળધાણા ખવાયા છે, શરીરમાં ભારેખમ ભાવિ બનેવી ડૉ. અનુપમ (કિકુ શારદા) છે. પ્રેમિકા બાની (ખુશાલી કપૂર)ને પણ સારી જૉબ છે, પપ્પા અતુલકુમાર શર્મા (આશુતોષ રાણા) છે, એક નાનકી બહેન છે.

રિશીકેશ મુખર્જીની ‘ચુપકે ચુપકે’વાળા પ્યારે મોહન ઈલાહાબાદીની જેમ શુદ્ધ હિંદીમાં બોલતા, કડક મિજાજવાળા, સિદ્ધાંતવાદી સિતારવાદક પિતાશ્રીને દીકરીની રિલેશનશિપ વિશે જાણ થાય છે ને એ બબ્બુને ઘરે બોલાવે છે ત્યારથી ફિલ્મ ખરેખર સ્ટાર્ટ થાય છે. “કેમ છો, મજામાં” બાદ અચાનક શર્માજી, શરીરમાં નારદ મુનિ પ્રવેશ્યા હોય એમ, કહે છેઃ “એક દિવસ માટે તમે બન્ને ફોન એક્સચેન્જ કરો. પછી આપણે જોઈએ કે તમે એકબીજાને કેટલી સારી રીતે ઓળખો છો. અને હા, ફોન ખોલવા માટેનો પાસવર્ડ અથવા પૅટર્ન આપવાનું નહીં ભૂલતાં.”

અહીંથી શરૂ થાય ગડબડગોટાળાઃ બાનીની વૉટ્સેપ ચૅટ બબ્બુ વાંચે છે, એ એના એક્સ સાથે લેટનાઈટ ડ્રાઈવ પર ગઈ હોય છે, કોઈએ એને પ્રપોઝ કર્યું હોય છે, પ્રપોઝ કરનારની સાથે એણે ઈન્સ્ટા રીલ બનાવી હોય છે… સામે બબ્બુનાં ભોપાળાં પણ બહાર આવે છેઃ મોડી રાત સુધી એ મોબાઈલમાં શું જોયા કરે છે, કઈ કઈ મોબાઈલ ઍપ પર શું કરે છે, ઈન્સ્ટાગ્રામ પર કોના ડીએમમાં કેવા સંદેશા મોકલે છે, શૉર્ટ ફિલ્મ માટે ઓડિશનના બહાને છોકરીઓ સાથે મૈત્રી કરે છે. (બાય ધ વે, પ્રશાંત રંગનાથને પોતાની શૉર્ટ ફિલ્મ પરથી ‘લવ ટુડે’ બનાવેલી). સબ-પ્લોટમાં બબ્બુની બહેન કિરણ-ડૉ. અનુપમના સંબંધની તથા બાનીની ઓફિસના સોશિયલ મિડિયા પર પૉપ્યુલર એવા એક કલીગ-કમ-વનસાઈડ લવરની વાત છે.

જુનૈદની ‘મહારાજ’ (ઓટીટી પર) પછી આ બીજી અને મોટા પરદા પર પહેલી ફિલ્મ છે. તો ખુશી કપૂર (ઓટીટી પર) ‘ધ આર્ચીઝ’માં બેટ્ટી કૂપર બનેલી. હવે એ મોટા પરદા પર બબ્બુની બાની છે. બન્નેને બિગ સ્ક્રીન પર એન્ટ્રી કરાવવા માટે આ પરફેક્ટ ફિલ્મ છે, જે ટાઈમમાં વાર્તા કહેવામાં આવી છે એ પણ પરફેક્ટ છે. બન્નેની એક્ટિંગ ઠીકઠાક છે, પણ કોમિક ટાઈમિંગ જામી નહીં.

કિરણ રાવની ‘લાપતા લેડીઝ’નાં અપ્રતિમ લેખનથી પ્રસિદ્ધ થયેલાં સ્નેહા દેસાઈએ સોશિયલ મિડિયા જનરેશનની સમસ્યાના ઝટપટ ઉકેલ આપવાના પ્રયાસ કર્યા છે, જેમાં ઘણે અંશે એ સફળ થયાં છે. અમુક સીન, વનલાઈનર્સ મજેદાર છે, તો અમુક, જબરદસ્તીથી ખેંચાયેલા અને વરવા લાગે છે. જેમ કે ઘરમાં વીજપ્રવાહ ખોરવાતાં બાનીનો ફોન ચાર્જ કરવા બબ્બુ મરણિયો થાય છે, રાતે પાવરબૅન્ક શોધવા નીકળે છે, વરસાદમાં (બાનીના) ફોનને ખરાબ થતો બચાવવા પેન્ટમાં (પોસ્ટઑફિસમાં) ખોસી દે છે. ડીપફેકવાળો ક્લાઈમેક્સ વધુ સારો, ગળે ઊતરે એવો બની શક્યો હોત. જો કે એ વિશે ડિટેલમાં લખવા જતાં ફિલ્મ જોવાની મજા બગડી જાય એમ છે. તમે જોઈને નક્કી કરજો. ગીત-સંગીત સ્ટોરીને અનુરૂપ છે.

મને નવાઈ એ વાતની લાગી કે આજની યુવાપેઢીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી મૉડર્ન લવસ્ટોરીવાળી ફિલ્મમાં અમુક વાતો 1960, 1970ના દાયકાની ફિલ્મોમાં આવતા રૂઢિચુસ્ત અભિગમવાળા સીન-સંવાદ છેઃ બાની લવર બબ્બુને રાતે ગુડનાઈટ વખતે અમુક ટાઈપના પિક મોકલે છે, પણ એ ન તો બબ્બુને કિસ કરે છે, ન કરવા દે છે, હીરો વર્જિનિટીની ચર્ચા કરે છે… અરે યાર.

મૉડર્ન પ્રેમી યુગલ કેવી રીતે ઈમોશનલ મૅચ્યોરિટી હાંસલ કરે છે એની વાત માંડતી અને પ્રેમ જેવા નાજુક સંબંધમાં પરસ્પર વિશ્વાસ કેટલો મહત્વનો છે એની પર પ્રકાશ પાડતી ‘લવયાપા’ (લવ વત્તા સિયાપા) ખરેખર મીનિંગફુલ બની શકત, પણ એના બદલે એક ટિપિકલ, ઑર્ડિનરી રોમ-કૉમ બનીને રહી ગઈ છે. આનો અર્થ એ નહીં કે ફિલ્મ ખરાબ છે. હસતાં હસતાં એક ગંભીર શીખ આપી જતી ‘લવયાપા’ વીકએન્ડના મસ્ત માહોલમાં જોઈ શકાય.

ધરપકડ વૉરન્ટ મામલે અભિનેતા સોનુ સૂદે આપી સ્પષ્ટતા

લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં સોનુ સૂદ વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ પછી, અભિનેતા સોનુ સૂદે સત્તાવાર રીતે આ બાબત વિશે ખુલીને વાત કરી અને સત્ય જાહેર કર્યું. આ વોરંટ લુધિયાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે જારી કર્યું હતું. છેતરપિંડીના કેસ મામલે આજે સોનુએ તેના ભૂતપૂર્વ એકાઉન્ટ પર એક નોંધ શેર કરી જેમાં કહ્યું કે તેને આ કેસમાં ‘સાક્ષી’ બનવા માટે બોલાવવામાં આવ્યો હતો, જેની સાથે મારો કોઈ લેવાદેવા નથી. તેમણે આ મામલે કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી.

સોનુ સૂદે છેતરપિંડી કેસમાં સ્પષ્ટતા આપી

છેતરપિંડીના કેસમાં ધરપકડ વોરંટના સમાચાર મળ્યા બાદ અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું,’આપણે સ્પષ્ટ કરવું પડશે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા સમાચાર મારા માટે સનસનાટીભર્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો માનનીય અદાલત દ્વારા અમને ત્રીજા પક્ષ સાથે સંકળાયેલા કેસમાં સાક્ષી તરીકે સમન્સ મોકલવામાં આવ્યા હતા, જેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી. અમારા વકીલોએ જવાબ આપ્યો છે અને 10 ફેબ્રુઆરી, 2025 ના રોજ અમે બીજું નિવેદન આપીશું, જેમાં હું આ કેસમાં મારી નિર્દોષતાના પુરાવા પણ તમારી સમક્ષ રજૂ કરીશ.’

અંતમાં સોનુએ કહ્યું, “અમે ન તો બ્રાન્ડ એમ્બેસેડર છીએ અને ન તો આ બાબત સાથે કોઈપણ રીતે જોડાયેલા છીએ. આ ફક્ત મીડિયાનું ધ્યાન ખેંચવા માટે કરવામાં આવ્યું છે. તે દુઃખદ છે કે સેલિબ્રિટીઝને સરળતાથી નિશાન બનાવવામાં આવે છે. અમે આ મામલે કડક કાર્યવાહી કરીશું.” નોંધનીય છે કે આ કેસની આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ થવાની છે.

સોનુ સૂદ પર છેતરપિંડીનો આરોપ

આ વોરંટ લુધિયાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે જારી કર્યું હતું. સ્થાનિક વકીલ રાજેશ ખન્નાએ 10 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્ય આરોપી મોહિત શુક્લાએ તેમને રિજિકા કોઈનમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. આ કેસમાં કોર્ટે સોનુ સૂદને જુબાની આપવા માટે સમન્સ પાઠવ્યું હતું, ત્યારબાદ તે કોર્ટમાં હાજર થયો ન હતો અને તેના નામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મુંબઈના અંધેરી પશ્ચિમમાં આવેલા ઓશિવારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને સોનુ સૂદની ધરપકડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જો અભિનેતાના કામની વાત કરીએ તો તે છેલ્લે એક્શન થ્રિલર ફિલ્મ ‘ફતેહ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મથી તેમણે દિગ્દર્શક તરીકે પણ ડેબ્યુ કર્યું.

અલ્લુ અર્જુન બાદ આ સુપરસ્ટારની ફિલ્મને લઈ હંગામો

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-2’ના પ્રીમિયરમાં ઘણો હંગામો થયો હતો. આ ફિલ્મના પ્રીમિયરમાં ભીડમાં એક મહિલાનું મોત થયું હતું. આ સાથે એક બાળક પણ ઘાયલ થયું હતું. હવે ગુરુવારે વધુ એક સાઉથ સુપરસ્ટારની ફિલ્મની રિલીઝને લઈને હોબાળો મચી ગયો છે. આ સુપરસ્ટાર બીજું કોઈ નહીં પણ તમિલ અભિનેતા અજિત કુમાર છે.

અજિત કુમારની ફિલ્મ ‘વિધામુર્યાચી’ રિલીઝ થઈ ગઈ છે. ચાહકો તમિલનાડુમાં સવારે 4 વાગ્યાનો શો જોવા માટે આવ્યા હતા. અહીં, ચાહકોએ એક થિયેટરમાં જ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું. જોકે, આ ફટાકડાઓને કારણે કોઈ મોટી દુર્ઘટના બની નથી. પરંતુ સ્થળ પર હાજર થિયેટર સ્ટાફે આ દુર્ઘટના ટાળી દીધી. હવે તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. માગિઝ થિરુમેનીની ફિલ્મ વિદામુયાર્ચીમાં અજિત કુમાર અને ત્રિશા કૃષ્ણન મુખ્ય ભૂમિકામાં છે. તમિલનાડુના સિનેમા હોલમાં ભારે ભીડ જોવા મળી હતી. ફિલ્મનો પહેલો શો જોવા માટે અજિત કુમારના ચાહકો ઉમટી પડ્યા હતા. જોકે, એક થિયેટરમાં ઉત્સાહ ત્યારે વધ્યો જ્યારે અતિ ઉત્સાહી ચાહકોના એક જૂથે પરિસરની અંદર ફટાકડા ફોડવાનું નક્કી કર્યું.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે વીડિયો
હવે, ઇન્ટરનેટ પર ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં ફિલ્મ જોનારાઓ ફિલ્મની રિલીઝની ઉજવણી કરતા અને પોલીસ સાથે દલીલ કરતા પણ જોવા મળે છે. એક વીડિયોમાં, આપણે સ્ક્રીન પર એક મુખ્ય દ્રશ્ય ચાલી રહ્યું જોઈએ છીએ જ્યારે કેટલાક લોકો થિયેટરની અંદર ફટાકડા ફોડી રહ્યા છે. જેના કારણે થિયેટરમાં આગ લાગી હતી. જ્યારે સ્થાનિક પોલીસ પરિસ્થિતિને સંભાળવા માટે પહોંચી ત્યારે ઉત્સવનો માહોલ તરત જ ગરમ થઈ ગયો. અહેવાલો સૂચવે છે કે ચાહકો તેમની ઉજવણીને ધીમી કરવા તૈયાર ન હતા. કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે અથડામણ થઈ. કેટલાક વીડિયોમાં પોલીસને ભીડને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરતી જોઈ શકીએ છીએ. જ્યારે અન્ય લોકો દલીલ કરી રહ્યા છે. એક પોલીસકર્મી એક ચાહકની ટી-શર્ટ પકડતો દેખાય છે. એક માણસ પોલીસને શાંત પાડતો જોઈ શકાય છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ચાર્જ સંભાળ્યો
બીજા એક વીડિયોમાં પોલીસ એક ચાહકને શાંત રહેવાનું કહેતી જોવા મળે છે. જ્યારે તે અજિતનું નામ લેવાનું બંધ કરતો નથી. થિયેટરોમાં ફિલ્મના ગીત સાવડિકા પર ચાહકો ડાન્સ કરતા હોય તેવા ઘણા વીડિયો પણ છે. એક ક્લિપમાં ચાહકો કોન્ફેટી ફેંકતા, શર્ટ ઉતારતા અને અજિત અને ત્રિશાના ગીત પર નાચતા જોવા મળે છે. વિદામુયાર્ચી એ 1997ની અમેરિકન ફિલ્મ બ્રેકડાઉનનું તમિલ રૂપાંતર છે.

બ્રહ્મચર્ય: દિવ્યતાનો માર્ગ

પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માએ સાફ સ્વચ્છ પાવન વ્યક્તિત્વ બનાવવા માટે ઈશ્વરીય જ્ઞાન તથા રાજયોગ દ્વારા વિવિધ વિકારો થી મૂર્છિત રાજા સાગરના તમામ વીરપુત્રોને જગાડી દીધા. આ આધ્યાત્મિક ક્રાંતિના બીજ જ્યારે બાળ મનમાં પ્રગટે ત્યારે તેમનામાં ધ્રુવ તથા પ્રહ્લાદની જેમ શ્રેષ્ઠ કાર્ય પ્રત્યે અડોલતા તથા નિશ્ચય આવી ગયો. યુવકોએ સનતકુમાર જેવા, કન્યાઓએ કલ્યાણી તથા માતાઓએ સરસ્વતી-અનસોયા જેવા બનવા બનવાનું લક્ષ રાખ્યું. વૃદ્ધોના ચહેરા પર તેજ દેખાવા લાગ્યું.

સંસારમાં અનેક પિતાઓ આવ્યા, ધર્મ સ્થાપન થયા પરંતુ સ્ત્રીઓની બેડીઓ તોડી તેને સ્વમાનના સિંહાસન પર બેસાડ્યા નહીં. માતાઓની આધ્યાત્મિક શક્તિઓને ઓળખી કોઈ એ તેમને વિશ્વ સેવા માટે નિમિત્ત ન બનાવ્યા. જ્યારે પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માએ સંસાર સામે આઠમી અજાયબી રજુ કરી. લોકો કહે છે કે બે-ચાર માતાઓ એક સાથે રહી ન શકે. જ્યારે પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માએ આ કરી બતાવ્યું. જેને પગની જુતી સમજતા હતા તે નારીને જગત કલ્યાણ જગતનું કલ્યાણ કરવા વાળી જગત માતા બનાવી દીધી.

સ્વામી વિવેકાનંદ એ પડકાર ફેંક્યો હતો કે મને જો ફક્ત 100 બ્રહ્મચારી મળી જાય તો હું સૃષ્ટિ પર સ્વર્ગ લાવી દઈશ. પરંતુ તેમના જીવનકાળ દરમિયાન આ લલકાર સ્વપ્ન સમાન બની રહ્યો. પરંતુ પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માએ નિમિત બનીને જે ક્રાંતિની શરૂઆત કરી તે અદ્વિતીય છે. અહીં વ્યસન મુક્ત, ચરિત્રવાન તથા બ્રહ્મચારી યુવકો રૂપી હંસોની મોટી લાઈન છે. આ પ્રકારના યુવકોની સંખ્યા એક લાખ થી પણ વધુ છે. આ પ્રકારનું ક્રાંતિકારી પગલું યુવકોએ કોઈ ઘરબારનો ત્યાગ કરીને નહીં પરંતુ પરિવારોની સાથે રહીને કરી બતાવેલ છે.

 

આ યુવકોમાંથી ઘણાએ લગ્ન કરેલા છે. પત્ની સાથે રહેવા છતાં તેઓ પવિત્રતાનું પાલન કરે છે. તથા ઘણા યુવકોએ લગ્ન કરેલ નથી. જેઓ પોતાના માતા-પિતા કે સંબંધીઓ સાથે રહે છે. તેઓ વિભિન્ન વ્યવસાયોમાં કાર્યરત હોવા છતાં સમાજમાં રહીને કમળફુલ સમાન પવિત્ર જીવન જીવે છે. આબુમાં તાજેતરમાં જ આયોજિત એક આધ્યાત્મિક સંમેલનમાં કરનાલથી પધારેલ સરદાર નરૂલાજીએ આ સંસ્થા સાથે પોતાના સંપર્કના એક સુંદર પ્રસંગનું વર્ણન કર્યું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના સંગીતમાં નિક જોનાસે મચાવી ધમાલ

મુંબઈ: નિક જોનાસ આખરે તેની પત્ની પ્રિયંકા ચોપરાના ભાઈના લગ્નને માણવા મુંબઈ પહોંચી ગયો છે. સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાયના સંગીત સમારોહમાં આ સેલિબ્રિટી કપલ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. હવે, અમેરિકન ગાયક નિકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના પિતા પોલ કેવિન જોનાસ સાથે પર્ફોર્મન્સ આપતો જોઈ શકાય છે. પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્નની ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે. હલ્દી અને મહેંદી સમારોહમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા પછી, માતા કી ચોકી પર આશીર્વાદ લીધા. હવે સંગીત સમારોહની સુંદર ઝલક સામે આવી છે.

નિક જોનાસે તેના સાળાના લગ્નમાં ધૂમ મચાવી

નિક જોનાસે તેની પત્ની સાથે સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાયના સંગીત સમારોહમાં હાજરી આપી હતી અને આ ખાસ પ્રસંગે નિકે ધમાકેદાર પર્ફોર્મન્સ આપીને બધાનું દિલ જીતી લીધું હતું. વાયરલ વીડિયોમાં ગાયક-અભિનેતાએ સ્ટેજ પરના કેટલાક સૌથી લોકપ્રિય ગીતો તેમના સાળાને ડેડિકેટ કરતા દેખાય છે. તેમની સાથે તેમના પિતા પોલ કેવિન જોનાસ પણ હતા, જેમણે તેમના પુત્ર સાથે સિન્થેસાઇઝર વગાડ્યું.

 

View this post on Instagram

 

A post shared by Patty Cardona (@jerryxmimi)

 

View this post on Instagram

 

A post shared by Patty Cardona (@jerryxmimi)

પ્રિયંકા ચોપરાએ તેના ભાઈના લગ્નમાં ખૂબ ડાન્સ કર્યો

સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાયના સંગીત સમારોહમાં બોલિવૂડની દેશી ગર્લ તેના પરિવાર સાથે ડાન્સ ફ્લોર પર ધૂમ મચાવતી જોવા મળી હતી. નિક તેની પત્ની પ્રિયંકાને ઉત્સાહિત કરતો અને સ્ટેજ પર ગાતો જોવા મળ્યો. આ દરમિયાન અભિનેત્રીએ તેના ઘણા બોલિવૂડ ગીતો પર પણ પરફોર્મ કર્યું. 6 ફેબ્રુઆરી, 2025 ના રોજ, નિક જોનાસ તેના સાળાના લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ આવ્યો. કપલના લુક વિશે વાત કરીએ તો, બી-ટાઉન દિવા પ્રિયંકાએ લાઈટ મેકઅપ, ખુલ્લા વાળ અને ડાયમંડ નેકપીસ પહેરીને પોતાનો લુક પૂર્ણ કર્યો. તેના ભાઈના સંગીત સમારોહમાં અભિનેત્રીનો ટ્રેડિશનલ લુક જોવા જેવો હતો. તેણીએ બ્લુ રંગનો ચમકતો લહેંગા પહેર્યો હતો. જ્યારે નિક જોનાસ મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યો હતો. તે પણ બ્લુ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો.

પાટીદાર યુવાનો સામેના કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલે આભાર માન્યો

ગાંધીનગર: 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટાં નેતાઓ પણ ઉભરી આવ્યા હતાં. જો કે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસો તેમજ રાજદ્રોહ સહિતની વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ પણ નોંધવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માગ કરવામાં આવી રહી છે. પરંતુ, આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા ન હતાં. જો કે, હવે 10 વર્ષ બાદ અનામત આંદોલનથી ઉભરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી એવો સંદેશ આપ્યો છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારે આ ગુનાઓ પરત ખેંચી લીધા છે.

આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ પણ સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો મુખ્યમંત્રીએ પરત લેતા તેઓનો આભાર વ્યક્ત કર્યો છે. તો લાલજી પટેલે સરકારનો આભાર માની અનામત આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવાની માગ કરી હતી. જોકે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

અનામત આંદોલનને લઈને અનેક જગ્યાએ ઉગ્ર માગ સાથે તોડફોડ થઈ હતી. પાટીદાર અનામત આંદોલન ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તોફાનો થયા હતા જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત અને પાટીદાર યુવકોના મોત થયા હતા. જેના પગલે તમામ આંદોલનકારીઓ હાર્દિક પટેલ, દિનેશ બામણીયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિતના કેસો લાગ્યા બાદ તેમની ધરપકડ પણ થઈ હતી.

તમામ કેસો પરત ખેંચવા લાલજી પટેલની માગ

સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના અધ્યક્ષ લાલજી પટેલે આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે, “મોડે-મોડે પણ સરકાર જાગી તે સારી બાબત છે. પાટીદાર અનામત આંદોલન કોઈ વ્યક્તિગત હિત માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના હિત માટે હતું.  આંદોલન દરમિયાન અનેક યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા હતા. હું મુખ્યમંત્રીને અપીલ કરી છું કે રાજદ્રોહના કેસોની સાથે-સાથે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તમામ કેસો પણ પરત ખેંચવામાં આવે.”

‘કેસોની યાદી બે મહિના પહેલા સરકારને આપી હતી’ : અલ્પેશ કથીરીયા

પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે.તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અને કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ સમર્થન આપતાં જણાવ્યું હતું કે, સરકારે કેસો પરત ખેંચ્યા છે. બે મહિના પહેલા જ અમારી પાસેથી યાદી મંગાવવામાં આવી હતી. કુલ 14 કેસો પરત ખેંચવામાં આવ્યા છે.

કુલ 14 કેસ પરત ખેંચાશે

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, અતિ ગંભીર પ્રકારના લગભગ 14 કેસો સરકાર દ્વારા પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સત્તાવાર રીતે સરકાર દ્વારા યાદી પણ જાહેર કરવામાં આવશે. 8 કેસ અમદાવાદના છે, 2 કેસ સુરતના, 3 કેસ ગાંધીનગરના અને 1 કેસ મહેસાણાનો છે. આ મળી કુલ 14 જેટલા કેસો પરત ખેંચવામાં આવશે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સત્તાવાર રીતે આજે સાંજ સુધીમાં જાહેરાત થઈ શકે છે. પરંતુ શનિ-રવિના દિવસો આવતા હોવાના કારણે કદાચ સોમવાર સુધીમાં નિર્ણય લઈ શકાય છે. સરકાર દ્વારા કદાચ શનિવારે સાંજ સુધીમાં યાદી જાહેર કરવામાં આવે. અમારી ઉપરના જે ગંભીર પ્રકારના કેસો માત્ર બે જ છે, પરંતુ પબ્લિક ઉપરના 12 અન્ય કેસો છે, જે સૌથી વધુ લોકો ભેગા થયા ત્યારે કરવામાં આવ્યા હતા. ટોળા ઉપર આ કેસો નોંધાયા હતા.

VIDEO: મહાકુંભમાં ફરી આગ લાગી, સંગમ કિનારે ફાયરની અનેક ગાડીઓ પહોંચી

પ્રયાગરાજ: મહાકુંભમાં એક પછી એક દુર્ઘટનાઓના અહેવાલ સતત સામે આવતા રહે છે. શુક્રવારે ફરી એકવાર મહાકુંભમાં આગ લાગવાના દુર્ઘટના બની છે. આ વખતે સંગમ કિનારે શંકરાચાર્ય માર્ગ પર સેક્ટર 18માં 3 ટેન્ટ બળીને ખાક થઈ ગયાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. ભીડને સ્થળ પરથી દૂર કરવામાં આવી રહી છે. ચારે બાજુ બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે, આગ લાગવા પાછળનું શું કારણ હતું, તે હજુ સુધી જાણી શકાયું નથી. આ પહેલા 19 જાન્યુઆરીએ પણ આગ લાગી હતી. તે સમયે ગીતા પ્રેસના 180 કોટેજ બળી ગયા હતા.

3 ટેન્ટ બળીને ખાક 

એક ચર્ચા અનુસાર આ વખતે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું કહેવાય છે. જો કે આ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં 3 ટેન્ટ આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આજે મહાકુંભનો 26મો દિવસ છે. શુક્રવારે સંગમ ખાતે ભક્તોની ભીડ હોય છે. શનિવાર અને રવિવારે ભીડ વધી શકે છે. આ જોઈને વહીવટીતંત્ર ફરી સતર્ક થઈ ગયું. ભીડ પર નજર રાખવામાં આવી રહી છે.

આ લડાઈ તમે જીતી જાઓ તો…

પંદર મહિનાની ભીષણ લડાઈ બાદ ગયા મહિને ઈઝરાયલ-હમાસે ગાઝામાં યુદ્ધવિરામ લીધો, જ્યારે રશિયા-યુક્રેનની લડાઈને ત્રણ વર્ષ થયાં, જેમાં હજારો નિર્દોષ માર્યા ગયા. જગતના માંધાતા ગણાતા દેશ આ વિસ્તારોમાં શાંતિ સ્થાપવાના અથાક પ્રયાસ કરી રહ્યા છે.

યુદ્ધ શબ્દ સાંભળતાં જ આપણને મહાભારતના યુદ્ધની કે ભારત-પાકિસ્તાન કે ફર્સ્ટ વર્લ્ડ વૉર કે સેકન્ડ વર્લ્ડ વૉર યાદ આવે. જો કે આ બધાં યુદ્ધો તો એક સમયે સમાપ્ત થયાં, પરંતુ એક યુદ્ધ એવું છે, જેનો ક્યારેય અંત આવતો નથી. એ છે આપણી અંદર ચાલતું મન સાથેનું યુદ્ધ.

ઈશ્વર જ્યારે મનુષ્યને આ પૃથ્વી પર મોકલે છે ત્યારે એની સાથે જાતજાતની ઈચ્છા, અપેક્ષા, સપનાં પણ મોકલે છે. આ બધાંની સાથે ઈશ્વર માણસની અંદર તરવરાટ, બુદ્ધિ, શક્તિ, ઉત્સાહનો ધસમસતો પ્રચંડ પ્રવાહ પણ મૂકે છે, પરંતુ મન રૂપી શત્રુ એને લક્ષ્ય સુધી પહોંચવા દેતો નથી. રાત્રે નક્કી કરે કે સવારે વહેલા ઊઠવું જ છે, પણ ઍલાર્મ વાગે ત્યાં મન એને ઊઠવા નથી દેતું, પાંચ-દસ મિનિટમાં કંઈ ખાટુંમોળું નથી થવાનું. સૂઈ રહે. મનની આ યુક્તિથી છેતરાઈને એ કલાક ખેંચી નાખે છે.

કોણ છે એ જે સંકલ્પ લેતી વખતે આડો આવીને ‘આજે નહીં, આવતી કાલથી…’ એમ કહીને છેતરી જાય છે? વજન ઉતારવા પરેજી પાળે છે ને બુફેની ડિશમાં બે મીઠાઈ, બે ફરસાણ, લાઈવ પિઝા આવતાં જ સંકલ્પ હવામાં ઓગળી જાય છે. એ છે, જે શુભ સંકલ્પને પરાસ્ત કરતાં કહે છેઃ ‘આજે ખાઈ લે, પછી કાલથી જોઈ લઈશું,’ પણ એ કાલ આવતી જ નથી.

આટલું વાંચીને તમને થશે કે આ તો મારી જ વાત. હા, આપણો શત્રુ આપણી અંદર જ છે. જે સતત આપણી પ્રગતિને રૂંધી રહ્યો છે, આપણને નીચે તરફ ખેંચી રહ્યો છે. આપણી પાયમાલી જ તેનું લક્ષ્ય છે. આ છે મન સાથેનું યુદ્ધ. ભગવાન સ્વામિનારાયણ પોતાના વચનામૃતમાં આ બાબતનો ઉલ્લેખ કરતાં કહે છે કે, જેણે મન જીત્યું, તેણે જગત જીત્યું.

જો તમારે જિંદગીની બાજી જીતવી હશે તો પહેલાં જાત સાથેનું યુદ્ધ જીતવાથી શરૂઆત કરવી પડશે, બહારના શત્રુઓ માટે જેટલા ગંભીર છીએ તેટલા અંદરના, મનના શત્રુ સામે લડવા થવું પડશે. પ્રતિ ક્ષણ ખેલાતા આ આંતરિક યુદ્ધમાં જીતતા જશો તો બહારની દુનિયામાં તમારો વિજય નિશ્ચિત છે.

એવું નથી કે સફળ માણસોને વહેલા ઊઠવું, એક્સરસાઈઝ કરવી, સારાં પુસ્તકનું વાંચન કરવું, મહેનત કરવી, વગેરે બહુ ગમતું હોય છે. તકલીફ તો તેમને પણ પડે છે, પરંતુ જાત ઉપર કઠોર થઈને તેઓ મનનું ધાર્યું થવા દેતા નથી.

તમે સવાલ કરશો કે, મન સામે લાચારીની હકીકત અમે જાણીએ છીએ, પણ આ યુદ્ધમાં વિજય કેવી રીતે પ્રાપ્ત થાય? જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે કૌન્તેય, અભ્યાસ અને વૈરાગ્યથી મન વશ કરી શકાય છે.

અભ્યાસ એટલે લક્ષ્ય તરફ દોરી જતી સારી ટેવોનું, કાર્યોનું પુનરાવર્તન અને વૈરાગ્ય એટલે લક્ષ્યથી વિચલિત કરતી વસ્તુઓથી દૂર રહેવું. આ રહસ્ય છે મનને જીતવાનું, જિંદગીને જીતવાનું. Change your Habits, Change your Life પુસ્તકમાં ટોમ કોર્લી નામના લેખકે 233 જાતમહેનતે ધનાઢ્ય બનેલી 233 વ્યક્તિનાં જીવનનો પાંચ વર્ષ અભ્યાસ કરીને ચેન્જ યૉર લાઈફ નામનું પુસ્તક પ્રકાશિત કરેલું. એ કહે છે કે આ બધા લોકોનાં જીવનમાં ચાર બાબત સમાન જોવા મળીઃ નિયમિત સવારે વહેલા ઊઠવું, નિયમિત એક્સરસાઈઝ કરવી, નિયમિત વાંચન કરવું અને માત્ર ટાઈમ બગાડે એવી ચીજોથી દૂર રહેવું. આ તારણ શ્રીકૃષ્ણ ભગવાને બતાવેલા રહસ્યની સાક્ષી પૂરે છેઃ સતત અભ્યાસ અને ધ્યેયથી દૂર લઈ જતાં પરિબળોથી વૈરાગ્ય.

ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે, દેહે કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય છે.’

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. સોનુ સૂદને હવે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. સોનુ સૂદનો મામલો 10 લાખ રૂપિયાના છેતરપિંડી સાથે જોડાયેલો છે. લુધિયાણાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.

લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્ના દ્વારા મોહિત શુક્લા નામના વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરાયેલા 10 લાખ રૂપિયાના છેતરપિંડીના કેસના સંદર્ભમાં આ સમન્સ જારી કરવામાં આવ્યું છે. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે તેને નકલી રિઝિકા સિક્કામાં રોકાણ કરવાની લાલચ આપવામાં આપી હતી. સોનુ સૂદને જુબાની માટે કોર્ટમાં બોલાવવામાં આવ્યો હતો. અભિનેતા કોર્ટમાં જુબાની આપવા માટે હાજર ન થયા બાદ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આદેશમાં લખ્યું છે કે,’સોનુ સૂદનો સમન્સ અથવા વોરંટ મોકલવામાં આવ્યું પણ તે હાજર થયા નથી.હવે તમને સોનુ સૂદની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે સોનુ સૂદ જાન્યુઆરી મહિનામાં પોતાની ફિલ્મને લઈને ખૂબ જ સમાચારમાં રહ્યા છે. સોનુ સૂદની ફિલ્મ ફતેહ ગયા મહિને 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરી શકી ન હતી, પરંતુ લોકોને સોનુ સૂદ ખૂબ ગમ્યો. આ ફિલ્મનું દિગ્દર્શન ખુદ સોનુ સૂદે કર્યું હતું. આ ફિલ્મમાં સોનુ સૂદે હીરો તરીકે જોરદાર એક્શન બતાવ્યું. આ ફિલ્મમાં સોનુ સૂદ સાથે જેકલીન ફર્નાન્ડીઝ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જોવા મળી હતી. સોનુ સૂદની આ ફિલ્મ એક્શનથી ભરપૂર હતી. આ પછી પણ, તે બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી નહીં.

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે પોતાની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. સલમાન ખાનની સામે ફિલ્મ દબંગમાં ખલનાયક તરીકે સોનુ સૂદે પોતાના દમદાર અભિનયથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.સોનુ સૂદ તેની ફિલ્મો તેમજ તેની ઉદારતા માટે ખૂબ જ લોકપ્રિય છે. કોરોના મહામારી દરમિયાન સોનુ સૂદે લાખો લોકોને મદદ કરી હતી. સોનુ સૂદે ઘણા કામદારોને તબીબી સહાય સાથે ઘરે મોકલવા માટે ઘણા પૈસા ખર્ચ્યા. સોનુ સૂદ આ બધી મદદ તેના સોશિયલ મીડિયા પર પણ શેર કરતો હતો.

વંદે ભારત…

ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં સેલ્સ પાર્ટનર્સ મીટ હતી. હવે મોટા ભાગની મિટિંગ્સ ઝૂમ અને ટીમ્સ પ્લેટફોર્મ્સ પરથી થાય છે. આ નિમિત્તે થેન્ક યુ. બે વર્ષ પૂર્વે સેન હોજેમાં `ઝૂમ’ હેડક્વાર્ટર્સના બિલ્ડિંગની બહાર કાર થોભાવીને ઊતરી અને તે વાસ્તુને મન:પૂર્વક નમસ્કાર કર્યા. કોવિડનાં બે વર્ષમાં આપણને એકબીજા સાથે સંપર્કમાં રાખવામાં `ઝૂમ’ ભગવાનની જેમ મદદે આવ્યું. આમ જોવા જોઈએ તો અમે આવું ગાંડપણ કરીએ છીએ. એટલે કે હું અને સુનિલા કાર હાયર કરીને એપલ, ગૂગલ કેમ્પસની મુલાકાત લઈએ અથવા પ્રદક્ષિણા કરીને પાછાં આવીએ. કેલિફોર્નિયાના ક્યુપરટિનોમાં એપલના હેડક્વાર્ટર્સના શોરૂમમાં જઈને ત્યાં યુ.એસ.એ. ટુરની યાદગીરી તરીકે નવું કાંઈક, અર્થાત જરૂરતનું વેચાતું લઈએ. ભલે આ કંપની સંપૂર્ણપણે કમર્શિયલ હોય,`ધે મીન બિઝનેસ!’ એવી હોઈ શકે, પરંતુ તેમણે પોતાનું આયુષ્ય એટલું આસાન કરી નાખ્યું છે કે, મને આ આધુનિક તીર્થધામ લાગે છે અને પછી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અમે તેમનાં દર્શન કરીએ છીએ.અમારા સેલ્સ પાર્ટનર્સની મીટમાં જેમને આવવું હોય તેઓ આવે છે અને વર્ચ્યુઅલ મિટિંગ્સનો ડિટોક્સ લીધો હોય તેમ અમે ત્રણ-ચાર કલાક એકબીજા સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીએ છીએ. આવા આ પ્રત્યક્ષ સંવાદની તક ઓછી મળતી હોવાથી તેમાં એક પ્રકારનો સંતોષ હોય છે. તેમના પ્રશ્ન અને અમારા ઉત્તરો એવો સામાન્ય રીતે એજન્ડા હોય છે. એક અર્થમાં આ `નો એજન્ડા’ મિટિંગ્સ હોય છે. `પ્રત્યક્ષ એકબીજાને મળીને, વાતો કરીએ અને પછી જો કોઈ પ્રશ્ન હોય તો તેનો ઉકેલ લાવીએ,’ એટલી જ અપેક્ષા હોય છે. આ સંવાદ ચાલતો હતો ત્યારે એક પાર્ટનરે કહ્યું, `આપણે ટ્રેનથી ટુર્સ કેમ કરતા નથી?’ અમે કશું કહીએ તે પૂર્વે અન્ય એકે કહ્યું, `નહીં-નહીં આજકાલ કોઈ પણ ટ્રેનથી જવા માગતા નથી. એટલો સમય ક્યાં હોય છે?’ ઘણા બધાએ `હા સાચી વાત છે’ એમ કહીને માથું હલાવ્યું. તે સમયે એક અવાજ આવ્યો, `અરે પણ તમે `વંદે ભારત’ ટ્રેનથી ગયા છો ક્યારેય? શું મસ્ત ટ્રેન્સ છે. રુઆબદાર, ક્લીન, હાઈસ્પીડ, ઓટોમેટેડ ડોઅર્સ, ફાયર સેન્સર્સ, સી.સી.ટી.વી. કેમેરા, વાયફાય ફેસિલિટી, બટરી બેક અપ, જી.પી.એસ. એમ મસ્ત સરંજામ ધરાવતી આ ટ્રેન્સ ખરેખર બહુ સરસ છે.’ અને પછી શરૂ થયો વંદે ભારત ટ્રેન્સ પરસંવાદ. દરેક જણ આ ટ્રેન્સ વિશે પોતાનો મત નોંધાવતા હતા.

સૌથી મહત્ત્વની વાત મને એ જણાઈ કે આ વંદે ભારત ટ્રેન્સ પ્રત્યે બધાના મનમાં અભિમાન હતું. એટલે કે, અહીં કાળચક્ર ઊલટુ ફરતું દેખાયું. એક જમાનો હતો જ્યારે અમે અને પર્યટકો ફક્ત ટ્રેનથી પ્રવાસ કરતાં. આ પછી ટ્રેન કે વિમાન એવો વિકલ્પ ઉપલબ્ધ થયો. જોકે બનતું એવું કે ટ્રેનથી આવનારા પર્યટકો અને વિમાનથી આવનારા પર્યટકો વચ્ચે પર્યટકોમાં ભેદભાવ દેખાતો. એટલે કે ટ્રેનથી આવનારા પર્યટકોમાં તે દેખાતો. સેકન્ડ ક્લાસમાં હોય તે નીચેનો અને એસીમાં હોય તે ઉપરનો ક્લાસ. તે જ પછી વિમાનની બાબતમાં થયું. જે ટ્રેનમાં એ.સી.માં આવે તે નીચેનો થયો ને જે વિમાનથી આવ તો તે ઉપરનો ક્લાસ. અગાઉ જ્યારે ટ્રેન અને વિમાનથી આવેલા પર્યટકો એક જ ટુરમાં ભેગા થતા ત્યારે વિમાનથી આવેલા પર્યટકમાંથી અમુક એરલાઈન્સનો ટેગ પર્સ અથવા બેગ પર યથાવત રાખી મૂકતા. કારણ કે અન્યોને બતાવવાનું હોય છે કે તેઓ વિમાનમાંથી આવ્યા છે. ધીમે-ધીમે સમય મહત્ત્વનો બન્યો અને વિમાન પ્રવાસ જીવનની એક મહત્ત્વની જરૂરિયાત બની. ટ્રેનનો પ્રવાસ અમે ભૂલી ગયાં અને પ્રવાસીઓ પણ. ટ્રેનથી જવાનું સમય માગી લેનારું હોવા સાથે સ્વચ્છતા, ભોજનની બાબતમાં મધ્યમ વર્ગને એરપોર્ટસ અને ત્યાંની એકદર ફેસિલિટીઝે મોહિત કર્યા. અર્થાત રાજધાની એક્સપ્રેસ,શતાબ્દિ એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, ગતિમાન, દુરાંતો એમ મસ્ત-મસ્ત ટ્રેન્સે લોકોના મનમાં રેલવે પ્રત્યેનો આદર જીવંત રાખ્યો હતો અને હવે વંદે ભારતે તો કમાલ કરી બતાવી. લોકોનો રેલવે પરનો વિશ્વાસ વધ્યો. બલકે, ટ્રેનથી જવામાં તેમને અભિમાન લાગવા માંડ્યો. ઘેર-ઘેર, ફ્રેન્ડ્સમાં વંદે ભારત પર ચર્ચા થવા લાગી. `વંદે ભારતનો પ્રવાસ’ એક એસ્પિરેશન બની ગયો અને લોકો રેલવે તરફ વળ્યા. ટ્રેનમાં ફરતી વખતે જે નીચાપણું મહેસૂસ થતું હતું તે ઓછું થયું. વિદેશમાં ટ્રેન અને વિમાનમાં ભેદભાવ કરાતો નથી. એકથી અન્ય જગ્યાએ જતી વખતે `સૂટેબલ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ’ એટલું જ તેમને ત્યાં જોવામાં આવે છે. આ નીચાપણું, તે મોટાપણું એવો વિચાર નથી હોતો અને આવું જ હોવું જોઈએ. તે આ વંદે ભારત એક્સપ્રેસની બાબતમાં બની રહેલું જોવા મળે છે. `હું ટ્રેનથી જઈ રહ્યો છું, હું વંદે ભારતથી જઈ રહ્યો છું, મેં તેજસ એક્સપ્રેસ બુક કરી છે ફેમિલી માટે’ એવું ચિત્ર દેખાય છે. રેલવેનો પ્રવાસ ફરી એક વાર સ્ટેટસ સિમ્બોલ બનવા લાગ્યો. થેન્ક યુ ટુ શ્રી સુધાંશુ મણિ અને તેમની ટીમ, જેમણે `મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત આ ટ્રેન પ્રત્યક્ષ સાકાર કરી. આપણા સન્માનનીય વડા પ્રધાને સતત `આત્મનિર્ભર ભારત’ દ્વારા આ પ્રકલ્પને પ્રોત્સાહન આપ્યું અને આજે 136 વંદે ભારત એક્સપ્રેસ ભારતમાં આપણને એકથી અન્ય ઠેકાણે લઈ જાય છે અને આવી પાંચસો ટ્રેન્સ દોડાવવાનો તેમનો સંકલ્પ છે. આમાં હવે સ્લીપર ટ્રેન્સ પણ આવી રહી છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે વંદે ભારતે પ્રવાસીઓને ફરીથી રેલવે તરફ આકર્ષિત કર્યા છે. ભારતીયોમાં રેલવેનું આકર્ષણ જગાવ્યું છે. રેલવે વિશે તેમના મનમાં અભિમાન જાગૃત થયો છે.એકાદ બાબતનું આકર્ષણ હોવું, આકર્ષિત થવું તેવી પરિસ્થિતિ નિર્માણ કરી શકાય છે. સિચ્યુએશન્સ કેન બી ટર્ન્ડ અકાઉન્ડ, એ આપણને વંદે ભારત ટ્રેને બતાવી આપ્યું છું. `અરે યાર, આ વખતે મને બોરિંગ ટ્રેનથી જવું પડવાનું છે’ તેને બદલે `અરે તને ખબર છે હું વંદે ભારતથી જવાનો છું. શું મસ્ત ટ્રેન છે. ટૂ ગૂડ એક્સપીરિયન્સ, મને આજકાલ વિમાન કરતાં ટ્રેન જ સારી લાગે છે.’ આ પરિવર્તન લાવવાની ક્ષમતા આપણા જ દેશે, આપણા જ માણસોએ બતાવી દીધી છે. `આય હેવ ટૂ’પરથી `આય વોન્ટ ટુ’ તરફ આપણને દોર્યા છે.

સેલ્સ પાર્ટનર્સની મિટિંગે મને વિચારમાં મૂકી દીધી. આ એક ટ્રેને પરિસ્થિતિ બદલી, મન:સ્થિતિ બદલી. આકર્ષણ નિર્માણ કર્યું. મારા ઘરની બાબતમાં હું વિચાર કરવા લાગી. મને ઘરનું આકર્ષણ હોય છે ખરું? વર્ષમાં છ મહિના હું મહારાષ્ટ્રની બાહર અથવા દેશની બાહર હોઉં છું. મને વિદેશમાં જ રહેવાનું ગમે છે કે પોતાના ઘરે આવવાનું આકર્ષણ હોય છે? અને જો મને મહેસૂસ થાય કે મને બહાર ફરવાનું ગમે છે, ઘરે આવવાનું મન નથી તો મારે જાગી જવું પડશે, મારા ઘરનું મને આકર્ષણ શા માટે નથી તેનું કારણ મારે શોધી કાઢવું પડશે? ઘર અસ્વચ્છ છે તેથી? ઘર વાસણોનો ડેપો છે તેથી? ઘરના માણસો મારું સાંભળતાં નથી તેથી? ફક્ત પોતાને જ નહીંપણ મારા ઘરના માણસોને ઘર આવવાનું મન થાય છે કે નહીં તે પણ ચેક કરવું જોઈએ. અને પછી બધાએ મળીને પ્રયાસ કરીને રેલવેની જેમ સિચ્યુએશન બદલવી જોઈએ. ઘરનું આકર્ષણ હોવું જ જોઈએ એવું મને લાગે છે. મારા ઘરને, મને સંભાળનારી વર્ષા અને શ્રુતિને તેમના ઈન્ડકશનમાં કહેવાયું કે, `તમારે એક જ ધ્યાનમાં રાખવાનું છે કે એક જ ઘર છે આપણું અને તે `ઘર એક મંદિર’ જેવું આપણે સાચવવું જોઈએ, રાખવું જોઈએ.’જે ઘરની બાબતમાં છે તે જ સ્કૂલની બાબતમાં છે. અહીં પણ આપણે ચેક કરવું જોઈએ કે સ્કૂલમાં જવાનું આકર્ષણ આપણા બાળકોને છે કે નહીં? તેમને સ્કૂલ ગમે છે કે નહીં? સ્કૂલમાં જવા બાળકોમાં તેટલો જ ઉત્સાહ હોય છે કે નહીં? અને અહીં સ્કૂલનું મોટે ભાગે આકર્ષણ થાય તે માટે કામ કરવું જોઈએ. બાળકો સ્કૂલમાં જવા કંટાળો કરતા હોય તો તેનું આત્મપરીક્ષણ કરવું જોઈએ. કાંઈક એવું કરવું જોઈએ કે બાળકો સ્કૂલમાં જવા માટે આકર્ષિત થાય. બાળકોએ ખુશીથી સ્કૂલમાં જવું જોઈએ અને સ્કૂલ પતી ગયા પછી તેમને ઘરે આવવાનું પણ મન થવું જોઈએ.

રોજ સવારે ઓફિસમાં જવાનું મન હોય અને સાંજે ઘરે આવવાનું મન હોય તે રીતે આપણે આપણું કરિયર, આપણું ઘર અને આપણું જીવન સારી રીતે કેળવ્યું છે એમ કહી શકાય. અને આ બાબત આપોઆપ થતી નથી. તે માટે વિચારપૂર્વક બહુ કામ કરવું પડે છે. કહેવાય છે ને કે જીવન અવરોધોની રેસ છે, પછી તે અવરોધ સહજ રીતે દૂર કરવાની આપણી પણ તૈયારી હોવી જોઈએ.

અમારી કોર્પોરેટ ઓફિસમાં અમે ફોલો કરીએ તે દસ કમાન્ડમેન્ટ્સ લખી રાખ્યા છે. તેમાં એક છે, `એમ આય પોપ્યુલર એન્ડ ડાઉન ટુ અર્થ?’ આપણે પોતે જ પોતાને સતત ચેક કરવું જોઈએ. ઓર્ગેનાઈઝેશનમાં અનેક લીડર્સ હોય છે અને ઓર્ગેનાઈઝેશન ચલાવતી વખતે આપણું ધ્યાન આ સર્વ લીડર્સ પર હોવું જોઈએ. લીડર્સ સાથે રહેવાનું, લીડર સાથે બોલવાનું આકર્ષણ તેમના ટીમ મેમ્બર્સને છે કે નહીં? એ જોવું જોઈએ. લીડરના સકસેસ મંત્રની અનેક બાબતોમાંથી આ એક છે, જે તે લીડરે પણ સતત ચેક કરવું જોઈએ. ટૂકમાં પોતાની અંદરપણ આત્મપરીક્ષણની આદત કેળવવી જોઈએ.

આપણને ઘરનું આકર્ષણ, બાળકોને સ્કૂલનું આકર્ષણ, યુવાનોને કરિયરનું આકર્ષણ,દરેકને કામનું આકર્ષણ… આ બધામાં ટોપ પર છે આપણને આપણા દેશનું આકર્ષણ હોવું જોઈએ, દેશ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. સારા દેશ નિર્માણ કરવાની જવાબદારી મોટે પાયે રાજકારણીઓની હોય છે પરંતુ આપણા બધાએ મળીને આ દેશ બનાવવાનો છે, તેથી આપણે દરેકે એક સારા નાગરિક બનવાની જવાબદારી પાર પાડવાની છે.

ઓહ, ઘણું બધું `બેન ડ્રેન’ ઓલરેડી થઈ ગયું છે. હવે તો જાગી જઈએ. આપણી ફરજ સારી રીતે પાર પાડીએ અને ખરા અર્થમાં આપણા સુજલામ સુફલામ ભારતનું આકર્ષણ આપણી ભાવિ પેઢીને થાય તે માટે યોગદાન આપીએ.ફક્ત ભારતીયોને જ નહીં પણ ફોરેનર્સને પણ આપણા ભારતમાં આવવાનું આકર્ષણ હોવું જોઈએ એવું કામ આપણી પાસેથી થવું જોઈએ અને તે આપણું લક્ષ્ય હોવું જોઈએ.

અરાઉન્ડ દ વર્લ્ડ

(વીણા પાટીલ)

veena@veenaworld.com