Home Blog Page 1112

પંચાંગ 06/03/2025

ગુજરાત: મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ગુજરાતની રાજ્ય મેડિકલ કોલેજોમાં MD (ડોક્ટર ઓફ મેડિસિન) અને MS (માસ્ટર ઓફ સર્જરી) બેઠકોની કુલ સંખ્યા અને છેલ્લા બે વર્ષમાં થયેલા વધારા અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યની મેડિકલ કોલેજોમાં 2,044 MD અને 932 MS બેઠકો ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં એમડીની 446 અને એમએસની 211 બેઠકોમાં વધારો થયો છે.

મેડિકલ કોલેજનું સ્વપ્ન ટૂંક સમયમાં પૂર્ણ થશે

પીએમ મોદીએ દેશના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ સ્થાપવાનું વચન આપ્યું છે, જેને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થવાના આરે છે.

મેડિકલ કોલેજમાં પીજી અનુસ્નાતક બેઠકોની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં 2,044 પીજી ડિગ્રી (એમડી-3 વર્ષ) બેઠકો અને 932 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી (એમએસ-3 વર્ષ) બેઠકો ઉપલબ્ધ છે, જે ભારત સરકારના રાષ્ટ્રીય તબીબી આયોગ દ્વારા માન્ય છે. કુલ 3,139 બેઠકો ઉપલબ્ધ છે, જેમાં સુપર સ્પેશિયાલિટી માટે 124 બેઠકો અને પીજી ડિપ્લોમા (2 વર્ષ) માટે 39 બેઠકોનો સમાવેશ થાય છે. DNB (ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ) સ્પેશિયાલિટી (3 વર્ષ) માટે 148 બેઠકો, DNB સુપર સ્પેશિયાલિટી (3 વર્ષ) માટે 76 બેઠકો અને DNB ડિપ્લોમા (2 વર્ષ) માટે 58 બેઠકો, કુલ 282 બેઠકો અને CPS (કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ ઇન મુંબઈ) ડિપ્લોમા (2 વર્ષ) માટે 298 બેઠકો ઉપલબ્ધ છે.

રાજ્યમાં કેટલી બેઠકો ઉપલબ્ધ છે?

મંત્રીએ આ પ્રસંગે એવી પણ માહિતી આપી હતી કે અંદાજિત 450 યુજી બેઠકો અને 1,011 પીજી બેઠકો છે. વિવિધ સંસ્થાઓએ બેઠકો માટે NMC ને અરજી કરી છે, જેના માટે રાજ્ય સરકારે ફરજિયાત પ્રમાણપત્ર જારી કર્યું છે. તેમણે કહ્યું કે ગુજરાત રાજ્યના તબીબી ઇતિહાસમાં પહેલીવાર, ભવિષ્યમાં આટલી મોટી સંખ્યામાં બેઠકો એકસાથે જોવા મળશે. હાલમાં રાજ્યમાં કુલ ૪૧ મેડિકલ કોલેજો ઉપલબ્ધ છે. આમાંથી 6 સરકારી છે, 13 ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા સંચાલિત છે, 3 કોર્પોરેશન સંચાલિત છે, 1 AIIMS છે અને 18 સ્વ-સહાય કોલેજો છે.

 

સલમાન અને કરીનાની આ ફિલ્મ ફરી પડદા પર થશે રિલીઝ?

મુંબઈ: સલમાન ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ બજરંગી ભાઈજાન તેની 10મી વર્ષગાંઠ નિમિત્તે સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ શકે છે. સલમાન ખાન અને કરીના કપૂર ખાન અભિનીત આ ફિલ્મ 2015 માં રિલીઝ થઈ હતી. દર્શકોને પણ આ ફિલ્મ ખૂબ ગમી. આ ફિલ્મ 2025 માં તેના દસ વર્ષ પૂર્ણ કરી રહી છે, આ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક કબીર ખાન તેને ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે.

10 વર્ષ પૂરા થયા પછી ફરી રિલીઝ થઈ શકે છે ‘બજરંગી ભાઈજાન’
ઈન્ડિયા ટુડે સાથેની એક મુલાકાતમાં કબીર ખાને કહ્યું કે બજરંગી ભાઈજાને સમય જતાં પોતાની ઓળખ બનાવી છે. તેમણે કહ્યું, “મને 10 વર્ષ પૂરા થવા પર કંઈક ખાસ કરવાનું મન થાય છે. હું સલમાન સાથે વાત કરીશ અને તેને કહીશ કે તેને ફરીથી રિલીઝ કરવાનો વિચાર સારો હોઈ શકે છે.”

ફિલ્મની વાર્તા
આ ફિલ્મ એક સરળ માણસ પવન (સલમાન ખાન) ની વાર્તા છે, જે એક મૂંગી છોકરી મુન્ની (હર્ષાલી મલ્હોત્રા) ને તેના પરિવાર સાથે ફરીથી મળવવા માટે ભારતથી પાકિસ્તાન જાય છે. તેમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને કરીના કપૂરે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મને એવોર્ડ મળ્યા છે
17 જુલાઈ, 2015 ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મની વાર્તા, અભિનય અને સંગીત માટે ખૂબ પ્રશંસા થઈ હતી. બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થવા ઉપરાંત તેણે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો. જો તે ફરીથી રિલીઝ થાય છે, તો તે સલમાન અને કરીનાના ચાહકોને ખૂબ ખુશ કરશે.

સલમાન-કરીના વર્કફ્રન્ટ
આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ સિકંદરની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે, જે 2025ની ઈદ પર રિલીઝ થશે. આમાં રશ્મિકા મંદાન્ના પહેલી વાર સલમાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. સિકંદરનું દિગ્દર્શન એઆર મુરુગાદોસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ સાજિદ નડિયાદવાલા દ્વારા કરવામાં આવ્યું છે. સાઉન્ડટ્રેકનું પહેલું ગીત, ઝોહરા જબીન, તાજેતરમાં રિલીઝ થયું. બીજી તરફ, કરીના કપૂર મેઘના ગુલઝારની ફિલ્મ ‘દાયરા’માં વ્યસ્ત
છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા 1,000થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન

અમદાવાદ: આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલાં અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રામાં 1,000થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન કરવામાં આવ્યું છે. અદાણી ફાઉન્ડેશન મહિલાઓને જરૂરી સમર્થન અને માર્ગદર્શન પૂરું પાડીને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાની તકો પૂરી પાડે છે. ફાઉન્ડેશન તેમની સામાજિક-આર્થિક સ્થિતિ તેમજ નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે.અદાણી સોલારમાં કામ કરતી 614થી વધુ મહિલાઓની સામૂહિક સ્થિતિસ્થાપકતાની ઉજવણી પણ આ પ્રસંગે કરવામાં આવી. ફાઉન્ડેશને મહિલાઓને એકત્રિત કરી, સલાહ-સૂચનથી પ્રોત્સાહિત કરી. અદાણી સોલારમાં આ મહિલાઓને ટેકનિકલ સહયોગીઓ, માનવ સંસાધન (HR), ઉત્પાદન વિભાગોમાં એન્જિનિયરિંગ હોદ્દાઓમાં કામ આપવામાં આવ્યું છે. ફાઉન્ડેશને 850થી વધુ મહિલાઓના ઉદ્યોગસાહસિક કૌશલ્યમાં વધારો કરીને આત્મનિર્ભર બનવામાં પણ મદદ કરી છે.

ગ્રામીણ વિકાસ કમિશનર અને ગુજરાત સરકારના સચિવ મનીષા ચંદ્રાએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું હતું કે, “મહિલાઓ રૂઢિપ્રથાઓને તોડીને આર્થિક રીતે સ્વતંત્ર બને તે જોવું ખૂબ જ ગર્વની વાત છે. આવી પહેલ પાયાના સ્તરે મહિલાઓને ઉત્થાન આપે છે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે.” મુન્દ્રાની અદાણી પબ્લિક સ્કૂલના ડિરેક્ટર અમી શાહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા દિવસના મહત્વ અંગે અદાણી ફાઉન્ડેશનના ગુજરાતના સી.એસ.આર. વડા પંક્તિ શાહે લિંગ સમાનતાને આગળ વધારવામાં સમાજની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું હતું કે, “મહિલાઓને ખરેખર પ્રગતિ કરવા પરિવાર, સમુદાય અને કોર્પોરેટ ક્ષેત્રનો ટેકો જરૂરી છે. જ્યારે મહિલાઓને તેમના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવવા માટે સશક્ત બનાવવામાં આવે છે, ત્યારે તેઓ માત્ર તેમની કારકિર્દીમાં જ શ્રેષ્ઠતા મેળવતી નથી પરંતુ તેમના પરિવારો અને સમાજમાં પણ સકારાત્મક પરિવર્તન લાવે છે.”

અદાણી સોલારના ટેકનિકલ એસોસિયેટ સોનલ ગઢવી રામે પોતાની સફરના સંસ્મરણો શેર કરતા જણાવ્યું કે “અદાણી સોલારમાં કામ કરવાથી મને મારા પેશનને અનુસરવાની તક મળી છે. આજે હું આત્મનિર્ભર છું અને મારા પરિવારને ટેકો આપું છું, તે મારા માટે એક સ્વપ્ન સાકાર થવા સમાન છે. પહેલાં દીકરીઓ માટે સલામત પરિવહનના અભાવે નોકરી માટે બહાર નીકળવું મુશ્કેલ હતું. પરંતુ હવે અદાણી સોલારની સુરક્ષા સહિતની વિશ્વસનીય સુવિધાઓ સાથે હું દરરોજ આત્મવિશ્વાસ સાથે કામ પર જાઉં છું. આ યાત્રા ખરેખર સશક્તિકરણ આપનારી રહી છે.”

અદાણી ફાઉન્ડેશને સમર્પિત પહેલ દ્વારા, દેશભરમાં બે મિલિયનથી વધુ દીકરીઓ અને મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે.

HDFC બેંકે એરફોર્સ અને CSC એકેડમી સાથે MoU કર્યા

અમદાવાદઃ દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC બેંકે આજે આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ – એકાઉન્ટ્સ એન્ડ એર વેટ્રન્સના કાર્યાલય મારફતે ભારતીય વાયુ સેના અને CSC એકેડમી સાથે એક મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. આ દિવસના રોજ પ્રોજેક્ટ HAKK (હવાઈ અનુભવી કલ્યાણ કેન્દ્ર)ને પણ લોન્ચ કરવામાં આવ્યો હતો, જે સંરક્ષણ સેવામાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને સેવા પૂરી પાડશે. આ પ્રોજેક્ટ HAKKની રચના ડિફેન્સ પેન્શનરો, સેવાનિવૃત્તો અને તેમના પરિવારજનોને સપોર્ટ અને સેવા પૂરાં પાડવા માટે કરવામાં આવી છે.

શરૂઆતમાં વિવિધ એર ફોર્સ યુનિટોમાં 25 કેન્દ્રો સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં નવી દિલ્હી, બેંગલુરુ, ગુડગાંવ, પૂણે, સિકંદરાબાદ, ગુવાહાટી, જોધપુર અને ચંડીગઢનો સમાવેશ થાય છે.

HDFC બેંક તેના પરિવર્તન પ્રોગ્રામ હેઠળ સંરક્ષણ સેવામાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે આર્થિક સમાવેશકતાનું નિર્માણ કરવાની પ્રવૃત્તિઓમાં સાંકળશે. CSC એકેડમી (કોમન સર્વિસ સેન્ટર ઈ-ગવર્નન્સ લિમિટેડ દ્વારા સમર્થિત)ના સહયોગમાં બેંક તેમનો કૌશલ્ય વિકાસ કરશે તથા નાણાકીય ઉત્પાદનો અને સેવાઓમાં તેમને તાલીમ પૂરી પાડશે, જેથી કરીને તેઓ આર્થિક રીતે પગભર થઈ શકે. આ MoU પર હસ્તાક્ષર કરતી વખતે હાજર રહેલા પ્રતિષ્ઠિત મહાનુભાવોમાં એર માર્શલ પી. કે. ઘોષ (એવીએસએમ) – એર ઓફિસર ઇન ચાર્જ એડમિનિસ્ટ્રેશન; HDFC બેંકનાં ગ્રુપ હેડ સ્મિતા ભગત, CSC એકેડમીના ચેરમેન સંજય રાકેશ તથા ભારતીય વાયુ સેના, HDFC બેંક અને CSC ઈ-ગવર્નન્સના અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

HDFC બેંકના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને અલ્ટર્નેટ બેંકિંગ ચેનલ્સ એન્ડ પાર્ટનરશિપ્સના બિઝનેસ હેડ સત્યેન મોદી, એર વાઇસ માર્શલ ઉપદેશ શર્મા (VSM) – આસિસ્ટન્ટ ચીફ ઓફ ધી એર સ્ટાફ (એકાઉન્ટ્સ અને એર વેટ્રન્સ) તથા CSC એકેડમીના CEO પ્રવીણ ચાંદેકર દ્વારા આ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વાત કરતાં સ્મિતા ભગતએ જણાવ્યું હતું કે આ MoU ભારતીય વાયુ સેનાના સેવાનિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ કરવાની અમારી કટિબદ્ધતાને દર્શાવે છે. HDFC બેંક સશસ્ત્ર દળોએ દેશ માટે આપેલાં યોગદાનોનો હૃદયપૂર્વક આદર કરે છે અને અમારો ઉદ્દેશ આ કેન્દ્રો મારફતે સેવાનિવૃત્ત સૈનિકો તથા સેવા નિવૃત્ત અને શહીદ એમ બંનેના પરિવારોને આવશ્યક બેંકિંગ સેવાઓ પૂરી પાડવાનો છે.

ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો

ICC ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમિફાઈનલ આજે રમાઈ રહી છે. આ મેચની એક ઈનિંગ પૂર્ણ થઈ ચૂકી છે. ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાને જીતવા માટે 363 રનનું લક્ષ્યાંક આપ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમે ધૂરંધર બેટર રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસને સદીની મદદથી છ વિકેટે સાથે 362 રન નોંધાવ્યા છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમે 50 ઓવરમાં 6 વિકેટે 362 રન બનાવ્યા. આ ટુર્નામેન્ટનો હાઇએસ્ટ સ્કોર છે. અગાઉનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આ જ મેદાન પર 22 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે 356 રન બનાવ્યા હતા.

આ મેચના સ્કોર બોર્ડની જો વાત કરવામાં આવે તો, ન્યૂઝીલેન્ડ તરફથી ધમાકેદાર બેટિંગ કરનાર રચિન રવિન્દ્રએ 101 બોલમાં એક સિક્સ અને 13 ફોર સાથે 108 રન નોંધાવ્યા છે. જ્યારે કેન વિલિયમસને 94 બોલમાં બે સિક્સ અને 10 ફોર સાથે 102 રન નોંધાવ્યા છે. જ્યારે બીજી બાજું ન્યૂઝીલેન્ડના બે ખેલાડી ફિફ્ટી ચુકી ગયા છે. ડ્રેયલ મિચેલ 37 બોલમાં એક સિક્સ અને એક ફોર સાથે 40 રને અને ગ્લેન ફિલિપ્સ 27 બોલમાં એક સિક્સ અને 6 ફોર સાથે 49 રન સાથે ફિફ્ટીનો આંકડો પાર કરતા ચુક્યા હતા છે. જ્યારે અન્ય બેટરોની વાત કરીએ તો ઓપનિંગમાં આવેલા વિલ યોંગે 23 બોલમાં 21 રન, ટોમ લાથમે પાંચ બોલમાં ચાર રન, મિચેલ બ્રેશવેલે 12 બોલમાં 16 રન અને મિશેલ સ્ટનરે એક બોલમાં અણનમ બે રન નોંધાવ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ લુંગી નગીડીએ ત્રણ વિકેટ ઝટપી છે. જ્યારે કાગીસો રબાડાએ બે વિકેટ અને વેઈન મુલ્ડેરે એક વિકેટ ઝડપી છે.

અનિલ શ્રીનિવાસન-ડૉ. પ્રવીણ દરજીને અંજલી ખાંડવાલા ક્રિએટિવ મેન્ટર એવોર્ડ એનાયત

અમદાવાદ: MICAના અમદાવાદ કેમ્પસ ખાતે તાજેતરમાં અંજલિ ખાંડવાલા ક્રિએટિવ મેન્ટર એવોર્ડ માટે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વર્ષ 2023-24 માટે આ એવોર્ડ પ્રખ્યાત સંગીતકાર અને શિક્ષક અનિલ શ્રીનિવાસન અને પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર ડૉ. પ્રવીણ દરજીને એનાયત કરવામાં આવ્યો હતો. ખંડવાલા ક્રિએટીવિટી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત, આ એવોર્ડ દર વર્ષે એક સર્જનાત્મક વ્યક્તિને આપવામાં આવે છે. જેમની પસંદગી ખાસ નિયુક્ત કરવામાં આવેલી જ્યુરી દ્વારા કરવામાં આવે છે.આ વર્ષે, SEWA (સ્વ-રોજગાર મહિલા સંગઠન) ના ડિરેક્ટર રીમા નાણાવટી, હજીરા LNG અને પોર્ટ કંપનીના ભૂતપૂર્વ MD અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ટ્રસ્ટના ટ્રસ્ટી નીતિન શુક્લા અને સ્કૂલ ઓફ ઇન્સ્પાયર્ડ લીડરશીપ (SOIL)ના સ્થાપક અને અધ્યક્ષ અનિલ મહેશ્વરીનો સમાવેશ આ પસંદગી ટીમમાં કરવામ્ આવ્યો હતો. 3 સભ્યોની આ સ્વતંત્ર જ્યુરી દ્વારા પ્રાપ્ત થયેલા 25 નામાંકનોમાંથી વિજેતા બે નામોની પસંદગી કરવામાં આવી હતી. વિજેતાઓને દરેકને રૂ. 1.50 લાખનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

આ એવોર્ડ સંમારભમાં વાત કરતા MICA ના સ્થાપક GC સભ્ય અને IIMAના ફોરમર ડિરેક્ટર પ્રો. પ્રદીપ ખાંડવાલાએ જણાવ્યું હતું કે, “આ એવોર્ડ મારી સ્વર્ગસ્થ પત્નીની યાદમાં આપવામાં આવે છે. જે ખૂબ જ સર્જનાત્મક વ્યક્તિ હતા. તેમણે કેનેડા અને ભારતમાં ઘણા યુવાનોને તેમની સર્જનાત્મક ક્ષમતા વિકસાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સર્જનાત્મક માર્ગદર્શક એવી વ્યક્તિ હોય છે જે આઉટ ઓફ ધ બોક્સ વિચારે છે અને તેમના માર્ગદર્શકની સર્જનાત્મકતાને માનસિક અવરોધોમાંથી મુક્ત કરવામાં મદદ કરે છે. જેથી તેઓને નવીન વિચારો આવી શકે.”આ વર્ષના વિજેતાઓના સર્જનાત્મક માર્ગદર્શક તરીકેના ગુણોની જો વાત કરીએ તો, અનિલ શ્રીનિવાસન MICAના ભૂતપૂર્વ વિદ્યાર્થી (૧૯૯૯ના બેચ) છે. સાથે જ તેઓ એક અગ્રણી સંગીતકાર અને શિક્ષક છે. તેમણે પોતાની આગવી શૈલીમાં યુવાનોને માર્ગદર્શન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આશરે 7,00,000થી વધુ વિદ્યાર્થીઓને તેમણે પ્રભાવિત કર્યા છે. જીવનમાં માર્ગદર્શનના અભાવે કોઈ પણ બાળક પાછળ ન રહી જવું જોઈએ એ વિચારધારા સાથે તેમણે સંગીત, શિક્ષણ અને ડિઝાઇનના ક્ષેત્રમાં કામ કર્યું છે. કલાઈમામણિ એવોર્ડ (તમિલનાડુ સરકાર) અને સંગીત નાટક અકાદમી એવોર્ડ પ્રાપ્તકર્તા, અનિલભાઈનો વાર્ષિક કોન્સર્ટ “ઇન ધ ડાર્ક” ખૂબ જ પ્રભાવિત કરે તેવો હોય છે. જેમાં તેઓ આંખે પાટા બાંધીને દૃષ્ટિહીન મહિલાઓ સાથે પ્રસ્તુતિ આપે છે. આ કાર્યક્રમમાંથી મળેલી રકમ જ્ઞાનદર્શન સેવા હોમને ટેકો આપે છે, જે મહિલાઓને મદદ કરે છે.ડૉ. પ્રવિણ દરજી ગુજરાત સ્થિત એક પ્રતિષ્ઠિત લેખક, વિવેચક અને શિક્ષણશાસ્ત્રી છે. જેમના 150થી વધુ પ્રકાશિત પુસ્તકો કવિતા, નિબંધો, સંશોધન અને અનુવાદોમાં ફેલાયેલા છે. સાહિત્યિક વર્કશોપ અને UGC-DRS સંશોધન કાર્યક્રમોમાં માર્ગદર્શક, સાહિત્ય અને શિક્ષણમાં યોગદાન માટે રણજીતરામ સુવર્ણ ચંદ્રક, કુમાર ચંદ્રક અને પદ્મશ્રી (2011) સહિતના પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

બંને વિજેતાઓ પોત-પોતાના ક્ષેત્રોમાં સર્જનાત્મકતા, માર્ગદર્શન અને કાયમી પ્રભાવને મૂર્તિમંત કરે છે.

બિગ બીએ પહેલી વાર નેપોટિઝમ પર મૌન તોડ્યું, શું કહ્યું પુત્ર અભિષેકને લઈ?

મુંબઈ: બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પોતાના પુત્ર અભિષેક બચ્ચનના વખાણ કરવાની એક પણ તક છોડતા નથી. બિગ બી ઘણીવાર અભિષેકના કામ અને તેની અભિનય કુશળતાના વખાણ કરે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેલા બિગ બીએ હવે સોશિયલ સાઇટ X પર એક યુઝરની પોસ્ટ પર ટિપ્પણી કરી છે અને અભિષેકને નેપોટિઝમ અંગે ફેલાયેલી નકારાત્મકતાનો શિકાર ગણાવ્યો છે.

 (Photo by – / AFP)

બિગ બીએ અભિષેકના કામની પ્રશંસા કરી
હકીકતમાં, ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં એક યુઝરે લખ્યું, ‘અભિષેક બચ્ચન બિનજરૂરી રીતે નેપોટિઝમની નકારાત્મકતાનો શિકાર બન્યા છે, ભલે તેમણે તેમના કારકિર્દીમાં ઘણી સારી ફિલ્મો કરી હોય.’ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા બિગ બીએ લખ્યું, ‘મને પણ એવું જ લાગે છે અને ફક્ત એટલા માટે નહીં કે હું તેનો પિતા છું.’ બીજી પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા મેગાસ્ટારે તેમની આગામી ફિલ્મ ‘બી હેપ્પી’માં અભિષેક બચ્ચનના કામની પ્રશંસા કરી. બિગ બીએ લખ્યું, ‘અભિષેક તું અદ્ભુત છે. દરેક ફિલ્મમાં તમે જે રીતે પાત્ર સાથે અનુકૂલન સાધો છો અને પાત્રમાં પરિવર્તન લાવો છો તે અદ્ભુત છે.’

આ પહેલા અમિતાભે ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’માં અભિષેકના કામની પણ પ્રશંસા કરી હતી. તે દરમિયાન, બિગ બીએ ફિલ્મ વિશે એક નોંધ લખી હતી, ‘કેટલીક ફિલ્મો તમારું મનોરંજન કરે છે, કેટલીક ફિલ્મો તમને તેમની સાથે જોડાવા માટે આમંત્રણ આપે છે, ‘આઈ વોન્ટ ટુ ટોક’ બસ એ જ કરે છે. અભિષેક, તું અભિષેક નથી, તું ફિલ્મનો અર્જુન સેન છે. લોકો જે કંઈ પણ કહે છે, તેમને કહેવા દો.’

આ ફિલ્મમાં પિતા-પુત્રીના સંબંધો દર્શાવવામાં આવશે
અભિષેકની આગામી ફિલ્મ ‘બી હેપ્પી’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. આ નૃત્ય આધારિત ફિલ્મ કોમેડી, નાટક, સપના અને જુસ્સાથી ભરેલી છે. આ ફિલ્મ એક પિતા અને પુત્રી વચ્ચેના પ્રેમાળ, સંભાળ રાખનારા અને જુસ્સાદાર સંબંધને દર્શાવે છે. આ ફિલ્મ એક પુત્રીનીકારકિર્દી પ્રત્યેના સમર્પણ અને જુસ્સાને દર્શાવે છે. એક પિતા પોતાની દીકરીના સપના પૂરા કરવામાં તેને કેવી રીતે સંપૂર્ણ ટેકો આપે છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે નોરા ફતેહી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 14 માર્ચે OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે.

અમરનાથ યાત્રાનું શેડ્યુલ જારીઃ આટલા દિવસ થશે બાબા બર્ફાનીનાં દર્શન

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર છે. યાત્રાનું શેડ્યુલ જારી થઈ ગયું છે. આ નિર્ણય મુજબ અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈ 2025થી શરૂ થશે અને 39 દિવસ સુધી ચાલશે, એટલે કે રક્ષાબંધને સંપન્ન થશે. જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિંહાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અમરનાથ યાત્રા 2025ની તારીખો જાહેર કરવામાં આવી છે.

અમરનાથ યાત્રાની તારીખો જાહેર થયા બાદ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન માટે આ પડકારજનક યાત્રા કરતા હોય છે. બોર્ડની જાહેરાત મુજબ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે. આ યાત્રામાં જતાં પહેલાં શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે.

અમરનાથ ગુફા કાશ્મીર હિમાલયમાં દરિયાઈ સપાટીથી 3888 મીટરની ઊંચાઈ પર આવેલી છે. ભક્તો પરંપરાગત દક્ષિણ કાશ્મીર પહેલગામ માર્ગ અથવા ઉત્તર કાશ્મીર બાલટાલ માર્ગ દ્વારા ગુફા મંદિર સુધી પહોંચતા હોય છે. જો પરંપરાગત પહેલગામનો રૂટ લેવામાં આવે તો 48 કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહે છે. જેથી ગુફા મંદિર સુધી પહોંચવામાં ચારથી પાંચ દિવસ લાગે છે. જયારે બાલટાલ રૂટ દ્વારા મુસાફરી કરવામાં આવે તો 14 કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહે છે. બાલટાલ માર્ગનો ઉપયોગ કરનારાઓ ગુફા મંદિરનાં દર્શન કર્યા પછી તે જ દિવસે બેઝ કેમ્પમાં પાછા ફરી શકે છે.

 

 

આણંદમાં નકલી DySP નિશા વ્હોરાનો પર્દાફાશ, પોલીસ ફરિયાદ દાખલ

ગુજરાતમાં અવાર નવાર નકલીનો ખેલ કરનારા સામે આવતા હોય છે. આ વચ્ચે ફરી એક નકલી DySP અંગેનો મોટો ઘટસ્ફોટ થયો છે. આણંદ જિલ્લાના સોજીત્રાની નિશા વ્હોરા નામની યુવતી પોતે Dysp હોવાનો અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો દાવો કર્યો છે. આ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજ સિહં જાડેજાએ આક્ષેપ લગાવ્યો છે કે નિશા વ્હોરાના તમામ દાવા ખોટા છે. તેમણે GPSCની પરીક્ષા પાસ નથી કરી કે નથી તે કોઈ અધિકારી.  આ મુદ્દે હવે આણંદની સોજીત્રા પોલીસ સ્ટેશન ખાતે નિશા વ્હોરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

નિશા વ્હોરા સામે પોતે Dysp ના હોદ્દા પર નહીં હોવા છતાં પોતાને ઉચ્ચ અધિકારી હોવાનો ડોળ કરવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે પોતાના સરકારી અધિકારી હોવાસ બાબતનો પ્રચાર કરવા તેમજ ઈરાદાપૂર્વક જાહેરમાં સન્માન કરાવવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દે આણંદ LCB ની ટીમે તપાસ હાથ ધરી છે. આખી વાત એમ છે કે ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સોશિયલ મીડિયામાં પુરાવા સાથે દાવો કર્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં નિશા વ્હોરા નામની કોઈ યુવતીએ GPSC પાસ કરી નથી, તેમણે પાંચ વર્ષના પરિણામોની પણ તપાસ કરી છે. આ સાથે આવી કોઈ યુવતીની છેલ્લા પાંચ વર્ષમાં Dysp તરીકે કોઈ નિમણૂક પણ નથી થઈ. આ મુદ્દે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી લઈને નિશા વ્હોરાના વતન એવા આણંદ જિલ્લાના સોજીત્રા શહેર સુધી તપાસ કરી છે.

ઉલ્લેખનીય છે કે નકલી DySP નિશા વ્હોરાએ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેના પણ ફોટા પડાવ્યા હતા અને બહુમાન મેળવ્યું હોવાના ફોટા પણ મળી આવ્યા છે. આ ઉપરાંત તેલંગાણા રાજ ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંદેશ જેવા પ્રશસ્તિ પત્રો મેળવી અને સમાજના કાર્યક્રમોમાં ભરપૂર વાહવાહી પણ લૂંટી છે. મુસ્લિમ સમાજ સહિતના અનેક સામાજીક સંગઠનોમા વિવિધ કાર્યક્રમોમાં તેનું GPSC પાસ કરી Dysp બની હોવા અંગે સન્માન પણ થઈ ચૂક્યું છે. નિશા વ્હોરાની કથિત સફળતા અંગે વિવિધ સમાચાર માધ્યમોમાં ફોટા સાથે અહેવાલો પ્રકાશિત થયા હતા.