Home Blog Page 1076

પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીનું જોર ઘટ્યું

અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની ગરમી વર્તાવા શરૂ થઈ ચૂક્યુ છે. થોડા દિવસોથી વધતા તાપ પર આંશિક અંકુશ લાગવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ગગડ્યો છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી પૂર્વનો ફૂંકાય રહ્યો છે. રાજ્યમાં સરેરાશ તાપમાન ઘટતા ગ્રામ્ય વિસ્તાર અને દરિયા કિનારાના સ્થાનો પર વધુ ઠંડક જોવા મળશે.

રાજ્યના શહેરી વિસ્તારોમાં પણ લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળશે. પરંતુ એપ્રિલની શરૂઆતથી જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જોવા મળી શકે છે. રાજ્યમાં આ વર્ષે માર્ચ મહિનાના આરંભમાં જ મે જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અને હવે મધ્ય માર્ચમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. હોળી તહેવાર અગાઉ સરેરાશ 40 થી 42 ડિગ્રીની આસપાસ તાપમાન હતું અને હવે હોળી તહેવાર બાદ સરેરાશ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો.

આંકડાકિય માહિતી પ્રમાણે રાજકોટમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે મહુવામાં સૌથી ઓછું 35.4 તાપમાન નોંધાયું. અન્ય મોટા શહેરોનું તાપમાન સરેરાશ 35 ડિગ્રીની આસપાસ જોવા મળ્યું.આ ઉપરાંત અમદાવાદમાં 36.9, ગાંધીનગરમાં 36 ડિગ્રી, ડીસામાં 36.2, વડોદરામાં 36.4 ડિગ્રી, સુરતમાં 36.4, ભુજમાં 36.2 ડિગ્રી,અમરેલીમાં 37.4, પોરબંદરમાં 35.1 ડિગ્રી, ભાવનગરમાં 34.7, સુરેન્દ્રનગરમાં 37.7 ડિગ્રી, અને કેશોદમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું.

‘નાદાનિયાં’ફિલ્મની ટીકા બાદ સ્ટાર કિડના સમર્થનમાં આવ્યા હંસલ મહેતા

મુંબઈ: સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન ફિલ્મ ‘નાદાનિયાં’થી ડેબ્યૂ કર્યો ત્યારથી જ તે સમાચારમાં છે. કારણ ફિલ્મ પર થઈ રહેલી ટીકા છે. ફિલ્મમાં ઇબ્રાહિમ સાથે બીજી એક સ્ટાર કિડ ખુશી કપૂર પણ જોવા મળી હતી. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મની ઘણી ટીકા થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર લોકો નેટફ્લિક્સ ટીમની પણ ટીકા કરી રહ્યા છે. તે જ સમયે ફિલ્મના બંને કલાકારોને પણ સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હવે પીઢ ફિલ્મ નિર્માતા હંસલ મહેતા આ સ્ટાર કિડ્સના સમર્થનમાં બહાર આવ્યા છે અને આ ટિપ્પણીઓને લોકોનો ખરાબ સ્વાદ ગણાવ્યો છે.

(photo:instagram)

હંસલ મહેતાએ બચાવ કર્યો
ઇ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં, દિગ્દર્શક-નિર્માતા હંસલ મહેતાએ ફિલ્મ નાદાનિયાંની ટીકા અને સ્ટાર કિડ્સ વિશે દર્શકોના મંતવ્યો વિશે વાત કરી અને કહ્યું, “મને લાગે છે કે લોકો ખૂબ જ કઠોર અને ખોટા છે. દુઃખની વાત એ છે કે, શું આપણે આ બાળકોને તક મળે તે પહેલાં તેમની તૈયારી જોઈ છે? લોકો જે પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે તે ખૂબ જ ખરાબ છે. મને ખાતરી છે કે આ ટિપ્પણીઓ આ નવા બાળકો માટે ખૂબ જ પીડાદાયક હશે, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માતાપિતાની પણ એક સમયે ખૂબ જ વિચિત્ર શરૂઆત હતી. તે ફક્ત એટલું જ છે કે સોશિયલ મીડિયાને કારણે તેઓ લોકોની નજરમાં એટલા નહોતા જેટલા હવે છે.”

સ્ટાર કિડ હોવાથી કોઈ સારો અભિનેતા નથી બની જતો

હંસલ મહેતાએ ભાર મૂક્યો કે ફિલ્મો બનાવવા નિર્માણ અને દિગ્દર્શન માટે જવાબદાર લોકોએ પહેલા ખાતરી કરવી જોઈએ કે ફિલ્મો લોન્ચ કરતા પહેલા કલાકારો અને તેમની ટીમ સંપૂર્ણપણે તૈયાર છે. દિગ્દર્શકે કહ્યું કે એવું માનવું ખોટું છે કે કોઈ વ્યક્તિ ફક્ત તેના વંશ કે પરિવારના કારણે સારો અભિનેતા બનશે.

દરેક વ્યક્તિ સની દેઓલ-ઋત્વિક રોશન બનવા માંગે છે

એક ઘટના યાદ કરતાં હંસલે કહ્યું કે તેણે એક ફિલ્મ માટે એક સ્ટાર કિડનો સંપર્ક કર્યો હતો, જે એક નવા અભિનેતા માટે ડેબ્યૂ કરવા માટે એક અસામાન્ય ફિલ્મ હતી. પરંતુ અભિનેતાના સલાહકારોને લાગ્યું કે તેણે સ્ટાર કિડ્સ જે કરે છે તે જ કરવું જોઈએ અને કુમાર ગૌરવ, ઋતિક રોશન, સની દેઓલ કે ટાઇગર શ્રોફ જેવી જ લાઈમલાઈટ અને ઊંચાઈ મેળવવા માટે ભવ્ય એન્ટ્રી કરવી જોઈએ.

સ્ટાર કિડ્સ એક મોટા બેનર હેઠળ લોન્ચ થવા માંગે છે

હંસલ મહેતાએ વધુમાં ઉમેર્યું, “સ્ટારકિડ્સ એક મોટા બેનર હેઠળ લોન્ચ થવા માંગે છે, પછી ભલે તેમની પાસે કોઈ મોટો વિચાર હોય કે ન હોય. તેઓ ઇચ્છે છે કે એક મોટી વ્યક્તિ તેમને હંમેશા સલાહ આપે. પછી જ્યારે હું લોકોને તેમની મજાક ઉડાવતા જોઉં છું, ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે. હું તેમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તેઓ પોતાનું માથું નીચું રાખે અને ફક્ત તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરે. જેમ જેમ તેઓ કોઈ બાબતમાં સારું કરે છે, પછી ભલે તે બોક્સ ઓફિસ પર ગમે તેટલું સારું કે ખરાબ હોય, તેમને માન મળશે. તેમનું પહેલું લક્ષ્ય તેમના કામ માટે માન મેળવવાનું હોવું જોઈએ.”

નાદાનિયાં એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે

કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ‘નાદાનિયાં’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એક છોકરા અને છોકરીની નવા યુગની પ્રેમકથા દર્શાવવામાં આવી છે. શૌના ગૌતમ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં ઇબ્રાહિમ અને ખુશી ઉપરાંત સુનીલ શેટ્ટી, મહિમા ચૌધરી, દિયા મિર્ઝા અને જુગલ હંસરાજ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.

“પણ તું દલિત છે”, યુઝરે જાહ્નવીના રૂમર્ડ બોયફ્રેન્ડ પર કોમેન્ટ કરી તો ભડક્યો શિખર

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેના અંગત જીવન માટે પણ હેડલાઇન્સમાં રહે છે. આ અભિનેત્રી ઘણી વખત જાહ્નવી કપૂરના કથિત બોયફ્રેન્ડ શિખર પહારિયા સાથે જોવા મળી છે. તાજેતરમાં, એક સોશિયલ મીડિયા યુઝરે જાહ્નવીના બોયફ્રેન્ડ શિખર પહારિયાને દલિત કહીને તેનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો. આના જવાબમાં શિખર પહારિયાએ પણ પોસ્ટ કરી વળતો જવાબ આપ્યો. હવે શિખર પહારિયાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શિખરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. જેમાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું હતું કે,’પણ તું દલિત છો ને?’ આ ટિપ્પણી પછી, શિખર પણ ગુસ્સે થઈ ગયો અને તેણે એક લાંબી પોસ્ટ મૂકી.

દલિત ટિપ્પણી પર શિખર પહારિયાએ શું કહ્યું?

શિખર પહારિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં જોવા મળે છે કે એક યુઝરે પીક પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના જવાબમાં શિખરે લખ્યું,’એ ખરેખર બકવાસ છે કે 2025 માં પણ તમારા જેવા સંકુચિત અને પછાત વિચાર ધરાવતા લોકો અસ્તિત્વમાં છે. દિવાળી એ પ્રકાશ અને ખુશીઓનો તહેવાર છે જે પ્રગતિ અને એકતાનું પ્રતીક છે. પણ આ બધી વાતો તમારા નાના મનની સમજની બહાર છે. ભારતની તાકાત તેની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને તેના લોકોમાં રહેલી છે. પણ આ તમારી સમજની બહાર છે. મને લાગે છે કે તમારે મૂર્ખતા ફેલાવવા કરતાં પોતાને થોડું વધારે શિક્ષિત કરવાની જરૂર છે. એકમાત્ર વસ્તુ જે અસ્પૃશ્ય છે તે છે તમારી બૌદ્ધિક ક્ષમતા.’

દિવાળી દરમિયાન ફોટા એકસાથે પોસ્ટ કરવામાં આવ્યા હતા

ગત વર્ષે દિવાળી દરમિયાન શિખરે કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી હતી જેમાં જાહ્નવી કપૂર અને કેટલાક કૂતરાઓ પણ હતા. જોકે, એક સોશિયલ મીડિયા યુઝરે તેમની પોસ્ટ પર ટિપ્પણી કરતા લખ્યું, ‘પણ તમે દલિત છો.’ શિખર આ વખતે પણ પાછળ હટ્યો નહીં. આ ટિપ્પણીથી નારાજ, શિખરે સોમવારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટ્રોલની ટીકા કરી અને નિરાશા વ્યક્ત કરી કે 2025 માં પણ લોકો આટલી “પછાત માનસિકતા” ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું કે આ ટ્રોલ સ્પષ્ટપણે દિવાળીનો અર્થ સમજવામાં નિષ્ફળ ગયો, જે ‘પ્રકાશ’, ‘પ્રગતિ’ અને ‘એકતા’નો તહેવાર છે. શિખરે લખ્યું કે તે ખરેખર દયનીય છે કે 2025 માં પણ તમારા જેવા લોકો આટલી નાની, પછાત માનસિકતા ધરાવે છે.

અમદાવાદમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે AMCનો મોટો નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી શૈક્ષણિક સત્રથી શહેરના સાત ઝોનમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવાની યોજના ઘડાઈ છે. AMC સંચાલિત પ્રાથમિક શાળાઓ પહેલેથી જ ધોરણ 1 થી 8 માટે ઉપલબ્ધ છે, પણ હવે ધોરણ 9 અને 10 માટે પણ શાળાઓ શરૂ થશે. આ નિર્ણયથી અનેક ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને શૈક્ષણિક ખર્ચમાં મોટી રાહત મળશે.

AMC દ્વારા શરૂ કરાયેલ આ નવી શાળાઓમાં વિદ્યાર્થીઓને મફતમાં બાલમંદિરથી ધોરણ 10 સુધીનું શિક્ષણ મળશે. સાથે સાથે પુસ્તકો, યુનિફોર્મ અને શૈક્ષણિક સામગ્રી પણ વિનામૂલ્યે મળશે. આ નિર્ણયથી વાલીઓએ ખાનગી શાળાની મોંઘી ફી ભરવી નહીં પડે. શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વધુ શાળાઓ ખોલવાની યોજના છે. શિક્ષણના આર્થિક બોજાને ઘટાડવાનો પ્રયાસને ધ્યાને રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. AMCના આ નિર્ણયથી પ્રાથમિકથી માધ્યમિક સુધીનું શિક્ષણ સરળ અને સસ્તું બની રહેશે. ખાનગી શાળાઓમાં તગડી ફી ભરવાથી વાલીઓની આર્થિક સ્થિતિ પર ભાર પડતો હતો, જે હવે ઓછો થશે. પ્રથમ તબક્કામાં સાત ઝોનમાં શાળાઓ શરૂ કરવામાં આવશે, અને પછી તબક્કાવાર વધુ વિસ્તારોમાં પણ શાળાઓ ઉદ્ઘાટિત કરાશે. AMC સ્કૂલ બોર્ડ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી શહેરના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને મફત શિક્ષણ પ્રાપ્ત થશે.

અમદાવાદ બાદ સુરત પોલીસ એક્શનમાં, અસામાજિક તત્વોના 3 ગેરકાયદે મકાનો તોડી પાડ્યા

ગુજરાતમાં અસામાજીક તત્વોના આતંક વધી રહ્યો છે. લોકો બેફામ કાનૂન અને નિયમોને નેવે મુકીને લોકો પર આતંક ગુજારી રહ્યા છે. ત્યારે આ વધતા આતંક દામવા માટે ગુજરાત પોલીસ હવે એક્ટીવ મોડમાં આવી છે. મોટા શહેર વધતા અસામાજિક તત્વોના કહેર સરકરા સહિત પોલીસ હથોડા મારી રહી છે. અમદાવાદના વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જે બાદ સુરતના ઉધના વિસ્તારમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ ગેંગ આરોપીના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 18 માર્ચના ત્રણ મકાનો પર બુલડોઝર અને હથોડાથી તોડી પાડવામાં આવ્યા હતા.

સુરતના ઉઘના વિસ્તારમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામથી ગેંગ ચલાવતા રાહુલ દીપડેએ સરકારી આવાસ નજીક ગેરયકાદે રીતે ત્રણ મકાનો બનાવ્યા હતા. જેનો ઉપયોગ અવૈધ પ્રવૃતિઓ માટે કરવામાં આવતો હતો. રાહુલ દીપડે સૂર્યા મરાઠી મર્ડર કેસ સહિત મારામારી અને હત્યા 22 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે 100 કલાકની અંદર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાના અભિયાન અંતગર્ત 22 જેટલા શખ્સોને બોલાવી પૂછપરછ કરી હતી. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ કડ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા આ શખ્સોની વારંવાર પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વિશેષ તપાસ દરમિયાન 1300 જેટલા ગુનેગારોને યાદી બનાવી છે. તેમાં 300 ગંભીર ગુનાઓમાં સામેલ છે.

રાજ્યમાં અસામાજિક ગુંડા તત્ત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્ત્વોની યાદીમાં કેવા તત્ત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા, ખંડણી ઉઘરાવનારા, ધાક-ધમકી આપનારા, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન-જુગારનો ધંધો કરનારા, ખનીજ ચોરી જેવા ગુનામાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો કરીને જનતામાં ભય ફેલાવનારાનો આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.

નાગપુર હિંસા પર એકનાથ શિંદેનું નિવેદન,કહ્યું-‘આ એક સુનિયોજિત કાવતરું છે’

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાગપુર હિંસા પર નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે,”જે લોકોએ પોલીસ, સમાજ, સામાન્ય લોકો પર હુમલો કર્યો છે… તેમને બિલકુલ માફ કરવામાં આવશે નહીં. આ મહારાષ્ટ્રની અમારી ભૂમિકા છે. તમે લોકોએ હવે મહારાષ્ટ્રમાં શાંતિ જાળવી રાખો. હું જનતાને અપીલ કરું છું કે પોલીસ પોતાનું કામ કરી રહી છે, પોલીસ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે…”

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાગપુર હિંસા પર કહ્યું, “નાગપુરમાં બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસ તપાસ કરી રહી છે કે શું તે પૂર્વયોજિત કાવતરું હતું. આ ઘટનામાં 4 ડીસીપી સ્તરના અધિકારીઓ ઘાયલ થયા છે. મુખ્યમંત્રી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે ઘણા લોકો બહારથી આવ્યા હતા. પેટ્રોલ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. પોલીસ પર પણ હુમલો થયો તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હું દરેકને શાંતિ જાળવવા અપીલ કરું છું.”

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે નાગપુરમાં બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. જે આગ લાગી, જેમાં લગભગ 2-4 હજાર લોકો ભેગા થયા અને લોકોના ઘરોને નિશાન બનાવ્યા, પથ્થરમારો કર્યો અને વાહનો સળગાવી દીધા. લોકો માંડ માંડ બચી ગયા. પોલીસ અને ફાયર બ્રિગેડના વાહનો આવ્યા અને તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો. પોલીસ શાંતિ જાળવવાનું કામ કરે છે. આવા સામાજિક મુશ્કેલી ઉભી કરનારાઓને છોડવામાં આવશે નહીં.

એકનાથ શિંદેએ ઉમેર્યુ કે મહારાષ્ટ્રમાં કોઈ ઔરંગઝેબને સમર્થન સહન કરશે નહીં. ઔરંગઝેબ દેશનો દુશ્મન, આક્રમણખોર અને જુલમી હતો. ઔરંગઝેબ ક્રૂર હતો અને જે કોઈ તેને ટેકો આપશે તેને છોડવામાં આવશે નહીં. છત્રપતિ સંભાજી પ્રત્યે લોકોની લાગણી ગંભીર છે. લોકોની હિલચાલ વાજબી છે. લોકો દેશદ્રોહી ઔરંગઝેબથી ગુસ્સે છે. એકનાથ શિંદેએ કહ્યું કે નાગપુરમાં જે કંઈ બન્યું છે તે એક સુનિયોજિત કાવતરું છે.

અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ, હવે વોટ્સએપથી કરાશે ફરિયાદ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા દુકાનો અને વાહનોમાં તોડફોડ થવાની ઘટના સામે હતી. જે બાદ રાજ્ય પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે અને શહેરમાં સક્રિય ગેંગની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા 10 જેટલી ગેંગની પ્રાથમિક યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં ખંડણી વસૂલતી, મિલકતો હડપ કરતી અને ગભરાટ ફેલાવતી ગેંગનો સમાવેશ થાય છે. હવે આવા તત્ત્વો પર સખત કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વોટ્સએપ હેલ્પલાઇન નંબર 63596 25365 જાહેર કરવામાં આવ્યો છે, જેના દ્વારા નાગરિકો અસામાજિક તત્ત્વોની માહિતી આપી શકશે. DGP વિકાસ સહાયે સમગ્ર રાજ્યમાં આ ઝુંબેશ શરુ કરવાની સુચના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપી છે. તાજેતરમાં પોલીસ દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજી અને 100 કલાકમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

શહેરની શાંતિ અને સુરક્ષાને જાળવી રાખવા માટે અમદાવાદ પોલીસ ગુજસીટોક (Gujarat Control of Terrorism and Organized Crime Act) હેઠળ આ ગેંગો સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. નાગરિકોને પણ વિનંતી કરવામાં આવી છે કે, જો તેઓ કોઈ ગેરકાયદે પ્રવૃતિઓ જોશે તો તરત જ પોલીસને જાણ કરે.

જમ્મુમાં દારૂકાંડે મામલે ઓરીની ધરપકડ, હોટેલ્સ માટે નવા આદેશો જાહેર

બોલિવૂડ સ્ટાર્સના નજીકના મિત્ર અને સોશિયલ મીડિયા સેન્સેશન ઓરહાન અવત્રામણિ ઉર્ફે ઓરીની પોલીસે 15 માર્ચે ધરપકડ કરી હતી. જમ્મુના કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી નજીક એક હોટલમાં ઓરી તેના મિત્રો સાથે દારૂ પી રહ્યો હતો. પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો અને ઓરી સહિત 8 લોકોની ધરપકડ કરી. હવે આ કેસ સતત વધી રહ્યા છે. ગત સોમવારે અહીં હોટલ અને રેસ્ટોરન્ટ માટે બીજી એક નવી ચેતવણી જારી કરવામાં આવી છે. જેમાં હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને તેમના મહેમાનોને દારૂ પીવાથી રોકવા માટે કહેવામાં આવ્યું છે. કટરા હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશનના પ્રમુખ રાકેશ વઝીરે તાજેતરમાં ANI ને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

ઓરીના દારૂ કૌભાંડ બાદ ચેતવણી જારી કરવામાં આવી

ઓરીની ધરપકડ બાદ કટરાની હોટલોમાં દારૂ અંગે ચર્ચાઓ વધુ તીવ્ર બની છે. હવે આ સમાચારો વચ્ચે હોટેલ્સ એસોસિએશનના પ્રમુખ રાકેશ વઝીરે પણ તમામ રેસ્ટોરાંને ચેતવણી આપી છે. રાકેશે ANI ને જણાવ્યું,’આજે કટરામાં પરિસ્થિતિ એવી છે કે અહીં દારૂ પર પ્રતિબંધ છે. માતા વૈષ્ણો દેવીની પવિત્રતા જાળવવા માટે શાકભાજીમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવામાં આવતો નથી. આજે તેણે રૂમમાં દારૂ પીધો છે, પણ આમ છતાં, જ્યાં સુધી તમે કટરા છો ત્યાં સુધી તમારે દારૂ ન પીવાનું ધ્યાન રાખવું જોઈએ. હવે હોટલ અને રેસ્ટોરન્ટને પણ આ અંગે ચેતવણી આપવામાં આવી છે. જેમાં સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે કે હોટલોમાં કોઈ દારૂ ન પીવે તેની ખાતરી કરવી જોઈએ.

શું કટરા માં દારૂ પર પ્રતિબંધ છે?

તમને જણાવી દઈએ કે જમ્મુ જિલ્લામાં સ્થિત મા વૈષ્ણો દેવીના મંદિરમાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. તે ઘણી સદીઓથી હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ધાર્મિક પ્રવાસીઓની સાથે, અન્ય પ્રકારના પ્રવાસીઓ પણ અહીં આવતા રહે છે. પરંતુ મંદિરની ધાર્મિક પવિત્રતા જાળવવા માટે અહીં દારૂના સેવન પર પ્રતિબંધ છે. એટલું જ નહીં, અહીંના રેસ્ટોરાં અને હોટલોમાં લસણ અને ડુંગળીનો પણ ઉપયોગ થતો નથી. હવે, ઓરીની ધરપકડ પછી, અહીંની સિસ્ટમ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

સુનિતા વિલિયમ્સનું ધરતી તરફ આગમન શરૂ, 17 કલાક બાદ કરશે લેન્ડિંગ

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસમાં 286 દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરીક્ષ યાન 18 માર્ચ, મંગળવારને 10.35 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયું.

9 મહિના અંતરિક્ષમાં વિતાવ્યા 

નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે પાંચમી જૂને બોઈંગના સ્ટારલાઇનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને રવાના થયા હતા. આ મિશન 10 દિવસનું હતું. જોકે સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંને અવકાશયાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. જે બાદ સુનિતા વિલિયમ્સે 9 મહિના ત્યાં જ વિતાવ્યા. હવે સુનિતા અને બુચ અન્ય બે અવકાશયાત્રીઓ સાથે સ્પેસએક્સના યાનમાં બેસીને પૃથ્વી પર પરત આવી રહ્યા છે.

સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ઈલોન મસ્કની સ્પેસએક્સે મિશન શરૂ કર્યું હતું. સુનિતા વિલિયમ્સ અને બુચની જગ્યાએ નાસાએ અન્ય ચાર અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન પહોંચાડ્યા છે. ડ્રેગન નામક અંતરિક્ષયાનને પૃથ્વી પર પરત આવવામાં આશરે 17 કલાકનો સમય લાગશે. ભારતીય સમય અનુસાર 19 માર્ચે વહેલી સવારે 3:27 વાગ્યે ફ્લોરિડા નજીક પેરાશૂટની મદદથી યાન દરિયામાં ઉતરશે.

અપડેટ્સ: 

બોર્ડિંગ: મંગળવાર, સવારે 8.15 વાગ્યે 

ચાર અંતરીક્ષયાત્રીઓ ડ્રેગન સ્પેસયાનમાં સવાર થયા અને હેચ બંધ કર્યું

ડિપાર્ચર: મંગળવાર, સવારે 10.35 વાગ્યે 

સ્પેસ યાને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છોડ્યું અને પૃથ્વી તરફની યાત્રા શરૂ કરી

સ્પ્લેશડાઉન: બુધવાર, 3.27 વાગ્યે 

ડ્રેગન યાનનું કેપ્સ્યુલ ફ્લોરિડા નજીક પેરાશૂટની મદદથી દરિયામાં ઉતરશે. અહીં એક ક્રૂ તૈયાર જ હશે જે કેપ્સ્યુલ રિકવર કરશે અને તેમાં સવાર અંતરિક્ષયાત્રીઓને બહાર કાઢવામાં આવશે. જે બાદ ચારેય અંતરીક્ષયાત્રીઓને જોનસન સ્પેસ સેંટર, હ્યુસ્ટન રવાના કરી દેવાશે.

અંતરિક્ષયાત્રીઓ ત્યાં જઈને રહે છે અને પ્રયોગો કરે છે. ત્યાંનું જીવન પૃથ્વીથી સાવ અલગ છે. ત્યાંનો દિવસ ફક્ત 45 મિનિટનો હોય છે અને 24 કલાકમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત જોવા મળે છે!

ISS નું પૃથ્વીથી અંતર અને ગતિ

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી 408 કિલોમીટર દૂર છે. એ સ્થિર નથી રહેતું, સતત ગતિશીલ રહે છે, પૃથ્વીની આસપાસ ફરતું રહે છે. તે 28163 કિલોમીટર (17500 માઈલ) પ્રતિ કલાકની અધધધ ઝડપે ફરે છે. પૃથ્વીનું કદ (વ્યાસ 12,742 કિમી) અને સ્પેસ સ્ટેશનનું પૃથ્વીથી અંતર (408 કિમી) એ બે ફેક્ટરને આધારે ISS ની ઝડપ નક્કી થાય છે.

આપણી પાસે ન હોય તે પણ પડોશીને ત્યાં હજો

આપણી પાસે ન હોય તે પણ પડોશીને ત્યાં હજો

 

આમેય આપણામાં કહેવત છે, ‘પહેલો સગો તે પાડોશી’. કોઈ પણ મુશ્કેલી હોય, વખત-બેવખત કોઈ વસ્તુની જરૂર પડે તો સૌથી નજીકનું ઘર એટલે પાડોશીનું. આ કહેવત એવું કહેવા માગે છે કે પાડોશી સમૃદ્ધ થાય, આપણી પાસે ન હોય તેવી વસ્તુઓ પણ તે વસાવવા માંડે તો એની ઈર્ષ્યા ક્યારેય ન કરવી કારણ કે ગમે ત્યારે કોઈ વસ્તુ એની પાસે હોય તો અડીઓપટીમાં એ આપણને કામ આવશે.

દા.ત. આપણી પાસે વાહન નથી અને પાડોશી પાસે કાર છે તો ક્યારેક અરધી રાતે કોઈ સાજુંમાંદુ થાય અને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે તો પાડોશીના બારણાં ખખડાવીશું તો એ આવા પ્રસંગે ક્યારેય ના નહીં પાડે અને કટોકટીના આ સમયે, ભલે કાર પાડોશી પાસે છે પણ આપણી પોતાની હોય તે રીતે ઉપયોગમાં આવશે.

આમ કહેવતનો સાર એ છે કે પાડોશી સમૃદ્ધ થાય, નવી વસ્તુઓ વસાવે તો એની ઈર્ષ્યા ન કરતાં અને એમ સમજવું કે આપણી પાસે ન હોય તે પણ પડોશીને ત્યાં હજો.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)