Home Blog Page 1054

રંગભૂમિના રસિયા માટે અનોખું પ્રદર્શન

અમદાવાદ: વિશ્વ રંગમંચ દિવસની સમગ્ર વિશ્વમાં જુદી-જુદી રીતે ઉજવણી થઈ રહી છે. રંગમંચના કલાકારો, સંચાલકો કંઈક નવું આપવાનો પ્રયાસ કરે છે. અમદાવાદના ન્યુ રાણીપ ચેનપુરમાં આવેલ થિયેટરમાં મીડિયા સેન્ટર દ્વારા પણ ‘ઓલ અબાઉટ નાટક ફેસ્ટ 2025’ની ઉજવણી થઈ રહી છે. ગત વર્ષે થિયેટર ફેસ્ટ 2024માં આપેલા વિવિધ પરફોર્મન્સન અને અનોખા પ્રદર્શનની સફળતા પછી અર્બન મેનેજમેન્ટ સેન્ટર – થિયેટર એન્ડ મિડીયા સેન્ટર, યુવા અને સાંસ્કૃતિક બાબતો વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી ‘ઓલ અબાઉટ નાટક ફેસ્ટ 2025’ની ઉજવણી કરી રહ્યું છે.દરરોજ પ્રદર્શન અને થિયેટરના તમામ પાસાઓ પર વર્કશોપ ઉપરાંત, ગુજરાતી રંગભૂમિની જૂની ધરોહર (થિયેટર આર્કાઇવ્સ)નું પ્રદર્શન ખુલ્લું મુકાયું છે. આ પ્રદર્શનમાં ભારતના થિયેટર સ્પેસના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અર્બન મેનેજમેન્ટ સેન્ટરએ અનેક શહેરી મુદ્દાઓ, જેમાં હેરિટેજ મેનેજમેન્ટ પણ સામેલ છે એના પર કાર્ય કરે છે. અમદાવાદ શહેરના વિશ્વ વારસા ઐતિહાસિક સ્થળો માટે હેરિટેજ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. UMC અને થિયેટર એન્ડ મિડીયા સેન્ટર (TMC) સાથે મળીને આ થિયેટર કલા વસ્તુઓનું પ્રદર્શન આયોજિત કર્યું છે.થિયેટર મિડીયા સેન્ટરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મન્વિતા બારાડી ચિત્રલેખા.કોમને કહે છે, “આ વર્ષે પ્રદર્શનમાં ‘પરિત્રાણ’ (દિ. જશવંત ઠાકર), ‘મેના ગુર્જરી’ (જયશંકર ‘સુંદરી’), ‘રાયગઢ જાગે છે’ (નટમંડળ), ‘પ્રબુદ્ધ રૌહિણીયમ’ (શ્રી ગોવર્ધન પંચાલ) જેવી અનેક જાણીતી નાટ્ય કૃતિઓમાં વપરાયેલી પડદાઓ, વસ્ત્રો, પાગડીઓ અને પ્રોપર્ટીઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ સાથે 1871 અને 19મી સદીના અંતના જૂના પુસ્તકો, જેમાં ‘ભારતનાટ્ય શાસ્ત્ર’, જૂના ગુજરાતી નાટકના સ્ક્રિપ્ટ્સ, પારસી રંગમંચ સ્ક્રિપ્ટ્સ, નાટ્ય સંગીત અને અન્ય સિદ્ધાંતાત્મક પુસ્તકો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. થિયેટરના અગ્રણીઓના દુર્લભ ફોટોગ્રાફ્સ પણ જોવા મળશે. જેમાં નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા(NSD)ના શિક્ષક ગોવર્ધન પંચાલ, સંસ્કૃત નાટ્યક્ષેત્રના પ્રવિણ કાન્તિ મડિયા, ગુજરાતી થિયેટરના જાણીતા લેખક-દિગ્દર્શક અને 60 વર્ષ સુધી રંગમંચ પર કાર્યરત રહેલા અભિનેત્રી દામિની મહેતાનો પણ સમાવેશ થાય છે.”મન્વિતા બારાડી કહે છે, “ગુજરાતમાં થિયેટરની ખૂબ લાંબી પરંપરા છે. ધોળાવીરામાં થયેલા ખોદકામોમાં રંગમંચની ચિહ્નો, જેવા કે માસ્ક, ઘૂઘરીઓ, પાયલ અને અભિનય કરતા સ્ત્રીની મૂર્તિઓ મળી આવી છે. પ્રાચીન ગુફા રંગમંચો અને મંદિર મંડપમાં આવેલા નૃત્ય મંડપોના પણ પુરાવા છે. ભવાઈ, લોકનાટ્ય કળા, જેમાં નૃત્ય, સંગીત અને નાટકના ઘટકો શામેલ છે. 18મી સદીમાં ગુજરાતી થિયેટર પારસી રંગમંચથી પ્રભાવિત થયું, જેમાં બ્રિટિશ સંસ્કૃતિની ઝલક અને ભારતીય સિનેમાની જેમ સંગીત-નૃત્યનો સમાવેશ કરવામાં આવ્યો.”રંગભૂમિ, નાટક, કલાકારો અને ઈતિહાસને પ્રોત્સાહિત કરતાં થિયેટર મિડીયા સેન્ટરના આ વિશિષ્ટ ફેસ્ટિવલ, વર્કશોપ અને પ્રદર્શનને માણવા મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા માટે તંત્રની તૈયારીઓ પૂર્ણ

ગાંધીનગર: ગુજરાતમાં વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી, નર્મદા જિલ્લામાં લગભગ 6 કિમી સુધી ઉત્તર દિશામાં વહે છે અને તેથી જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે. આ પરિક્રમાનું વિશેષ માહાત્મ્ય છે. આ વર્ષે 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઇ રહી છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી અપેક્ષા છે.

પરિક્રમાર્થીઓની સુવિધા માટે તૈયારીઓ

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 14 કિલોમીટરની સમગ્ર પરિક્રમા દરમિયાન આવનારા હજારો ભક્તો માટે ₹3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

પરિક્રમાર્થીઓની સેવામાં ખડેપગે

નર્મદા પરિક્રમાર્થીઓની આસ્થાને ધ્યાનમાં રાખીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલ છે. બોર્ડ દ્વારા આ તમામ ઘાટો પર મોટી સાઇઝના મંડપો, ખુરશી, બેરીકેડિંગ, લાઇટિંગ, ટૉયલેટ બ્લૉક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, ચેતવણી બોર્ડ, ડી. જી. સેટ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, વૉચ ટાવર, ફૂડ સ્ટોલ તથા સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેવી જ રીતે સમગ્ર પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજિસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ટૉયલેટ યુનિટ, ઇમર્જન્સી કામગીરી માટે જેસીબી, હિટાચી, ક્રેન, દોરડા જેવી મશીનરી તથા વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની જ પરિક્રમા 

સમગ્ર વિશ્વમાં 1.50 લાખ, ભારતમાં 400 અને ગુજરાતમાં અંદાજે 185 નદીઓ છે. ભારતના દૃષ્ટિકોણથી જોઇએ, તો આપણા દેશમાં લગભગ તમામ નદીઓની પૂજા થાય છે. સૌથી પવિત્ર ગંગા નદી પર આવેલ ગંગા-યમુના-સરસ્વતી (અદૃશ્ય)ના ત્રિવેણી સંગમ પર તો મહાકુંભ મેળો યોજાય છે. પરંતુ ગુજરાત-ભારત સહિત વિશ્વમાં નર્મદા સિવાય કોઈ પણ નદીની પરિક્રમા નથી યોજાતી.

એકમાત્ર નર્મદા નદી જ એવી છે કે, જેની પરિક્રમા કરવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે ‘ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને તથા તાપી સ્મરણે’ મુક્તિ મળે છે. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે છે, પરંતુ નર્મદા નદીના દર્શનમાત્રથી મુક્તિ મળે છે. એટલા માટે જ લાખો લોકો નર્મદાનાં ઉદ્ગમ સ્થળ અમરકંટકથી સમુદ્ર સંગમ સ્થળ ખંભાતના અખાત સુધીની નર્મદા પરિક્રમા કરે છે. આ નર્મદા પરિક્રમા માર્ગ લગભગ 2,624 કિલોમીટરનો હોય છે.

જોકે જે શ્રદ્ધાળુઓ આટલી લાંબી પરિક્રમા નથી કરી શકતા, તેથી તેઓ નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી યાત્રા કરીને પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. કહેવાય છે કે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા કરવાથી પણ સંપૂર્ણ નર્મદા પરિક્રમા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે.

વલસાડના સોળસુંબામાં પરિવારનો સામૂહિક આપઘાત

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ સોળસુંબા ગામે બે વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી પતિએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ ઉંમરગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.

સામૂહિક આપઘાત અંગે સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે આ પરિવાર ફ્લેટમાં ભાડે રહેતા હતા. પાડોશી દ્વારા લાંબા સમય સુધી દરવાજો ખખડાવામાં આવ્યો હતો, જોકે કોઈએ પણ દરવાજો ખોલ્યો હતો. જે બાદ અંતે દરવાજો તોડવામાં આવ્યો. દરવાજો તૂટતા પતિ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા તો બાળક અને પત્ની બેડ પર મૃતક હાલતમાં સુતેલા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે ઉમરગામ પોલીસ સાથે ડી.વાય.એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ પહેલા પોતાના માસૂમ બાળકની હત્યા કરી અને પછી પોતાનુ જીવન ટૂંકાવી લીધું. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને પરિવારના આપઘાતના કારણો અંગે તપાસ ચાલી રહી છે. જોકે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે. ઉમરગામ પોલીસે ત્રણેયની લાશનો કબજો મેળવી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

કોઈને ક્યારેય અકારણ મળો છો?

થોડા સમય પહેલાં એક સેલિબ્રિટીનો આ કિસ્સો વાંચેલો. ભાઈ કોઈ દૈનિક ટીવી ધારાવાહિકમાં કામ કરતા. રોજના 10-11 કલાક શૂટિંગ ચાલ્યા કરે. એક દિવસ એ સેટ પર શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એમની દીકરીનો ફોન આવ્યોઃ “પપ્પા, ધારો કે અમારી સ્કૂલમાં ફંક્શન હોય ને તમારે એમાં સહભાગી થવાનું હોય તો તમે કલાકના કેટલા ચાર્જ કરો?”

પિતાને નવાઈ લાગીઃ “કેમ બેટા? તમારી સ્કૂલમાં છે કોઈ ફંક્શન? તારા પ્રિન્સિપાલને મારો નંબર આપી દેજે. હું વ્યવહાર સમજી લઈશ.”

દીકરી કહે, “ના ના, આ તો જો મને પરવડે એટલી ફી હોય તો તમને આપી દઉં તો એ બહાને તમે અમારી પૅરન્ટ-ટીચર્સ મિટિંગમાં આવશો, મને તમારી સાથે થોડો સમય વિતાવવા મળશે, એ બહાને તમને ખબર પડે કે હું કયા ધોરણમાં છું, શું ભણું છું…”

ફોન ડિસ્કનેક્ટ કરી સેલિબ્રિટી ધબ્બ દઈને બેસી પડ્યા. પછી સ્વસ્થ થઈ એમણે ડિરેક્ટરને કહ્યું, “મને મૂંઝારા જેવું થાય છે…મારું શૂટ કૅન્સલ કરો. હું ઘરે જવા માગું છું.”

ડિરેક્ટરે હા પાડી એટલે તરત એ કારમાં ગોઠવાઈ ગયા, ડ્રાઈવરને ઝટ ઘરે લઈ લેવા કહ્યું, એમને થયું ક્યારે ઘરે પહોંચું… એમણે વહાલસોયી દીકરીને એના ઘડતરના દિવસોમાં સમય ન આપવા બદલ માફી માગવી હતી.

ઘણી વાર થાય કે આજે માણસ વ્યસ્ત નથી, પણ અસ્તવ્યસ્ત છે. દેશનાં મોટા ભાગનાં ઘરોમાં આ દશ્ય સામાન્ય થઈ પડ્યું છેઃ ઘરના મોભી રાતે ઘરે જાય. ફ્રૅશ થઈને ડાઈનિંગ ટેબલ પર પરિવારના સભ્યો સાથે જમવા બેસે. પ્લેટની બાજુમાં એમનો સ્માર્ટ ફોન એ રીતે ગોઠવ્યો હોય જાણે કોઈ ખાવાની વાનગી. થોડી-થોડી ટિંગ ને ટોંગ થયા કરે એટલે મોભી એમાં જોયા કરે, અને, ડાબા હાથે વૉટ્સેપના જવાબ આપતા જાય. જવાબમાં શું? તો કહે, હસવાના, રડવાનાંને અંગૂઠો બતાવતાં ઈમોજી. પત્નીએ શું બનાવ્યું છે? પુત્રને આજે સ્કૂલમાં ભણાવ્યું? માતાનો ઘૂંટણનો દુખાવો હવે કેમ હશે? આ બધું એમના માટે ગૌણ છે. એમને માટે મહત્વનો છે એમનો મોબાઈલ.

ઘણી વાર જીવનની વ્યસ્તતામાં સંબંધોની કે મધુરતા મરી જતી હોય છે. વાત સાચી છે- બદલાતા જમાના સાથે જરૂરિયાતોને પહોંચી વળવા માણસે એકસ્ટ્રા માઈલ ચાલવું પડે છે, ભૌતિક રીતે વધુ સુખી અને સમૃદ્ધ બનવા માટે વ્યવહારમાં, ધંધામાં સમય આપવો પડે. આ અનિવાર્ય છે. પરિવારની સુખાકારી માટે, બહેતર જીવન માટે કમાવવામાં કંઈ ખોટું નથી, પરંતુ જેને માટે કમાઈએ છીએ એને સમય જ આપી ન શકીએ એ કેવું? બિઝનેસ, કરિયર સાથે આપણે એ પણ અનુસંધાન રાખવું જોઈએ કે નિકટજનો સાથેના આપણા સંબંધ નીરસ હોય તો જિંદગી પણ ફિક્કી પડી જાય છે, તો અઢળક કમાણી કશાયે કામની નથી.

ભૌતિક સુખ-સંપદા બહારથી કમ્ફર્ટ આપી શકે, પણ અંદરની હૂંફ માટે તો સુંવાળા સંબંધો જ જોઈએ. જીવનમાં નિમિત્ત વગર પણ મળવાનું હોય છે, અકારણ પણ સ્વજનો અને મિત્રોને ફોન કરી શકાય છે. કોઈ તક્લીફ ન હોય ત્યારે પણ ભગવાનના મંદિરમાં જઈને ભગવાનની પાસે નિરાંતે બેસી શકાય છે. કહેવાનું એ જ કે, નિઃસ્વાર્થપણે આપેલો સમય, કશીયે અપેક્ષા વગર કરેલી મદદ, અકારણ વાતચીત અને આત્મીય સંવાદો સંબંધોને ગાઢ બનાવે છે. એ સંબંધો આપણા જીવનમાં સુખની રંગોળી ભરે છે, પણ આખરે આપણે તો બુદ્ધિશાળી અને વ્યસ્ત માણસો ખરાને! એટલે આપણે કોઈ પણ ઈન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણા મનમાં પહેલો વિચાર એ જ રહે છે કે રિટર્ન ઑન ઈન્વેસ્ટમેન્ટમાં મને શું મળવાનું છે?

આવા ટાણે આપણે એ ભૂલી જઈએ છીએ કે જિંદગી કંઈ લે-વેચનો સોદો નથી. જિંદગીનું ગણિત જુદું છે. આપણે પણ એટલા વ્યસ્ત ન થઈએ કે આપણા પરિવાર માટે, સંતાનો માટે, માતા-પિતા માટે સમય ન નીકળે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા સામે પોલીસની કડક કાર્યવાહી, બે દિવસમાં 137 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસે તાજેતરમાં સઘન અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ નશામાં વાહન ચલાવનારાઓથી લઈને રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેર પોલીસે “ડ્રીંક એન્ડ ડ્રાઈવ” વિરુદ્ધ ખાસ ઝુંબેશ દરમિયાન નોંધપાત્ર કાર્યવાહી કરી છે. 26 માર્ચ, 2025ના રોજ નશાની હાલતમાં વાહન હંકારતા 66 લોકો સામે એફઆઈઆર નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી. આ ઝુંબેશના ભાગરૂપે 25 અને 26 માર્ચના બે દિવસમાં કુલ 137 વ્યક્તિઓને પકડીને તેમની સામે કાનૂની પગલાં ભરવામાં આવ્યાં. પોલીસ કમિશનર જી.એસ. મલિકના નિર્દેશન હેઠળ 26 માર્ચે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ગોમતીપુર, બોડકદેવ, ખોખરા, વેજલપુર, બાપુનગર, જીઆઈડીસી, સરદારનગર, શહેરકોટડા, નારણપુરા, નિકોલ અને રામોલમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 23 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી. આમાંથી 13 વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કડક પગલાં લેવાયાં, જ્યારે 10 લોકોને શહેરમાંથી તડીપાર કરવામાં આવ્યા. આનાથી શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

અમદાવાદમાં વધતા અકસ્માતો અને ટ્રાફિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ સામે પણ કડક વલણ અપનાવ્યું છે. 21થી 23 માર્ચ દરમિયાન ચલાવાયેલી ખાસ ડ્રાઈવમાં 112 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી. અગાઉ દંડ ફટકારવા છતાં નિયમભંગ ચાલુ રહેતાં, હાઈકોર્ટના આદેશને પગલે હવે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે. શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુદૃઢ કરવા માટે પોલીસ કમિશનરે તાજેતરમાં મોટા પાયે બદલીઓ પણ કરી છે. એક જ પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 440 પોલીસકર્મીઓને શહેરના વિવિધ ટ્રાફિક પોલીસ સ્ટેશનો અને ડિવિઝનમાં ખસેડવામાં આવ્યા છે. આ પગલું ટ્રાફિક શાખાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે લેવાયું છે.

સલમાને પહેલી વાર ગેલેક્સી હુમલા પર કરી વાત, કહ્યું- જેટલી ઉંમર લખાયેલી…

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને છેલ્લા ઘણા મહિનાઓથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તાજેતરમાં તેમના ઘર પર પણ ગોળીબાર થયો હતો. તેમણે આ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. સલમાન ખાને કહ્યું કે તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી તેથી તેણે સુરક્ષા વધારી દીધી અને પોતાની હિલચાલ ઓછી કરવી પડી.

આ દિવસોમાં સલમાન ખાન તેની ફિલ્મ ‘સિકંદર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ અંગે તેમણે બુધવારે મીડિયાને સંબોધન કર્યું. આ દરમિયાન સલમાનને સુરક્ષા વધારવા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા સલમાન ખાને કહ્યું કે સુરક્ષાના કારણોસર રોજિંદા કામમાં સમસ્યા આવી રહી હતી. હું સુરક્ષા અંગે કંઈ કરી શકતો નથી. શૂટિંગ દરમિયાન હું ગેલેક્સીથી શૂટિંગ માટે જતો અને શૂટિંગ પછી ગેલેક્સી પાછો આવતો. જોકે, ધમકી પહેલા, સલમાન ખાન પણ કોઈપણ સુરક્ષા વિના રસ્તાઓ પર સાયકલ ચલાવતો જોવા મળ્યો છે.

એક ગ્રુપ ઇન્ટરવ્યુમાં, સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે શું તે પોતાની સલામતી વિશે ચિંતિત છે. આના પર સલમાન ખાને કહ્યું,’ભગવાન, અલ્લાહ બધાથી ઉપર છે. જેટલી ઉંમર લખાયેલી છે તેટલી લખાયેલી છે. બસ એ જ છે. ક્યારેક ઘણા બધા લોકોને સાથે લઈને ચાલવુ પડે છે, તે જ સમસ્યા છે. જ્યારે સલમાન ખાનને તેમની આસપાસ સુરક્ષા વધારવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો,’તમે લોકો ખૂબ સારા છો. એટલા માટે તે તમારી સાથે પણ સારા છે. હું નથી ઇચ્છતો કે તેઓ એવા લોકો સાથે સારા રહે જે સારા નથી.’

સલમાનના ઘર પર ગોળીબાર થયો હતો
એપ્રિલ 2024 માં લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે માણસોએ સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. આ પછી સલમાન ખાનના ઘરની બાલ્કનીમાં બુલેટપ્રૂફ કાચ લગાવવામાં આવ્યા હતા અને ઘરની બહાર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. બે મહિના પછી નવી મુંબઈ પોલીસે દાવો કર્યો કે જ્યારે અભિનેતા મુંબઈ નજીક પનવેલમાં તેમના ફાર્મહાઉસની મુલાકાતે ગયા ત્યારે હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો હતો.

નડિયાદમાં 3,100 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

નડિયાદ નજીક સલુણ તળપદ ગામે સ્થિત શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરી એકવાર દરોડા પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં 3100 કિલોગ્રામ ભેળસેળીયા ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે 8.75 લાખ રૂપિયા આંકવામાં આવી છે. શંકાસ્પદ ઘીના નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, કારણ કે વેપારી બટર ઓઈલમાં ઘીનો ફ્લેવર ઉમેરીને નકલી ઘી બનાવતો હોવાની આશંકા છે.

આ પહેલાં પણ, ગત ૩ માર્ચ, ૨૦૨૫ના રોજ ફૂડ વિભાગે આ પેઢી પર તપાસ હાથ ધરી હતી. તે સમયે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશનનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પેઢીને નોટિસ ફટકારવામાં આવી હતી. ૧૭ માર્ચે પેઢીએ આપેલા જવાબથી સંતોષ ન થતાં, ૧૯ માર્ચે ફરી તપાસનો આદેશ જારી થયો હતો. આજે, પેઢીના જવાબદાર દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીની હાજરીમાં દરોડા પાડવામાં આવ્યા અને તપાસ દરમિયાન ૧૫૦૦ કિલોગ્રામ ઘી, ૧૬૦૦ કિલોગ્રામ બટર ઓઈલ અને ૧ લિટર ઘીનો ફ્લેવર જપ્ત કરાયો.

ફૂડ અધિકારી પિયૂષ પ્રજાપતિએ જણાવ્યું કે, ઘીના ત્રણ નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટના આધારે નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. નોંધપાત્ર છે કે, આ પેઢી અગાઉ પણ ભેળસેળની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોવાનું જણાયું છે. આવી ગેરરીતિઓને રોકવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ પેઢીનું એફ.એસ.એસ.એ. લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે.

‘સિકંદર’ રિલીઝ થાય તે પહેલાં સલમાને સંજય દત્ત વિશે મોટી જાહેરાત કરી

ફિલ્મ ‘સિકંદર’ની રિલીઝ પહેલા સલમાન ખાને એક મોટી જાહેરાત કરી છે. સલમાન ખાને જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં ‘ચલ મેરે ભાઈ’ના અભિનેતા સંજય દત્ત સાથે મોટા પડદા પર પાછા ફરશે. જોકે, સલમાન ખાને ફિલ્મનું નામ જાહેર કર્યું નથી. સલમાન અને સંજય બંને સાથે કામ કરશે. તે જ સમયે, ભાઈજાને એટલી સાથે ફિલ્મમાં વિલંબનું કારણ જણાવ્યું.

Salman Khan.

સલમાન ખાને બુધવારે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સંજય દત્ત સાથે ફિલ્મ કરવાની જાહેરાત કરી. સલમાન ખાને કહ્યું કે ફિલ્મની સત્તાવાર જાહેરાત પછી કરવામાં આવશે. જોકે મીડિયાએ સલમાન ખાનને ઘણી વખત આ ફિલ્મનું નામ પૂછ્યું હતું. આ અંગે સલમાન ખાને કહ્યું, ‘આ ફિલ્મ ગ્રામીણ અને ઉચ્ચ સ્તરની હશે.’ સલમાન ખાને ફિલ્મની વાર્તા વિશે પણ કંઈ વધારે વાત કરી નહીં.

સલમાન સાથે એટલીની ફિલ્મના વિલંબ પાછળનું કારણ શું છે?
સલમાન ખાને ખુલાસો કર્યો કે એટલી સાથેની તેની ફિલ્મમાં વિલંબનું સૌથી મોટું કારણ બજેટ છે. અભિનેતાએ કહ્યું કે તેણે એક મોટા બજેટની એક્શન ફિલ્મ લખી છે અને તેના વિલંબનું એકમાત્ર કારણ પૈસા છે. ઉપરાંત ‘રામાયણ’નું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે તેઓ ઉત્તર અને દક્ષિણ બંને ક્ષેત્રના કલાકારોને પસંદ કરે છે જેથી તેમની ફિલ્મો હિટ થઈ શકે. અભિનેતાએ કહ્યું કે જ્યારે તેમની ફિલ્મ દક્ષિણમાં રિલીઝ થાય છે, ત્યારે તેમના દર્શકો ફિલ્મો જોવા જતા નથી. આ ઉપરાંત અભિનેતાએ કહ્યું કે જો હિન્દી ફિલ્મોમાં 20-30 હજાર થિયેટરો હોત, તો આપણે હોલીવુડને પાછળ છોડી દીધું હોત.

સલમાન પાસે બે ફિલ્મો છે
પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાને જણાવ્યું કે તેમની પાસે બે ફિલ્મો છે. આમાંથી એક ફિલ્મ નિર્માતા સૂરજ બડજાત્યાની છે. તેમણે સલમાન ખાન સાથે ઘણી યાદગાર ફિલ્મો બનાવી છે. સલમાને કહ્યું કે બડજાત્યાની ફિલ્મ આગામી રિલીઝ થનારી ફિલ્મ હોઈ શકે છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને સંજય દત્તે ‘સાજન’, ‘દાસ’ અને ‘ચલ મેરે ભાઈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બંને કલાકારો તેમની ઓન-સ્ક્રીન તેમજ ઓફ-સ્ક્રીન મિત્રતા માટે જાણીતા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે જ્યારે ‘સિકંદર’ સિનેમાઘરોમાં રિલીઝ થશે, ત્યારે સંજય દત્તની આગામી ફિલ્મ ‘ધ ભૂતની’નું ટ્રેલર તેમાં ઉમેરવામાં આવશે.

અંબાજીમાં ચૈત્રી નવરાત્રીની તૈયારીઓ શરૂ, મંદિરના આરતી-દર્શન સમયમાં ફેરફાર

અંબાજી: ચૈત્રી નવરાત્રીના આરંભને ગણતરીના દિવસો બાકી છે. ઠેર-ઠેર નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ સાથે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીના આરતી દર્શનના સમયમાં ફેરફારની યાદી જાહેર કરવામાં આવી છે. માતાના મંદિરમાં યાત્રાળુઓની સગવડતાને ધ્યાને રાખી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અંબાજી મંદિરમાં ચૈત્ર સુદ એકમના રવિવાર 30 માર્ચના રોજ ઘટસ્થાન સવારે 9:15 કલાકે કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન આરતીનો 7 વગ્યા થી 7:30 નો રહેશે. જ્યારે દર્શન કરવા માટેનો સમય 7:30 થી 11:30 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજભોગના દર્શન બપોરના 12 વાગ્યાથી થશે, જે 4:30 વાગ્યા સુધી ખુલ્લા રહશે. જ્યારે સંધ્યા આરતીનો સમય 7વાગ્યાનો છે. અનો માતાના દર્શન રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ઉલ્લેખનીય છે કે ચૈત્ર સુદ આઠમ 5 એપ્રિલ અને ચૈત્રી પુનમ 12 એપ્રિલના રોજ આરતીનો સમય સવારે 6 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જ્યારે તારખી 6 એપ્રિલથી અંબાજી મંદિરના દર્શનનો સમય રાબેતા મુબજ થઈ જશે.

PHOTOS: લેક્મે ફેશન વીક શરૂ, સ્ટેજ પર છવાઈ અનન્યા પાંડે

લેક્મે ફેશન વીક શરૂ થઈ ગયો છે. પહેલા દિવસે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ રેમ્પ વોક કર્યું. વાદળી રંગના પોશાકમાં અનન્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી.અનન્યા પાંડેએ ફેશન ડિઝાઇનર અનામિકા ખન્ના માટે રેમ્પ વોક કર્યું. અનન્યાના રેમ્પ વોકના ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના પોશાકની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.

અનન્યાએ પણ અનામિકા સાથે પોઝ આપ્યો. અનામિકાએ કાળા રંગનો પોશાક પહેર્યો હતો જેને તેણે ચાંદીના ઘરેણાંથી પણ પૂર્ણ કર્યો હતો.

(તમામ તસવીરો: દીપક ધૂરી)