Home Blog Page 1040

આ ખેલાડીને લેટર રાઈટિંગ સેલિબ્રેશન મોંઘુ પડ્યું, BCCIએ કરી કાર્યવાહી

IPL 2025: લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 13મી મેટ રમાય હતી. આ મેચ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીને પંજાબ કિંગ્સના બેટર પ્રિયાંશ આર્યની વિકેટ લધી હતી. જે બાદ દિગ્વેશ વિકેનની ઉજવણી મેદનમાં કરી હતી. આ ઉજવણી કરવી તેમને ભારે પડી છે. બીસીસીઆઈએ તેમના પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવીને મેચ ફીના 25 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ ફટકાર્યો છે. આ ઘટના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન બની હતી, જેમાં પંજાબ કિંગ્સે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો.

આ મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને આઠ વિકેટે હરાવ્યું હતું. લખનઉએ પ્રથમ બેટિંગ કરીને 171 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબે આરામદાયક જીત હાંસલ કરી. જોકે, મેચ કરતાં દિગ્વેશની ઉજવણીએ વધુ ચર્ચા જગાવી છે. વાત આખી એમ છે કે, મેચમાં લખનઉએ પંજાબને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબની બેટિંગ દરમિયાન ત્રીજી ઓવરના છેલ્લા બોલે દિગ્વેશે પ્રિયાંશ આર્યને આઉટ કર્યો. શાર્દૂલ ઠાકૂરે મિડ-ઓનથી દોડીને કેચ પકડ્યો હતો. વિકેટ મળતાં જ દિગ્વેશે હાથથી કંઈક લખવાનો ઈશારો કરીને ઉજવણી કરી, જેને “લેટર રાઈટિંગ સેલિબ્રેશન” તરીકે ઓળખવામાં આવ્યું. આઈપીએલના આચાર સંહિતાના આર્ટિકલ 2.5 હેઠળ આને લેવલ 1નો ગુનો ગણવામાં આવ્યો. એમ્પાયરે આ ઈશારા પર ધ્યાન દોર્યું અને બોલર સાથે ચર્ચા કરી હતી. દિગ્વેશે પોતાનો ગુનો અને મેચ રેફરીની સજા સ્વીકારી લીધી છે.

25 વર્ષીય દિગ્વેશ સિંહ રાઠી એક લેગ સ્પિનર છે, જે સુનીલ નરેનની શૈલીમાં બોલિંગ કરે છે. તેણે 2024ની દિલ્હી પ્રીમિયમ લીગમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં તેણે 10 મેચમાં 14 વિકેટ ઝડપી, સૌથી વધુ વિકેટ લેનારાઓમાં ચોથું સ્થાન મેળવ્યું હતું, જેમાં તેનો ઈકોનોમી રેટ 7.83 રહ્યો. આઈપીએલ 2025ની હરાજીમાં લખનઉ સુપર જાયન્ટ્સે તેને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આ ઘટનાએ તેની ચર્ચા અલગ કારણોસર શરૂ કરી છે.

અમદાવાદ ડિટેઇન કરેલા વાહનોમાં આગ લાગવાનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી કાર્યવાહી

અમદાવાદના ઓઢવ રીંગરોડ પર આવેલા ઓઢવ બ્રિજ નીચે 31 માર્ચના રોજ વહેલી સવારે લાગેલી આગની ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરેલા 22 વાહનો અને નજીકમાં પાર્ક કરેલા 11 અન્ય વાહનો સહિત કુલ 33 વાહનો બળીને ખાક થઈ ગયા હતા. ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિક લોકો સાથે પૂછપરછના આધારે રમીલાબહેન નામની મહિલાની ધરપકડ કરી છે.

પોલીસ પૂછપરછમાં રમીલાબહેને જણાવ્યું કે તેણે વાહનોની નજીકમાં રહેલા કચરાના ઢગલામાં આગ લગાડી હતી. તેમનું કહેવું છે કે પવનના કારણે આગના તણખલાં વાહનો સુધી પહોંચ્યા, જેનાથી વાહનોમાં આગ ફેલાઈ ગઈ. આગ ઝડપથી વધતાં તેઓ ગભરાઈ ગયા અને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. જોકે, પોલીસ આ ઘટનાના પાછળના સંપૂર્ણ કારણો અને ઈરાદાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ઘટના 31 માર્ચની વહેલી સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ બની હતી. ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા વાહનો પાર્ક કરેલા હતા. અચાનક આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં 33 વાહનો ભડભડ સળગી ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઓઢવ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરી. સ્થાનિક લોકો સાથેની પૂછપરછે પણ પોલીસને રમીલાબહેન સુધી પહોંચવામાં મદદ કરી. હાલ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસ આગ લાગવાના ચોક્કસ કારણો અને આ ઘટના પાછળના હેતુઓની શોધખોળ કરી રહી છે. આ ઘટનામાં બળી ગયેલા વાહનોમાં ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 22 વાહનો ઉપરાંત 11 અન્ય પાર્ક કરેલા વાહનોનો સમાવેશ થાય છે. હવે સવાલ એ ઉભો થાય છે કે વાહન માલિકોના નુકસાનની ભરપાઈ કોણ કરશે? આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ સામે આવ્યો નથી, પરંતુ પોલીસ અને સંબંધિત વિભાગો આ મુદ્દે વિચારણા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

ડીસા બ્લાસ્ટ કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા, આરોપીઓ સામે FIR નોંધાઇ

બનાસકાંઠાના ડીસા શહેરમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભયંકર આગને કારણે 21 શ્રમિકોનો જીવ ગયો છે. આ ઘટના બાદ ગુજરાત સરકારે તાત્કાલિક પગલાં લેતાં 18 મૃતકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દીધા છે. જોકે, આ દુર્ઘટના અંગે હવે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. શરૂઆતમાં આ સ્થળને ફટાકડાનું ગોડાઉન ગણાવવામાં આવ્યું હતું, પરંતુ હવે મૃતકોના પરિવારજનોએ આ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે મધ્ય પ્રદેશથી શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા માટે ખાસ ગુજરાત લાવવામાં આવ્યા હતા.

સૂત્રોની જાણકારી પ્રમાણે, રાજ્ય સરકારે પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને મધ્ય પ્રદેશના સિંઘલપુરના 18 શ્રમિકોના મૃતદેહો તેમના વતન મોકલી દીધા છે. પરિવારજનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ સ્થળ માત્ર ગોડાઉન નહીં, પરંતુ ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી. તેમનો આરોપ છે કે ગોડાઉનના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને મધ્ય પ્રદેશથી આ શ્રમિકોને સુતળી બોમ્બના ઉત્પાદન માટે અહીં લવાયા હતા. આ ઘટનાને લઈને વધુ એક મહત્વનો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, ઘટના પાછળનો માસ્ટર માઈડ અમદાવાદના નારોલનો રહેવાસી છે. અગ્રવાલ નામનો એક વ્યક્તિ આ ફેક્ટરીમાં ફટાકડા બનાવવા માટે એલ્યુમિનિયમ પાઉડર સપ્લાય કરતો હતો. આ ફેક્ટરીમાં કોઈ સરકારી પરવાનગી વિના દિવસદહાડે ફટાકડાનું ઉત્પાદન થતું હતું. 21 લોકોના જીવ ગયા બાદ પણ સરકારની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે.

આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા-પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની LCB દ્વારા ધરપકડ કરી સા-અપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.ડીસામાં કેટલાય વર્ષોથી ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા ખૂબચંદે થોડા વર્ષો પૂર્વે ઢૂવા રોડ પર જગ્યા લીધી અને ત્યાં જ પત્નીના નામનું રજીસ્ટ્રેશન મેળવીને ફર્મ ઉભી કરી હતી. અને તમામ બેંકિંગ વ્યવહારો પણ પત્નીના નામે કર્યા. ખૂબચંદે પોતાના ફટાકડાના વ્યવસાયનો દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી વિસ્તાર વધાર્યો હતો.

CBIએ ભૂપેશ બઘેલને મહાદેવ બેટિંગ કેસમાં આરોપી બનાવ્યા

નવી દિલ્હીઃ છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને (CBI)એ મહાદેવ એપ કૌભાંડમાં તેમને આરોપી બનાવ્યા છે અને તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મહાદેવ બેટિંગ એપના રૂ. 6000 કરોડના ઓનલાઈન સટ્ટા કૌભાંડથી જોડાયેલા કેસમાં CBIએ બઘેલનું નામ FIRમાં સામેલ કર્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે એક અઠવાડિયા પહેલાં એજન્સીએ ચાર રાજ્યોમાં 60 સ્થાનો પર દરોડા પાડ્યા હતા. જેમાં બઘલેના નિવાસસ્થાન, અમુક અમલદાર અને પોલીસ અધિકારીઓનાં ઘર સામેલ હતાં. તેમને છ નંબરના આરોપી બનાવ્યા છે.

આ FIRમાં કહેવામાં આવ્યું છે કે મહાદેવ બુક એપના માલિકોએ પોલીસ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓને પ્રોટેક્શન મની તરીકે મોટી રકમ આપી હતી, જેથી તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ પગલાં લેવામાં ન આવે. આ રૂપિયા હવાલા દ્વારા પોલીસ અને તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા અને પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓ સુધી પહોંચાડતા હતા. આ રીતે ઘણા પોલીસ અને તંત્રના અધિકારીઓએ પોતાને લાભ પહોંચાડવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. એજન્સીએ 18 ડિસેમ્બર, 2024એ આ મામલે FIR નોંધાવી હતી.

Ajay Devgn Birthday: શું તમને અભિનેતાનું સાચું નામ ખબર છે?

1991 માં, એક સામાન્ય દેખાતા અભિનેતા, જે કેટલાક રોમાંચક એક્શન દ્રશ્યો ભજવવામાં સક્ષમ હતા, તેમણે ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો. લોકોને ખાતરી નહોતી કે તે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી શકશે કે નહીં. ઠીક છે, એ તો બધા જાણે છે કે ફિલ્મ ઉદ્યોગ સારા દેખાવથી ગ્રસ્ત છે અને તે સમયે, એક સામાન્ય દેખાતો વ્યક્તિ પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ અજય દેવગનની. આજે અભિનેતાનો જન્મ દિવસ છે.

બૉલિવૂડ અભિનેતા અજય દેવગનનો આજે જન્મ દિવસ છે. પરંતુ શું તમને ખબર છે કે ગ્લેમરની દૂનિયામાં પોતાની ફિલ્મોની લાંબી સફર ખેડનાર અભિનેતાનું સાચું નામ અજય દેવગન નહોતું. અભિનેતાનું સાચું નામ વિશાલ વીરુ દેવગન છે. અજય દેવગણ એક એવા સુપરસ્ટાર છે જેણે પોતાની કારકિર્દીમાં જોખમ લેવાની હિંમત કરી, જ્યારે કે તે એક એક્શન હીરો બનીને રહી શક્યા હોત.અભિનેતાના જન્મ દિવસ પર તેમની કેટલીક ફિલ્મ વિશે વાત કરીએ.

હમ દિલ દે ચૂકે સનમ
તેમણે એક એવા પતિની ભૂમિકા ભજવી હતી જેણે પોતાની પત્નીને તેના જીવનના પ્રેમ સાથે ફરીથી જોડવાની જવાબદારી લીધી હતી. સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અજયને તેના અભિનય માટે ઘણી પ્રશંસા મળી. આ ફિલ્મમાં તેણે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી.

ઓમકારા
આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ ભારદ્વાજે કર્યું હતું. આ ફિલ્મ શેક્સપિયરના નાટકનું રૂપાંતરણ હતું અને અજયે ઓથેલોની ભૂમિકા ભજવી હતી. પોતાના શક્તિશાળી અભિનયથી, તેમણે સાબિત કર્યું કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરવા માટે જ બન્યા છે.

સિંઘમ
એક્શન એ અજયની તાકાત છે. રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમમાં તે એક મજબૂત પોલીસ અધિકારીની ભૂમિકામાં અદ્ભુત દેખાતા હતા. અદ્ભુત એક્શન દ્રશ્યો અને સીટીઓ વાગવા લાયક સંવાદો સાથે આ ફિલ્મ ખૂબ જ હિટ સાબિત થઈ.

ગોલમાલ

અજય દેવગન જેટલી એક્શન ફિલ્મમાં નિપુણ છે એટલા જ કૉમેડીમાં પણ. જે તેમણે ગોલમાલ ફિલ્મ કરીને સાબિત કર્યુ. કૉમેડી ફિલ્મ ગોલમાલમાં તેમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા.

રેડ
નાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો. આ ફિલ્મમાં અજય દેવગન સાથે ઇલિયાના ડી’ક્રુઝ અને સંજય મિશ્રા જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અજય દેવગણે એક પ્રામાણિક ઈન્કમ ટેક્સ ઓફિસરની ભૂમિકા ભજવી હતી.

ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ
આ ફિલ્મમાં અજય દેવગણે ક્રાંતિકારી ભગત સિંહની ભૂમિકા ભજવી હતી અને આ પાત્રને સારો ન્યાય આપ્યો હતો. તેમણે પોતાના અભિનયથી દર્શકોને આશ્ચર્યચકિત કર્યા.

મુંબઈથી દરિયા માર્ગે ટ્રેન દ્વારા દુબઈ પહોંચાશે, જાણો…

નવી દિલ્હીઃ મુંબઈ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના દુબઈ પાસે આવેલા ફુજિરાહ વચ્ચે અન્ડરવોટર રેલવે ટનલ બાંધીને બેઉ શહેરો વચ્ચે રેલવે-સર્વિસ શરૂ કરવાની યોજના UAEના નેશનલ એડ્વાઇઝર બ્યુરો લિમિટેડ દ્વારા થોડાં વર્ષો પહેલાં તૈયાર કરવામાં આવી હતી, પણ આ પ્રોજેક્ટ પર એ પછી કોઈ અપડેટ આવી નથી. હાલમાં આ કંપનીએ આ રેલવે અન્ડરવોટર ટનલ કેવી દેખાશે અને કેવી રીતે માત્ર બે કલાકમાં આ પ્રવાસ પૂરો કરશે એનો વિડિયો યુટ્યુબ પર મૂક્યો છે. આ પ્રોજેક્ટ ૨૦૩૦ સુધીમાં પૂરો થવાની ધારણા રાખવામાં આવી છે અને એ સફળ રીતે અમલી બને તો પાણીની નીચેથી મુંબઈથી દુબઈનો પ્રવાસ કરવાનો ઉમંગ અનેરો થશે. વિડિયોમાં જણાવ્યા અનુસાર આ ફ્લોટિંગ ટનલ આશરે ૨૦૦૦ કિલોમીટર લાંબી હશે અને એમાં ૬૦૦થી ૧૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટનલ એવી હશે કે અન્ડરવોટર જીવસૃષ્ટિ પણ જોઈ શકાશે. હાલમાં વિમાન દ્વારા પ્રવાસ કરવામાં બેથી અઢી કલાકનો સમય લાગે છે, પણ ટ્રેન દ્વારા પ્રવાસ એના કરતાં ઓછા સમયમાં પૂરો કરી શકાશે.

આ ટનલ દ્વારા મુંબઈથી દુબઈને નર્મદા નદીનું પાણી મોકલવામાં આવશે અને દુબઈથી ભારતને ઓઇલ મોકલવામાં આવશે. આ સિવાય ઝડપથી માલસામાનની પણ હેરફેર થઈ શકશે. જોકે આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે અબજો ડોલરનું રોકાણ કરવું પડશે.

UAEના સંબંધિત પદાધિકારીઓના દાવા મુજબ આ દુબઇ અને મુંબઇ અંડરવોટર રેલ નેટવર્કથી માત્ર UAE અને ભારત જ નહીં, પણ અન્ય દેશોને પણ ફાયદો થશે. બ્યુરોના વડા અબદુલ્લા અલશેહીએ કહ્યું હતું કે અમે ભારતના મુંબઇને દુબઇના ફુજૈરાહ સાથે દરિયા હેઠળ અલ્ટ્રા-હાઇ-સ્પીડ રેલ નેટવર્ક વડે જોડવા માગીએ છીએ. આનાથી વેપારને વેગ મળશે.

લો બોલો, હવે ફ્લાઈટમાં પણ સીટ માટે મારામારી શરૂ થઈ ગઈ!

સોશિયલ મીડિયાના આ સમયમાં વિડીયો વાયરલ થવા ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે. બીજી એક સારી વાત એ છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં બનેલી ઘટનાઓ આપણા સુધી આંગળીના ટેરવે પહોંચી જાય છે. આવી જ એક ઘટના પ્લેનમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ઘટના અંગેની માહિતીની જો વાત કરીએ તો, થોડા દિવસો પહેલા મેલબોર્નથી બાલી જતી જેટસ્ટારની ફ્લાઇટમાં આ ઘટના બની હતી. જેના કારણે મુસાફરોના શ્વાસ ઉંચો થઈ ગયો હતો. આ વિમાનમાં 30,000 ફૂટની ઊંચાઈ પર ઊડતા સમયે બે મુસાફરો વચ્ચે સીટ પર બેસવાનો વિવાદ શરૂ થયો હતો. આ ઝઘડો એટલો વધ્યો કે તે મારામારીમાં ફેરવાઈ ગયો.

 

View this post on Instagram

 

A post shared by Dog Witch (@witchtrain)

એક મુસાફર ગુસ્સે ભરાઈ ગયો અને બાજુની સીટ પર બેઠેલા વ્યક્તિ સાથે મારામારી કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. પરિણામે, બીજા મુસાફરે તેને રોકવા માટે ઝઘડો ન વધે તેવા પ્રયાસો કરવા લાગ્યા. તેમ છતાં, ગુસ્સાથી ભરેલા બંને મુસાફરો એકબીજાને ગાળો આપતા રહ્યા.

આ પરિસ્થિતિને ઝડપથી સંભાળવા માટે, જેટસ્ટારની ફ્લાઇટ ક્રૂએ દખલ કરી અને ક્રૂના સભ્યોએ પરિસ્થિતિ શાંત કરી. એરલાઇને આ અંગે નિવેદન જાહેર કર્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને આવા વર્તન માટે તેમની એરલાઇનમાં કોઈ સ્થાન નથી. આ સમગ્ર ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો આ પરિસ્થિતિને જોઈને ગુસ્સે થયા છે.

108 વર્ષની ઉંમરે આ જાપાની મહિલા આજે પણ છે કાર્યરત, શું છે વ્યવસાય?

ટોક્યો: 1937માં જાપાન ચીન યુદ્ધમાં હાકોઇશીના પતિ સૈનિક તરીકે જોડાયા અને ચીન સાથેની ભીષણ લડાઇમાં માર્યા ગયા હતા. હાઇકોશીને પતિના મુત્યુથી આઘાત તો ખૂબ લાગ્યો પરંતુ બંન્ને બાળકોના લાલન પાલનની જવાબદારી માથે ઉપાડી લીધી હતી. આથી તેમણે સલૂન ચલાવવાનું શરૂ કર્યું.

જાપાનમાં 10 નવેમ્બર 1916માં જન્મેલા શિતસુઇ હાકોઇશી નામના આ મહિલા 108 વર્ષના છે. આટલી જૈફ વયે પણ તેઓ પોતાનું સલુન ચલાવે છે. વાળમાં ફરતી આંગળીઓ અને કાતર ચલાવવાનો અંદાજ અનોખો છે. 100 વર્ષનું આયખું વટાવ્યા પછી પણ તેમના ઉત્સાહમાં કોઇ જ કમી આવી નથી. ગત સપ્તાહે શિતસુઇ હાકોઇશીએ દુનિયાના સૌથી ઉંમરલાયક વાળ કાપતા મહિલા તરીકે વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો.

પૂર્વી જાપાનના નાકાગાવા કસ્બામાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં તેમના 85 વર્ષના અને 81 વર્ષના પુત્રીઓ પણ હાજર રહ્યા હતા. 108 વર્ષના આ મહિલા વિશ્વની સૌથી વૃધ્ધ બાર્બર હોવાનું ગૌરવ મેળવીને ખુશ જોવા મળતા હતા. આ પ્રસંગે તેમણે પોતાનું દિલ આનંદથી ભરાઇ ગયું હોવાની પ્રતિક્રિયા આપી હતી. અગાઉ સૌથી ઉંમરલાયક બાર્બર મહિલાનું બિરુદ ન્યૂયોર્કના એંથની માનસિનેલીના નામે હતું. માનસિનેલી હવે આ દુનિયામાં હયાત નથી. પરંતુ શિતસુઇ  હાકોઇશી ખૂબજ સ્વસ્થ જણાય છે. હાકોઇશીએ 14 વર્ષની નાની ઉંમરે વાળ કાપવાની કળા ટોકયોમાં શિખી હતી. 20 વર્ષની ઉંમરે તેમને વ્યવસાયિક બાર્બર હોવાનું પ્રમાણપત્ર મળ્યું હતું. લગ્ન થયા પછી પતિ-પત્નીએ ટોકયોમાં બાર્બરશોપ ખોલી હતી.  બીજા વિશ્વયુધ્ધ દરમિયાન અમેરિકી સૈનિકોએ ટોક્યો પર બોંબમારો કરતા તેમનું ઘર પણ બળીને રાખ થઇ ગયું હતું.  જીવ બચાવવા માટે હાકોઇશી બાળકોને લઇને ટોક્યોથી પોતાના ગામ નાકાગાવા આવી ગયા હતા. પોતાના ગામમાં બાળકોના ઉછેરની સાથે રિહાત્સુ હાકોઇશુ નામનું સલુન ખોલ્યું હતું. જાપાની ભાષામાં રિહાત્સુનો અર્થ બાર્બર થાય છે. હાકોઇશુ હજુ પણ ઉત્સાહથી પોતાનું કામ કરતા રહેવાનું નકકી કર્યુ છે. તે આવનારા 109મા જન્મ દિવસને શાનદાર રીતે ઉજવવા માગે છે અને 110 વર્ષ સુધી આકરી મહેનત ચાલુ રાખવા ઇચ્છે છે.

ટેરિફનો તાત્કાલિક અમલ કરવામાં આવશે’, ટ્રમ્પની જાહેરાત પર વ્હાઇટ હાઉસનું નિવેદન

અમેરિકા: મંગળવારે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલથી જાહેર કરાયેલા પારસ્પરિક ટેરિફ તાત્કાલિક અમલમાં આવશે અને ઓટો ટેરિફ 3 એપ્રિલના રોજ નિર્ધારિત સમય મુજબ અમલમાં આવશે. ટેરિફના ભયને કારણે સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. મંગળવારે ભારતીય શેરબજારમાં 1400 પોઈન્ટનો ઘટાડો થયો હતો અને NSE નિફ્ટીમાં 353 પોઈન્ટનો ઘટાડો થયો હતો.વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ શું કહ્યું?

પત્રકારો સાથે વાત કરતા, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના વેપાર સલાહકારો સાથે ટેરિફ વ્યૂહરચનાને “સંપૂર્ણ” બનાવવા માટે કામ કરી રહ્યા છે. હું સમજું છું કે ટેરિફ કાલે જાહેર કરવામાં આવશે. તેઓ હાલમાં તેની ટ્રેડ અને ટેરિફ ટીમ સાથે છે, અમેરિકન લોકો અને અમેરિકન કામદારો માટે સારો સોદો છે તેની ખાતરી કરવા માટે તેને સંપૂર્ણ બનાવી રહ્યા છે, અને તમને બધાને હવેથી લગભગ 24 કલાકમાં ખબર પડશે.

ટ્રમ્પ એવા વિદેશી સરકારો અને કોર્પોરેટ નેતાઓ સાથે વાટાઘાટો કરવા તૈયાર છે, જેઓ ઓછા દર ઇચ્છે છે. તેમણે કહ્યું કે ઘણા દેશોએ રાષ્ટ્રપતિની યોજનાઓ વિશે વહીવટીતંત્રનો સંપર્ક કર્યો છે. અલબત્ત, રાષ્ટ્રપતિ હંમેશા ફોન પર વાત કરવા માટે ઉપલબ્ધ હોય છે, સારી વાતચીત માટે હંમેશા ઉપલબ્ધ હોય છે, પરંતુ તેઓ ભૂતકાળની ભૂલોને સુધારવા અને અમેરિકન કામદારોને વાજબી સોદો મળે તે બતાવવા માટે ખૂબ જ ચિંતિત છે.

ટ્રમ્પ ‘લિબરેશન ડે’ પર ટેરિફની જાહેરાત કરશે. ટ્રમ્પ બુધવારે સાંજે 4 વાગ્યે (સ્થાનિક સમય) વ્હાઇટ હાઉસ રોઝ ગાર્ડન ખાતે સત્તાવાર જાહેરાત કરશે. પારસ્પરિક ટેરિફ એ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી લાદેલી શ્રેણીબદ્ધ આયાત જકાતનો એક ભાગ છે. આમાં કેનેડા અને મેક્સિકોથી થતી આયાત પર ઊંચા ટેરિફ, ધાતુઓ પર ક્ષેત્ર-વિશિષ્ટ ટેરિફ અને તાજેતરમાં, આયાતી ઓટોમોબાઇલ્સ પર ટેરિફનો સમાવેશ થાય છે. ટ્રમ્પે ખાતરી આપી હતી કે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી તેમ, આ ગુરુવારે કાર પર ‘કાયમી’ ટેરિફ લાગુ કરવામાં આવશે.

પારસ્પરિક ટેરિફ શું છે?

ડોનાલ્ડ ટ્રમ્પની પારસ્પરિક ટેરિફ એક મહત્વપૂર્ણ આર્થિક નીતિ છે જેનો હેતુ અમેરિકન ઉત્પાદનોને વિશ્વ બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવવાનો છે. આ ટેરિફ દ્વારા, ટ્રમ્પ વહીવટીતંત્રે ખાતરી કરવાનો પ્રયાસ કર્યો કે અમેરિકાને વેપાર કરારોમાં સમાન તકો અને લાભ મળે. પારસ્પરિક ટેરિફનો મુખ્ય હેતુ દ્વિપક્ષીય વેપાર કરારોમાં સંતુલન જાળવવા માટે, યુએસ ઉત્પાદનો પર ઉચ્ચ આયાત જકાત લાદતા દેશો પર જકાત લાદવાનો છે.

VIDEO: અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ઘર વાપસી: સુનિતા વિલિયમ્સ

અમેરિકા: ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં નવ મહિના વિતાવ્યા પછી 18 માર્ચે પૃથ્વી પર પરત ફર્યા. અવકાશમાંથી પાછા ફર્યા બાદ, સુનિતા વિલિયમ્સે મંગળવારે સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ પોસ્ટ કરી, જેમાં તેમનું તેમના ડોગ્સ ઉત્સાહપૂર્વક સ્વાગત કરતા જોવા મળે છે. સુનિતા આને અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ઘર વાપસી ગણાવી રહ્યા છે. આ વીડિયોમાં સુનિતા તેમના ડોગ્સ સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે સુનિતા ઘરમાં પ્રવેશતાની સાથે જ બે કૂતરાઓ તેમને ઘેરી લે છે અને તેમના હાથ પર ચઢવાનો પ્રયાસ કરે છે. આ વિડીયો શેર કરતાં તેમણે લખ્યું, ‘અત્યાર સુધીનું શ્રેષ્ઠ ઘર વાપસી.’

સુનિતા વિલિયમ્સે મસ્ક અને ટ્રમ્પનો આભાર માન્યો

સોમવારે, પહેલી વાર મીડિયા સાથે વાતચીત કરતા સમયે, તેમણે અવકાશમાં નવ મહિના વિતાવવાનો પોતાનો અનુભવ શેર કર્યો. આ દરમિયાન, તેમણે અને બુચ વિલ્મોરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્પેસએક્સના માલિક એલોન મસ્કનો આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પરથી પાછા લાવવામાં મદદ કરવા બદલ આભાર માન્યો.
તેમણે એમ પણ કહ્યું કે, અમને પૃથ્વી પર પાછા ફર્યાને લગભગ બે અઠવાડિયા થઈ ગયા છે. હવે અમને પૂછવામાં આવી રહ્યું છે કે અમે શું કરી રહ્યા છીએ? તો હું તમને કહી દઉં કે અમે નવા પડકારો માટે તૈયારી કરી રહ્યા છીએ. નવા મિશનની તૈયારી. મેં ગઈકાલે જ ત્રણ માઈલ દોડ્યું, તેથી હું ચોક્કસપણે મારી પીઠ થપથપાવી શકું છું.

તમે પહેલા શું કર્યું?

તે જ સમયે, જ્યારે સુનિતા વિલિયમ્સને પૂછવામાં આવ્યું કે પૃથ્વી પર પાછા ફર્યા પછી તેમણે સૌથી પહેલા શું કર્યું, ત્યારે તેમણે કહ્યું કે સૌપ્રથમ પતિ અને કૂતરાઓને ગળે લગાવ્યા. ઘરે પાછા આવ્યા પછી, મેં ગ્રીલ્ડ ચીઝ સેન્ડવિચનો સ્વાદ ચાખ્યો. સાથે જ પિતાજીને યાદ પણ કર્યા.

આ ઉપરાંત, જ્યારે તેમને ભારતની મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે સુનિતાએ કહ્યું કે તે ચોક્કસપણે તેના પિતાના દેશ ભારતની મુલાકાત લેશે. તે ભારતીય અવકાશયાત્રીના એક્સિઓમ મિશન પર જવા અંગે ઉત્સાહિત છે. મને આશા છે કે હું ક્યારેક તેમને મળીશ અને ભારતમાં શક્ય તેટલા વધુ લોકો સાથે મારો અનુભવ શેર કરી શકીશ. ભારત એક મહાન દેશ છે અને એક અદ્ભુત લોકશાહી છે જે અવકાશમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે તેનો ભાગ બનીને ભારતને મદદ કરવા માંગીએ છીએ.