દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને ઓવૈસીએ બનાવ્યો ઉમેદવાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ દિલ્હી રમખાણના આરોપી તાહિર હુસૈનને ટિકિટ આપી છે. તાહિર હુસૈન મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર હશે. દિલ્હીમાં 2022માં  તોફાનો થયાં હતાં. તાહિર હુસૈન અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં હતા.

દિલ્હી પોલીસે ચાર્જશીટમાં તાહિર હુસૈન અને અન્ય 14 લોકોની વિરુદ્ધ  રમખાણો ખેલાવવા અને હિંસા કરવાના આરોપ લગાવ્યા હતા. રમખાણોમાં આરોપી નામ આવતાં આપ પાર્ટીએ તાહિર હુસૈનને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા. તેઓ DMCમાં કાઉન્સિલર હતા.ઓવૈસીએ X લખ્યું છે કે  MCD કોર્પોરેટર તાહિર હુસૈન AIMIMમાં સામેલ થયા છે. આગામી દિલ્હી વિધાનસભામાં તે મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી અમારા ઉમેદવાર હશે, તેમના પરિવારના સભ્ય અને સમર્થકોએ મારી સાથે મુલાકાત કરી છે અને પાર્ટીમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.

પોલીસની ચાર્જશીટમાં તાહિર હુસૈનને તોફાનોના માસ્ટરમાઇન્ડ બતાવવામાં આવ્યા છે. હુસૈને હિંસા ભડકાવી હતી અને લોકોની ઉશ્કેરણી કરી હતી અને તોફાનો માટે કાવતરા રચ્યા હતા અને રમખાણો માટે પૈસા પણ ખર્ચ કર્યા હતા.

તાહિર હુસૈનની ઉમેદવારી સાથે ઓવૈસીએ એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે AIMIM દિલ્હી વિધાનસભા  ચૂંટણી લડવાની છે. ઓવૈસી કમસે કમ 10 સીટો પર ઉમેદવાર ઉતારે એવી શક્યતા છે. દિલ્હીના રણમાં ઓવૈસીના આવવાને કારણે મુસ્લિમ બહુમતી વિસ્તારમાં ત્રિકોણીય ટક્કર થવાની સંભાવના છે.