Budget 2025-26: શું છે આ લોકોની આશા-અપેક્ષા?

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીના વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણ આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ સાથે નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મનું પૂર્ણ કદનું આ બીજું બજેટ સત્ર છે. આમ તો, બજેટની વાત સાંભળતાની સાથે સામાન્યથી લઈ ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકોની આશા બંધાવાની શરૂ થઈ જતી હોય છે. બજેટમાં આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપતી નીતિ, રોજગારીનાં વધુ અવકાશ, અને માળખાકીય સુધારા તરફના સરકારના અભિગમને લઈ મહત્વની જાહેરાતો થતી હોય છે. આમ તો બજેટમાં તમામ લોકોની આશા પૂર્ણ થતી નથી, પરંતુ ઘણા એવા સેક્ટરો હોય છે જેને બજેટમાં પ્રોત્સાહન પણ મળતું હોય છે.

ગુજરાત જેવા ઉદ્યોગપ્રધાન રાજ્ય માટે બજેટ ઘણું મહત્વનું સાબિત થતુ હોય છે. ત્યારે આ વખતે ઓપિનિયનમાં જાણીએ અલગ-અલગ સેક્ટરના લોકો પાસેથી બજેટને લઈ શું છે તેમની અપેક્ષા?

ડો. કેતન કે. શાહ, H.O.D., સ્કૂલ ઓફ કોમર્સ, L.J. યુનિવર્સિટી, અમદાવાદ

દેશના વિકાસના ગ્રોથ માટે ત્રણ મહત્વના પાસા હોય છે. એક ઉપભોગ, બીજું મૂડી રોકાણ અને ત્રીજું સરાકરી ખર્ચ. ભારતના કેસમાં એક્સપોર્ટ-ઈમ્પોર્ટ મહત્વનું પાસું નથી. પરંતુ આ ત્રણ પાસામાંથી ઉપભોગનો ભાગ 55 ટકા સુધીનો છે. આંકડા પ્રમાણે અર્બન કન્ઝમપશન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. જો એ ઝડપથી આગળ વધશે તો અર્થતંત્રમાં સુધારો આવશે. મારા મત પ્રમાણે સરકાર ઇન્કમટેક્સમાં વધુ રાહત આપે તો લોકો વધુ ખર્ચ કરતા થશે. આ સાથે આ વખતે મૂડી ખર્ચમાં વધારો કરવાનું ચાલુ રાખી શકે છે. મારી દ્રષ્ટિએ મોદી સરકારે પાછલા 10 વર્ષથી કન્ટિન્યૂઇટિ અને કન્સિસ્ટન્સિ જાળવી રાખી છે. રોજગારીને લઈ ડિજિટલ ઈન્ડિયાને લઈ ઘણા એવા વિઝન હતા જેના પર તેમને સતત કામ કર્યું છે. એટલા માટે મને નથી લાગતું કોઈ નવી પોલીસીનો ઉમેરો થશે.

નિશિત સાગોટીયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, નોબલ યુનિવર્સિટી,  જૂનાગઢ

એક સામાન્ય વર્ગના નોકરિયાત તરીકે હું બજેટથી એવી આશા રાખું છું કે મધ્યમ વર્ગના લોકો માટે ટેક્સરહિત બચત પોલીસીની જોગવાઈ કરવામાં આવે. આ ઉપરાંત ઈન્કમટેક્સના સ્લેબના રેટમાં 8 લાખ સુધીની આવક ધરાવતા લોકો માટે ટેક્સ ન રાખવામાં આવે. જેમ આપણું રાજ્ય વેપાર વાણિજ્યમાં આગવું નામ ધરાવે છે. તો મારી દ્રષ્ટિએ નાના તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગ સાહસિકો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મશીનરી વસાવા માટે પુરતી નાણાકીય સહાય મળી રહે તેવી નીતિનો અમલ કરવો જોઈએ. આ સહાય મેળવવા માટેની પ્રોસેસ સરળ તેમજ ઝડપી નિકાલ થાય એ રીતે લઘુતમ વ્યાજદર પર મળી શકે તેવી નીતિનું ગઠન થવું જોઈએ.

નૈનેશ પચ્ચીગર, પ્રદેશ પ્રમુખ, IBJA

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) સરકાર પાસે સોના પર લાગેલી આયત ડ્યૂટીમાં ઘટાડવાની આશા રાખી રહ્યું છે. આ સાથે સોનાને વધુ સુલભ બનાવવા અને દાણચોરી ઘટાડવા માટે સોના પરની આયાત જકાત 6% થી ઘટાડીને 3% કરવી જોઈએ. સરકારે કસ્ટમ બોન્ડેડ વેરહાઉસની જેમ સુવિધા ઊભી કરવી જોઈએ. જ્યાં આયાત ડ્યૂટી અગાઉથી ચૂકવવામાં આવે છે, પરંતુ GST સ્થગિત કરવામાં આવે છે. કોમોડિટી એક્સચેન્જ પર ટ્રેડિંગ સક્ષમ કરવા ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (EGR) જારી કરવું જોઈએ. બુલિયનની નિકાસને IIBX દ્વારા મંજૂરી આપવા સાથે સોનાની આયાત IIBX પરથી ફરજિયાત કરવી જોઈએ. ધીમે-ધીમે એવી સિસ્ટમ તરફ આગળ વધવું, જ્યાં 100% બુલિયન વેપાર કોમોડિટી એક્સચેન્જ દ્વારા થાય છે. સોના અને જ્વેલરીના વેચાણ પર કેપિટલ ગેઇન ટેક્સ દૂર કરવો જોઈએ.

પુનિત દેવાણી, CA, અમદાવાદ

બજેટથી બધા લોકોને ઘણી અપેક્ષા હોય જ છે. ખાસ કરીને જે પગારદાર વ્યક્તિ હોય તેને વધુ આશા બંધાતી હોય છે કે ટેક્સમાં રાહત આપવામાં આવે. આ ઉપરાંત જો આ વર્ષે બજેટમાં કલમ 80C અંતર્ગત જે રોકાણ મર્યાદા રાખવામાં આવી છે, તે વધારી આપવામાં આવે તો મધ્યમ વર્ગના લોકોને રાહત મળી શકે. આ ઉપરાંત સેક્શન 24(b) હેઠળ મકાન લોનના વ્યાજ પર વધારે છૂટ અને ટેક્સ ફાઇલિંગની સરળ પ્રક્રિયા માગે છે. મોંઘવારીના તાણમાંથી રાહત આપવા માટે આવશ્યક વસ્તુઓ પર સબસીડી અથવા ટેક્સ લાભની અપેક્ષા છે. સાથે જ સામાજિક સુરક્ષા પગલાં, જેમ કે EPF લાભમાં વધારો પણ આવકાર્ય છે. કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહન અને અપસ્કિલિંગ કાર્યક્રમો પર ટેક્સ છૂટછાટ મળે તો વધુ સારું છે. ઉપરાંત, વર્તમાન જીવતર ખર્ચને ધ્યાનમાં લઈને HRA અને વાહન ભથ્થું જેવા ભથ્થામાં સુધારો કરવાથી નેટ આવકમાં વધારો થશે અને વધતા આર્થિક પડકારોને પહોંચી વળવામાં મદદ મળશે.

સૌરિનભાઈ પરીખ, અધ્યક્ષ, ટેક્ષટાઇલ્સ એસોસિયેશન, અમદાવાદ

અમને બજેટ 2025ને લઈને ઘણી અપેક્ષાએ છે, કે આ બજેટમાં અમારા વેપારને સારું પ્રોત્સાહન મળે. ગાર્મેન્ટ અને ફેબ્રિક ઈમ્પોર્ટ પર ટેક્સ વધારવાની જરૂર છે. ટેક્સ વધારવાથી ટેક્ષટાઇલ્સ ઈન્ડસ્ટ્રીને વધુ સારી તકો મળે. ઈન્ડિયામાં અત્યારે કોટનનું ઉત્પાદન સારું છે અને તેનું એક્સપોર્ટ પહેલાં જ થઈ જાય છે. જો તેની સામે ગાર્મેન્ટ અને ફેબ્રિક એક્સપોર્ટને પ્રોત્સાહન મળે તો અમારા બિઝનસ વધુ વેગવંતો બને. ‘ભારત ટેક્ષ’ કાર્યક્રમ અત્યારે વર્ષમાં એક વખત થાય છે, તેને વધારી વર્ષમાં બે વખત  કરવાની જરૂર છે. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરી પર સારા ફાયદાઓ આપવા જોઈએ.

અલ્પા ચૌહાણ, ગૃહિણી, અમદાવાદ

આ બજેટમાં અમને મહિલા પ્રોફેશનલ્સને ખાસ ટેક્સ છૂટ આપવી જોઈએ. મોદી સરકાર હંમેશા મહિલા સશક્તિકરણ પર ભાર મૂકે છે. તો તેમણે અમને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરવી જોઈએ. મહિલાઓ માટે મફત હેલ્થ ચેકઅપ, સરકારી હોસ્પિટલમાં મફત સારવાર જેવી સુવિધાઓ આપવી જોઈએ. કામના સ્થળો પર મહિલાઓની સંખ્યા વધારવા માટે પણ સરકારે પ્રયત્નો કરવા જોઈએ. મહિલા સ્ટાર્ટસ અપને પ્રોત્સાહન આપવા માટે વધુ પ્રયત્નો કરવા જોઈએ. મહિલાઓને લોનમાં પણ રાહત આપવી જોઈએ.

(તેજસ રાજપરા – અમદાવાદ)