આગરાઃ યમુના એક્સપ્રેસ વે પર ગઈ કાલે રાતે એક ભીષણ અકસ્માત થયો હતો. એક કારની ઉપર એક ઓઈલ ટેન્કર પલટી ખાઈને પડતાં કારમાં પ્રવાસ કરી રહેલા સાત જણનાં કરૂણ મરણ નિપજ્યાં હતાં. એમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે.
નોએડાથી આગરા તરફ જતું ઓઈલ ટેન્કર ડિવાઈડર સાથે અથડાયું હતું અને ડિવાઈડરને તોડીને સામેની લેન પર જઈ પડ્યું હતું. એ જ વખતે આગરાથી નોએડા તરફ જતી કમનસીબ ઈનોવા કાર ટેન્કર અને ડિવાઈડર વચ્ચે આવી ગઈ હતી. ટેન્કર પલટી ખાઈને કારની ઉપર પડ્યું હતું. પરિણામે કારમાં પ્રવાસ કરી રહેલા તમામ સાત જણના મરણ નિપજ્યા હતા. મૃતકોમાં હરિયાણાના જિંદ શહેરના વતની પતિ-પત્ની, એમનાં બે સગીર વયનાં પુત્ર, એમના મોહલ્લામાં રહેતાં સંબંધી સગીર વયનાં ભાઈ-બહેન અને ડ્રાઈવરનો સમાવેશ થાય છે.