નોર્થ કોરિયાના પ્રતિબંધિત ન્યુક્લિયર સેન્ટરના ફોટા પહેલીવાર સામે આવ્યા છે. આ યુરેનિયમ સંવર્ધન સ્થળ છે. જ્યાં મોટી સંખ્યામાં સેન્ટ્રીફ્યુજ લગાવવામાં આવ્યા છે. આ એક ખાસ મશીન છે, જે પરમાણુ બોમ્બ બનાવવા માટે સામગ્રી તૈયાર કરે છે. નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તાજેતરમાં જ આ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ સિવાય જાપાનના સમુદ્રમાં 600 mm મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કિમ જોંગ ઉને આ સ્થળ સિવાય ન્યુક્લિયર વેપન ઈન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વેપન ગ્રેડ ન્યુક્લિયર મટિરિયલ બનાવવાનું કહ્યું છે. સાથે જ વૈજ્ઞાનિકોને કહ્યું છે કે ઉત્પાદિત પરમાણુ સામગ્રીની માત્રામાં વધારો કરો. જો કે આ પહેલીવાર છે જ્યારે ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમની તસવીરો સામે આવી છે.
યુરેનિયમ એ કુદરતી રીતે બનતું કિરણોત્સર્ગી પદાર્થ છે. પરમાણુ બળતણ બનાવવા માટે, સામાન્ય યુરેનિયમને ખાસ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. ત્યારબાદ તે યુરેનિયમ-235 આઇસોટોપ બને છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી ચીફ રાફેલ ગ્રોસીએ કહ્યું કે યોંગબ્યોનમાં પરમાણુ સંવર્ધન સુવિધા સતત કામ કરી રહી છે.