ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન અર્થાત્ IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ફ્રેન્ચાઇઝી તરફથી એક અત્યંત રોમાંચક અને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતને 2011 ના વનડે વર્લ્ડ કપમાં વિજેતા બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને યુવા બેટ્સમેનોને માર્ગદર્શન આપનાર પૂર્વ દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહને દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ (Assistant Coach) અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. યુવરાજ સિંહ માટે કોચિંગની દુનિયામાં આ પ્રથમ સત્તાવાર અસાઇનમેન્ટ રહેશે.

સૌરવ ગાંગુલી સાથે ફરી જામશે જોડી
આ આગામી સિઝન માટે દિલ્હી કેપિટલ્સે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને પોતાના મુખ્ય કોચ (Head Coach) તરીકે નિયુક્ત કર્યા છે. હવે યુવરાજ સિંહ ‘દાદા’ (સૌરવ ગાંગુલી) સાથે મળીને ડગઆઉટમાં ટીમની રણનીતિ ઘડતા નજરે પડશે. ભારત માટે 304 વનડે, 58 ટી20 ઇન્ટરનેશનલ અને 40 ટેસ્ટ મેચ રમનારા 44 વર્ષીય યુવરાજ સિંહે તાજેતરના વર્ષોમાં અનેક યુવા ખેલાડીઓને ટ્રેઈન કર્યા છે. હવે તેઓ સત્તાવાર રીતે આઈપીએલ સ્તરે પોતાના કોચિંગ કરિયરનું ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

દિલ્હીની ટીમ સાથે જૂનો નાતો અને રેકોર્ડ ડીલ
આ નિમણૂક સાથે જ યુવરાજ સિંહની દિલ્હી ફ્રેન્ચાઇઝી સાથે પુનરાગમન પણ થયું છે. વર્ષ 2015 માં દિલ્હી (ત્યારની ડેરેડેવિલ્સ) ટીમે યુવરાજ સિંહને રેકોર્ડ 16 કરોડ રૂપિયાની જંગી બોલી લગાવીને ખરીદ્યા હતા. તે સમયે તેઓ આઈપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા અને તે સિઝનમાં તેમણે ટીમ માટે તમામ 14 મેચ રમી હતી.
કોચ બન્યા બાદ યુવરાજ સિંહની પ્રથમ પ્રતિક્રિયા
દિલ્હી કેપિટલ્સના સહાયક અને બેટિંગ કોચ બન્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરતા યુવરાજ સિંહે જણાવ્યું હતું, “દિલ્હી કેપિટલ્સ સાથે મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવાને લઈને હું ખુબ જ ઉત્સાહિત છું. આ ફ્રેન્ચાઇઝી સાથે મારું જૂનું જોડાણ છે અને હું માલિકોને પણ સારી રીતે ઓળખું છું. હું દાદા (સૌરવ ગાંગુલી) સાથે કોચ તરીકે જોડાવાને લઈને પણ ઉત્સુક છું. કોચિંગ એ મારું પેશન છે અને હું આ પ્રતિભાશાળી ટીમ સાથે કામ શરૂ કરવા માટે આતુર છું. મને પૂરો વિશ્વાસ છે કે આ સફર ખૂબ જ રોમાંચક રહેશે.”


