મુંબઈ: “હું સ્ટેજ પર પર્ફોમ કરું છું ત્યારે મારાં શરીરનો દરેક સેલ જીવંત થાય છે.200 માણસો વચ્ચે અભિનય કર્યા બાદ જ્યારે તેઓ તમારા કામના વખાણ કરે ત્યારે તે અનુભવને શબ્દોમાં વર્ણવી ન શકાય.” આ શબ્દો છે વેદિકા કૌલ વ્યાસના,જે પ્રતિભાથી ભરપૂર એક ગુજરાતી ઉભરતી અભિનેત્રી અને થિયેટર આર્ટિસ્ટ છે.
વર્લ્ડ થિયેટર ડે 2024 નિમિત્તે ચિત્રલેખા.કોમે વેદિકા સાથે વાતચીત કરી અને તેના સંઘર્ષની ગાથાને નજીકથી જાણવાનો પ્રયત્ન કર્યો. વેદિકા અમદાવાદમાં જ મોટી થઈ. તેનું સ્કૂલિંગ અને કોલેજ પણ અમદાવાદમાં જ થયા છે. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાંથી તેણે ગ્રેજ્યુએશન કર્યું છે. આ અભ્યાસ દરમિયાન પ્રથમ વખત તેનો પરિચય નાટક સાથે થયો. જાણીતા ગુજરાતી નાટ્ય દિગ્દર્શક સૌમ્ય જોશી તેમને ભણાવવા માટે આવ્યા અને ત્યાર બાદ જે થયું તે વેદિકા માટે ઈતિહાસ બની ગયું. સૌમ્ય જોશી બાદ વેદિકાએ અભિનય બેંકર પાસેથી નાટકના ક્લાસ કર્યા. આ દરમિયાન તેને એ વાતનો અનુભવ થઈ ગયો કે જીવનમાં બસ હવે તેને આ જ કરવું છે. તેણે અભિનય બેંકર સાથે 2015માં નટરાણી થિયેટર ખાતે નાટકના વર્કશોપ પણ કર્યા. આ દરમિયાન 2016માં તેને ભાવના પરમારની શોર્ટ ફિલ્મ ‘રંગ તો છે ને’માં લીડ રોલ કરવાની તક મળી. આ શોર્ટ ફિલ્મ બાદમાં ફ્રાન્સમાં કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ હતી. આ દરમિયાન વેદિકાનો અભ્યાસ ચાલુ હતો. અભ્યાસની સાથે-સાથે તેમણે અમદાવાદમાં મોડલિંગ શરૂ કરી દીધી હતી. સાથે જ એક્ટિંગ શીખવા માટેની મહેનત પણ ચાલુ જ હતી.
વેદિકાએ 2017માં ‘મેરી ફેવરિટ શર્ટ’ નામના નાટકથી સ્ટેજ પરની અભિનય યાત્રા શરૂ કરી. આ નાટક અભિનેતા, દિગ્દર્શક અને લેખક માનવ કૌલની ‘ત્રાસદી’ નામની ટૂંકી વાર્તાનું રૂપાંતરણ હતું. આ નાટકને અંકિત ગોર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2019માં તેમણે અદિતિ દેસાઈ દ્વારા દિગ્દર્શિક ‘ધાડ’ નાટકમાં એક કચ્છી યુવતીનું પાત્ર ભજવ્યું હતું. આ પહેલાં વેદિકાએ અદિતી દેસાઈના નાટક સમુદ્રમંથનનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. આ ઉપરાંત તેમણે હર્ષિલ ભટ્ટ દ્વારા નિર્દેશિત હેરોલ્ડ પિન્ટરના રેવ્યુ સ્કેચનું રૂપાંતરણ ‘પાતળી પિન કા ચાર્જર’ નાટકમાં પણ કામ કર્યું હતું.
વેદિકાના થિયેટર પ્રત્યેના સમર્પણને જોઈને તેમના પિતાએ તેમને આ જ વિષયમાં આગળ વધારે અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપ્યું. આથી 2019 માં વેદિકા લોસ એન્જલસમાં ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર અને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં આગળ ભણવા માટે ગયા. ત્યાં તેમને વર્લ્ડ થિયેટરને વધુ નજીકથી જોવાની અને જાણવાની તક મળી. સાથે જ તેનો એક ભાગ પણ બન્યા. 2020 માં, વેદિકા ન્યૂયોર્ક ગયા અને ત્યાં અભિનયનો અભ્યાસ ચાલુ રાખ્યો. 2020માં કોવિડને કારણે તે ભારત પાછી ફરી. જો કે આ દરમિયાન પણ તેમણે થિયેટર કરવાનું ચાલુ રાખ્યું હતું. વેદિકાએ રોશન અબ્બાસ અને ટેસ જોસેફ દ્વારા સંચાલિત કોમ્યુન ઈન્ડિયા સાથે ઓનલાઈન નાટક કર્યું. આ નાટક શીના ખાલિદ દ્વારા સંચાલિત કોમ્યુન ડ્રામેટિક રીડિંગ્સનો એક ભાગ હતું. કોવિડ પછી ફાઈનલી વેદિકા મુંબઈ મુવ થઈ ગઈ પોતાના પેશનને વધુ નજીકથી ફૉલો કરવા માટે.
છ વર્ષના લાંબા અંતરાળ પછી વેદિકાને ફેબ્રુઆરી-2024માં રોહન ત્રિવેદી દ્વારા દિગ્દર્શિત નાટ્યકાર નીલ લાબુટેના ‘ધ શેપ ઓફ થિંગ્સ’ નાટકમાં કામ મળ્યું છે. જેના ગત 23 અને 24મી માર્ચના રોજ મુંબઈના ખારના ધ જેફ ગોલ્ડબર્ગ સ્ટુડિયોમાં હાઉસ ફુલ શો થયા. વેદિકાને પોતાની ધીરજનું ફળ મળ્યું હોય તેવું લાગ્યું. હાલમાં વેદિકા નાટક ‘ધ શેપ ઓફ થિંગ્સ’ પર કામ કરી રહી છે. આ એક અંગ્રેજી નાટક છે તેથી તેને વિશ્વના અન્ય દેશોમાં ભજવવાના પણ તેમના પ્લાનિંગ છે. એ સિવાય કેટલીક એડ્સમાં પણ તેણે કામ કર્યું છે.
પોતાની એક્ટિંગ સ્કીલને વધારે તીક્ષણ બનાવવા માટે જો કોઈ રોલ મોડલ્સની વાત કરવામાં આવે તો તે વેદિકા માટે કોંકણા સેન શર્મા છે. તેમનો અભિનય વેદિકાને વધુ સારા કલાકાર બનવા માટેની પ્રેરણા આપે છે. આ સિવાય સ્ટેજ પર તેમના રોલ મોડલ નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક છે. તેમનું કલા પ્રત્યેનું સમર્પણ અને પ્રેમ હંમેશા તેમના અભિનયમાંથી સ્પષ્ટ દેખાય છે. વેદિકાનું કહેવું છે કે તેઓ મારા જેવા યુવા કલાકારોને પ્રેરણા આપે છે અને હું એવી જ તીવ્રતા અને તાજગી સાથે કામ કરવાનું ઈચ્છા રાખું છું. ગુજરાતી થિયેટરમાં સૌમ્ય જોશી અને અભિનય બેંકર સાથે કામ કરવાની ઈચ્છા વેદિકા રાખે છે. સાથે જ ફિમેલ કેરેક્ટર્સમાં દેવકી તેની રોલ મોડલ છે. અદિતીબેન દેસાઈ સાથે કામ કરવા મળ્યું તે માટે વેદિકા પોતાને ભાગ્યશાળી માને છે.
વેદિકાને ફિલ્મોમાં કામ કરવું છે તેમ છતાં તેની પ્રથમ પસંદ થિયેટર છે. સ્ટેજ પર પર્ફોમ કરવું એ તેની માટે એક બૂસ્ટર ડોઝ સમાન છે. થિયેટરે જ વેદિકાને એ અનુભવ કરાવ્યો કે તે પોતે એક સારી કલાકાર બનવા માંગે છે.
વિશ્વ રંગભૂમિ દિવસ પર અમે જ્યારે અમે વેદિકાને પૂછ્યું કે તને ક્યારેય ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાની ઈચ્છા ન થઈ. ત્યારે તેણે કહ્યું કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી ક્યારેય તેને કોઈપણ પ્રકારના કામની ઓફર જ મળી નથી. જો કે વેદિકાની પોતાની ઈચ્છા જાતને મુંબઈમાં સ્થાપિત કરીને ત્યાં કામ કરવાની હતી. આ માટે તેને ઘણો સંધર્ષ કરવો પડ્યો છે અને એ સંધર્ષ હજુ પણ ચાલું જ છે. તેમ છતાં તેણે ધીરજ રાખીને પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. તેને વિશ્વાસ છે કે એકના એક દિવસ તેને પોતાને ગમે તેવો દમદાર રોલ કરવાની તક મુંબઈ નગરી આપશે.
રાધિકા રાઓલ (અમદાવાદ)