કોના સન્માનમાં ઉજવાય છે વિશ્વ વિદ્યાર્થી દિવસ?

આજે સમગ્ર વિશ્વ વિશ્વ વિદ્યાર્થી દિવસ (World Stundents Day)ની ઉજવણી કરી રહ્યું છે. વિશ્વ વિદ્યાર્થી દિવસ દર વર્ષે કોઈને કોઈ વિશેષ થીમ હેઠળ ઉજવવામાં આવે છે. આ વર્ષે 2024 માં તેની થીમ ‘વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સર્વગ્રાહી શિક્ષણ’છે. જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર આપવાનો છે અને શિક્ષણને માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ સુધી મર્યાદિત ન રાખવાનો છે, આ દિવસ 2010થી ઉજવવામાં આવે છે. તમે જાણો છો કે આ દિવસ ખાસ કરીને ઉજવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તે શા માટે ઉજવવામાં આવે છે?

આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઇલ મેન ડૉ.એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ છે. તેમના સન્માનમાં કલામ સાહેબની જન્મજયંતિ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અબ્દુલ કલામે શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રશંસનીય પ્રયાસો કર્યા છે, જે વિદ્યાર્થી જીવન માટે પ્રેરણા સ્ત્રોત છે. ડૉ. એપી જે કલામને પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે પણ યાદ કરવામાં આવે છે. એપી જે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં થયો હતો. 18 જુલાઈ 2002ના રોજ તેઓ દેશના 11મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

આ દિવસની ઉજવણી ક્યારે શરૂ થઈ?

વર્ષ 2010માં પ્રથમ વખત યુએન દ્વારા ભારત રત્ન ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામની 79મી જન્મજયંતિને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી, આ દિવસ દર વર્ષે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ડૉ. એપીજે અબ્દુલ કલામની મહત્વપૂર્ણ ભૂમિકા તેમની સિદ્ધિઓ અને વિદ્યાર્થીઓને આપવામાં આવેલી પ્રેરણાને યાદ કરવામાં આવે છે. તેઓ માનતા હતા કે શિક્ષકો કોઈપણ સમાજના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ વિદ્યાર્થીઓને તેમના સંબંધિત વિષયોમાં વધુ સારા બનાવવા માટે જવાબદાર છે. કલામે તેમનું સમગ્ર જીવન શિક્ષણ અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.

એપીજે અબ્દુલ કલામ 2002 થી 2007 સુધી દેશના 11મા રાષ્ટ્રપતિ હતા અને તેમના કાર્યકાળ દરમિયાન તેઓ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનો પ્રત્યેના તેમના સ્નેહ અને જોડાણને કારણે હેડલાઇન્સમાં રહ્યા હતા. તેમના દ્વારા આપવામાં આવેલ પ્રેરણાત્મક શબ્દો આજે પણ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે.