રશિયાના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રોમન સ્ટારોવોઇટે આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, આના થોડા કલાકો પહેલા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમને સત્તાવાર રીતે બરતરફ કર્યા હતા. રશિયાની તપાસ સમિતિએ પુષ્ટિ કરી છે કે રોમન સ્ટારોવોઇટે સોમવારે આત્મહત્યા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટારોવોઇટનો મૃતદેહ મોસ્કોના એક શહેરમાં મળી આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે 53 વર્ષીય સ્ટારોવોઇટ મે 2024 થી રશિયાના પરિવહન મંત્રી તરીકે કાર્યરત હતા. આ પહેલા, પુતિને તેમને કુર્સ્ક પ્રદેશના ગવર્નર પણ બનાવ્યા હતા. રશિયાની તપાસ સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આજે ભૂતપૂર્વ પરિવહન પ્રધાન રોમન સ્ટારોવોઇટનો મૃતદેહ ઓડિન્ટસોવો જિલ્લામાં તેમની ખાનગી કારમાંથી મળી આવ્યો હતો. તેમના શરીર પર ગોળીઓના નિશાન હતા.” નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુનું મુખ્ય કારણ આત્મહત્યા હોવાનું માનવામાં આવે છે.
