World Bicycle Day: સાયકલ ફ્રેન્ડલી સિટી બનાવવાના હેતુસર થાણેમાં સાયક્લોથોનનું આયોજન

મુંબઈ: આજે વિશ્વ સાયકલ દિવસ છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં સાયકલનું મહત્વ જણાવવાનું છે. તેમજ સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે થાણેમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

એમઆરઆર ચિલ્ડ્રન્સ હોસ્પિટલ દ્વારા વ્હીલ્સ એન્ડ બેરલ્સ સાયકલિંગ ક્લબ થાણે અને BYCS થાણેના સહયોગથી સાયક્લોથોન યોજવામાં આવી હતી. આ આયોજન ગત રોજ એટલે કે 2 જૂનના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં 2 કેટેગરી હતી, એક તો7 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે 2 Kms રાઈડ અને પુખ્ત 14 અને તેથી વધુની વયના લોકો માટે 10 કિમી રાઈડ.

આ સાયકલોથોનમાં 550થી વધુ સાયકલ સવારોએ ભાગ લીધો હતો. સાયકલોથોનમાં દરેક માટે પ્રવેશ નિ:શુલ્ક હતો. સાઇકલ સવાર માટે ટીશર્ટ, મેડલ, નાસ્તો, એમ્બ્યુલન્સ વોટર સ્ટેશન સહિતની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વ્હીલ્સ અને બેરલની મુખ્ય ટીમમાં સરબપ્રીત નારુ, શાલિની રાઠોડ, સિદ્ધાર્થ શાહ અને ચિરાગ શાહના સંયુક્ત સહયોગથી આ સાયક્લોથોન યોજાઈ હતી. સાયક્લોથોનનો સમય સવારે 6 થી 9 વાગ્યા સુધીનો હતો.

આ સાથે જ ઝુમ્બા સેશન પણ યોજાયું હતું. જે નીલમ પાટીલે હોસ્ટ કર્યું હતું. આ સાયક્લોથોનનું મિશન થાણેને સાયકલ ફ્રેન્ડલી સિટી અને ગ્રીન થાણે બનાવવાના હેતુ સાથે કરવામાં આવ્યું હતું.

થાણેના સાયકલ મેયર ચિરાગ શાહે જણાવ્યું હતું કે સાયકલ મેયર તરીકે ટીમ વ્હીલ્સ અને બેરલ્સ અને એમઆરઆર હોસ્પિટલ સાથે આ ઇવેન્ટનું આયોજન કરવું એ મારા માટે ગર્વની ક્ષણ છે. હું થાણેને સાયકલ ફ્રેન્ડલી શહેર જોવાનું સપનું જોઉં છું અને થાણેને પ્રદૂષણ મુક્ત શહેર બનાવવા માંગુ છું.

 

જ્યારે વ્હીલ્સ અને બેરલની ટીમના શાલિની રાઠેડે જણાવ્યું કે થાણેના સૌથી મોટા ગ્રૂપ વ્હીલ્સ અને બેરલ્સની લેડી એડમિન તરીકે મારું સપનું છે કે વધુને વધુ મહિલા રાઇડર્સ સાઇકલિંગ સમુદાયમાં જોડાય. હું થાણે શહેરના સાઇકલિંગ સમુદાયના ભલા માટે સેવા આપવાનું ચાલુ રાખીશ.