નવી દિલ્હી: વર્ષ 2026ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. આ વર્ષનો પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કાર ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકાના જાણીતા ન્યાયશાસ્ત્રી અને સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પૂર્વ માનવાધિકાર પ્રમુખ નવનેથમ ‘નાવી’ પિલ્લઇ (Navanethem “Navi” Pillay)ને એનાયત કરવામાં આવ્યો છે. નોર્વેજીયન નોબેલ સમિતિએ આંતરરાષ્ટ્રીય કાયદા અને શાંતિના પ્રસાર માટે તેમના આજીવન યોગદાનને બિરદાવતા આ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.
23 સપ્ટેમ્બર 1941ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં જન્મેલા નાવી પિલ્લઇનો જન્મ એક સામાન્ય ભારતીય તમિલ પરિવારમાં થયો હતો. તેમના પિતા ડરબનમાં બસ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. માતા સન્તમા ગૃહિણી હતાં. સાત ભાઈ-બહેનો સાથે ગરીબી અને રંગભેદના કઠિન સમયમાં ઉછરેલા નાવી પિલ્લઇનો અભ્યાસ સ્થાનિક સમુદાયના આર્થિક સહયોગથી શક્ય બન્યો હતો. વર્ષ 1965માં તેમણે વકીલ પરંજ્યોતિ ‘ગેબી’ પિલ્લઇ સાથે લગ્ન કર્યા હતા. દંપતીએ ઇશ્વરી તેમજ કામિની નામની બે પુત્રીઓને દત્તક લીધી હતી. રંગભેદ વિરોધી આંદોલન દરમિયાન જ્યારે તેમના પતિ ગેબીની ધરપકડ કરવામાં આવી, ત્યારે નાવી પિલ્લઇ પોતે જ વકીલ તરીકે કેસ લડીને તેમને મુક્ત કરાવ્યા હતા.
રંગભેદ (Apartheid)ના સમયગાળા દરમિયાન ગંભીર ભેદભાવોનો સામનો કરવા છતાં, તેમણે હિંમત ન હારી અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાની ઉચ્ચ પદવી મેળવી. 1967માં તેઓ દક્ષિણ આફ્રિકાના નાતાલ પ્રાંતમાં લો ફર્મ શરૂ કરનાર પ્રથમ અશ્વેત મહિલા વકીલ બન્યા હતા. તેમણે નેલ્સન મંડેલા સહિત અનેક રંગભેદ વિરોધી કાર્યકરોનો કેસ લડીને તેમને ન્યાય અપાવ્યો હતો.
પોતાના લાંબા અને પ્રભાવશાળી કરિયરમાં નાવી પિલ્લઇ દક્ષિણ આફ્રિકાની હાઇકોર્ટના પ્રથમ બિન-શ્વેત મહિલા જજ બન્યા હતા. તેમણે રવાન્ડા માટે બનાવેલી ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICTR)ના પ્રમુખ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે બળાત્કારને નરસંહાર (Genocide)ના ગુના તરીકે માન્યતા અપાવતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ ઉપરાંત, તેઓ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના જજ અને 2008થી 2014 દરમિયાન યુએન હ્યુમન રાઇટ્સ ચીફ (High Commissioner for Human Rights) તરીકે પણ રહી ચૂક્યા છે. એક સામાન્ય બસ ડ્રાઇવરની દીકરીથી લઈને નોબેલ પુરસ્કાર વિજેતા સુધીની તેમની આ સફર સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે.




