શું છે સ્પેસ ટુરિઝમ, કોણ છે પહેલા ભારતીય અંતરિક્ષ પર્યટક

નાસા અને ઈસરો જેવી સ્પેસ એજન્સી તો પોતાના વૈજ્ઞાનિકોને અંતરિક્ષના ગૂઢ રહસ્યોનો અભ્યાસ કરવા માટે વર્ષોથી અંતરિક્ષમાં મોકલે છે. પરંતુ આજકાલ સ્પેસ ટુરિઝમનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં કોઈપણ સામાન્ય વ્યક્તિ પૈસા ખર્ચીને અંતરિક્ષની સફર ખેડી શકે છે. એમેઝોનના સ્થાપક જૈફ બેઝોસની કંપની બ્લૂ ઑરિજિન દ્વારા NS-25 મિશનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગોપી થોટાકુરાની પ્રથમ ભારતીય અંતરિક્ષ પ્રવાસી તરીકે પસંદગી કરવામાં આવી છે. અંતરિક્ષ ટુરિઝમ માટે જે છ ક્રુ મેમ્બરની પસંદગી કરવામાં આવી છે. ઉદ્યોગપતિ અને પાયલટ એવા ગોપી થોટાકુરા તેમાના એક છે. આ મિશનની લૉન્ચ તારીખ જાહેર કરવામાં આવી નથી.

આ સાથે એ વાત પણ નક્કારી ના શકાય કે જો મિશન સફળ બન્યું તો ગોપી થોટાકુરા અંતરિક્ષમાં પહોંચનાર બીજા ભારતીય હશે. આ અગાઉ વિંગ કમાંડર રાકેશ શર્મા અંતરિક્ષમાં પહોંચનારા પ્રથમ ભારતીય હતા. રાકેશ શર્માએ 1984માં અંતરિક્ષ માટે ઉડાન ભરી હતી.

કોણ છે ગોપી થોટાકુરા?

બ્લૂ ઑરિજિનની એક પ્રેસ રિલીઝ પ્રમાણે અમેરિકા સ્થિત એમ્બ્રી-રિડલ એરોનિટિકલ યૂનિવર્સિટીથી સ્નાતક ગોપી વ્યાવસાયિક રૂપથી જેટ પાયલટ છે. તેઓ એક એવા પાયલટ અને એવિએટર છે જેમને ગાડી ચલાવતા પહેલા પ્લેન ઉડાવાનું શીખી લીધુ હતું. તેઓ પ્રિઝર્વ લાઈફ કોર્પના સહ-સ્થાપક પણ છે. ગોપી બુશ, એરોબેટિક અને સી પ્લેન તેમજ ગ્લાઈડર અને હોટ એર બલૂનના પાઈલટ છે. તેમણે આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાઈલટ તરીકે પણ કામ કર્યું છે. થોડા સમય પહેલાં તેઓ કિલીમંજારો પર્વતના શિખર પર પહોંચ્યા હતા.

શું છે અંતરિક્ષ પર્યટન

એન. ગ્રેહામ અને ફ્રેડરિક ડોબ્રસ્કસના પુસ્તક ‘એર ટ્રાન્સપોર્ટ: અ ટુરિઝમ પર્સપેક્ટિવ’ અનુસાર, અંતરિક્ષ પર્યટન એ વિમાન ક્ષેત્રનો જ એક ભાગ છે. જે પ્રવાસીઓને અવકાશયાત્રીઓ બનવા અને સ્પેશમાં જવાની તક આપે છે. આ ક્ષેત્ર વ્યાપાર હેતુ સાથે સામાન્ય વ્યક્તિઓને અંતરિક્ષ પ્રવાસનો અનુભવ કરવાની તક આપે છે.

અંતરિક્ષ પર્યટનના બે પ્રકાર છે, સબ-ઓર્બિટલ અને ઓર્બિટલ. સબ-ઓર્બિટલ અવકાશયાનને કર્મન લાઇનની બહાર લઈ જાય છે. જે ધરતીથી 100 કિલોમીટર ઉપર છે. તેને પૃથ્વીના વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચેની સીમા માનવામાં આવે છે. મુસાફરોને થોડા સમય સુધી વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચે સમય પસાર કરવા મળે છે. ત્યાર બાદ તેઓ યૃથ્વી પર પરત આવી શકે છે. ગોપી થોટાકુરાનું મિશન આ પ્રકારનું સબ-ઓર્બિટલ છે.

બીજી તરફ ઓર્બિટલ અવકાશયાન, મુસાફરોને કર્મન લાઇન કરતાં ઘણું આગળ લઈ જાય છે. સામાન્ય રીતે, હાઇકર્સ આશરે 1.3 મિલિયન ફૂટની ઊંચાઇ પર થોડા દિવસોથી એક અઠવાડિયા કરતાં વધુ સમય પસાર કરી શકે છે. સપ્ટેમ્બર 2021માં, સ્પેસ એક્સનું ફાલ્કન-9 ચાર મુસાફરોને 160 કિમીની ઉંચાઈ પર લઈ ગયું હતું. જ્યાં તેઓએ પૃથ્વીની પરિક્રમા કરવામાં ત્રણ દિવસ પસાર કર્યા હતા.

અંતરિક્ષ પર્યટન ક્રેઝ વધ્યો!

તાજેતરના વર્ષોમાં અંતરિક્ષ પર્યટન ઝડપથી વિકસ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2023માં સ્પેસ ટુરિઝમ માર્કેટનું મૂલ્ય 848.28 ડૉલર મિલિયન હતું. 2032 સુધીમાં તે વધીને 27,861.99 ડૉલર મિલિયન થવાની ધારણા છે. જો કે, ઊંચા ખર્ચ અને પર્યાવરણીય ચિંતાઓ જેવા ઘણા પડકારો પણ તેમાં છે. જે સ્પેશ ટુરિઝમના વિકાસને આડે બાધારૂપ બની શકે છે.