Wetlands Day 2023 : નળ સરોવર ખાતે ‘વેટલેન્ડ ડે’ ની ઉજવણી કરાશે

સામાન્ય માણસને પ્રશ્ન થાય કે આ વેટલેન્ડ એટલે શું ? 2 ફેબ્રુઆરી 1971ના દિવસે ઈરાનના રામસર શહેરમાં વેટલેન્ડને સંરક્ષિત રાખવાના ઉદ્દેશથી પ્રથમ કોન્ફરન્સ યોજાઈ હતી. મહત્વના વેટલેન્ડને સંરક્ષણ અને વિકાસ માટે રામસર સાઈટ જાહેર કરાય છે. ત્યારે આવો વિગતવાર જાણીએ કે આ વેટલેન્ડ ડે એટલે શું ? વેટલેન્ડ એટલે સામાન્ય ભાષામાં કહીએ તો વર્ષમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન કે બારેમાસ પાણીથી પ્લાવિત રહેતો એવો વિસ્તાર કે જેનું પોતાનું આગવું પરિસરતંત્ર વિકાસ પામ્યું હોય તેને વેટલેન્ડ ડે કહે છે. 2 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સહિત દુનિયાભરમાં વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવવામાં આવશે. વેટલેન્ડને સંરક્ષિત બનાવી રાખવાનાં ઉદ્દેશ્યથી 2 ફેબ્રુઆરી, 1971ના રોજ ઇરાનના રામસર શહેરમાં એક કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારથી તેની યાદમાં દર વર્ષે આ દિવસને વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત મહત્વના વેટલેન્ડના સંરક્ષણ અને વિકાસ માટે તેને રામસર સાઇટ જાહેર કરવામાં આવે છે.

આજે વિશ્વ સમક્ષ પર્યાવરણની જાળવણી એક પડકાર ઉભો થયો છે. બદલાતા પરિમાણો અને તેને પગલે સર્જાતા પરિણામોથી આજે વેટલેન્ડના અસ્તિત્વ સામે પણ અનેક પડકારો ઉભા થયા છે. તેથી તેની સુરક્ષા અને સંવર્ધનની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. જિલ્લા વન સંરક્ષક પી.પુરુષત્તમા કહે છે કે, અમદાવાદથી આશરે 65 કિમી દૂર આવેલું નળ સરોવર દેશનું સૌથી મોટું જળ પક્ષી અભ્યારણ અને છીછરા પાણીનાં સૌથી મોટા સરોવર પૈકીનું એક છે. નળ સરોવર અંદાજે 120 ચો કિમી જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલો મોટો જળ ભંડાર છે. આ સરોવરની લંબાઈ 32 કિમી તેમજ પહોળાઈ 6.4 કિમી છે. શિયાળાની શરૂઆત સાથે જ વિદેશી પક્ષીઓનું અહીં આગમન શરુ થઈ જાય છે. નળસરોવર અને થોળ તળાવ ખાતે અનુક્રમે પક્ષીઓની 226થી વધુ પ્રજાતિઓ અને માછલીઓની 19 પ્રજાતિઓનો વસવાટ જોવા મળે છે. નળસરોવરને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. વળી મોટી સંખ્યામાં આવતા યાયાવર પક્ષીઓને કારણે આ વેટલેન્ડ પક્ષીપ્રેમીઓના સ્વર્ગ સમાન બની ગયું છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય, વન વિભાગ અને ગીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ જળપ્લાવિત દિનની ઉજવણી કરનાર છે. જેમાં ફોટો એક્ઝીબીશન કમ કોમ્પીટીશન, વર્કશોપ યોજાનાર છે.

વેટલેન્ડના સરંક્ષણની જરૂરિયાત

આજે વિશ્વ સમક્ષ પર્યાવરણની જાળવણી  એક પડકાર ઉભો થયો છે.  બદલાતા પરિમાણો અને તેને પગલે સર્જાતા પરિણામોથી આજે વેટલેન્ડનાં અસ્તિત્વ સામે પણ અનેક પડકારો ઉભા થયા છે. તેથી તેની સુરક્ષા અને સંવર્ધનની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. નળ સરોવર અને તેની આસપાસના વિસ્તારમાં પર્યાવરણ સુરક્ષા માટે  કાર્યરત ‘માનવ સેવા ટ્રસ્ટ’ સંસ્થાના શ્રી મનુભાઈ બારોટ કહે છે કે, ભૌતિક સુખ સુવિધાઓ પાછળની ઘેલછા કહો કે આંધળી દોટ કહો, માનવજાત તેના પોતાના અસ્તિત્વ પર જાણે અજાણે સંકટ ઉભી કરી રહી છે.  માણસ ભુલી જાય છે કે આ પૃથ્વી પર તેનું સ્વતંત્ર અસ્તિત્વ સંભવ નથી. મનુષ્ય સંપૂર્ણ જીવસૃષ્ટિનો એક નાનકડો ભાગ છે અને તેણે બાકીની સજીવસૃષ્ટિ અને કુદરતી તત્વો સાથે સંવાદિતા સાધીને જીવન જીવવાનું છે. સામાન્ય રીતે પર્યાવરણપ્રેમીઓ વેટલેન્ડ અંગેની માહિતી ધરાવતા હોય છે, પણ આજે જ્યારે વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે સામાન્ય માણસ પણ પોતાની આસપાસનાં પર્યાવરણ, સજીવસૃષ્ટિ અને પાણીનાં સ્ત્રોતો જેવા વિષયમાં રસ લેતા થાય તો પૃથ્વી માતાનાં જતનની આપણી જવાબદારી નિભાવવા સાથે આવનારી પેઢીઓને પણ સુંદર વિશ્વની ભેટ આપણે આપી શકીએ. એટલે જ ‘માનવ સેવા ટ્રસ્ટ’ પ્રતિ વર્ષ ‘વેટ લેન્ડ ડે’ની અર્થપુર્ણ ઉજવણી કરે છે અને પર્યાવરણ સુરક્ષા સાથે પક્ષીઓની સુરક્ષા માટે પણ જાગૃતિ કાર્યક્રમો યોજે છે.

હિમાંશુ ઉપાધ્યાય