ચંડીગઢ: પંજાબ અને હરિયાણા વચ્ચે પાણીયુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB)ના ચેરમેન મનોજ ત્રિપાઠીને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પોલીસની હાજરીમાં નંગલમાં બંધક બનાવી લીધા છે. આ ઘટનાને પગલે પંજાબના CM ભગવંત માન ચંડીગઢથી નંગલ ડેમ પર પહોંચ્યા છે.
કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને બીજી મેએ પંજાબ સરકારને હરિયાણા માટે 4500 ક્યુસેક વધારાનું પાણી છોડવાનો આદેશ આપ્યો હતો, પરંતુ પાંચ મેએ પંજાબ વિધાનસભાના વિશેષ સત્રમાં સરકારે હરિયાણાને એક ટીપું વધારાનું પાણી પણ ન આપવાનો ઠરાવ પસાર કર્યો હતો. એ દરમ્યાન પંજાબ સરકારે હરિયાણાને વધારાનું પાણી આપવાનો પંજાબ-હરિયાણા હાઈકોર્ટનો આદેશ પણ નકારી દીધો હતો.
નંગલ ડેમ પહેલી મેથી પંજાબ પોલીસના કબજામાં છે અને ડેમના કંટ્રોલ રૂમના તાળાની ચાવી પણ પંજાબ પોલીસના અધિકારીઓ પાસે છે. બુધવારની રાત્રે BBMBના એક ઉચ્ચ અધિકારીએ ડેમમાંથી જબરદસ્તીથી પાણી છોડવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.
BBMBના ચેરમેન મનોજ ત્રિપાઠી ગુરુવાર બપોરે નંગલ ડેમ પર આવ્યા હતા, પરંતુ તેમને ડેમમાં જવા દેવામાં આવ્યા ન હતા. ત્યાર બાદમાં તેઓ સતલજ સદન પહોંચ્યા, જ્યાં પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેંસે પોતાના સમર્થકો સાથે મળી સનના મુખ્ય દરવાજા પર તાળું લગાવી દીધું હતું.
પંજાબ સરકારના કબજામાં આવેલા ભાખરા ડેમ અને લોહાંદ કંટ્રોલ રૂમના સંચાલન મુદ્દે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે પંજાબ સરકાર અથવા પંજાબ પોલીસ BBMBના કાર્યમાં હસ્તક્ષેપ કરી શકતી નથી. હાઈકોર્ટે કેન્દ્ર સરકારના ગૃહ સચિવની અધ્યક્ષતામાં બીજી મેએ રોજ થયેલી બેઠકના નિર્ણયોને લાગુ કરવાના આદેશ આપ્યા છે, જેમાં હરિયાણાને 4500 ક્યુસેક વધારાનું પાણી છોડવાનો નિર્ણય થયો હતો.
