અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં વિમાન તૂટી પડ્યું હોવાના સમાચાર છે. પ્લેન ક્રેશ થયા બાદ સમગ્ર સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આગના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. પ્રારંભિક અહેવાલ મુજબ એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડ્યું છે. તેને પગલે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોએ નાસભાગ કરી મૂકી હતી. વિમાન તૂટી પડ્યું હોવાની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પ્રારંભિક અહેવાલ મુજબ વિમાન મથકેથી વિમાન ટેક ઓફ કરતી વખતે તૂટી પડ્યું હતું.
દરમિયાન, પ્રારંભમાં એવા અહેવાલ આવ્યા હતા કે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પણ આ વિમાનમાં જ હતા જે દુર્ઘટનાગ્રસ્ત થયું. આ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ ભાજપના વરિષ્ઠ નેતાઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. શક્યતા છે કે શ્રી રૂપાણી ઈજાગ્રસ્ત હોય. એચડી ન્યુઝ આ અહેવાલ ઉપર સતત નજર રાખી રહ્યું છે અને સત્તાવાર માહિતી મળતાં જ અહીં સમાચાર અપડેટ કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે ટેક ઓફ થયાની ગણતરીની મીનિટોમાં જ વિમાન ક્રેશ થયું હતું. ઘટના સ્થળની આસપાસના રસ્તા બંધ કરી દેવાયા છે. વિમાનમાં 242 મુસાફરો હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના બાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. 1 વાગ્યે અને 10 મિનિટે ક્રેશ થયાની 10 જ મિનિટમાં વિમાન ક્રેશ થયું હોવાનું સુત્રોનું કહેવું છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી છે.
શહેરમાં વિમાન તૂટી પડ્યું હોવાની ઘટનાની મુખ્યમંત્રીને જાણ કરી દેવામાં આવી છે. ઘટના સ્થળે બચાવ કામગીરી માટે એમ્બ્યુલન્સ પહોંચી ગઈ છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે. ઘટના સ્થળે ચારે બાજુ વિમાનનો કાટમાળ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં બીએસએફ પણ રેસ્ક્યૂ માટે રવાના થઈ ગઈ છે.
