આવતી કાલે વિજય રૂપાણીની રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ થશે

રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. ગુજરાતના સ્વર્ગસ્થ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો નશ્વર દેહ, અમદાવાદ એરપોર્ટ પર આવેલ ગુજરાત સરકારના ગુજસેલ ખાતેથી એરક્રાફ્ટ મારફતે રાજકોટ લઈ જવાશે. વિજય રૂપાણીના પત્ની અંજલિ રુપાણી આવતી કાલે પાર્થિવ દેહ સાથે વિશેષ પ્રોટોકોલ સાથે રાજકોટ જવા રવાના થશે.

આવતી કાલે અંતિમ વિધિ

દિવંગત વિજય રૂપાણીનું DNA મેચ થયા બાદ સોમવારે રાજકોટમાં અંતિમવિધિ કરવાનો નિર્ણય કરાયો છે. રાજકોટની પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને આવતી કાલે નશ્વર દેહને લાવવામાં આવશે. ધ્યાન શંકર પ્રગટેશ્વર મંદિર ખાતે રાજકીય સન્માન સાથે મુખ્યમંત્રી તેમજ મંત્રી મંડળના સભ્યો અને પાર્ટીના મુખ્ય આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. રામનાથ પરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને અંતિમ સંસ્કાર પૂર્વે સ્મશાન ખાતે જ ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપવામાં આવશે.