જાન્યુઆરી 2024માં યોજાનાર ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની 10મી શ્રેણી અંતર્ગત પ્રિ-વાઇબ્રન્ટ સમિટ સંલગ્ન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત આગામી 11મી ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષ 2003 માં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ વેપાર-ઉદ્યોગ અને નોલેજ શેરિંગનું વૈશ્વિક મંચ બની ચૂકી છે. આ સમિટના માધ્યમથી ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે, ત્યારે વર્ષ 2024 માં યોજાનારી આ સમિટની 10 મી કડી વિકસિત ગુજરાતને અમૃતકાળમાં… pic.twitter.com/tSk6YfmUDx
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 6, 2023
મુંબઈ ખાતે યોજાનાર આ રોડ શોની માહિતી આપતા GIDCના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રોડ શો મુખ્યત્વે બે ભાગમાં આયોજિત કરાયો છે. જેમાં પ્રથમ ભાગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, TVS, ગોદરેજ, પાર્લે એગ્રો, એલ એન્ડ ટી સહિતની 12 જેટલી મોટી કંપનીઓના ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી વન ટુ વન બેઠક કરશે. જ્યારે બીજા ભાગમાં 500થી વધુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, મુંબઈ સ્થિત કોન્સોલેટ જનરલ, ડિપ્લોમેટ્સ સાથે મળીને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી જાન્યુઆરી-2024 માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે ગુજરાત સરકારે શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે, જેને ઉદ્યોગગૃહો તરફથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વાઈબ્રન્ટ સમિટના પૂર્વાર્ધે અત્યારથી જ MoU કરવાના ભાગરૂપે ગુજરાત સરકારે ઉદ્યોગગૃહો સાથે વધુ 4 MoU કર્યા છે. આ MoU… pic.twitter.com/XrcPaTyfSl
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 5, 2023
આ રોડ શો દરમિયાન મુખ્યમંત્રી દ્વારા તમામ ઉદ્યોગપતિઓ અને ડિપ્લોમેટ્સને ગુજરાત ખાતે આયોજિત થનાર વાઇબ્રન્ટ સમિટની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. એટલું જ નહિ, ગુજરાતમાં રોકાણ માટેની ક્ષમતા અને તકો ઉપરાંત ઉદ્યોગ માટેની સરળ નીતિઓ અંગે ઉદ્યોગકારોને માહિતગાર કરવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવશે તેમ ગુપ્તાએ ઉમેર્યું હતું.