મુંબઈમાં સાહિત્યિક કાર્યક્રમ ‘ઝરૂખો’માં કરેલી અનોખી પહેલ સફળ

મુંબઈના બોરિવલીમાં સાહિત્યિક કાર્યક્રમ ‘ઝરૂખો’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તમ સર્જકો, પત્રકારો, કલાકારોએ આ મંચ પર વક્તવ્ય આપ્યાં હતાં. કાર્યક્રમમાં ભાવકોએ પોતાને ગમતાં પુસ્તક વિશે વાત કરી હતી.

સંવિત્તિ તથા કેઈએસ ગુજરાતી ભાષાભવન સાથે સંકળાયેલા કીર્તિ શાહે ‘લેખકો-વાચકો સાથે ગોષ્ઠી’ એ રમણ સોનીના પુસ્તક વિશે વાત કરી. આજે સાહિત્ય સર્જનમાં સજ્જતાનો અભાવ, વાંચનમાં ઘટતો રસ, પુસ્તક પ્રકાશનની ઉતાવળ, ત્વરિત વાહવાહીના સમયમાં શું યોગ્ય છે અને શું નથી એની વાત રમણ સોનીએ કરી છે. પ્રગતિ મિત્ર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ વસંત શાહે ર.વ.દેસાઈની ‘ ભારેલો અગ્નિ ‘નો પરિચય કરાવ્યો હતો.

જમનાબાઈ સ્કૂલના શિક્ષિકા તથા સાહિત્યનાં અભ્યાસી જાસ્મીન શાહે આજથી સવાસો વર્ષ પૂર્વે ગુજરાતી સાહિત્યમાં પોતાનું યોગદાન આપનાર પારસી બાનુ આવાબાઇ લીમજીભાઇ પાલમકોટની આત્મકથા ‘મારી જીંદગીનો હેવાલ’ ને એક અદભુત કૃતિ લેખાવી. જે પાછળથી તેમનાં દીકરી ભીખાઈજી પાલમકોટે ‘મારાં માતાજી’ ના નામે પૂર્ણ કરી છે. જીવનના ચાલીસમે વર્ષે લખવાની શરૂઆત કરનાર આવાબાઇ બહાદુર, ધૈર્યવાન, સાહિત્યપ્રેમી અને ઉદાર મન ધરાવનાર વ્યક્તિ હતાં.આત્મકથામાં 1865ની આસપાસનું મુંબઈ, એડન અને પાલમકોટ શહેરનુ વર્ણન રસપ્રદ રીતે આલેખવામાં આવ્યું છે.

 

વીનેશ અંતાણીની નવલકથા ‘પ્રિયજન’ વિશે વાત કરતાં સ્મિતા શુક્લે જણાવ્યું હતું કે આ પુસ્તકનું કથાવસ્તુ અલગ છે.ત્રીસ વર્ષ પછી બે પ્રેમી આઠ દિવસ સાથે રહે એ પહેલીવાર બન્યું હશે. લેખકે ઘણા નવા શબ્દપ્રયોગો કર્યા છે. નોબલ પુરસ્કાર વિજેતા હરમન હેસે “સિદ્ધાર્થ” નામની નવલકથા, ભારતની આધ્યાત્મિકતાને ધ્યાનમાં લઈને લખી છે, જેના વિશે પ્રકાશ સંઘવીએ વિગતે વાત કરી હતી.

 

સાહિત્યપ્રેમી મિતાબેન દીક્ષિતે પુ.લ.દેશપાંડેના જાણીતા પુસ્તક “વ્યકિત આણિ વલ્લી” ના ગુજરાતી અનુવાદ,”ભાત ભાત કે લોગ” વિષે વાત કરી પુ.લ.નો પરિચય આપ્યો અને એમના જાણીતાં પુસ્તકો અને નાટકોનો સંદર્ભ આપ્યો હતો. લેખિકા નીલા સંઘવીએ સમગ્ર કાર્યક્રમનું બખૂબી સંચાલન કર્યું અને વક્તાઓનો પરિચય આપ્ હતો. સંકલનકર્તા સંજય પંડ્યાએ જણાવ્યું કે આપણી પાસે આપણી ભાષાનું અને ઈતર ભાષાનું અઢળક સાહિત્ય છે અને આ પ્રકારના કાર્યક્રમો દોઢ કલાકમાં છ પુસ્તકો વિશે જાણકારી આપે છે. ટ્રસ્ટી યોગેન્દ્રભાઈ રાવલે વક્તાઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.