અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો(Secretary Marco Rubio) 17થી 22 ઓક્ટોબર દરમિયાન ઉઝબેકિસ્તાન અને ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ઉઝબેકિસ્તાનના સમરકંદ ઉપરાંત ભારતના મુંબઈ અને ગુજરાતની મુલાકાત લેશે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો (Secretary Marco Rubio) ઉઝબેકિસ્તાનની મુલાકાત પૂર્ણ કર્યા પછી ઓક્ટોબરમાં ભારતની મુલાકાત લેશે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ મુંબઈ અને ગુજરાતની મુલાકાત લેશે.
સમરકંદમાં મધ્ય એશિયાના દેશો સાથે બેઠક
ઉઝબેકિસ્તાનમાં માર્કો રુબિયો C5+1 મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ અમેરિકા અને મધ્ય એશિયાના દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગ વધારવાનો છે. આ ઉપરાંત તેઓ ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગિઝ પ્રજાસત્તાકના વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે.
આ ઐતિહાસિક પ્રવાસ દરમિયાન રુબિયો 200થી વધુ ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિક નેતાઓના અમેરિકન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ પહેલથી અમેરિકા અને મધ્ય એશિયાના દેશો વચ્ચે વેપાર અને વ્યાપારી સહયોગને નવી દિશા મળવાની અપેક્ષા છે.
ભારત સાથે વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો પર ચર્ચા
ઉઝબેકિસ્તાનની મુલાકાત બાદ માર્કો રુબિયો ભારત આવશે. આ વર્ષે તેમની ભારતની આ બીજી સત્તાવાર મુલાકાત હશે. ભારત પ્રવાસ દરમિયાન તેઓ વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરીને ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે.
આ ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક પરિસ્થિતિ, ઊર્જા ક્ષેત્રમાં સહયોગની શક્યતાઓ તેમજ આર્થિક અને વ્યાપારી રોકાણ વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. રુબિયો ભારતના ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરશે.
જામનગરની મુલાકાત પર રહેશે નજર
માર્કો રુબિયોના ભારત પ્રવાસમાં મુંબઈની સાથે ગુજરાતના જામનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની જામનગર મુલાકાત દરમિયાન કયા કાર્યક્રમો યોજાશે અને કોની સાથે બેઠક થશે તે અંગે આપેલી મીડિયા નોંધમાં વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
આ પ્રવાસ ભારત અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી, વ્યૂહાત્મક, ઊર્જા અને વ્યાપારી સંબંધોના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.




