મુંબઈઃ NSE IFSC લિમિટેડ (NSEIX) અને લંડન સ્ટોક એક્સચેન્જ (LSE) પીએલસીએ વ્યૂહાત્મક સહયોગની વિવિધ તકો શોધવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સહયોગનો ઉદ્દેશ બંને દેશોના નાણાકીય બજારો વચ્ચે સીમા પાર વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો તેમ જ શેર ઇશ્યુ કરનારી કંપનીઓ અને રોકાણકારો માટે લિસ્ટિંગ તથા ટ્રેડિંગની નવીન તકો ઊભી કરવાનો છે.

આ સમજૂતી કરાર હેઠળ બંને એક્સચેન્જો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગની તકો શોધવા માટે વ્યાપક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) સહિતનાં વિવિધ નાણાકીય ઉત્પાદનોના ડ્યુઅલ લિસ્ટિંગ અને ક્રોસ લિસ્ટિંગની તકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલનાં નાણાકીય ઉત્પાદનોના ટ્રેડિંગ અને નવા નાણાકીય ઉત્પાદનોના વિકાસ અંગે પણ વિચારણા કરવામાં આવશે.
આ સહયોગના ભાગરૂપે FTSE Russellના સૂચકાંકોને આધાર બનાવીને NSEIX પર લિસ્ટ થનારા ડેરિવેટિવ્ઝ જેવા નવાં નાણાકીય ઉત્પાદનો વિકસાવવાની શક્યતાઓ પણ તપાસવામાં આવશે. બંને એક્સચેન્જો સંયુક્ત રીતે નવા ઇક્વિટી સૂચકાંકો વિકસાવવા, સીમા પાર ટ્રેડિંગ કનેક્ટિવિટી સ્થાપિત કરવા અને બજાર સંબંધિત ડેટાના વિતરણ અંગે પણ વિચારણા કરશે.
Press Release: NSEIX and London Stock Exchange agree on a Memorandum of Understanding to strengthen strategic collaboration
Click here to read- https://t.co/7W22767Dqn
#NSE #NSEIX #PressRelease @ashishchauhan https://t.co/ZOyAAeyeWJ
— NSE India (@NSEIndia) October 13, 2026
NSEIXના MD અને CEO વી. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક સમજૂતી કરારના હસ્તાક્ષર પ્રસંગે અહીં ઉપસ્થિત રહીને અમને આનંદ થાય છે. ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA)થી આ સહયોગનાં બીજ રોપાયાં છે. આ કરારનો હેતુ લંડન અને ભારત વચ્ચે મૂડીબજારની કનેક્ટિવિટી તથા નાણાકીય સેવાઓના એકીકરણ માટે નવી તકો ખોલવાનો છે. LSEG, લંડન સ્ટોક એક્સચેન્જ અને NSEIXએ વિવિધ નાણાકીય ઉત્પાદનોના ડ્યુઅલ લિસ્ટિંગ અને ક્રોસ લિસ્ટિંગ દ્વારા સહયોગ તરફ પ્રથમ પગલું ભર્યું છે. બંને એક્સચેન્જો વચ્ચે સીમા પાર જોડાણની શક્યતાઓ પણ તપાસવામાં આવશે, જેથી બંને દિશામાં સરળ ટ્રેડિંગની તકો ઊભી થાય. તેનાથી બજારમાં તરલતા વધશે અને રોકાણકારોનો વ્યાપક સમૂહ ઉપલબ્ધ થશે.

GIFT IFSC ઇકો સિસ્ટમમાં NSEIXનું અગ્રણી સ્થાન છે, જ્યારે લંડન સ્ટોક એક્સચેન્જ યુનાઇટેડ કિંગડમનું સૌથી મોટું અને સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. બંને સંસ્થાઓ એકબીજાની શક્તિઓનો લાભ લઈ શકે છે. બંને દેશોનાં નાણાકીય બજારો વચ્ચે જોડાણ વધુ મજબૂત બનાવવા માટે આ યોગ્ય સમય છે.લંડન સ્ટોક એક્સચેન્જ પીએલસીના CEO અને LSEGમાં ડિજિટલ તથા સિક્યોરિટીઝ માર્કેટ્સનાં વડા ડેમ જુલિયા હોગેટે જણાવ્યું હતું કે લંડન સ્ટોક એક્સચેન્જને વિશ્વભરનાં એક્સચેન્જો સાથે સહયોગી ભાગીદારી સ્થાપિત કરવાનો મજબૂત અનુભવ છે. NSEIX સાથેના અમારા સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વૃદ્ધિની નવી તકો શોધવા માટે અમે ઉત્સાહિત છીએ. આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાથી વિશ્વનાં બે મહત્ત્વપૂર્ણ મૂડીબજારોને જોડવાના અમારા સતત પ્રયાસોને નવું બળ મળશે. તેનાથી અમે જે રોકાણકારો અને કંપનીઓને સેવાઓ આપીએ છીએ તેમના માટે નક્કર લાભો ઊભા કરવાની તક મળશે.




