અમેરિકી રાજદૂતનું મોટું નિવેદન: ‘જમ્મુ-કાશ્મીર ભારતનો મહત્વપૂર્ણ ભાગ’

જમ્મુ-કાશ્મીરને લઈને અમેરિકા તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતમાં યુએસ રાજદૂત સર્ગિઓ ગોરે બુધવારે શ્રીનગરની પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. આ બેઠક બાદ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર એ ભારતનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. કલમ 370 નાબૂદ કર્યા બાદ અને તાજેતરના પહલગામ હુમલા પછી કોઈ અમેરિકી રાજદૂતની જમ્મુ-કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે.

અમેરિકી રાજદૂતે શું કહ્યું?

શ્રીનગરમાં પત્રકારો સાથે વાતચીતમાં સર્ગિઓ ગોરે જણાવ્યું હતું કે, અહીં આવીને મને ખૂબ જ આનંદ થયો છે. આ ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હું અહીં પહેલીવાર આવ્યો છું અને આ સ્થળ અત્યંત સુંદર છે.” અમેરિકી રાજદૂતની આ ટિપ્પણીને ભારતના એ વલણના સમર્થન તરીકે જોવામાં આવી રહી છે, જેમાં ભારત હંમેશા કહેતું આવ્યું છે કે જમ્મુ-કાશ્મીર દેશનો અવિભાજ્ય અને અખંડ ભાગ છે.

ટ્રાવેલ એડવાઇઝરીમાં ઘટાડાના સંકેત

આ મુલાકાત દરમિયાન ગોરે સંકેત આપ્યા હતા કે અમેરિકા જમ્મુ-કાશ્મીર માટેની પોતાની કડક ‘લેવલ-4’ ટ્રાવેલ એડવાઇઝરી (મુસાફરી ચેતવણી) ઘટાડવા અંગે પુનઃવિચાર કરશે. હાલમાં આતંકવાદના કારણે અમેરિકાએ પોતાના નાગરિકો માટે આ કડક એડવાઇઝરી લાગુ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, “સ્થાનિક સરકારે આ વિસ્તારને વધુ સુરક્ષિત બનાવવા માટે કેટલાક ઉત્તમ પગલાં ભર્યા છે. આ એક સુંદર પ્રદેશ છે અને અમે સમીક્ષા કરીશું કે શું યુએસ દ્વારા જારી કરાયેલી આ ટ્રાવેલ વોર્નિંગને ઘટાડી શકાય તેમ છે કે કેમ. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથેની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરતા રાજદૂતે લખ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મળીને અને તેમની પ્રાથમિકતાઓ વિશે જાણીને ખૂબ આનંદ થયો. અમે બંને દેશોને ફાયદો થાય તે રીતે આર્થિક સહયોગ મજબૂત કરવા અને તકો ઊભી કરવાના માર્ગો પર ચર્ચા કરી છે.

અમેરિકી રાજદૂતનો આ પ્રવાસ કેમ મહત્વનો?

છેલ્લા 15 વર્ષથી પણ વધુ સમયમાં કોઈ વર્તમાન યુએસ રાજદૂત અને જમ્મુ-કાશ્મીરના વર્તમાન મુખ્યમંત્રી વચ્ચે આ પ્રથમ મુલાકાત છે. આ અગાઉ આવી બેઠક વર્ષ 2011 માં થઈ હતી, જ્યારે તત્કાલીન યુએસ એમ્બેસેડર ટિમોથી રોમરે જમ્મુ-કાશ્મીરના સીએમ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત, અમેરિકી રાજદૂતે છેલ્લે વર્ષ 2018 માં કેનેથ જસ્ટરના નેતૃત્વ હેઠળ કાશ્મીરની આવી મુલાકાત લીધી હતી. તેથી, વર્તમાન પરિસ્થિતિમાં સર્ગિઓ ગોરનો આ પ્રવાસ રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.