અ’મંગળ’વારઃ સેન્સેક્સ 1235 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 23,000ની નીચે

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે ઘરેલુ શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી છ મહિનાના નીચલા સ્તરે સરક્યો હતો. સેન્સેક્સમાં 1235 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી 23,000ની નીચે સરક્યો હતો. નિફ્ટી ને સેન્સેક્સ 1.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. રોકાણકારોના રૂ. 7.48 લાખ કરોડ ડૂબ્યા હતા.

બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ICICI બેન્ક, ઝોમેટો, SBI અને HDFC જેવા હેવી વેઇટ શેરોમાં ઘટાડાને કારણે બજારમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત અત્યાર સુધી મોટા ભાગની કંપનીઓનાં ત્રીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો અપેક્ષાથી ઊણાં આવ્યાં હતાં. જેની પ્રતિકૂળ અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પડોશી દેશો પર ઊંચો ટ્રેડ ટેરિફ લગાવવાની ઘોષણા કર્યા પછી બજારમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. તેમણે પદભાર સંભાળ્યાના કલાકોમાં જ પડોશી દેશો પર શૂલ્ક લગાવવાની યોજનાનું એલાન કર્યું હતું. તેમણે પહેલી ફેબ્રુઆરીથી મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવા પર વિચારવિમર્શ ચાલી રહ્યાનું જણાવ્યું હતું.

ઘરેલુ શેરબજારોમાં અત્યાર સુધી વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઓક્ટોબર, 2024થી સતત વેચવાલ રહ્યા છે. FIIએ જાન્યુઆરી, 2025માં અત્યાર સુધી રૂ. 48,023 કરોડના શેરો વેચી ચૂક્યા છે.

BSE એક્સચેન્જ પર કુલ 4088 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1187 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2788 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 113 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 103 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 67 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.