મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બંને જૂથોના સંભવિત વિલયને લઈને ફરી એકવાર રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ દરમિયાન શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સોમવારે મુંબઈમાં શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે તેમની મુલાકાત લેવાના છે. બીજી તરફ, છેલ્લા બે દિવસમાં NCPના બંને જૂથોના નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતોએ રાજકીય અટકળોને વધુ વેગ આપ્યો છે.

પાર્થ પવારે શરદ પવાર સાથે બે દિવસમાં બે મુલાકાત કરી
મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારના પુત્ર અને રાજ્યસભાના સાંસદ પાર્થ પવારે તેમના દાદા તથા NCP (શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવાર સાથે મુંબઈના સિલ્વર ઓક નિવાસસ્થાને છેલ્લા બે દિવસમાં બે વખત મુલાકાત કરી હતી.બંને વચ્ચે સતત બે દિવસ સુધી અંદાજે બે-બે કલાક ચર્ચા થઈ હતી. આ ઉપરાંત રવિવારે સાંજે શરદ પવાર અને NCP (શરદચંદ્ર પવાર)ના વરિષ્ઠ નેતાઓ વચ્ચે પણ અલગ બેઠક યોજાઈ હતી.
જોકે, આ મુલાકાતોમાં સામેલ નેતાઓના જણાવ્યા અનુસાર, શરદ પવારની તબિયતની જાણકારી મેળવવા માટે આ મુલાકાતો કરવામાં આવી હતી. હવે ઉદ્ધવ ઠાકરેની મુલાકાતને કારણે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે.
શરદ પવારને મળવા નેતાઓનો ધસારો
અગાઉ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉત સહિત અન્ય નેતાઓ પણ શરદ પવારને મળીને તેમના સ્વાસ્થ્યના સમાચાર પૂછી ચૂક્યા છે. બીજી તરફ, NCP નેતા પ્રફુલ્લ પટેલ પણ શરદ પવારને મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે શરદ પવારને તાજેતરમાં તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્યમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
‘શરદ પવાર ભાજપ સાથે નહીં જાય’: સંજય રાઉત
NCPના બંને જૂથોના વિલય અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે સ્પષ્ટ કહ્યું છે કે શરદ પવાર ભાજપ સાથે નહીં જાય.સંજય રાઉતના જણાવ્યા અનુસાર, તેઓ શરદ પવારને નજીકથી ઓળખે છે. શરદ પવારે વર્ષોથી બિનસાંપ્રદાયિક વિચારધારા સાથે રાજકારણ કર્યું છે. તેથી તેમની પાર્ટી ભાજપ સાથે જોડાય તેવી શક્યતા નથી.
બીજી તરફ, કોંગ્રેસના નેતા હુસૈન દલવાઈએ પણ વિલયની ચર્ચાઓને ભાજપનું પ્રોપેગેન્ડા ગણાવ્યું છે. તેમના આરોપ મુજબ, INDIA ગઠબંધનમાં તિરાડ પાડવા માટે આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
હાલમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની મુલાકાત પર સૌની નજર છે. આ મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં NCPના બંને જૂથોના ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળો અંગે વધુ સ્પષ્ટતા થાય છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે.






