બ્રિટન: નાણાકીય સેવાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી માટે જવાબદાર બ્રિટિશ મંત્રી ટ્યૂલિપ સિદ્દીકીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના કાકી અને બાંગ્લાદેશમાંથી નાસી ગયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સાથેના નાણાકીય સંબંધો અંગેના વિવાદ બાદ તેમણે આ નિર્ણય લીધો હતો.વડાપ્રધાનની લોકપ્રિયતાને ફટકો!
ટ્યૂલિપ સિદ્દીકી (42) એ કંઈ પણ ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો છે. ગયા અઠવાડિયે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે પણ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જો કે, બે મહિનામાં બીજી વખત કોઈ મંત્રીનું રાજીનામું સ્ટાર્મર માટે મોટો ફટકો મનાઈ રહ્યું છે. ગયા વર્ષે જુલાઈમાં બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની જીત બાદ સ્ટાર્મરની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.
હવે કોણ સંભાળશે આ પદ?
બીજી બાજુ સરકારના નૈતિક સલાહકારે કહ્યું કે ટ્યૂલિપે બાંગ્લાદેશ સાથેના તેના પરિવારના સંબંધોના સંભવિત જોખમો વિશે વધુ કાળજી રાખવી જોઈતી હતી. બીજી તરફ, સ્ટાર્મરે ટ્યૂલિપના સ્થાને એમ્મા રેનોલ્ડ્સની નિમણૂક કરવામાં આવી છે. એમ્મા અત્યાર સુધી સરકારમાં પેન્શન મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા હતા.
શેખ હસીના 2009થી બાંગ્લાદેશમાં સત્તામાં હતા. પરંતુ હાલમાં તેઓ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપોમાં તપાસનો સામનો કરી રહ્યા છે. ડિસેમ્બરમાં બાંગ્લાદેશની તપાસમાં ટ્યૂલિપ સિદ્દીકીનું નામ સામે આવ્યું હતું કે શું તેમનો પરિવાર બાંગ્લાદેશી માળખાકીય પ્રોજેક્ટ્સમાંથી ભંડોળના દુરુપયોગમાં સામેલ હતો. ભ્રષ્ટાચાર વિરોધી પંચે 12.65 અબજ યુએસ ડોલરના પરમાણુ ઉર્જા કરારની ફાળવણીમાં અબજો ડોલરની નાણાકીય ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો. જેનાથી શેખ હસીના અને ટ્યૂલિપ સિદ્દીકીને ફાયદો થયો હોઈ શકે છે.