નવી દિલ્હીઃ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે BBC છેલ્લા ઘણા દાયકાઓની સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે. કારણ એ છે કે પક્ષપાતના આક્ષેપોની વચ્ચે BBCના બે વરિષ્ઠ નેતાઓ—ડિરેક્ટર જનરલ ટિમ ડેવીએ અને હેડ ઓફ ન્યૂઝ ડેબોરા ટર્નેસે રાજીનામાં આપી દીધાં છે. BBC પર આરોપ છે કે 6 જાન્યુઆરી, 2021એ ટ્રમ્પે આપેલા ભાષણના વિડિયોને ખોટી રીતે એડિટ કરવામાં આવ્યો હતો. BBCએ પણ આ આરોપને સ્વીકાર્યો છે. હવે આ મામલાને લઈને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેઓ આવતા અઠવાડિયે BBC સામે $ 500 કરોડ ( રૂ. 44,342 કરોડ) સુધીનો કેસ કરે એવી શક્યતા છે.
ટ્રમ્પ vs BBC: BBCએ માફી માગી, પરંતુ ડોક્યુમેન્ટરી પાછી લીધી નહીં
આ મામલો BBCના ફ્લેગશિપ પ્રોગ્રામ પેનોરમામાં દર્શાવવામાં આવેલી એક ડોક્યુમેન્ટરી સાથે સંબંધિત છે. તેમાં ટ્રમ્પના ભાષણના ત્રણ વિડિયો એવા રીતે જોડવામાં આવ્યા કે જેમાંથી એવું લાગતું હતું કે તેમણે 6 જાન્યુઆરી, 2021ની હિંસા પ્રેરવાનો પ્રયત્ન કર્યો હતો. ટ્રમ્પના વકીલોએ તેને ખોટા અને માનહાનિકારક ગણાવ્યા છે. તેમના વકીલોએ BBCને શુક્રવાર સુધી આ ડોક્યુમેન્ટરી પાછી ખેંચવાની ચેતવણી આપી હતી, નહીં તો ઓછામાં ઓછા $ 100 કરોડના કેસનો સામનો કરવો પડશે.
BBCએ એડિટિંગને ખોટો નિર્ણય ગણાવ્યો અને ગુરુવારે ટ્રમ્પને વ્યક્તિગત માફી મોકલી, પરંતુ ડોક્યુમેન્ટરી ફરીથી ન પ્રસારિત કરવાનો ઇનકાર કર્યો અને માનહાનિના દાવાને નકારી દીધો. હવે ટ્રમ્પે એર ફોર્સ વનમાં પત્રકારોને કહ્યું કે BBC પર હવે $ 100–$ 500 કરોડ સુધીનો કેસ કરવામાં આવશે.
ફેક નહીં, ભ્રષ્ટ વિડિયો
ટ્રમ્પે કહ્યું કે BBCનો એડિટ કરાયેલો વિડિયો અવિશ્વસનીય છે અને તેને ચૂંટણીમાં દખલ જેવા ગણાવ્યા. ટ્રમ્પે કહ્યું કે તેમણે ખૂબ સારું ભાષણ આપ્યું હતું, પરંતુ BBCએ તેને ખરાબ ભાષણમાં ફેરવી નાખ્યું. તેમનું કહેવું છે કે ફેક ન્યૂઝ એક સારો શબ્દ હતો, પરંતુ હવે તે પૂરતું નથી — આ ફેકથી પણ આગળ છે, આ ભ્રષ્ટ છે.


