પ્રયાગરાજ મહાકુંભમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ભય હતો એ આખરે બની ગઈ. મૌની અમાવસ્યા પર સ્નાન કરતા પહેલા સંગમ નોઝ પર ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી.
આ ભાગદોડમાં અત્યાર સુધીમાં અંદાજીત 40 લોકોના મૃત્યુ થયા છે. જો કે આ પહેલી વખત બનેલી દુર્ધટના નથી આ પહેલાનો પણ કુંભ મેળામાં ભારે ભીડને કારણે અરાજકતા અને નાસભાગનો લાંબો ઇતિહાસ છે.
૧૯૫૪, અલ્હાબાદ (હવે પ્રયાગરાજ): સ્વતંત્રતા પછી પહેલી વાર, ૧૯૫૪માં પ્રયાગરાજમાં કુંભનું આયોજન કરવામાં આવ્યું. ૩ ફેબ્રુઆરી, ૧૯૫૪ના રોજ, અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) માં કુંભ મેળામાં, મૌની અમાવાસ્યાના શુભ પ્રસંગે પવિત્ર સ્નાન કરવા માટે ભેગા થયેલા ભક્તોમાં ભાગદોડ મચી ગઈ. આ સમયગાળા દરમિયાન, લગભગ 800 લોકો નદીમાં ડૂબી જવાથી અને કચડાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા.
૧૯૮૬, હરિદ્વાર: આ કુંભ મેળો હરિદ્વારમાં યોજાયો હતો. આ સમય દરમિયાન પણ નાસભાગ મચી હતી જેમાં ડઝનબંધ લોકો કચડાઈને મૃત્યુ પામ્યા હતા. અહેવાલ મુજબ, 14 એપ્રિલ, 1986 ના રોજ, યુપીના તત્કાલીન મુખ્યમંત્રી વીર બહાદુર સિંહ, ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સાંસદો સાથે આ મેળા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. જેના કારણે, સામાન્ય લોકોની ભીડ કિનારા સુધી પહોંચતી અટકી ગઈ. જેથી ભીડ બેકાબૂ થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ. મીડિયાના અહેવાલ પ્રમાણે, આ અકસ્માતમાં 200 લોકોના મોત થયા હતા.
૨૦૦૩, નાસિક : ૧૯૮૬ની દુર્ઘટના પછી, કુંભ મેળો લાંબા સમય સુધી સફળતાપૂર્વક ચાલુ રહ્યો. આ સમયગાળા દરમિયાન, ભીડ વ્યવસ્થાપનમાં પણ સુધારો થતો રહ્યો. પરંતુ 2003 માં, નાસિક કુંભમાં ફરી એકવાર અકસ્માત થયો. નાસિકમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન ભયંકર ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 39 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના અત્યંત દુ:ખદ હતી અને એણે લાખો લોકોને હચમચાવી નાખ્યા હતા. આ કુંભ અકસ્માતમાં 100 લોકો ઘાયલ થયા હતા.
૨૦૧૦, હરિદ્વાર: આ વખતે કુંભ મેળો હરિદ્વારમાં યોજાઈ રહ્યો હતો. ૧૪ એપ્રિલ ૨૦૧૦ના રોજ હરિદ્વાર કુંભમાં શાહી સ્નાન દરમિયાન સાધુઓ અને ભક્તો વચ્ચે થયેલી અથડામણમાં ૭ લોકો માર્યા ગયા હતા અને ૧૫ લોકો ઘાયલ થયા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે, ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સાધુઓ અને ભક્તો વચ્ચે ઝઘડો થયો હતો, જેના પછી લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.
૨૦૧૩, પ્રયાગરાજ: નાસિક કુંભના ૧૦ વર્ષ પછી, ૨૦૧૩ના પ્રયાગરાજ કુંભમાં ફરી એક અકસ્માત થયો.પરંતુ આ વખતે આ અકસ્માત અલ્હાબાદ રેલ્વે સ્ટેશન પર થયો. આ અકસ્માતમાં 42 લોકોના મોત થયા હતા. અહેવાલો અનુસાર, અલ્હાબાદ રેલ્વે સ્ટેશન પર ફૂટબ્રિજ પર રેલિંગ તૂટી પડતાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સ્ટેશન પર ભારે ભીડને કાબુમાં લેવા માટે રેલવે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ કારણે નાસભાગ મચી ગઈ. આ અકસ્માતમાં 42 લોકોના મોત થયા હતા. આમાં 29 મહિલાઓ, 12 પુરુષો અને એક આઠ વર્ષની છોકરીનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 45 લોકો ઘાયલ પણ થયા હતા.
નોંધનીય છે કે ૨૦૧૩ પછી, ૨૦૨૫માં નાસભાગની ઘટના બની. જ્યાં અત્યાર સુધીમાં વહીવટીતંત્રને 40 લોકોના મોતની આશંકા છે.
