લાહોરમાં ત્રણ બોમ્બધડાકાઃ લોકોમાં ભયનો માહોલ

લાહોરઃ પાકિસ્તાનના લાહોરમાં ત્રણ વિસ્ફોટોથી ભયનો માહોલ છવાયો છે. આ બોમ્બ વિસ્ફોટોથી અફરાતફરી મચી ગઈ હતી અને લોકો અહીંતહીં ભાગવા લાગ્યા હતા. આ બોમ્બ વિસ્ફોટોનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ એક ડ્રોન હુમલો હતો, એમ સૂત્રોએ કહ્યું હતું.

ભારતના ઓપરેશન સિંદૂર પછી લાહોર માં અચાનક ત્રણ વિસ્ફોટ થયા છે. પાકિસ્તાની મિડિયાનો દાવો છે કે લાહોરમાં ડ્રોનથી હુમલો થયો છે. ત્યાર બાદ સાયરન વગાડવામાં આવી હતી. આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.પાકિસ્તાની અધિકારીઓ વિસ્ફોટના સ્થળ અને કારણની તપાસ કરી રહ્યા છે. લાહોરના ગોપાલનગર અને નસીરાબાદ વિસ્તારોમાં, વોલ્ટન એરપોર્ટ નજીક વોલ્ટન રોડ પર ઘણા વિસ્ફોટ સંભળાયા હતા. લોકો ભયભીત થઈ ઘરોમાંથી બહાર નીકળી પડ્યા.

ડ્રોન હુમલો ક્યાં થયો?
વોલ્ટન એરપોર્ટ પાસે ડ્રોનથી હુમલો થયો છે. આ બોમ્બ વિસ્ફોટ બાદ લાહોર એરપોર્ટને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. આ ડ્રોન હુમલો પાકિસ્તાની આર્મી યુનિટની નજીક થયાની શક્યતા છે. કરાચી એરપોર્ટ પર પણ ફ્લાઇટ ઓપરેશન અસ્થાયીરૂપે બંધ કરવામાં આવ્યું છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

લાહોરમાં આ વિસ્ફોટ એવા સમયે થયા છે જ્યારે એક દિવસ પહેલાં ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો હતો. હાલમાં એવું સ્પષ્ટ નથી થયું કે લાહોરના આ વિસ્ફોટ કોણે કર્યા. ભારતે સાત મેની મધ્યરાત્રિએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાં નષ્ટ કર્યા હતા. આ હુમલામાં પાકિસ્તાનના 70 કરતાં વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.