વિશ્વભરના નેતાઓએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી

નવું વર્ષ 2023 શરૂ થતાંની સાથે જ દેશ અને દુનિયાભરના લોકો ઉજવણીમાં ડૂબી ગયા. ક્યાંક નવા વર્ષનું સ્વાગત ફટાકડા ફોડીને કરવામાં આવ્યું તો ક્યાંક લોકોએ નાચ-ગાન કરીને વર્ષ 2023ની શરૂઆત કરી. તમામ દેશના રાજનેતાઓએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને તેમના સારા જીવનની કામના કરી હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક અને અન્ય ઘણા દિગ્ગજ નેતાઓએ તેમના દેશવાસીઓને અભિનંદન સંદેશો આપ્યા હતા.

પીએમ મોદીએ નવા વર્ષની શુભકામના પાઠવી

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, તમારું 2023 શાનદાર રહે. તે આશા, ખુશી અને ઘણી બધી સફળતાઓથી ભરપૂર રહે. દરેકને અદ્ભુત સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ મળે.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું…

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ટ્વિટ કરીને અમેરિકનોને કહ્યું, મિત્રો નવા વર્ષની શુભેચ્છા. મને લાગે છે કે આ એક શાનદાર વર્ષ બની રહેશે. શા માટે? કારણ કે અમારે ગયા વર્ષે પસાર થયેલી ઘણી બધી બાબતોને અમલમાં મૂકવાની શરૂઆત કરવી પડશે.

ઋષિ સુનકે કહ્યું…

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે એક વીડિયો શેર કર્યો અને લખ્યું, મને આ દેશ પર ખૂબ ગર્વ છે. સાલ મુબારક. શેર કરેલા આ વીડિયોમાં ઋષિએ કહ્યું કે હું એવું નાટક નહીં કરું કે નવા વર્ષમાં અમારી સમસ્યાઓ દૂર થઈ જશે. જો કે, વર્ષ 2023 બ્રિટનને વિશ્વ મંચ પર સારું પ્રદર્શન કરવાની તક આપશે.

વ્લાદિમીર પુતિને કહ્યું…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશવાસીઓને સંબોધતા કહ્યું કે, આ વર્ષ (2022) ખરેખર મહત્વપૂર્ણ, ભાગ્યશાળી ઘટનાઓનું હતું. અમે હંમેશાં જાણીએ છીએ કે રશિયાનું સાર્વભૌમ, મુક્ત અને સુરક્ષિત ભાવિ ફક્ત આપણા પર, આપણી શક્તિ અને નિશ્ચય પર આધારિત છે, અને આજે આપણે ફરી એકવાર આની ખાતરી આપીએ છીએ.