નિનુ મઝુમદાર અને વિનાયક વોરાની સ્મૃતિવંદના રૂપે કાર્યક્રમનું આયોજન

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, ભવન્સ કલ્ચરલ સેન્ટર,અંધેરીના સહયોગમાં બે ધુરંધર સ્વરકારના યોગદાનને યાદ કરી રહી છે. આ બંને સ્વરકાર છે નિનુ મઝુમદાર અને પંડિત વિનાયક વોરા! નિનુભાઈએ ગુજરાતી ગીતો લખ્યા, સ્વરબદ્ધ કર્યાં, ગાયા પણ ખરા અને સાથે સાથે 20 હિન્દી ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું છે. તેઓ 1931 માં મુંબઈ આવ્યા અને રવીન્દ્ર સંગીતનો અભ્યાસ કર્યો. થોડો વખત તેઓ ઉત્તર પ્રદેશમાં હતા. ત્યાં ફોક મ્યુઝિકના વિવિધ સ્વરૂપો જેવા કે ચૈતી હોરી, દાદરા વગેરેમાં પણ એમને રસ પડ્યો. 1954 માં તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા અને ગુજરાતી સુગમ સંગીતના નવા ગાયકોને પ્લેટફોર્મ આપ્યું. 1942 થી 1967 વચ્ચે 20 હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું સાથે સાથે 32 જેટલાં ગીતો પણ ગાયા. આ સિવાય ત્રણ ગુજરાતી ફિલ્મોમાં પણ એમણે સંગીત આપ્યું હતું.

1939 માં જન્મેલા સ્વરકાર વિનાયક વોરાને સંગીત વારસામાં મળ્યું. એમના પિતા આચાર્ય નાનાલાલ વોરા સંસ્કૃતના વિદ્વાન હોવા ઉપરાંત સંગીતજ્ઞ હતા. રાજકોટથી ગ્રેજ્યુએટ થયા બાદ તેઓ મુંબઈ આવીને પંડિત યશવંતરાય પુરોહિત પાસે શાસ્ત્રીય ગાન શીખ્યા. વીણા જેવું એક વાદ્ય તેમણે બનાવ્યું હતું જેને તાર શહેનાઇ તરીકે એમણે ઓળખાવ્યું હતું. દેશ વિદેશમાં સંગીતના ઘણા કાર્યક્રમ એમણે કર્યા.

આ બંને દિગ્ગજને એમના સ્વરાંકનો દ્વારા અંજલિ આપવાનો કાર્યક્રમ 11 ફેબ્રુઆરી રવિવાર સાંજે 6.30 વાગે એસ પી જૈન ઑડિટોરિયમ, ભવન્સ કેમ્પસ, અંધેરી પશ્ચિમના સરનામે યોજાયો છે. જાણીતા સ્વરકાર, ગાયક, મ્યુઝિક કમ્પોઝર ઉદય મઝુમદાર એમના પિતાશ્રી નિનુ મઝુમદાર વિશે તથા જાણીતા મ્યુઝિક કમ્પોઝર ઉત્તંક વોરા એમના પિતાશ્રી વિનાયક વોરા વિશે કવિ સંજય પંડ્યા સાથે ગોષ્ઠી કરશે. આ બંને સ્વરકારનાં સ્વરાંકન ઉદય મઝુમદાર, ઝરણા વ્યાસ તથા મનીષા ડૉક્ટર રજૂ કરશે. આ કાર્યક્રમ માટે સંકલન સહાય કરી છે વિજય વ્યાસે.