સુપરસ્ટાર સલમાન ખાનને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મંગળવારે મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલમાં એક મેસેજ આવ્યો. જેમાં એક વ્યક્તિએ સલમાન ખાનને ધમકી આપી હતી. પોલીસે આજે આરોપીની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે તેને બાંદ્રા વિસ્તારમાંથી પકડી લીધો છે. સલમાન ખાનને ધમકી આપીને તેણે 2 કરોડ રૂપિયા માંગ્યા હતા. પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ આઝમ મોહમ્મદ મુસ્તફા તરીકે થઈ છે. તે બાંદ્રા (પૂર્વ)નો રહેવાસી છે. અભિનેતા સલમાન ખાન મુંબઈના બાંદ્રા (વેસ્ટ)ના પોશ વિસ્તારમાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. એપ્રિલમાં બે મોટરસાઇકલ સવારોએ તેના ઘર પર ગોળીબાર કર્યો હતો. આ મહિને મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન ડેસ્ક પર ધમકીભર્યો મેસેજ આવ્યો હતો.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ ઘણી વખત ધમકી આપી ચૂકી છે
આ ધમકીભર્યા મેસેજમાં સલમાન પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ઝારખંડમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી વખત ધમકીઓ પણ મળી છે. અભિનેતાના જીવને જોખમને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.