અમદાવાદ: યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે, જેનો હેતુ ધ્યાન અને તેના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. બ્રહ્માકુમારી સંસ્થા સમગ્ર વિશ્વમાં ધ્યાનનો પ્રચાર કરવામાં અગ્રેસર છે. રાજયોગ ધ્યાન દ્વારા બ્રહ્માકુમારી બહેનો લાખો લોકોને આંતરિક શાંતિ, આત્મ-જાગૃતિ અને આધ્યાત્મિક પ્રગતિ તરફ માર્ગદર્શન આપે છે.
પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે બ્રહ્મા કુમારીઝ મહાદેવ નગર અમદાવાદ દ્વારા “મેડીટેશનની વિધિ અને સિદ્ધિ” આ વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા. બીકે નીલઝરીબેને સૂત્ર સંચાલન કર્યું હતું
રાજયોગિની બ્રહ્મા કુમારી વિનયનાબેને દરેકને રાજયોગ વિશે જણાવ્યું અને સમજાવ્યું કે આત્મા એ ચૈતન્ય છે જે આપણા શરીરને ચલાવે છે. સાથે સાથે તેમણે મન અને બુદ્ધિના સુમેળપૂર્ણ કાર્ય દ્વારા હકારાત્મક ક્રિયાઓને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય તેની વિસ્તૃત માહિતી આપી. તેમણે એ પણ સમજાવ્યું કે આંતરિક શાંતિ એ આત્માની કુદરતી ગુણવત્તા છે અને ધ્યાનની નિયમિત પ્રેક્ટિસ દ્વારા આ શાંતિ વૈશ્વિક સંવાદિતા તરફ એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે. આંતરિક શાંતિ અને વૈશ્વિક સંવાદિતા આ વર્ષના ધ્યાન દિવસની મુખ્ય થીમ છે.