ભારત પર 25 ટકા ટેરિફ હવે એક સપ્તાહ માટે ટાળવામાં આવ્યો

નવી દિલ્હીઃ ભારત પર પહેલી ઓગસ્ટથી લાગુ થનાર 25 ટકા ટેરિફ હવે 7 ઓગસ્ટથી લાગુ પડશે, એટલે કે, એ દરમિયાન ભારતને હાલ માટે રાહત મળી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે, જેના હેઠળ અમેરિકા 69 દેશો અને યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશો પર આયાત ટેરિફ લગાવશે. આ ઓર્ડર ગુરુવારે મોડી રાત્રે સહી થયો હતો અને સાત ઓગસ્ટ, 2025થી લાગુ પડશે. જે દેશોનું નામ આ યાદીમાં નથી, તે દેશો પર 10 ટકા ડિફોલ્ટ ટેરિફ દર લાગુ થશે.

ટ્રમ્પની આ પહેલ પારસ્પરિક વેપારી સંબંધોને મજબૂત બનાવવાની તેમની વ્યૂહરચનાનો ભાગ છે. અનેક દેશોના ટેરિફ દરોમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે, જ્યારે કેટલાક દેશોએ છેલ્લી ઘડીના કરારને કારણે ભારે ટેરિફથી બચાવ કર્યો છે.

વ્હાઇટ હાઉસે શુક્રવાર સુધી ડેડલાઇન નક્કી કરી હતી, જેને કારણે ઘણા દેશો પર અંતિમ ક્ષણે કરાર કરવા અથવા આકરા ટેરિફનો સામનો કરવાનું દબાણ છે. વરિષ્ઠ વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર સાત ઓગસ્ટ સુધી ટેરિફ લાગુ ન કરવાનો નિર્ણય નવા ટેરિફ શેડ્યૂલને વધુ સારી રીતે સુસંગત બનાવવા માટે લેવામાં આવ્યો છે.

સૌથી વધુ ટેરિફ દર ધરાવતા દેશોમાં સિરિયા (41 ટકા), સ્વિટ્ઝરલેન્ડ (39 ટકા), લાઓસ અને મ્યાનમાર (40 ટકા), ઈરાક અને સર્બિયા (35 ટકા), અને લિબિયા તથા અલ્જિરિયા (30 ટકા) સામેલ છે. જ્યારે તાઇવાન, ભારત અને વિયેતનામ જેવા દેશો પર 20થી 25 ટકા વચ્ચેના ટેરિફ દરો લાગુ થશે.

આ નવો ઓર્ડર વૈશ્વિક વેપાર પર ઊંડો અસર કરી શકે છે, કારણ કે અમેરિકા તેના વેપાર ભાગીદારો સાથે વધુ સમાન અને લાભદાયક કરારની માગ કરી રહ્યું છે. અગાઉ પણ અમેરિકા વિવિધ દેશો સાથેના વેપાર વિવાદોને કારણે ટેરિફ વધારી ચૂક્યું છે, અને આ પગલું તે નીતિઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં માનવામાં આવી રહ્યું છે.