પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળે છે રાજકીય સન્માનઃ વિદેશ સચિવ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરના બીજા દિવસે પાકિસ્તાને ભારતનાં શહેરોને નિશાન બનાવવા પ્રયાસ કર્યો હતો, પણ ભારતીય સેનાએ આ તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા, એમ મંત્રાલયે જણાવ્યું હતું. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશી અને વિક્રમ મેસરીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે પાકિસ્તાન ફરીથી અસત્ય પ્રસારિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં પહેલગામ હુમલા અંગે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાને TRF (દ રેઝિસ્ટન્સ ફ્રન્ટ)ની ભૂમિકા અંગે વાંધો નોંધાવ્યો હતો, જ્યારે TRFએ ખુદ એ હુમલાની જવાબદારી બે વખત લીધી છે. TRFએ હુમલાની જવાબદારી લીધી હોવા છતાં પાકિસ્તાને UNSCમાં તેનો ઉલ્લેખ કરવામાં વિરોધ કર્યો હતો. ભારતે ક્યારેય લશ્કરી ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં નથી, આપણું લક્ષ્ય માત્ર આતંકવાદી માળખા સામે છે.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના પ્રવક્તાઓ કહે છે કે ભારતીય હુમલાઓમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં, જે ખોટું છે. બીજી તરફ પાકિસ્તાને કાશ્મીરના પૂંછ જિલ્લામાં આવેલા ગુરદ્વારાને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાની હુમલાઓમાં અત્યાર સુધીમાં 16 નાગરિકોના મોત થયાં છે.

તેમણે કહ્યું હતું કે બધાને ખબર છે કે ઓસામા બિન લાદેન ક્યાંથી મળ્યો હતો. આતંકવાદી સંગઠનોને પાકિસ્તાનની સરકાર તરફથી ટેકો મળે છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સંયુક્ત તપાસની વાત કરે છે, પરંતુ તેનો ઇતિહાસ કહે છે કે તે માત્ર તપાસ અટકાવવાનો રસ્તો હોય છે. મુંબઈ હુમલો, પઠાણકોટ હુમલાના મામલામાં ભારતે તમામ ફોરેન્સિક પુરાવા અને આરોપીઓનાં નામ આપ્યાં હતાં, છતાં પાકિસ્તાને કોઇ કાર્યવાહી કરી નહીં. પાકિસ્તાને સતત તપાસમાં વિલંબ કરવો અને આતંકીઓને બચાવવાનો પ્રયાસ કરવો એ તેની નીતિ રહી છે.